જાતિઆધારિત વસતિગણતરી : નીતીશ કુમાર વારંવાર આ માગ કરીને ભાજપ અને મોદીને માત આપવા માગે છે?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
- 18 ફેબ્રુઆરી 2019: બિહાર વિધાનસભામાં પ્રથમ વખત જાતિના આધારે વસતિગણતરી પર ઠરાવ પસાર કરવામાં આવ્યો.
- 27 ફેબ્રુઆરી 2020: બિહાર વિધાનસભામાં બીજી વખત જાતિના આધારે વસતિગણતરી અંગેનો ઠરાવ પસાર થયો.
- 23 ઑગસ્ટ, 2021: નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારનું પ્રતિનિધિમંડળ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યું અને જાતિ આધારિત વસતિગણતરીની માગ કરી.
- 1 જૂન, 2022: નીતીશ કુમારે જાતિ આધારિત વસતિગણતરી અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી.
બિહારના રાજકારણનો આ તવારીખી ઘટનાક્રમ છે.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા ચાર વર્ષમાં આ ચાર પ્રસંગો એવા છે જ્યારે નીતીશકુમાર જાતિ આધારિત વસતિગણતરી અંગે અવાજ ઉઠાવી રહ્યા છે.
બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પણ જાતિ આધારિત વસતિગણતરી માટે નીતીશકુમારની સાથે છે.
બિહાર ભાજપે પણ વિધાનસભામાં મુકાયેલા બંને ઠરાવોનું સમર્થન કર્યું છે. બિહાર ભાજપ પણ પીએમ મોદીને મળેલા પ્રતિનિધિમંડળનો ભાગ રહ્યો છે.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જ્યારે જેડીયુ, બિહાર બીજેપી અને આરજેડી બધા એક સાથે છે તો પછી નીતીશકુમાર જાતિ આધારિત વસતિગણતરી માટે રાહ કોની જોઈ રહ્યા છે?
અમુક જાણકાર લોકો આ વિલંબમાં રાજકારણ જુવે છે તો અમુક તેને દબાણની રાજનીતિ ગણાવે છે. વળી, અમુક તો તેને આવનારા દિવસોમાં તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાના નવા દાવ તરીકે જોઈ રહ્યા છે.
બીબીસીએ ત્રણેય પ્રકારના તજજ્ઞો સાથે વાત કરી અને તેમના તર્કને સમજવાનો પ્રયાસ કર્યો.

'મુદ્દો ગરમ' રાખવાની રાજનીતિ

ઇમેજ સ્રોત, TWITTER/TEJASVI YADAV
નીતીશકુમાર વર્ષોથી 'ઓબીસી રાજકારણ' રમી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જાતિના આધારે વસતિગણતરી કરાવવાની માગ કરી રહ્યા છે કારણ કે જો ઓબીસીની વસતિ થોડીક વધે તો અલગ અલગ સ્તરે અનામત વધારવાની માગ કરી શકાય છે. લાલુ યાદવે પણ આ મામલે અવાજ ઉઠાવ્યો છે.
કેન્દ્ર સરકાર આ વખતે જાતિના આધારે વસતિગણતરી નથી કરાવી રહી. એવું તેમણે સંસદમાં કહ્યું હતું. જાણકારોના મતે, જો કેન્દ્ર સરકાર આવું કરાવે તો અન્ય પક્ષો તરફથી પણ માગ ઉભી થઈ શકે છે. પરંતુ આ રાજ્ય સ્તરે કરાવી શકાય છે. કર્ણાટક સરકારે પણ કરાવ્યું છે.
આના કારણે નીતીશ સરકારને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કારણ કે બિહારમાં તેઓ ભાજપના સહયોગથી મુખ્ય મંત્રી છે.
તો પછી આ મુદ્દે માત્ર નિવેદનો આપવાથી શું મળવાનું છે?
બિહારમાં પીટીઆઈના વરિષ્ઠ પત્રકાર નચિકેતા નારાયણ કહે છે કે નીતીશકુમાર હંમેશા સમયાંતરે આવા નિવેદનો આપીને આખો મામલો ગરમ રાખવા માગે છે. તેઓ બતાવવા માગે છે કે જેડીયુ ઓબીસી વોટ બેંક પ્રત્યે સંવેદનશીલ વલણ ધરાવે છે.

જાતિના આધારે વસતિગણતરી પર હોબાળો કેમ?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
બ્રિટિશ રાજમાં 1931ની છેલ્લી જાતિગત વસતિગણતરી સમયે બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા એક હતા. તે સમયે બિહારમાં લગભગ 1 કરોડની વસતિમાં માત્ર 22 જાતિઓની વસતિગણતરી કરવામાં આવી હતી.
હવે લગભગ 90 વર્ષ પછી આર્થિક, સામાજિક, ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિમાં મોટો ફરક આવ્યો છે.
નેતાઓને લાગે છે કે હવે આમાં ઘણો બદલાવ આવશે. સંખ્યાબળના આધારે જાતિને અનામત આપવાની માગ હંમેશાંથી ઉઠતી રહી છે.
જાતિગત વસતિગણતરી કરવી એટલે ફરી એકવાર અનામતનો મુદ્દો ઉઠાવવો અને 'ઊંચી જાતિ' હંમેશાં અનામતના મુદ્દાનો વિરોધ કરે છે. તેમને લાગે છે કે જાતિગત વસતિગણતરીથી અનામતમાં વધારો થશે, જેનું સૌથી વધુ નુકસાન ઊંચી જાતિને થશે.
દેશમાં ભાજપની છબી ઊંચી જાતિના પક્ષની માનવામાં આવે છે. જો કે સત્ય એ પણ છે કે છેલ્લે કેટલાક રાજ્યોની ચૂંટણીમાં ભાજપે ઓબીસી વોટબૅન્કમાં પણ ગાબડું પાડ્યું છે.

'નંબર ગેમ'ની રાજનીતિ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES
બીજી તરફ, રાજ્યના બીજા વરિષ્ઠ પત્રકાર સુરૂર અહેમદ જાતિ આધારિત વસતિગણતરી પર નીતીશકુમારના વારંવારના નિવેદનોને દબાણની રાજનીતિનો ભાગ ગણાવે છે.
હકીકતમાં બિહારમાં ભાજપ પાસે 77 ધારાસભ્યો, આરજેડી પાસે 76 અને જેડીયુ પાસે 45 ધારાસભ્યો છે.
ભાજપ અને જેડીયુ સાથે મળીને હમ પાર્ટીના 4 ધારાસભ્યો સાથે સત્તામાં છે.
આરજેડી મુખ્ય વિરોધ પક્ષ છે.
ડાબેરી પાસે 18 અને કૉંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે.
આ આંકડાઓના આધારે સુરૂર અહેમદ કહે છે કે, "આ દબાણની રાજનીતિ બંને તરફથી ચાલી રહી છે. ભાજપ તરફથી વારંવાર નિવેદનો આવી રહ્યા છે કે અમારી પાસે 77 ધારાસભ્યો છે, મુખ્ય મંત્રી અમારા જ હોવા જોઈએ. આવી સ્થિતિમાં જાતિની વાત કરવામાં આવે છે. એવામાં જાતિ આધારિત વસતિગણતરીને વારંવાર દોહરાવીને નીતીશ બતાવવા માગે છે કે અમારી પાસે અન્ય વિકલ્પો પણ છે.
નીતીશ તાજેતરમાં જ જાતિ આધારિત વસતિગણતરીના મુદ્દે તેજસ્વીને પણ મળ્યા છે. બંને નેતાઓ ઇફ્તાર પાર્ટીના બહાને અગાઉ બે વખત મળ્યા હતા.
જે બાદ સીબીઆઈએ લાલુ યાદવના કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા સાથે નીતીશ તેજસ્વીની નિકટતાને જોડીને જોવામાં આવી હતી."
આવતા મહિને રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. જેડીયુ તરફથી આરસીપીસિંહને રાજ્યસભાની બેઠક મળશે કે નહીં તે અંગે થોડું સસ્પેન્સ છે. કેન્દ્રમાં આરસીપીસિંહ જેડીયુ ક્વોટામાંથી મંત્રી છે. જો આ વખતે તેઓ રાજ્યસભામાં ન જઈ શક્યા તો મંત્રીપદ પણ જશે.

ઇમેજ સ્રોત, JDU
બિહારના રાજકારણમાં આરસીપીસિંહ અને નીતીશ વચ્ચે અણબનાવની વાતો લાંબા સમયથી ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવા સમાચાર પણ છપાયા છે કે જો આરસીપીસિંહને રાજ્યસભાની સીટ નહીં મળે તો પાર્ટીમાં ભંગાણ પણ પડી શકે છે.
બંને નેતાઓ તરફથી રાજ્યસભાની બેઠક કે પરસ્પર સંબંધોમાં ખેંચતાણ અંગે કોઈ નિવેદન આવ્યા નથી.
સુરૂર અહેમદ કહે છે - બંને તરફથી પોતપોતાની રીતે દબાણની રાજનીતિ ચાલી રહી છે. જેડીયુમાં 'તિરાડ'નો આમાંથી અંદાજ મળે છે.
જો જેડીયુમાં ભંગાણ સર્જાયું અને આરસીપીસિંહ પાસે 30 ધારાસભ્યો રહે, તો તેઓ ભાજપ સાથે ગઠબંધન કરીને અને કૉંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોને તોડીને બિહારમાં સત્તા કબજે કરી શકે છે.
નીતીશ પાસે બીજો વિકલ્પ છે. જો 30 ધારાસભ્યો નીતીશ સાથે રહે, તો આરજેડી પાસે 76 છે, જો કૉંગ્રેસ અને ડાબેરીઓનું સમર્થન મળી જાય તો નીતીશ મુખ્ય મંત્રી રહેશે.
30 ધારાસભ્યોનો આંકડો એટલા માટે જરૂરી છે કારણ કે પક્ષપલટા વિરોધી કાયદો આમ કહે છે.
જાતિ આધારિત વસતિગણતરી આ 'દબાણની રાજનીતિ'નો જ એક ભાગ છે કારણ કે આ મુદ્દો નીતીશકુમારને તેજસ્વી અને લાલુ યાદવ સાથે જોડી રાખે છે.
જોકે, આ સમગ્ર મામલો માત્ર શક્યતાઓનો ખેલ છે.

વડા પ્રધાનપદની મહત્ત્વાકાંક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
પ્રભાત સમાચારના ભૂતપૂર્વ સંપાદક રાજેન્દ્ર તિવારી નીતીશના રોજ રોજ આવતા નિવેદનોને તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ સાથે જોડે છે.
તેમણે નીતીશકુમારના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળને નજીકથી જોયો છે.
તેઓ કહે છે, "નીતીશ પોતાને ભાજપથી અલગ કરવા નથી માગતા. તેઓ ઇચ્છે છે કે ભાજપ એવું કંઈક કરે જેથી તેઓ કહી શકે કે રાજ્યની સરકાર ચલાવવામાં તકલીફ પડી રહી છે."
નીતીશકુમાર જાણે છે કે આગળની રાજનીતિમાં તેમના રસ્તો ભાજપ સાથે નથી જતો. તેઓ ત્રણ ટર્મથી મુખ્ય મંત્રી છે. રાજ્યની રાજનીતિમાં આનાથી આગળ ક્યાં સુધી જઈ શકાય?
ભાજપ સાથે રહેવાથી કેન્દ્રની રાજનીતિમાં બહુ અવકાશ બચ્યો નથી. તેમની મહત્ત્વાકાંક્ષા વડા પ્રધાન બનવાની છે. તેઓ બની શકશે કે નહીં તે અલગ બાબત છે. આમ તો તેઓ બહુ ધીરજવાન વ્યક્તિ છે. તેઓ આગામી બે-ત્રણ વર્ષ વિશે અગાઉથી વિચારીને આગળ વધે છે અને અગાઉથી તૈયારીઓ કરી રાખે છે.
રાજેન્દ્ર તિવારી 'કૅરમની રમત'નું ઉદાહરણ આપીને સમગ્ર મામલાને સમજાવે છે.
"જેમ કૅરમની રમતમાં એક કૂકરીને મારવાથી, તે બીજી સાથે અથડાય છે અને તેના કારણે, ત્રીજી કૂકરી જીતી લેવાય છે. નીતીશકુમાર પણ આ જ પ્રકારનું રાજકારણ રમે છે.
આવા નિવેદનો આપીને તેઓ વિપક્ષની છાવણીમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
2015માં તેમણે દેશભરમાં વિખરાયેલા જનતા દળના નેતાઓને સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એવું ન થઈ શક્યું.
જાતિ આધારિત વસતિગણતરી અંગે વારંવાર નિવેદનો પણ આ જ કારણોસર આવી રહ્યા છે. તેમનું આગળનું પગલું હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ જેવા તમામ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જ લેવામાં આવશે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















