ભારતમાં ઉપાસનાસ્થળો ઉપર હુમલાઓ વધ્યા : અમેરિકાના વિદેશમંત્રી - પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કને કહ્યું છે કે હાલના દિવસોમાં ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા અને ધાર્મિક સ્થળોને લઈને લોકો પર હુમલા વધ્યા છે.
ભારતનાં મોટાં ભાગનાં અખબારોએ અમેરિકન વિદેશમંત્રીના આ નિવેદનને પ્રકાશિત કર્યું છે.
વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકન વિદેશ મંત્રાલયનો 2021નો રિપોર્ટ જાહેર કરતાં બ્લિન્કને કહ્યું, "ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, જ્યાં અલગ-અલગ ધર્મના લોકો રહે છે. ત્યાં હાલના દિવસોમાં લોકો પર ધાર્મિક સ્થળો પર હુમલા વધ્યા છે."
તેમણે પોતાના સંબોધનમાં વિયેતનામ અને નાઇજીરિયાનું પણ ઉદાહરણ આપ્યું.
આ રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2021માં વિશ્વના જુદાજુદા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિનું આકલન કરવામાં આવ્યું છે.
આ રિપોર્ટને અમેરિકન વિદેશ મંત્રાલયના 'ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમ' વિભાગના રાજદૂત રશદ હુસૈનના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાતનાં બે શહેરોની 'ગ્લોબલ ક્લાઇમૅટ ચેન્જ પ્રોજેક્ટ'માં પસંદગી

ઇમેજ સ્રોત, Andriy Onufriyenko
યુરોપિયન યુનિયન દ્વારા અનુદાનિત એવા ગ્લોબલ કૉવેનન્ટ ફૉર ક્લાઇમેટ ઍન્ડ ઍનર્જી (જીકૉમ) દ્વારા ગુજરાતનાં બે શહેરોની ક્લાઇમૅટ ઍક્શન પ્લાન બનાવવા માટે પસંદગી કરાઈ છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, જીકૉમની ટીમે રાજ્યની તમામ આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મુલાકાત લીધા બાદ જામનગર અને જૂનાગઢ મ્યુનિસપલ કૉર્પોરેશન પર પસંદગી ઉતારી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય ભારતમાંથી કોલકાતા અને પુણે પણ પસંદગી કરવામાં આવી છે.
અહેવાલ પ્રમાણે ગ્રીન ઍનર્જી કૅમ્પેનના ભાગરૂપે જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશને ગયા વર્ષે જ બાયૉમિથેનેશન પ્લાન્ટ શરૂ કર્યો હતો.
આનાથી વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરી શકાય એવો ગૅસ ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્લાન્ટ થકી રોજ 500 કિલોગ્રામ ગૅસનું ઉત્પાદન થાય છે.
જ્યારે જામનગરમાં હાલ સરકારી ઇમારતો પર સોલાર પૅનલ લગાવીને સૌરઊર્જા થકી વર્ષે આઠથી દસ કરોડ રૂપિયા વીજબીલમાં બચાવવાની તૈયારી હાથ ધરાઈ રહી છે.

કાશ્મીરના બડગામમાં ચરમપંથી હુમલો, બિહારના 17 વર્ષીય શ્રમિકનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીર પોલીસે ગુરુવારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું કે ખીણના બડગામમાં ચરમપંથીઓના ગોળીબારમાં એક શ્રમિકનું મૃત્યુ થયું છે. જ્યારે એકને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કાશ્મીર પોલીસ અનુસાર, બડગામના ચાદૂરા વિસ્તારમાં એક ઇંટના ભઠ્ઠામાં કામ કરનારા આ શ્રમિકો પર ચરમપંથીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો.
તેમાં બંને શ્રમિકો ઇજાગ્રસ્ત થઈ ગયા. હુમલા બાદ બંનેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકનું મૃત્યુ નીપજ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે મૃતકનું નામ દિલખુશ કુમાર છે અને તેની ઉંમર માત્ર 17 વર્ષ છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા અન્ય શ્રમિકની હાલત અત્યારે સ્થિર છે.
પોલીસ અનુસાર, વિસ્તારમાં ચરમપંથીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ હાથ ધરી દેવામાં આવી છે.
ગુરુવારના દિવસે થયેલી હત્યાની આ બીજી ઘટના હતી. કાશ્મીરમાં એક દિવસમાં રાજ્ય બહારના બે લોકોની હત્યા કરી દેવામાં આવી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















