સીબીઆઈએ જે વૃદ્ધાને મૃત જાહેર કરી હતી એ અચાનક જ જજ સામે હાજર થઈ ગઈ

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, સિવાનથી, બીબીસી હિંદી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

બિહારના સિવાન શહેરમાં આવેલા કસેરા ટોલીની ગલીઓમાં વાસણો અને સોના-ચાંદીની દુકાનો વચ્ચે એક નાનકડી ગલી છે. આ નાનકડી ગલીના નાકે એક ઘર છે, જેના વિશે વાત કરતાં લોકો ખચકાય છે.

જીવિત મહિલાને મૃત જાહેર કરી

ઇમેજ સ્રોત, SEETU TIWARI/BBC

ઇમેજ કૅપ્શન, બાદામી દેવી (ડાબે)

જૂના જમાનાનો લાકડાનો ભારે દરવાજો ધરાવતા આ મકાનમાં પ્રવેશતાં જ અંદર ગોળાકાર થાંભલા જોવા મળશે. કાળઝાળ ગરમીમાં આ ઘરની અંદર હવા ભાગ્યે જ પ્રવેશી શકે છે.

મકાનના પહેલા માળે જવાનો રસ્તો અંધારિયો છે. મોબાઇલની લાઇટના સહારે જ્યારે ઉપર પહોંચો તો એક સાંકડો રસ્તો આવે છે. આ રસ્તા બાદ એક રુમ છે. જેમાં આછીપાતળી રોશની આપતા બલ્બના પ્રકાશમાં કોઈનું મોઢું પણ દેખાય તેમ નથી.

જોકે, એકદમ સામાન્ય દેખાય એવા આ ઘરમાં કોઈના 'રૅફરન્સ' વગર જઈ શકાતું નથી. બે રુમ ધરાવતા આ ઘરમાં માત્ર એક વૃદ્ધા રહે છે. આ વૃદ્ધા ખુદને હ્રદયરોગથી પીડિત જણાવે છે અને દરવાજો, દીવાલ કે પછી કોઈ નક્કર વસ્તુ પકડીને જ ચાલી શકે છે.

line

કોણ છે આ બાદામીદેવી?

જીવિત મહિલાને મૃત જાહેર કરી

ઇમેજ સ્રોત, SEETU TIWARI/BBC

ઇમેજ કૅપ્શન, બાદામીદેવીનું ઘર

આ વૃદ્ધાનું નામ બાદામીદેવી છે. 84 વર્ષીય બાદામીદેવી આજકાલ ચર્ચામાં છે. તેનું કારણ છે કે સીબીઆઈએ તેમને કોર્ટમાં ગત 24 મેના રોજ મૃત ઘોષિત કર્યાં હતાં. ત્યાર બાદ બાદામીદેવી ખુદ 3 જૂને મુઝફ્ફરપુર સિવિલ કોર્ટ પહોંચ્યાં અને જજ સામે હાજર થઈને કહ્યું, "હજૂર, હું જીવું છું"

ખરેખર બાદામીદેવી બિહારના સિવાન જિલ્લાના પત્રકાર રાજદેવ રંજન હત્યાકાંડમાં સાક્ષી છે. સીબીઆઈની ચાર્જશીટ કેલેન્ડરમાં સાક્ષી નંબર 35 તરીકે નોંધાયેલાં બાદામીદેવીના પતિનું નામ સત્યદેવપ્રસાદ છે. કપડાંની દુકાન ચલાવનારા સત્યદેવપ્રસાદનું મૃત્યુ 1998માં કિડનીની બીમારીના લીધે થયું હતું. બાદામી અને સત્યદેવપ્રસાદને એક પણ સંતાન ન હતું.

બાદામીદેવીના નજીકના લોકો પ્રમાણે, "ખુદનાં સંતાન ન હોવાથી તેમણે સપનાદેવી નામની એક બાળકીનું પાલનપોષણ કરી તેમને પોતાનાં પુત્રી બનાવ્યાં. તેમનાં લગ્ન બાદમાં પડરૌના (કુશીનગર)ના રાજેશ સાહા સાથે થયાં. સપનાદેવી અને રાજેશની પુત્રી આરતી સાહાએ સિવાનમાં વિજય ગુપ્તા સાથે પ્રેમલગ્ન કર્યાં. વિજય ગુપ્તા રાજદેવ રંજન હત્યાકાંડમાં આરોપી છે. હવે બાદામીદેવીની પૌત્રી આરતી જ તેમની સારસંભાળ રાખી રહી છે."

હવે એ પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે આખરે બાદામી જેવાં વૃદ્ધાનો રાજદેવ રંજન હત્યાકાંડ સાથે શું સંબંધ છે અને આ કેસમાં તેઓ સાક્ષી શા માટે છે? આ પ્રશ્નનો જવાબ બાદામીદેવીના વિવાદિત મકાનમાં છે.

line

મકાનનો વિવાદ અને રાજદેવ રંજન

જીવિત મહિલાને મૃત જાહેર કરી

ઇમેજ સ્રોત, SEETU TIWARI/BBC

ઇમેજ કૅપ્શન, વીરેન્દ્ર પાંડે

અંદાજે 600 સ્ક્વૅરફૂટના મકાનનો વિવાદ બાદામીદેવી અને વીરેન્દ્ર પાંડે વચ્ચે છે. આ મકાન બજારમાં અને કૉર્નર પર છે. જેથી તેની કિંમત સારી એવી છે. વર્ષ 1998માં વીરેન્દ્ર પાંડે આ મકાનમાં ભાડે રહેવા આવ્યા હતા.

એલઆઈસી અને પોસ્ટ ઑફિસ સ્કીમ એજન્ટ વીરેન્દ્ર પાંડે આ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા.

તેમણે જણાવ્યું, "બાદામીદેવીએ મને પાવર ઑફ ઍટર્ની લખીને આપી હતી. ત્યાર બાદ મેં વર્ષ 2010માં આ મકાનની રજિસ્ટ્રી બાદામીદેવીને આઠ લાખ રૂપિયા ચૂકવીને પોતાની પત્ની બેબી પાંડેના નામે કરાવી હતી. અમારા અને બાદામીદેવી વચ્ચે પરસ્પર સંમતિ હતી કે જ્યાં સુધી તેઓ જીવિત છે, ત્યાં સુધી તેઓ આ ઘરમાં રહેશે. ત્યાર બાદ આ મકાન સંપૂર્ણપણે મારા કબજામાં હશે."

જોકે, બાદામીદેવીનું કહેવું છે, "મારી પાસેથી છેતરપિંડી કરીને મકાન પડાવી લેવામાં આવ્યું છે અને મને મકાન પાછું જોઈએ છે. વીરેન્દ્ર પાંડે સીબીઆઈ સાથે મળીને મારી હત્યા કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે."

મકાનના આ વિવાદમાં ન્યાયાધીશ સંતોષ કુમાર ઉપાધ્યાય (સિવાન)એ વર્ષ 2018માં વીરેન્દ્ર પાંડેના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ત્યાર બાદ બાદામીદેવી તરફથી અપીલ કરવામાં આવી છે. અર્થાત્ આ મામલો હાલ ન્યાયાલયમાં છે.

હવે પ્રશ્ન એ ઉદ્ભવતો હશે કે મકાનના મામલાનું પત્રકાર રાજદેવ રંજનની હત્યા સાથે શું લેવાદેવા? રાજદેવ રંજન હત્યાકાંડમાં બચાવપક્ષના વકીલ શરદ સિન્હા તેનો જવાબ આપે છે.

તેઓ કહે છે, "સીબીઆઈનો પક્ષ છે કે આ મકાનને વીરેન્દ્ર પાંડેના કબજામાંથી મુક્ત કરાવવા માટે અઝરુદ્દીન બેગ ઉર્ફે લડ્ડન મિયાંએ વિજયકુમાર ગુપ્તા સહિત પાંચ લોકો પાસે રાજદેવ રંજનની હત્યા કરાવડાવી હતી. જેથી આ કેસમાં બાદામીદેવીનું કોર્ટમાં નિવેદન મહત્ત્વપૂર્ણ છે."

અઝરુદ્દીન બેગ ઉર્ફે લડ્ડન મિયાંને રાષ્ટ્રીય જનતા દળના દિવંગત નેતા શહાબુદ્દીનના ભરોસેમંદ સહયોગી માનવામાં આવતા હતા અને વિજયકુમાર ગુપ્તા બાદામીદેવીની પૌત્રી આરતી સાહાના પતિ છે. જોકે, શું બાદામીદેવી અને વીરેન્દ્ર પાંડે બંને રાજદેવ રંજનથી પરિચિત હતાં કે કેમ, તેના પર બંનેનો જવાબ 'ના' છે.

આ કેસના સાક્ષી વીરેન્દ્ર પાંડે અને બાદામીદેવીનાં પૌત્રી આરતી સાહા બંનેએ બીબીસીને કહ્યું, "અમારા મકાનના કેસ અને રાજદેવ રંજન કેસને શું લેવાદેવા છે, તે અમને ખ્યાલ આવતો નથી."

line

રાજદેવ રંજન હત્યાકાંડ

જીવિત મહિલાને મૃત જાહેર કરી

ઇમેજ સ્રોત, SEETU TIWARI/BBC

ઇમેજ કૅપ્શન, વિવાદિત મકાન

બિહારના સિવાન જિલ્લાના પત્રકાર રાજદેવ રંજન હિંદી દૈનિક અખબાર હિંદુસ્તાન સાથે જોડાયેલા હતા. તેઓ ક્રાઇમ બીટ સાથે સંકળાયેલા સમાચાર લખતા હતા. રાજદેવ રંજનની 13 મે 2016ની સાંજે સિવાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ મામલે પહેલાં અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ શરૂ થયા બાદ ક્રમબદ્ધ સાત આરોપીઓને ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યા. જેમાં અઝરુદ્દીન બેગ, વિજયકુમાર ગુપ્તા, રોહિતકુમાર સોની, રાજેશકુમાર, રિશુકુમાર જયસ્વાલ, સોનુકુમાર ગુપ્તા સહિત એક કિશોરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ પૈકી માત્ર વિજયકુમાર ગુપ્તા અને સોનુકુમાર ગુપ્તા જ બાદામીદેવી સાથે સંબંધ ધરાવે છે.

17 મે 2016ના રોજ બિહાર સરકારે આ હત્યાકાંડની તપાસ માટે સીબીઆઈને રજૂઆત કરી હતી. ત્યાર બાદ 15 સપ્ટેમ્બર 2016ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સીબીઆઈએ આ મામલે ઓગસ્ટ 2018માં ચાર્જશીટ દાખલ કરી હતી. આ હત્યાકાંડમાં સૌથી પહેલાં એક સગીરને આરોપી તરીકે દાખલ કરાયો હતો. ત્યાર બાદ અન્ય આરોપીઓ જોડાતા ગયા હતા.

સીબીઆઈનો પક્ષ હતો કે રાજદેવ રંજન સતત મહમદ શહાબુદ્દીન વિરુદ્ધ સમાચાર છાપતા હતા અને 'સિવાન જેલમાંથી જાહેર હિટલિસ્ટ પર હત્યા' શીર્ષકથી લખાયેલ અહેવાલના કારણે તેમની હત્યા થઈ. આ મામલે 98 સાક્ષીઓનાં નિવેદન અને 158 દસ્તાવેજોની તપાસ કરવાની હતી. આ સિવાય જરૂરત પડવા પર કોઈ અન્ય વ્યક્તિને પણ નિવેદન આપવા બોલાવી શકાય છે. 98 પૈકી અત્યાર સુધી માત્ર 28 સાક્ષીઓનાં જ નિવેદન લેવાયાં છે.

line

બાદામીદેવી કે પછી મૃત સાક્ષી

જીવિત મહિલાને મૃત જાહેર કરી

ઇમેજ સ્રોત, SEETU TIWARI/BBC

ઇમેજ કૅપ્શન, બાદામીદેવી અને સકલદેવ સિંહ નામનાં એક બીજા સાક્ષીને આ મામલે નિવેદન આપવા માટે સીબીઆઈએ કોર્ટમાં બીજી મેના રોજ અરજી કરી હતી.

બાદામીદેવી અને સકલદેવ સિંહ નામનાં એક બીજા સાક્ષીને આ મામલે નિવેદન આપવા માટે સીબીઆઈએ કોર્ટમાં બીજી મેના રોજ અરજી કરી હતી. ત્યાર બાદ કોર્ટે સીબીઆઈને હૅન્ડ ટૂ હૅન્ડ સમન્સ આપ્યું પણ સીબીઆઈએ મુઝફ્ફરપુરના એ ડી જે -1 સહ વિશેષ એમ પી- એમ એલ કોર્ટમાં ગત 24 મેના રોજ વિશેષ ન્યાયાધીશ પુનિતકુમાર ગર્ગ સામે બાદામીદેવીનો 'ડૅથ વૅરિફિકેશન રિપોર્ટ' રજૂ કર્યો.

અખબારમાં છપાયેલ અહેવાલને જ્યારે બાદામીદેવીનાં પૌત્રી આરતી સાહાએ જોયો તો તેમણે આ કેસની ત્યાર બાદની સુનાવણી (3 જૂન)માં બાદામીદેવીને હાજર કર્યાં. બાદામીદેવીએ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં લખ્યું, "સીબીઆઈના પદાધિકારીઓએ મારી સાથે કોઈ સંપર્ક કર્યો નથી અને મને મૃત જાહેર કરી હતી. આ એક ષડ્યંત્ર છે."

કોર્ટે સીબીઆઈને કારણદર્શક નોટિસ પાઠવીને 20 જૂને આગામી સુનાવણીમાં જવાબ આપવા કહ્યું છે. કોર્ટની આ નોટિસ બાદ 4 જૂને સીબીઆઈના અધિકારી બાદામીદેવીના ઘરે ગયા અને આસપાસના લોકોની પૂછપરછ કરી.

સીબીઆઈના અધિકારીઓએ સ્થાનિક મીડિયાને માત્ર એટલું જ કહ્યું, "તપાસ ચાલી રહી છે અને જેમને મૃત જાહેર કરવામાં આવ્યાં તેમની સાથે વાત કરવામાં આવી રહી છે."

બચાવ પક્ષના વકીલ શરદ સિન્હા કહે છે, "આ દેશની પ્રીમિયર એજન્સીની બેદરકારીની હદ છે. સીબીઆઈનું આ વલણ મુઝફ્ફરપુરના નવરુણા કેસમાં પણ જોવા મળે છે."

વર્ષ 2016માં થયેલા રાજદેવ રંજન હત્યાકાંડને છ વર્ષ વીતી ચૂક્યાં છે. આ હત્યાકાંડના એક આરોપી મહમદ શહાબુદ્દીનનું કોરોનાથી મૃત્યુ થઈ ગયું છે. જ્યારે બાકી તમામ આરોપી જેલમાં છે.

રાજદેવ રંજનનાં પત્ની આશા રંજન કહે છે, "અત્યાર સુધી 30 લોકોનાં પણ નિવેદન લેવાયાં નથી. આ હિસાબથી તો મારા મૃત્યુ બાદ પણ તપાસ ચાલુ જ રહેશે. ન્યાય માટે સમય મહત્ત્વપૂર્ણ છે. જો ન્યાય મોડેથી મળે તો તેનું મહત્ત્વ ઘટી જાય છે. જો સીબીઆઈ ગંભીર હોત તો બાદામીદેવીને મૃત ઘોષિત કરવાની આટલી મોટી ભૂલ ન કરી હોત."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો