હાર્દિક પટેલ : ભાજપમાં જોડાવા અને નરેશ પટેલ અંગે હાર્દિક પટેલે શું કહ્યું?
હાર્દિક પટેલે બુધવારે કૉંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યા બાદ અમદાવાદમાં ગુરુવારે પત્રકારપરિષદ યોજીને કૉંગ્રેસ પર પરિવારવાદ અને નિષ્ક્રિયતાનો આક્ષેપ કર્યો હતો.
હાર્દિક પટેલે કહ્યું કે "કૉંગ્રેસમાં વર્ષોથી અમુક જ લોકોનું પ્રભુત્વ છે. જે લોકો કામ કરવા માગે છે એ લોકોને કામ કરવા નથી દેવાતા. ગુજરાત કૉંગ્રેસમાં મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો પરંતુ પાર્ટી મને કામ નહોતી આપતી, મારી કોઈ જવાબદારી નક્કી કરવામાં નહોતી આવતી."
હાર્દિક પટેલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, "અમે મહેનત કરીએ છીએ, અમારા પિતા-દાદા મંત્રી-નેતા નહોતા."

હાર્દિક પટેલે કૉંગ્રેસના એ આક્ષેપનો જવાબ આપ્યો કે તેમણે કૉંગ્રેસ પાર્ટીનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે પાટીદાર આગેવાનોએ તેમને કૉંગ્રેસમાં ન જોડાવાની સલાહ આપી હતી પરંતુ તેમને ભરોસો હતો કે તેઓ કૉંગ્રેસ મારફતે લોકો માટે કામ કરી શકશે. તેમણે પાટીદાર સમાજના લોકોની માફી માગતા કહ્યું કે, "મારા સમાજના લોકોની હું માફી માગું છું કે જ્યારે મારા સમાજના લોકો મને કહેતા કે તું ભૂલ કરે છે પરંતુ હું પાર્ટીમાં ગયો."
હાલમાં હાર્દિક પટેલના પિતાનું નિધન થયું હતું તે બાબતે તેમણે વાત કરતા હાર્દિકે કહ્યું કે, "મારા પિતાનું નિધન થયું હતું તે વખતે શક્તિસિંહ ગોહિલ સિવાય ગુજરાત કૉંગ્રેસના નેતઓ એક વખત પણ સાંત્વના આપવા મારા ઘરે નહોતા આવ્યા."
હાર્દિક પટેલે કહ્યું કે તેઓ કૉંગ્રેસ પર એટલે આક્ષેપ નથી કરી રહ્યા કારણ કે તો પાર્ટી છોડી રહ્યા છે પરંતુ તેઓ સત્ય લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, " મેં મારા ત્રણ વર્ષ બગાડ્યા. જો કૉંગ્રેસમાં ન જોડાયો હોત તો ગુજરાતના લોકો માટે વધારે સારું કામ કરી શક્યો હોત. કૉંગ્રેસ માટે ચિંતનનો સમય ગયો હવે ચિંતા કરવાનો સમય છે."
"2017-2015માં મારો ઉપયોગ કર્યો. કૉંગ્રેસના નેતાઓ તકવાદી છે. હું કૉંગ્રેસને કહીશ કે પાર્ટીમાં લોકોને સાંચવીને રાખજો નહીં તો લોકો પાર્ટી છોડવા માટે તૈયાર છે. "
ખોડલધામ સાથે સંકળાયેલા નરેશ પટેલ સાથે તેમની મુલાકાત અને તેમના રાજકીય પક્ષમાં જોડાવા વિશે હાર્દિક પટેલે કહ્યું કે, "2017માં મારો ઉપયોગ કર્યો હવે 2022માં તમારો ઉપયોગ ન થાય. મેં નરેશ પટેલ (કાકા)ને કૉંગ્રેસમાં જે થઈ રહ્યું છે તે વિશે જણાવ્યું. તેઓ જે નિર્ણય લેશે હું તેમની સાથે જ છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "મારી ઉપરથી કેસ પાછા ખેંચાય એ અગત્યનું નથી, મારા માટે મારા સાથીદારો સામેથી કેસ પાછા ખેંચાય એ વધારે મહત્ત્વનું છે."

ભાજપમાં જોડાવા વિશે હાર્દિક પટેલે શું કહ્યું?

એક દિવસ પહેલાં કૉંગ્રેસ પાર્ટી છોડનાર હાર્દિક પટેલે કહ્યું કે તેઓ અત્યારે ભાજપમાં નથી અને કોઈ પણ નિર્ણય કર્યો નથી.
તેમણે કહ્યું કે રામમંદિર, આર્ટિકલ 370, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ જેવા મોટા મુદ્દા છે અને કૉંગ્રેસ કેમ આ મુદ્દે ચૂપ છે? જો એક પાર્ટી આવી રીતે કામ કરશે તો તેઓ ક્યારેય સત્તા પર નહીં આવે.
તેમણે પાટીદારોના મુદ્દા પણ ઉઠાવ્યા અને કહ્યું કે કૉંગ્રેસ 2015 અને 2017માં પાટીદારોનો ઉપયોગ કર્યો અને 2022માં પણ પાર્ટી આવું જ કરવા માગે છે. હાર્દિક પટેલે કહ્યું કે હું ગુજરાતના લોકો સામે માફી માગું છું કે મેં 2017માં આવી પાર્ટી માટે વોટ માગ્યા."
કૉંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ પર આરોપ મૂકવામાં આવ્યા છે કે તેઓ ભાજપની ભાષા બોલી રહ્યા છે ત્યારે હાર્દિક પટેલે કહ્યું કે, "જ્યારે કોઈ નેતા કૉંગ્રેસ સામે અવાજ ઉઠાવે તો કહેવામાં આવે છે કે તે વેચાઈ ગયો છે, તે સત્તા સાથે જતો રહ્યો છે."
તેમણે કોઈ પણ પક્ષમાં જોડાવા વિશે કોઈ નિર્ણય ન કર્યા હોવાનું જણાવ્યું હતું.

'જેમને જનરલ ડાયર કહેતા હતા, તેમને ભગવાન કહેશે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હાર્દિક પટેલની પત્રકાર પરિષદ બાદ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું, "ભાજપ સાથે સંપર્કમાં હતા, એનો ખ્યાલ હતો. અમને એમ કે અમારી સાથે વફાદાર રહેશે, પણ એમ ન થયું."
"હાર્દિકભાઈએ પત્રકારપરિષદમાં પણ કામ ન સોંપવાની વાત કરી, પણ એ કદાચ ભૂલી ગયા કે તેમને પાંચ રાજ્યોની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. તેમને પૂરતી કામગીરી આપી હતી. તેઓ બધાને ફોન કરીને પાર્ટી છોડવાનું કહેતા હતા, પણ અત્યાર સુધી કોઈ છોડીને ગયું નથી."
આજે નરેશ પટેલ સાથેની મુલાકાત અંગે તેમણે કહ્યું, "અમે તેમને મળવા ગયા હતા. ચા-નાસ્તો કરવાનો કાર્યક્રમ હતો. બીજું કંઈ જ નહીં."
તેમણે વધુમાં કહ્યું, "આ શબ્દો હાર્દિકભાઈના નથી, એ ભાજપના શબ્દો છે અને આગળ પણ તેમના મુજબ જ બોલતા રહેશે. એ જેમને જનરલ ડાયર કહેતા હતા, તેમને જ 'હે ભગવાન, તમે જ પ્રભુ છો' કહેશે."

'ભાજપ તરફ ઇશારો લાગે છે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું, "માત્ર કૉંગ્રેસમાં જ નહીં, "દરેક પાર્ટીમાં જાતિની રાજનીતિ હોય છે. પાર્ટી છોડે ત્યારે આરોપ-પ્રત્યારોપ થતા હોય છે. તે રીતે અત્યારે હાર્દિક કૉંગ્રેસ પર અને કૉંગ્રેસ હાર્દિક પર આરોપ કરી રહી છે."
તેમણે વધુમાં કહ્યું, "હાર્દિકની પત્રકારપરિષદ પરથી લાગે છે કે ભાજપ તરફ ઇશારો છે પણ તેમનો વિષય છે. તે ક્યાં જાય છે."
પાટીદારોના મુદ્દા અંગે તેમણે કહ્યું કે, "સમાજના મુદ્દા સ્પષ્ટ છે. તેને લઈને સરકારના વલણ બાદ અમારો ઝુકાવ સ્પષ્ટ થશે."

અગાઉ કૉંગ્રેસ પર કેવા આરોપ લગાવ્યા?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ટ્વિટર પર રાજીનામું આપતાં હાર્દિક પટેલે કૉંગ્રેસ પર કેટલાક આરોપો લગાવ્યા હતા.તેમણે આરોપ લગાવ્યો કે, "આ 21મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનો એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે.
છેલ્લાં લગભગ ત્રણ વર્ષોમાં મેં અનુભવ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે. જ્યારે દેશના લોકોને વિરોધ નહીં એક એવો વિકલ્પ જોઈએ છે, જે તેમના ભવિષ્ય વિશે વિચારતો હોય, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખતો હોય.
અયોધ્યમાં ભગવાન શ્રીરામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હઠાવવાની હોય અથવા GST લાગુ કરાવનો નિર્ણય હોય, દેશ લાંબા સમયથી તેનું સમાધાન ઇચ્છતો હતો અને કૉંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણ બનવાનું કામ કરતી રહી.
ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ હોય, દરેક મુદ્દા પર કૉંગ્રેસનું સ્ટેન્ડ માત્ર કેન્દ્ર સરકારના વિરોધ કરવા સુધી સીમિત રહ્યું. કૉંગ્રેસને લગભગ દરેક રાજ્યમાં જનતાએ એટલા માટે નકારી દીધી કારણ કે કૉંગ્રેસ પાર્ટી અને પાર્ટીનું નેતૃત્વ જનતા સમક્ષ એક બેઝિક રોડમેપ પણ પ્રસ્તુત ના કરી શક્યું.
કૉંગ્રેસ પાર્ટીના શિર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દા પ્રત્યે ગંભીરતા ન હોવી એક મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીના શિર્ષ નેતૃત્વને મળ્યો તો લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યાઓને સાંભળવાને બદલે પોતાના મોબાઇલ અને બીજી બધી વસ્તુઓ પર રહ્યું.

ઇમેજ સ્રોત, HARDIK PATEL/FB
જ્યારે પણ દેશ સંકટમાં હતો અથવા કૉંગ્રેસને નેતૃત્વની સૌથી વધારે જરૂર હતી, તો અમારા નેતા વિદેશમાં હતા. શિર્ષ નેતૃત્વનું વર્તન ગુજરાત પ્રત્યે આવું છે, જાણે કે ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે તેમને નફરત હોય. એવામાં કૉંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે કે ગુજરાતના લોકો તેને વિકલ્પની રીતે જુએ?
દુખ થાય છે, જ્યારે અમારા જેવા કાર્યકર્તા પોતાની ગાડીથી પોતાના ખર્ચે દિવસમાં 500-600 કિલોમિટર સુધીની યાત્રા કરે છે, જનતા વચ્ચે જાય છે અને પછી જુએ છે કે ગુજરાતના મોટા નેતાઓ તો જનતાના મુદ્દાથી દૂર માત્ર એ વાત પર ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમય પર મળી છે કે નહીં.
યુવાનોની વચ્ચે હું જ્યારે પણ ગયો તો બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું માત્ર અપમાન કરે છે, પછી તે ઉદ્યોગનું ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય.
મને લાગે છે કૉંગ્રેસ પાર્ટીએ યુવાનોનો પણ ભરોસો તોડ્યો છે, જેથી આજે કોઈ પણ યુવાન કૉંગ્રેસ સાથે દેખાવા પણ માગતો નથી.
મારે બહુ દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં બધા જ જાણે છે કે કઈ પ્રકારે કૉંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા પાડ્યા છે અને આના બદલામાં જાતે આર્થિક ફાયદો મેળવ્યો છે.

ઇમેજ સ્રોત, HARDIK PATEL/TWITTER
રાજકીય વિચારધારા અલગ હોઈ શકે પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું આ પ્રકારે વેચાઈ જવું પ્રદેશની જનતા સાથે બહુ મોટો દગો છે.
રાજકારણમાં સક્રિય દરેક વ્યક્તિનો ધર્મ હોય છે કે તે જનતાનાં કામો કરતી રહે. પણ અફસોસની વાત છે કે કૉંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈ સારું કરવા જ માગતી નથી.
એટલે જ્યારે પણ મેં ગુજરાત માટે કંઈક સારું કરવાનું ઇચ્છ્યું, પક્ષે મારો માત્ર તિસ્કાર જ કર્યો.
મેં વિચાર્યું નહોતું કે કૉંગ્રેસ પક્ષનું નેતૃત્વ આપણા પ્રદેશ, આપણા સમાજ અને ખાસ કરીને યુવાઓ માટે આ પ્રકારનો દ્વેષ મનમાં રાખે છે.
આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું.
મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારો દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ.
જનતાથી મળેલા પ્રેમ અને ઋણ ચૂકવવા માટે હંમેશાં પ્રયાસ કરતો રહીશ."

હાર્દિક બેઈમાન વ્યક્તિ છે : રઘુ શર્મા

ઇમેજ સ્રોત, DR.RAGHU SHARMA/TWITTER
ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે "હાર્દિક બેઈમાન અને અવસરવાદી રાજનીતિમાં માને છે. તાજેતરમાં જ પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન તે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હતા અને અત્યારે એવું તો શું થયું કે આ રીતે રાજીનામું આપી દીધું?"
ટીવી ચૅનલ એબીપીને આપેલા ઇન્ટરવ્યૂમાં રઘુ શર્માએ કહ્યું કે, "હાર્દિકના જવાથી કૉંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી. નરેશ પટેલના આવવાની અટકળો વચ્ચે પાર્ટીમાં તેમનું કદ ઘટી જશે તેમ માનીને છેલ્લા ઘણા સમયથી તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા અને પાર્ટીને દબાણમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા."
"તેમણે કહ્યું,"પોતાના પર થયેલા કેસ પાછા ખેંચાવવા માટે હાર્દિક છેલ્લા છ-સાત મહિનાથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતા અને કૉંગ્રેસના કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેતા ન હતા. જે વ્યક્તિ કોઈ પાર્ટીમાં શિસ્તબદ્ધ ન રહી શકે તેના માટે કૉંગ્રેસમાં કોઈ સ્થાન નથી."
રાજીનામામાં પરોક્ષ રીતે રાહુલ ગાંધી પર લગાવવામાં આવેલા આરોપો અંગે તેમણે કહ્યું,"જે રાહુલ ગાંધીના ઘરના આંટાફેરા મારીને કૉંગ્રેસમાં પદ મેળવ્યું, સ્ટાર પ્રચારક બન્યા. જો તે જ વ્યક્તિ હવે રાહુલ ગાંધી પર આરોપો લગાવે તો તેનાંથી મોટો અવસરવાદી કોણ હોઈ શકે."

પોતાની રાજકીય કારકિર્દીનું બાળમરણ કર્યું છે : રેશમા પટેલ

ઇમેજ સ્રોત, RESHMA PATEL/FACEBOOK
એનસીપી નેતા અને પાટીદાર અનામત આંદોલનના સંયોજક રેશમા પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "છેલ્લા કેટલાક મહિનાથી હાર્દિક દ્વારા કરાઈ રહેલા વિરોધના લીધે શંકા તો હતી કે આવું કંઈક થઈ શકે છે પણ આ પગલું ભરીને હાર્દિકે પોતાની રાજકીય કારકિર્દીનું બાળમરણ કર્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "વિરોધ અને નારાજગીની વાત જો તેમણે પાર્ટીમાં જોડાયાના છ-આઠ મહિનામાં કરી હોત તો સારી લાગતી પણ ચૂંટણી-પેટાચૂંટણીઓ યોજાયા બાદ અંદાજે ચારેક વર્ષ પૂરા થયા બાદ જો આવા નિવેદન આપે તો તે શંકાસ્પદ છે."
બાળમરણ અંગેના પોતાના નિવેદન વિશે સ્પષ્ટતા આપતા તેઓ કહે છે, "હજુ તેમની ઉંમર 28 વર્ષ છે. તેમની કારકિર્દી ઘણી લાંબી છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જો તેઓ ભાજપમાં જશે કે પછી અન્ય કોઈ પાર્ટી કે અપક્ષમાં રહેશે. તો પણ તેમની કારકિર્દીનું બાળમરણ જ કહેવાશે."
ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું,"આ તો કૉંગ્રેસ હતી એટલે તેમણે જે મીડિયામાં વિરોધ કર્યો તેના લીધે તેમની સામે કાર્યવાહી ન થઈ. જો, ભાજપમાં રહીને આમ કરતા તો તાત્કાલિક સસ્પેન્શનનો પત્ર આવી જતો."
" આંદોલનમાંથી આવતા લોકો માટે ભાજપ સારી પાર્ટી નથી. તેનું ઉદાહરણ પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ છે. તેઓ કોઈ કાર્યક્રમમાં સ્ટેજ પર પણ જોવા મળતા નથી."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















