Cyclone Asani : ભારતમાં ચોમાસા પહેલાં સર્જાશે સિઝનનું પ્રથમ વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો?
ભારતમાં ચોમાસાના આગમાનને હવે કેટલાક દિવસો જ બાકી છે. એ પહેલાં જ હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની આગાહી કરી છે.
હાલ દક્ષિણ આંદામાન સાગર પર એક લૉ પ્રેશર સર્જાયું છે અને તે વધારે શક્તિશાળી બને તેવી શક્યતાઓ છે.

ઇમેજ સ્રોત, Warren Faidley
જે બાદ આ લૉ પ્રેશર ડિપ્રેશન અને અંતે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. બંગાળની ખાડીમાં સર્જાનારું આ વાવાઝોડું ભારતના અનેક વિસ્તારોને અસર કરે તેવી સંભવાના છે.

કયા વિસ્તારો પર વાવાઝોડાનો ખતરો?
દક્ષિણ આંદામાન સાગરમાં હાલ લૉ પ્રેશર એરિયા બની ગયો છે એટલે કે હવાનું હળવું દબાણ પેદા થયું છે.
જે બાદ તે ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઉચ્ચદબાણમાં ફેરવાશે. અંતે તે દરિયામાં ખતરનાક વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે.
હાલ દરિયાનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધારે છે જે વાવાઝોડા માટે અનુકૂળ સ્થિતિ પેદા કરી રહ્યું છે.
8 મેના રોજ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે અને તે બાદ વાવાઝોડું બંગાળની ખાડીમાં જ આગળ વધશે અને તેના કારણે ભારતના અનેક વિસ્તારો પર તેની અસર થવાની શક્યતા છે.
10 મેના રોજ તે ભારતના દરિયાકિનારા સુધી પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. હાલની સિસ્ટમ બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિસ્ટમ દરિયામાં આગળ વધીને ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારા પર ત્રાટકે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે વાવાઝોડાનો જે સંભવિત માર્ગ દર્શાવ્યો છે તે પ્રમાણે વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓડિશા માટે ખતરો પેદા કરશે.
ઓડિશાના 18 જેટલા જિલ્લાઓ અને આંધ્ર પ્રદેશના વાવાઝોડાની અસર હેઠળ આવનારા સંભવિત વિસ્તારોમાં ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. અહીં તંત્ર હાલ વાવાઝોડા પહેલાંની તૈયારી કરવા લાગ્યું છે જેથી નુકસાનને ઓછું કરી શકાય.

ગુજરાત પર વાવાઝોડાની અસર થશે?
ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન મોટા ભાગે વાવાઝોડાં સર્જાતાં હોય છે. જે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં સર્જાય છે અને ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોનો અસર કરે છે.
હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાની ગુજરાત પર સીધી અસર થવાની શક્યતા નથી. પરંતુ જો વાવાઝોડાના કારણે ચોમાસાની શરૂઆત પર અસર થશે તો તે ગુજરાતને પણ અસર કરશે.
9થી 12 મે વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાય તેવી શક્યતાઓ છે. બાકીના વિસ્તારોમાં હવામાન હાલની સ્થિતિ પ્રમાણે સૂકું જ રહેશે.
વાવાઝોડું કેટલું શક્તિશાળી બનશે તેના આધારે ગુજરાત સુધી તેની અસર થશે કે નહીં તે જાણવા મળશે.
કેટલાક હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ વાવાઝોડાની ભારતમાં ચોમાસાના આગમન પર પણ અસર થવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનની આસપાસ થાય છે અને તે બાદ સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ થતો રહે છે.
આ વર્ષે ભારતના હવામાન વિભાગે સામાન્ય ચોમાસાની આગાહી કરી છે. એટલે કે દેશભરમાં ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશ પ્રમાણે સારો વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો પરંતુ તે સિવાયના મહિનાઓમાં વરસાદ સારો રહ્યો હતો. પાછલા વરસાદને કારણે શિયાળુ પાક લેવામાં ખેડૂતોને રાહત થઈ હતી.
આ વર્ષે પણ સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો અને ખેતી આધારિત ઉદ્યોગો માટે રાહતના સમાચાર છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























