'મેં વિકાસનું કામ ના કર્યું હોય એવું એક અઠવાડિયું કોઈ શોધીને આપે', PM મોદી ગુજરાતમાં શું બોલ્યા?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની મુલાકાત ગુજરાત પહોંચ્યા જ્યાં તેમણે નવસારીમાં એક આદિવાસી સભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં ડાંગ, તાપી અને વલસાડ નજીકના જિલ્લાઓમાંથી આદિવાસીઓએ હાજરી આપી હતી.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.

વડા પ્રધાન મોદીએ આદિવાસીઓને સંબોધતા શું કહ્યું?

લાઇન
  • એ વાતનું વિશેષ ગૌરવ છે કે મેં આટલાં વર્ષો મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું પણ ક્યારેય આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ નસીબમાં નહોતો.
  • ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલની જોડી જે ઉત્સાહ અને ઉમંગના કારણે મારી સામે પાંચ લાખથી વધારે લોકો એકઠા થયા છે.
  • જે હું મુખ્ય મંત્રી તરીકેના મારા કાર્યકાળમાં ન કરી શક્યો એ મારા સાથીઓ કરી શક્યા.
  • અગાઉની સરકારો ચલાવતા લોકોએ વિકાસને લઈને કંઈ વિચાર્યું જ નહોતું. ગરીબોને સશક્ત કરવા અમારી સરકારે કામ શરૂ કર્યું છે.
  • ગુજરાતમાં ભૂતકાળમાં એક એવા મુખ્ય મંત્રી હતા આદિવાસી વિસ્તારના જેમના પોતાના ગામમાં પાણીની ટાંકી નહોતી, હૅન્ડપમ્પ પણ સૂકાઈ જતા. હું મુખ્ય મંત્રી બનીને આવ્યો અને તેમના ગામમાં જ ટાંકી બનાવી આપી.
  • એક મુખ્ય મંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીનું ઉદ્ધાટન કર્યું અને પહેલા પાને મોટા સમાચારો છપાયા હતા.
  • કામ કરો એટલે લોકો કહે છે કે ચૂંટણી આવી એટલે કામ કરવા આવ્યા છે.
  • એક અઠવાડિયું કોઈ શોધીને આપે કે મેં વિકાસનું કામ ન કર્યું હોય.
  • 2018માં જ્યારે આ વિસ્તારમાં યોજના લઈને આવ્યો ત્યારે લોકો કહેતા કે 2019ની ચૂંટણીને લઈને જાહેરાત કરે છે પણ ગૌરવ થાય છે કે આ કામ આજે પુરુ થયું.
  • હમણાં અમારા સાથીઓએ નેવાનાં પાણી મોભે ચઢાવવાની વાત કરી પણ અહીં તો નેવા અને મોભા વચ્ચે 200 માળની ઇમારત જેટલું અંતર હતું, જે અમે પૂર્ણ કર્યું.
  • અમે લોકો માટે કામ કરીએ છીએ અને લોકો અમને ચૂંટણી જિતાડે છે. અમે જેનું શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.

વડા પ્રધાન મોદીએ આ સભા બાદ એક મલ્ટી-સ્પેશિયાલિટી હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું . શુક્રવારે જ વડા પ્રધાન અમદાવાદમાં ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથૉરાઇઝેશન સેન્ટર (IN-SPACe)ના મુખ્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.

વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવારી કરતી વખતે મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવારી કરતી વખતે મોદી

અહીં વડાપ્રધાન 3,000 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું જેમાં મહત્ત્વના પ્રોજેક્ટમાં ઍસ્ટોલ વૉટર સપ્લાય સ્કીમ અને નવસારી સિવિલ હૉસ્પિટલના શિલાન્યાસનો સમાવેશ થાય છે.

પીએમ એલએન્ડટી ગ્રુપના ચેરમેનના નામ પરથી નવસર્જિત એ.એમ નાઈક હેલ્થકેર કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીએમ એલએન્ડટી ગ્રુપના ચૅરમૅનના નામ પરથી નવસર્જિત એ.એમ નાઈક હૅલ્થકેર કૅમ્પસનું ઉદ્ઘાટન કરશે

નવસારી ખાતે ઍલઍન્ડટી ગ્રૂપના ચૅરમૅનના નામ પરથી નવસર્જિત એ.એમ નાઈક હૅલ્થકેર કૅમ્પસ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ ઉદ્ઘાટન સમારોહમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષમાં અમે દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં સંપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. અમે સારવારની સુવિધાઓ અને સારા પોષણ, સ્વચ્છ જીવનશૈલી અને નિરોધક સ્વાસ્થ્ય સારવારને આધુનિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

બપોરે 3.45 વાગ્યે વડા પ્રધાન અમદાવાદ જશે જ્યાં તેઓ બોપલ ખાતે IN-SPACeના નવા હૅડક્વાર્ટરનું ઉદ્ઘાટન કરશે.

IN- SPACe એ ખાનગી ક્ષેત્રની અવકાશ આધારિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, પરવાનગી આપવા અને દેખરેખ રાખવા માટે સ્થાપિત એક સ્વાયત્ત સરકારી એજન્સી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

નરેન્દ્ર મોદીનો મેગા શો અને મહત્ત્વપૂર્ણ આદિવાસી બેઠકોનો સવાલ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામમાં 'સમરસતા સંમેલન' યોજ્યું અને તેમાં ડાંગ, તાપી, વલસાડમાંથી મોટા પાયે આદિવાસીઓ હાજર રહ્યા. આ સંમેલનને અગાઉ રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારમાં કરેલી વિશાળ સભાથી પણ મોટું કરવા માટે તનતોડ પ્રયાસ કરાયો છે અને તાજેતરમાં પાર-તાપી લિંક પરિયોજનાનો જે રીતે વિરોધ થયો તેની પણ અસર દેખાઈ.

નરેન્દ્ર મોદીની આ વિશાળ સભાને ગુજરાતની ચૂંટણીના સંદર્ભમાં સમજવી જોઈએ.

નરેન્દ્ર મોદીની સભા વલસાડની ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ બેઠકોને સ્પર્શે છે. એ જ રીતે નવસારી જિલ્લાની જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદાને સ્પર્શે છે તો તાપી જિલ્લાની વ્યાર, નિઝર તથા ડાંગ જિલ્લાની એક બેઠકને સ્પર્શે છે. આમ, નરેન્દ્ર મોદીનો વિશાળ શોનો હેતુ આદિવાસી બેઠકોને ટાર્ગેટ કરવાનો છે.

ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ યાને આદિવાસીઓની વસતિ આશરે 15.5 ટકા જેટલી છે અને વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

દલિત સમુદાય ભૌગોલિક રીતે વહેંચાયેલો છે અને તેની સરખામણીમાં આદિવાસી સમુદાય વધારે સંગઠિત અને આખી બેઠકનું પરિણામ બદલી શકે તે સ્થિતિમાં રહે છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 27 એસ.ટી. અનામત બેઠકો પૈકી 15 બેઠકો જીતી લીધી હતી અને બે બેઠકો ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ફાળે ગઈ હતી.

તાજેતરમાં આદિવાસીઓનાં વિરોધને પગલે પાર-તાપી લિંક પરિયોજના રદ કરવાની જાહેરાત થઈ એ પછી પણ આદિવાસી વિસ્તારોમાં સતત વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતના ચિકારમાં આદિવાસીઓ જેને કારણે વિસ્થાપનનો ભોગ બન્યા છે તે તમામ ડૅમના આગેવાનોની એક બેઠક મળી હતી.

કૉંગ્રેસે વિપક્ષના નેતા તરીકે વરિષ્ઠ આદિવાસી નેતા સુખરામ રાઠવાને ઉતાર્યા એ પછી આદિવાસી વિસ્તારોમાં તેની ચહલપહલ સતત વધી છે.

આદિવાસીઓ કથિત વ્યાપક અન્યાયને પગલે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી અલગ ભીલીસ્તાન રાજ્યની માગણી પણ કરી રહ્યા છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં 40 અનામત બેઠકો નિર્ણાયક બનવાની છે અને નરેન્દ્ર મોદી તથા ભાજપ બેઉ એ સારી રીતે સમજે છે. આવનારા દિવસોમાં હજી ત્યાં વધારે હાજરી રાજકીય પક્ષોની રહેશે.

18 જૂને વડાપ્રધાનની વડોદરા મુલાકાત

વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવારી કરતી વખતે મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવારી કરતી વખતે મોદી

વડા પ્રધાન છ વર્ષ બાદ વડોદરા શહેરની પણ મુલાકાત લઈ રહ્યા છે.

વડોદરામાં તેઓ ઍરપૉર્ટથી આજવા રોડ પર લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ શોમાં ભાગ લે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન મોદી 2014માં વડોદરા લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદમાં તેમણે વારાણસીની બેઠક રાખીને વડોદરાની બેઠક છોડી દીધી હતી.

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફૂટપાથનું રંગરોગાન, રસ્તાઓનું સમારકામ અને વૃક્ષોની કાપણી કરીને શહેરને "સુંદર" બનાવવાનું કામ હાથમાં ધરવામાં આવ્યું છે.

વડોદરા મહાનગરપાલિકના કમિશનર શાલીની અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, "ઍરપૉર્ટથી લગભગ સાડા પાંચ કિલોમિટરના રોડ શોમાં ચાર લાખ લોકોની ભીડનો અંદાજ છે. રોડ શો બાદ વડાપ્રધાન સભાને સંબોધશે."

ભારતીય જનતા પાર્ટીએ 'મોટા કાર્યક્રમ'ની તૈયારી માટે મંગળવારે સાંજે લગભગ 300 નેતાઓની બેઠક યોજી હતી.

પાર્ટી રોડ શોના રૂટ પર વિવિધ પૉઇન્ટ પર સાંસ્કૃતિક ઝાંખીઓ ગોઠવવાનું પણ આયોજન કરી રહી છે.

વડોદરા ભાજપના મહાસચિવ અને પૂર્વ મેયર સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે આ મુલાકાતનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણી પહેલા મધ્ય ગુજરાત ઝોનને આવરી લેવાનો છે. સુનિલ સોલંકીએ કહ્યું કે, "મોદીજી વડોદરા આવતા પહેલાં પાવાગઢ મંદિરે દર્શને જશે."

પીએમ મોદી અગાઉ ઑક્ટોબર 2016માં વડોદરા ઍરપૉર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે નોટબંધીની જાહેરાત પહેલાં "કાળા નાણા પર તવાઈ"નો સંકેત પણ આપ્યો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન