RRB NTPC : રેલવેની ભરતીનો સમગ્ર વિવાદ શું છે અને ઉમેદવારો કેમ વિરોધ કરી રહ્યા છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
દેશભરમાં રેલવેમાં ભરતી માટે 21 રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) છે. તેમનું કામ રેલવેમાં ભરતી સંબંધિત પરીક્ષાઓનું આયોજન કરવાનું છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે આરઆરબી દ્વારા 2019માં 2019માં ગ્રૂપ ડી (એનટીપીસી)ની 35000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પાડી હતી, જેની પરીક્ષા બે વર્ષની રાહ જોયા બાદ સપ્ટેમ્બર, 2021માં લેવામાં આવી હતી અને આ પરિણામોમાં અનેક પ્રકારે ગોટાળા કરવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, VISHNUNARAYAN
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષાને બે તબક્કામાં વહેંચી નાખવામાં આવી છે.
પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર, રેલવે ભરતી બોર્ડનો આ નિર્ણય 'મનસ્વી' છે. વિદ્યાર્થીઓની માગ છે કે ગ્રૂપ ડીની ભરતીની પ્રક્રિયા પહેલાંની જેમ એક જ તબક્કામાં લેવામાં આવે.
રેલવે મંત્રાલયના એડિશનલ ડાયરેક્ટર જનરલ અને પ્રવક્તા રાજીવ જૈનના જણાવ્યા અનુસાર, આ બે પરીક્ષા છે - RRB NTPC ભરતી પરીક્ષા અને ગ્રૂપ સી, લેવલ 1.
RRB NTPC એટલે 'રેલવે ભરતી બોર્ડ નૉન ટેકનિકલ પોપ્યુલર કૅટેગરી' પરીક્ષા. આ પરીક્ષામાં વિવિધ પગાર-ગ્રેડ પર લગભગ 35 હજાર ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.
2019માં આ નોકરીઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને પરીક્ષા એ જ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાની હતી. પરંતુ તેમાં વિલંબ થયો.
બાદમાં ડિસેમ્બર 2020થી જુલાઈ 2021ની વચ્ચે આ ભરતી માટે સમગ્ર દેશમાં પ્રથમ તબક્કાની પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષાનું પરિણામ 14 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે તેના બીજા તબક્કાની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાની હતી. પરંતુ આ પ્રદર્શનોને કારણે આ પરીક્ષાને પાછળ ઠેલવામાં આવી છે.

1 કરોડ 15 લાખ અરજીઓ!
ગ્રૂપ સી, લેવલ 1 પરીક્ષા માટે પણ વર્ષ 2019માં લગભગ એક લાખ નોકરીઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની સામે લગભગ 1 કરોડ 15 લાખ અરજીઓ આવતા હાલમાં આ માટે એક પણ તબક્કાની પરીક્ષા લેવામાં આવી નથી.
રેલવેનું કહેવું છે કે ઓછી જગ્યા સામે અરજીઓના ભરાવાને કારણે રેલવેએ આ કૅટેગરીની પરીક્ષા બે તબક્કામાં લેવાનો નિર્ણય કર્યો છે.
RRB NTPC પરીક્ષામાં કેટલીક પોસ્ટ માટે અરજી માટેની લઘુતમ લાયકાત 12મું પાસ છે, જ્યારે કેટલાક માટે તે ગ્રેજ્યુએશન છે. આ પોસ્ટને પે-ગ્રેડ અનુસાર અલગ-અલગ સ્તરોમાં વહેંચવામાં આવી છે. જેમાં લેવલ 2થી લેવલ 6 સુધીની ભરતીઓ થવાની છે.
ઉદાહરણ તરીકે, લેવલ 2ની પોસ્ટ જુનિયર ક્લાર્કની છે. આ માટે લઘુતમ લાયકાત 12મું પાસ છે. સ્ટેશન માસ્ટરની પોસ્ટ લેવલ 6ની છે જેના માટે લઘુતમ લાયકાત ગ્રેજ્યુએશન છે.
પરંતુ ગ્રેજ્યુએશન પાસ વિદ્યાર્થીઓએ પણ લેવલ 2ની નોકરી માટે અરજી કરી છે. આ કારણે 12 પાસ વિદ્યાર્થીઓને લાગે છે કે તેમની નોકરી મળવાની શક્યતા ઘટી જશે. તકનીકી રીતે કોઈને પણ આવું કરવા માટે પ્રતિબંધિત કરી શકાય નહીં.

20 ગણું પરિણામ નથી અપાયું?

ઇમેજ સ્રોત, VISHNUNARAYAN
બીજો મુદ્દો એ છે કે રેલવેએ જાહેરાત બહાર પાડી હતી, ત્યારે પરીક્ષાના પ્રથમ તબક્કામાં ખાલી જગ્યાઓની કુલ સંખ્યાના 20 ગણા પાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.
રેલવે દાવો કરે છે કે તેઓએ આમ કર્યું છે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમણે એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરી હોય. રેલવે આવા વિદ્યાર્થીઓની ગણતરી ઉમેદવાર તરીકે નહીં પરંતુ તેમની અરજીઓની સંખ્યા તરીકે કરે છે.
જ્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેને માત્ર એક ઉમેદવાર તરીકે ગણવામાં આવે. એટલે કે તેમની માગ 'વન સ્ટુડન્ટ-વન રિઝલ્ટ' રિલીઝ કરવાની છે.
વિદ્યાર્થીઓની દલીલ છે કે આમ થાય તો વધુ ઉમેદવારોને તક મળશે. વિદ્યાર્થીઓનો દાવો છે કે રેલવે દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તે વાસ્તવિકતામાં માત્ર 10 ગણું પરિણામ છે.
રેલવેએ પણ પ્રેસ રિલીઝ દ્વારા વિદ્યાર્થીઓની વાતનો જવાબ આપ્યો છે. તેઓ દલીલ કરે છે કે પ્રથમ તબક્કાના લાયક ઉમેદવારને બીજા તબક્કા માટે તક મળવી જોઈએ. ચાર પદ માટે લાયક વ્યક્તિ આખરે તો કોઈ પણ એક પદ પર નોકરી કરી શકશે, તેથી આવી રીતે પરિણામ તૈયાર કરવામાં કોઈ સમસ્યા નથી.

બે તબક્કામાં પરીક્ષા સામે વાંધો

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રૂપ સી લેવલ 1ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. રેલવેએ 24 જાન્યુઆરી 2022ના રોજ આ નિર્ણય લીધો છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી વધી છે.
વાસ્તવમાં કેટલાક વિદ્યાર્થીઓ દાવો કરે છે કે આ ખૂબ જ ઓછા પગારની પોસ્ટ છે. આ રેલવે ભરતી પરીક્ષા ચાર વર્ષ પછી બહાર આવી છે અને તેમાં પણ અરજી અને પરીક્ષા વચ્ચે બે વર્ષ પસાર થઈ ગયા છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો બે પરીક્ષા લેવાની વાત બે વર્ષ પહેલા કહી દેવામાં આવી હોત તો વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય મળત.
વિદ્યાર્થીઓની આ દલીલ પર રેલવેનું કહેવું છે કે આ પદ માટેની અરજીમાં ઘણી ટેકનિકલ ખામીઓને કારણે મામલો સૅન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (સીએટી) સુધી પહોંચ્યો હતો. આ ઑનલાઇન અરજીઓમાં મોટી સંખ્યામાં ટેકનિકલી ખોટા ફોટોગ્રાફ્સ અને સહીઓ મળી આવી હતી. જેના કારણે લગભગ સાડા પાંચ લાખ અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી.
સીએટીના આદેશ પછી રેલવેએ આવા ઉમેદવારોને 15 ડિસેમ્બર 2021 સુધીમાં ઑનલાઇન લિંક આપી. ત્યાર બાદ જ સફળ અરજદારોની યાદી નક્કી કરવામાં આવી, જેની સંખ્યા લગભગ એક કરોડ 15 લાખ થાય છે.
રેલવેનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને કારણે બે તબક્કામાં પરીક્ષા લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

રેલવેમાં તોડફોડકારીઓને નોકરી નહીં

ઇમેજ સ્રોત, Getty Images
પરિણામ સામે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શનો થયાં, જેમાં ટ્રેનને આગ ચાંપવામાં આવી હતી.
દરમિયાન કેટલાક પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે, જેમ કે પરીક્ષાનું પરિણામ 14 જાન્યુઆરી, 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, તો ઉગ્ર વિરોધપ્રદર્શન 24મી તારીખે કેમ થયું?
ખેર, આ સમગ્ર મામલાનો ઉકેલ લાવવા અને સરકારનો પક્ષ રજૂ કરવા માટે બુધવારે ખુદ રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી.
પત્રકારપરિષદમાં તેમણે કહ્યું, "અમે તમારી અત્યાર સુધીની તમામ ફરિયાદો અને મુદ્દાઓની ગંભીરતાથી ધ્યાને લઈશું. રેલવે તમારી સંપત્તિ છે. તમે તમારી સંપત્તિને સંભાળીને રાખો. કોઈ વિદ્યાર્થી કાયદો હાથમાં ન લે."
રેલવેએ પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી છે, જે RRB-NTPC અને લેવલ 1 પરીક્ષાઓમાં પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સાથે વાત કર્યા બાદ 4 માર્ચ પહેલાં તેનો અહેવાલ મંત્રાલયને સુપરત કરશે.
જોકે, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓની યાદીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
રેલવે મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે પરિણામને લઈને તોડફોડ કરનારા વિદ્યાર્થીઓની વીડિયો રેકૉર્ડિંગ દ્વારા ઓળખ કરવામાં આવશે અને તેમને ક્યારેય રેલવેમાં નોકરી આપવામાં આવશે નહીં.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























