નરેન્દ્ર મોદી સરકારે ખાંડની નિકાસ પર નિયંત્રણ કેમ મુક્યું?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં બુધવારે એક કિલો ખાંડની કિંમત 42 રૂપિયા હતી. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં બુધવારે ખાંડની કિંમત 38 થી 44 રૂપિયા વચ્ચે રહી હતી.

છેલ્લા કેટલાક મહિનામાં ખાંડના ભાવમાં બહુ તફાવત જોવા મળ્યો નથી.
આમ છતાં, ભારત સરકારે ખાંડની નિકાસને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે અને લોકોને પણ આ નિર્ણય સાંભળીને થોડી નવાઈ લાગી છે.
તાજેતરના નિર્ણયમાં, કેન્દ્ર સરકારે હાલમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો નથી. તેને માત્ર ફ્રી માંથી રેગ્યુલેટેડ અર્થાત કે નિયંત્રિત નિકાસની શ્રેણીમાં મૂકી છે.
સરળ ભાષામાં કહીએ તો, હવે 1 જૂનથી 31 ઑક્ટોબર સુધી ખાંડની નિકાસ માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે.

ખાંડ પર સરકારે આવો નિર્ણય કેમ લીધો?

ઇમેજ સ્રોત, AFP
તાજેતરમાં ભારતમાં ખાંડના ભાવમાં વધારો થયો નથી કે ઉત્પાદનમાં પણ કોઈ ઘટાડો થયો નથી. આમ છતાં કેન્દ્ર સરકારે આવો નિર્ણય લીધો છે.
આ નિર્ણય પાછળનું કારણ જાણવા માટે સૌથી પહેલા આપણે ભારતમાં ખાંડ સાથે જોડાયેલી કેટલીક મૂળભૂત બાબતોને સમજવી પડશે.
શેરડીના પીલાણની સિઝન ઑક્ટોબરથી સપ્ટેમ્બરની ગણવામાં આવે છે અને સામાન્ય રીતે તે પાંચથી છ મહિના ચાલે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શેરડીનો પાક તૈયાર કરવામાં વેરાયટી અનુસાર 12થી 18 મહિનાનો સમય લાગે છે.
ખાંડનું નવું કન્સાઇનમેન્ટ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં બજારમાં આવે છે.
આ કારણે કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે દર વર્ષે 1 ઑક્ટોબરે દેશમાં સ્ટૉકમાં ઓછામાં ઓછી 60 લાખ ટન ખાંડ હોવી જોઈએ, જેથી નવેમ્બર સુધી બજારમાં નવી ખાંડ વગર ચલાવી શકાય.
આ સ્ટૉકને ઑપનિંગ સ્ટૉક કહેવામાં આવે છે.
જે રીતે ખાંડની નિકાસમાં વધારો થયો છે, તે જોતાં સરકારને લાગ્યું કે આ વર્ષે 1 ઑક્ટોબરે ઑપનિંગ સ્ટૉક 60 લાખ ટનથી ઓછો રહેશે.
ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશનના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અવિનાશ વર્માએ બીબીસીને આપેલી માહિતી અનુસાર, ભવિષ્યની આ આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખાંડની નિકાસને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. અવિનાશ વર્મા આ વર્ષે 28 એપ્રિલ સુધી તેમના પદ પર હતા.

ઑપનિંગ સ્ટૉકમાં ઘટાડાની શંકા કેમ?

ઇમેજ સ્રોત, RAWPIXE
ભારતમાં દર મહિને લગભગ 22-24 લાખ ટન ખાંડનો વપરાશ થાય છે.
તે મુજબ વર્ષમાં ખાંડનો કુલ વપરાશ 270-275 લાખ ટન થાય.
આ વર્ષે ખાંડનું ઉત્પાદન 350-355 લાખ ટન રહેવાનો અંદાજ છે. ગયા વર્ષનો સ્ટૉક પણ થોડો બાકી છે.
આ કારણે કેન્દ્ર સરકારે 100 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે છેલ્લા કેટલાક વર્ષોની રૅકૉર્ડ નિકાસ હશે.
જેમાંથી 85 લાખ ટન ખાંડની નિકાસનો સોદો પણ થઈ ગયો છે અને અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે. એટલે કે ખાંડની સિઝનને હજુ 4 મહિના બાકી છે.
અવિનાશ વર્માના કહેવા અનુસાર, આવી સ્થિતિમાં જો નિકાસ પર અંકુશ ન મૂકવામાં આવે તો ખાંડની નિકાસ 100 લાખ ટનને વટાવી જશે અને એમ થાય તો 1 ઑક્ટોબરનો ઑપનિંગ સ્ટૉક સરકારના અંદાજ કરતાં ઓછો રહે તેવી શક્યતા છે.
આ સાથે જ સ્ટૉક ઓછો હોવાનું બીજું કારણ પણ છે. આ વખતે શેરડીનો વધુ ઉપયોગ ઇથેનોલ બનાવવામાં થયો હતો. જેના કારણે ખાંડ માટે ઓછી શેરડી બચી છે. ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલ-ડીઝલ સાથે મિશ્રણ તરીકે થાય છે.

હવે જાણીએ કે ખાંડની નિકાસ કેમ વધી?

ઇમેજ સ્રોત, Getty Images
આ માટે વિશ્વના ખાંડના બજારને સમજવું પડશે.
ઇન્ટરનેશનલ સુગર ઑર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર, ભારત વિશ્વમાં ખાંડનું સૌથી મોટું ઉત્પાદક છે અને વપરાશમાં પણ સૌથી મોટું ઉપભોક્તા છે.
વિશ્વમાં ખાંડની નિકાસ કરતા ટોચના પાંચ દેશો (અનુક્રમે) છે - બ્રાઝિલ, થાઇલૅન્ડ, ભારત, ઑસ્ટ્રેલિયા અને મેક્સિકો.
બ્રાઝિલ અને થાઇલૅન્ડમાં હવામાનની પરિસ્થિતિઓ (ઓછો વરસાદ અને કરા પડવાને)ને કારણે શેરડીનું ઓછું ઉત્પાદન થયું હતું. આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે 100 લાખ ટન ખાંડની અછત સર્જાઈ છે.
ભારતના ખાંડ નિકાસકારોએ આ અછતનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે આ વર્ષે ખાંડની રૅકૉર્ડ નિકાસ થવાની સંભાવના છે.
ઉત્પાદન ઘટવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ વધ્યા છે.
ઓછા સ્ટૉકને કારણે ભારતીય બજારમાં ખાંડના ભાવ પર તેની અસર ન પડે એ કારણસર ભારત સરકારે સાવચેતી પૂર્વકનું આ પગલું ભર્યું છે.
એમ આ ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે.

ફુગાવાને અંકુશમાં લેવા માટે આ પગલું કેટલું અસરકારક રહેશે?

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL
છૂટક મોંઘવારી દરમાં વધારો આ દિવસોમાં કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે અને તે હવે 7 ટકાને પાર કરી ગયો છે.
આ માટે કેન્દ્ર સરકાર એક પછી એક નવા નિર્ણયો લઈ રહી છે, જેથી વધતી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય.
કેન્દ્ર સરકારે 11 દિવસ પહેલાં ઘઉંની નિકાસ મામલે નિર્ણય નિર્ણય લીધો હતો કારણ કે સ્થાનિક બજારમાં લોટની કિંમત વધી રહી હતી.
ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં મોટો ઘટાડો કર્યો હતો.
એ જ રીતે, સરકારે માર્ચ 2024 સુધીમાં વાર્ષિક 20 લાખ ટન કાચા સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત પર કસ્ટમ ડ્યૂટી અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ દૂર કરવાની પણ જાહેરાત કરી છે.
અને હવે ખાંડની નિકાસને અંકુશમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નિષ્ણાતોને આ નિર્ણયની તત્કાલ અસર આપણા ખિસ્સાં પર પડતી જણાતી નથી.
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાસચિવ સુભાષ ચંદ્ર ગર્ગ કહે છે, "કેન્દ્ર સરકારના આ નિર્ણયોની અસર 6-8 મહિના સુધી તો દેખાય એવું લાગતું નથી."
તેમનો અંદાજ છે કે આગામી એક વર્ષ માટે છૂટક મોંધવારી દર 6 ટકાથી ઓછો નહીં રહે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "છૂટક મોંઘવારી દરમાં ખાદ્યસામગ્રીનું લગભગ 45 ટકા અને પેટ્રોલ ડીઝલનું 15 ટકા યોગદાન છે.
જો બંનેને સાથે મેળવીને જોઈએ તો યોગદાન લગભગ 60 ટકા થાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ કારણે સરકારની રણનીતિ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં રાખવાની છે. આ વ્યૂહરચના હેઠળ, સરકારે સોયાબીન, સૂર્યમુખી તેલ, ઘઉં અને ખાંડના સંદર્ભમાં નવા નિર્ણયો લીધા છે.
આ કારણોસર કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.
તેઓ આગળ કહે છે, "આ નિર્ણયોની તાત્કાલિક અસર તમારા ખિસ્સાં પર દેખાશે નહીં, કારણ કે તે વસ્તુ દીઠ બદલાય છે."
"ઉદાહરણ તરીકે, પેટ્રોલ-ડીઝલના કિસ્સામાં, ઘણી વખત ઑઇલ કંપનીઓ સરકારના દબાણમાં, ચૂંટણીના કારણે, તેલના વધેલા ભાવો જનતા માથે નાખતી નથી. હવે સરકારે નવા નિર્ણયથી જે રાહત આપી છે, તેનો ઉપયોગ પોતાનો નફો વધારવા માટે કરે છે કે જનતાને લાભ આપવા માટે, તે તેલ કંપનીઓ પર નિર્ભર છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















