જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ : સુપ્રીમ કોર્ટે કેસને વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાન્સફર કરતાં શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસ જિલ્લા કોર્ટને ટ્રાન્સફર કરી દીધો છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશની ન્યાયિક સેવાના વરિષ્ઠ અને અનુભવી ન્યાયાધીશો આ કેસ સાંભળે એવો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Reuters

સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું છે કે આ દીવાની કેસની ગંભીરતાને જોતાં તેને વારાણસી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

જસ્ટીસ ડી.એસ. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં ત્રણ જજોની પીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. ખંડપીઠમાં જસ્ટિસ ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટીસ પી.એસ. નરસિમ્હા સામેલ છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે વારાણસીની ટ્રાયલ કોર્ટમાં સુનાવણી કરવા અંગે શુક્રવાર સુધી રોક લગાવી દીધી હતી.

વારાણસીની કોર્ટ આ મામલે હાલ કોઈ આદેશ ન આપે એવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

line

અગાઉની સુનાવણીમાં શું થયું હતું?

જ્ઞાનવાપી મસ્જિદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જ્ઞાનવાપી મસ્જિદ

ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે મસ્જિદ પરિસરમાં જે જગ્યાએ 'શિવલિંગ' મળ્યું હોવાની વાત કરાઈ રહી છે, તે જગ્યાને સંરક્ષિત રાખવામાં આવે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે મુસ્લિમ પક્ષ માટે ત્યાં નમાજ પઢવામાં કોઈ રોક નહીં લગાવવામાં આવે.

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂરો થયા બાદ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરમાં 'શિવલિંગ' મળ્યું છે. ત્યાર બાદ સ્થાનિક કોર્ટે તે સ્થળને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે.

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને પી. એસ. નરસિમ્હાની ખંડપીઠ સમક્ષ અંજુમન ઇંતેજામિયા મસાજિદની પ્રબંધ કમિટીની અરજી પર સુનાવણી થઈ. આ જ કમિટી જ્ઞાનવાપી મસ્જિદની દેખરેખ રાખી રહી છે.

line

જ્ઞાનવાપી મસ્જિદનો ઇતિહાસ

જ્ઞાનવાપી મસ્જિદ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

ઇમેજ કૅપ્શન, જ્ઞાનવાપી મસ્જિદ

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર પહેલાંથી એક મંદિર હતું, જેને ઔરંગઝેબે તોડાવી નાખ્યું હતું અને તેના પર મસ્જિદ બંધાવી હતી. પરંતુ ઐતિહાસિક દસ્તાવેજોના આધારે આ હકીકત અંગે સ્પષ્ટ નિવેદન આપવું સરળ નથી.

કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે જ્ઞાનવાપી મસ્જિદને 14મી સદીમાં જૌનપુરના શર્કી સુલતાનોએ બંધાવી હતી. તેના માટે તેમણે અહીં પહેલેથી ઉપસ્થિત વિશ્વનાથ મંદિરને તોડાવ્યું હતું.

જોકે, શર્કી સુલતાનોએ મસ્જિદ બંધાવી હોવાના કોઈ પુરાવા નથી મળતા. તેવી જ રીતે મંદિર તોડવામાં આવ્યું હતું તે વાતના પુરાવા પણ નથી.

વારાણસીસ્થિત કાશી વિદ્યાપીઠમાં ઇતિહાસ વિભાગના પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે શર્કી સુલતાનો એટલા મજબૂત ન હતા કે તેઓ બનારસમાં પોતાની મનમાની કરી શકે.

કાશી વિશ્વનાથ મંદિરને બાંધવાનું શ્રેય અકબરના નવરત્નો પૈકી એક રાજા ટોડરમલને આપવામાં આવે છે. રાજા ટોડરમલે 1585માં અકબરના આદેશના પગલે દક્ષિણ ભારતના વિદ્વાન નારાયણ ભટ્ટની મદદથી મંદિર બંધાવ્યું હતું.

પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે, "શર્કી સુલતાનોએ બનારસમાં આવીને કોઈ નિર્માણકાર્ય કરાવ્યું હતું કે કોઈ બાંધકામ ધ્વસ્ત કર્યું હતું તે સમજવું મુશ્કેલ છે, કારણ કે બનારસ પોતે એક રાજ્ય હતું."

"વળી, તે જૌનપુરના શર્કી શાસકોને આધીન ન હતું. શર્કી શાસકો એટલા મજબૂત પણ ન હતા કે બનારસમાં તેઓ પોતાની મનમાની કરી શકે."

તેઓ વિશ્વનાથ મંદિરના નિર્માણ અંગેની થિયરીને માન્યતા આપતાં કહે છે, "વિશ્વનાથ મંદિરનું રાજા ટોડરમલે બંધાવ્યું હતું. તે વાતના ઐતિહાસિક પુરાવા છે અને ટોડરમલે આ પ્રમાણે બીજાં કેટલાંક બાંધકામો પણ બંધાવ્યાં હતાં."

"બીજી એક વાત, આ બાંધકામ તેમણે અકબરના આદેશથી કરાવ્યું હતું તે વાત પણ ઐતિહાસિક રીતે આધારભૂત નથી. અકબરના દરબારમાં રાજા ટોડરમલનો એટલો પ્રભાવ હતો કે તેમને આ કામ માટે અકબરના આદેશની જરૂર ન હતી."

પ્રોફેસર રાજીવ દ્વિવેદી કહે છે કે વિશ્વનાથ મંદિરનું પૌરાણિક મહત્ત્વ રહ્યું છે, પરંતુ અત્યંત વિશાળ મંદિર અહીં પહેલેથી હતું તેની ખબર પડતી નથી.

તેઓ કહે છે કે, "ટોડરમલે બંધાવેલું મંદિર પણ બહુ વિશાળ ન હતું. બીજી તરફ ઐતિહાસિક રીતે પણ એક વાતને સ્વીકારવામાં આવે છે કે જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ મંદિર તૂટ્યા પછી થયું હતું તથા મંદિર તોડવાનો આદેશ ઔરંગઝેબે આપ્યો હતો. પરંતુ જ્ઞાનવાપી મસ્જિદના મૅનેજમૅન્ટ સાથે સંકળાયેલા લોકો આવું નથી માનતા."

જ્ઞાનવાપી મસ્જિદની સારસંભાળ રાખનારી સંસ્થા 'અંજુમન ઇંતજામિયા મસાજિદ'ના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસીન કહે છે કે સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે મસ્જિદ અને મંદિર બંનેનું નિર્માણ અકબરે 1585ની આસપાસ પોતાના નવા ધર્મ 'દીન-એ-ઇલાહી' હેઠળ કરાવ્યું હતું. પરંતુ તેના જે દસ્તાવેજી પુરાવા મળ્યા તે બહુ સમય પછીના છે.

line

1991નો ઉપાસનાસ્થળ કાયદો શું છે?

જ્ઞાનવાપી મસ્જિદની બહાર સુરક્ષા

ઇમેજ સ્રોત, ANI

વર્ષ 1991માં નરસિમ્હા રાવ સરકારે ઉપાસનાસ્થળ (વિશેષ ઉપબંધ) અધિનિયમ પસાર કરાવ્યો હતો.

18 સપ્ટેમ્બર 1991માં બનેલા આ કાયદા મુજબ 15 ઑગસ્ટ 1947થી અગાઉ અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મના પૂજાસ્થળને બીજા ધર્મના પૂજાસ્થળમાં રૂપાંતરિત કરી શકાશે નહીં.

કોઈ વ્યક્તિ આવું કરવાનો પ્રયાસ કરે તો તેને એકથી ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.

આ કાયદો કહે છે કે ભારતમાં 15 ઑગસ્ટ 1947ના જે ધાર્મિક સ્થળ જે સ્વરૂપમાં હતું તે તેવા જ સ્વરૂપમાં રહેશે.

આ મામલામાં અયોધ્યા વિવાદમાં છૂટ આપવામાં આવી હતી. આ કાયદો જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ સહિત દેશમાં તમામ ધાર્મિકસ્થળો પર લાગુ થાય છે.

આ કાયદાના સેક્શન ચારમાં લખ્યું છે – આ ઘોષિત કરવામાં આવે છે કે 15 ઑગસ્ટ 1947ના વિદ્યમાન ઉપાસનાસ્થળનું ધાર્મિક સ્વરૂપ એવું જ રહેશે જેવું તે દિવસે હતું.

આ કાયદાના સેક્શન 4 (2)માં ઉલ્લેખ છે કે – જો આ અધિનિયમ લાગુ થવા પર 15 ઑગસ્ટ, 1947ના કોઈ ઉપાસનાસ્થળના ધાર્મિક સ્વરૂપમાં પરિવર્તન વિશે કોઈ વાદ, અપીલ કે અન્ય કોઈ કાર્યવાહી કોઈ ન્યાયાલય, અધિકરણ કે સત્તાધિકારીની સામે નિકાલ માટે ઉપસ્થિત હશે તો એ રદ્દ થઈ જશે.

અને આવા કોઈ મામલાની બાબત કોઈ વાદ, અપીલ કે અન્ય કાર્યવાહી એવા પ્રારંભ પર અથવા તેની પછી કોઈ ન્યાયાલય, અધિકરણ અથવા સત્તાધિકારી સમક્ષ નહીં થાય.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો