IPL મીડિયા રાઇટ્સ રેકૉર્ડ ભાવે વેચાયા, 6.02 અબજ ડૉલરમાં થયો સૌથી મોઘો સોદો- પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત

દુનિયામાં ક્રિકેટની સૌથી સમૃદ્ધ ગણાતી પ્રતિસ્પર્ધા ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્ટ્રીમિંગ તથા ટીવી પર પ્રસારણના આગલાં પાંચ વર્ષના અધિકારો રેકૉર્ડ 6.02 બિલિયન ડૉલરમાં વેચાયા છે.

અંબાણી ગ્રૂપના વાયકૉમ18ને 2027 સુધી 3.05 અબજ ડૉલરમાં આગલાં પાંચ વર્ષ માટે આઈપીએલના સ્ટ્રીમિંગના અધિકાર મળ્યા છે.

આઈપીએલનું પોસ્ટર

ઇમેજ સ્રોત, AFP

ડિઝનીની માલિકીના સ્ટાર ઇન્ડિયાને 3.04 અબજ ડૉલરમાં ટીવી પ્રસારણના અધિકાર મળ્યા છે.

આ બે સોદા સંયુક્ત રીતે આઈપીએલની પાછલી પાંચ સિઝન માટે સ્ટારે ચૂકવેલા 2.4 બિલિયન ડૉલરના બમણા કરતાં પણ વધુ છે.

આ સોદા સાથે આઈપીએલે પ્રીમિયર લીગમાં યુ.એસ.ની એનએફએલ અને ઇંગ્લિશ પ્રીમિયર લીગની સાથે મેચ દીઠ ખર્ચની દ્રષ્ટિએ ટોચનું સ્થાન મેળવી લીધું છે.

ટેલિવિઝન પ્રસારણના અધિકારમાં આ સમયગાળામાં આઈપીએલની 410 મૅચો સામેલ છે. આમ આઈપીએલની એક મૅચ લગભગ 76 લાખ ડૉલરમાં વેચાઈ હતી.

વર્ષમાં બે મહિના ચાલતી આઈપીએલ સ્પર્ધા માટે 2023થી ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકાર પ્રતિ મૅચ 64 લાખ ડૉલરમાં વેચાયા હતા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, આઈપીએલમાંથી મળતી આવક દેશમાં જમીની સ્તરે ક્રિકેટને મદદ માટે માળખાગત સુધારણા અને સુવિધાઓને ભંડોળ પૂરું પાડવા માટે ફાળવવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું, "હવે, આપણા રાજ્યના એસોસિએશનો, આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓએ આઈપીએલ સાથે મળીને ક્રિકેટપ્રેમીઓ અને ચાહકોનો અનુભવ કેવી રીતે શાનદાર બને તે જોવાનું છે."

વિશ્વમાં સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ ઈવેન્ટ પૈકીની એક એવી આઈપીએલ ધુરંધર ક્રિકેટરોને આકર્ષે છે અને તેઓ મલાઈદાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાલાયિત રહે છે.

'આગામી 11 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 10 ટ્રિલિયન ડૉલરની હશે' - ભારતના મુખ્ય આર્થિક સલાહકાર

દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન

દેશના મુખ્ય આર્થિક સલાહકારે દેશની અર્થવ્યવસ્થાને લઈને મોટી વાત કહી છે. વી અનંત નાગેશ્વરને મંગળવારે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા 2026-27 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલર અને 2033-34 સુધીમાં 10 ટ્રિલિયન ડૉલરની થઈ જશે.

યુએનડીપી ઇન્ડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા નાગેશ્વરને કહ્યું કે ભારતની સ્થિતિ અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ કરતા સારી છે.

તેમણે કહ્યું કે હવે આપણે 3.3 ટ્રિલિયન ડૉલર પર છીએ. અહીં પહોંચવું એટલું મુશ્કેલ નથી.

વર્ષ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડૉલર અને ગ્લૉબલ પાવર હાઉસ બનાવવાની વાત કરી હતી.

વિશ્વ બૅન્કે વધતી મોંઘવારી, સપ્લાય ચૅઇનમાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને ભારતના આર્થિક વિકાસનું અનુમાન ઘટાડીને 7.5 ટકા કર્યું છે.

ગયા વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 8.7 ટકા હતી.

2022-23 માટેની તેની ત્રીજી નાણાકીય નીતિમાં, રિઝર્વ બેંકે આ વર્ષ માટે તેનું જીડીપી અનુમાન 7.2 ટકા પર જાળવી રાખ્યું છે પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની નકારાત્મક અસર અને ભૌગોલિક રાજકીય તણાવ સામે સાવધ રહેવા કહ્યુ છે.

PM મોદીની જાહેરાત - દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ

મોદી

ઇમેજ સ્રોત, @PIB_INDIA

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 લાખ નોકરીઓની જાહેરાત કરી છે. વડા પ્રધાનના કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને જણાવાયું છે. "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સમીક્ષા કરી અને આગામી દોઢ વર્ષમાં મિશન અંતર્ગત 10 લાખ લોકોની નિમણૂક કરવાના આદેશ આપ્યા છે."

પીએમ મોદીની આ જાહેરાત પર પાર્ટીના સાંસદ વરુણ ગાંધીએ આભાર વ્યક્ત કરતાં લખ્યું, "બેરોજગાર યુવાોની પીડા સમજવા માટે આભાર વડા પ્રધાનજી. નવા રોજગારનું સર્જન કરવા ઉપરાંત આપણે એક કરોડથી વધારે 'સ્વીકૃત પણ ખાલી' પદો ભરવા માટે સાર્થક પ્રયાસ કરવા પડશે. દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે તેજ ગતિથી પગલાં ભરવાં પડશે."

નોંધનીય છે કે 'સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિનય ઇકૉનૉમી'ના આંકડા અનુસાર એપ્રિલમાં બેરોજગારીના દરમાં વધારો નોંધાયો હતો. માર્ચમાં બેરોજગારીનો દર 7.60 ટકા હતો જે એપ્રિલમાં વધીને 7.83 ટકા થઈ ગયો.

દેશના શહેરી વિસ્તારોમાં આ દર વધીને 9.22 ટકા થઈ ગયો હતો, જે માર્ચમાં 8.28 ટકા હતો.

જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનો દર એપ્રિલમાં ઘટ્યો હતો. માર્ચમાં આ દર 7.29 ટકા હતો, જે એપ્રિલમાં ઘટીને 7.18 ટકા થઈ ગયો હતો.

line

ગુજરાતમાં વરસાદને લગતી ત્રણ દુર્ઘટનામાં છ લોકોના મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રવિવારથી રાજ્યના વિવિધ જિલ્લામાં શરૂ થયેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી ત્રણ દુર્ઘટનામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રવિવારે સાંજથી સોમવારે મોડી રાત સુધીમાં આ દુર્ઘટનાઓ સર્જાઈ હતી.

પ્રથમ બનાવમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રવિવારે સાંજે પડેલા વરસાદ વચ્ચે એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં દટાઈ જવાથી મૃત્યુ નીપજ્યાં હતાં.

બીજા બનાવમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં વીજળી પડતાં મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ત્રીજા બનાવમાં સોમવારે બપોરના સમયે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં રહેતા બે ભાઈઓ ગાય ચરાવી રહ્યા હતા. તેમના પર પણ વીજળી પડવાથી તેમનું મૃત્યુ થયુ હતું.

line

ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલની ફાંસીની સજા સામે અપીલ

ફેનીલ ગોયાણી

ઇમેજ સ્રોત, INSTAGRAM/_FENIL_01

ઇમેજ કૅપ્શન, ફેનીલ ગોયાણી

રાજ્યભરમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલને સુરતની કોર્ટે ફાંસીની સજા આપ્યા બાદ ફેનીલના વકીલે આ સજા સામે અપીલ કરી છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, સુરતની કોર્ટ દ્વારા ફેનીલને ગ્રીષ્માની હત્યા કરવા બદલ ફાંસીની સજા આપી હતી અને સુનાવણી દરમિયાન કોર્ટે તેની તુલના 26/11 હુમલાના આરોપી અજમલ કસાબ સાથે કરી હતી.

થોડાં અઠવાડિયાં પહેલાં ગુજરાત હાઇકોર્ટે ફાંસીની સજાની પુષ્ટિ કરતાં નોટિસ જાહેર કરી હતી.

ત્યાર બાદ ફેનીલના વકીલે આ ફાંસીની સજાથી મુક્તિ માટે અને કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી છે.

line

સાડા પાંચ હજાર કાશ્મીરી પંડિતો નોકરી માટે પાછા ફરવા તૈયાર નથી

રાહુલ ભટની હત્યા બાદથી કાશ્મીરી પંડિતો કરી રહ્યા છે પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ભટની હત્યા બાદથી કાશ્મીરી પંડિતો કરી રહ્યા છે પ્રદર્શન

કાશ્મીરના બડગામમાં કાશ્મીરી પંડિતની હત્યાના એક મહિના બાદ પણ પાંચ હજારથી વધુ કાશ્મીરી પંડિતો ફરજ પર પરત ફરવા તૈયાર નથી. આ પંડિતોની 2008 બાદથી વડા પ્રધાનના વિશેષ રોજગાર પૅકેજ અંતર્ગત ભરતી કરવામાં આવી હતી.

જોકે, ઉચ્ચ અધિકારીઓને આશા છે કે આ કર્મચારીઓ આગામી બે સપ્તાહમાં કામ પર પાછા ફરશે.

અંગ્રેજી અખબાર ધ હિંદુ અનુસાર, મોટા ભાગના પંડિત કર્મચારીઓનું માનવું છે કે જિલ્લા મુખ્યાલય અને સુરક્ષિત વિસ્તારોમાં પોસ્ટિંગ સહિત હાલમાં સરકારે જે પણ પગલાં ભર્યા છે, તે તેમની સુરક્ષા માટે પૂરતાં નથી.

કાશ્મીરમાં ઘણા મહિનાથી હિંદુઓને ટાર્ગેટ બનાવીને હત્યા કરવામાં આવી રહી છે. જેના કારણે કાશ્મીરી હિંદુઓમાં ભયનો માહોલ છે.

મે મહિનામાં જ ચરમપંથીઓએ જમ્મુમાં એક કાશ્મીરી પંડિત અને બે હિંદુ, રાજસ્થાનના એક હિંદુ અને ત્રણ સ્થાનિક મુસ્લિમ પોલીસકર્મીઓની હત્યા કરી હતી.

અહેવાલમાં સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે જિલ્લા અધિકારીઓને પંડિત કર્મચારીઓને નોકરી પર પાછા આવવાની સૂચના આપવા જણાવ્યું છે અને તે માટે એક સમયસીમા નક્કી કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન