ઊર્જાવિભાગ કથિત કૌભાંડ: અવધેશ પટેલે કહ્યું, 'યુવરાજસિંહ સામે બદનક્ષીની ફરિયાદ કરીશ' - BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઊર્જાવિભાગમાં ભરતીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આમ આદમી પાર્ટીની યુવા પાંખના ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજાએ તાજેતરમાં ઊર્જાવિભાગમાં થયેલી ભરતી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને ભાજપના પદાધિકારી અવધેશ પટેલ સામે નામજોગ આરોપ મૂક્યા હતા.

યુવરાજસિંહ જાડેજા
ઇમેજ કૅપ્શન, યુવરાજસિંહ જાડેજાએ તાજેતરમાં ઊર્જાવિભાગમાં થયેલી ભરતી ઉપર સવાલ કર્યા અને ભાજપના પદાધિકારી અવધેશ પટેલ સામે નામજોગ આરોપ મૂક્યા હતા.

આ અંગે અવધેશ પટેલે પ્રતિક્રિયા આપી છે અને પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, "હું યુવરાજસિંહ સામે બદનક્ષીની ફરિયાદ કરીશ. મને શંકા છે કે આ બધું મને બદનામ કરવા માટેનો રાજકીય સ્ટંટ છે, પરંતુ આ વિશે મારે અત્યારે કશું નથી કહેવું."

"જો મેં કોઈ વિદ્યાર્થી પાસેથી પૈસા લીધા હોય તો યુવરાજસિંહ સાબિત કરી બતાવે."

પટેલે માનસિક ત્રાસને કારણે ફોન સ્વિચ-ઑફ કર્યો હોવાની તથા કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપવાની વાત કહી છે.

રાજ્ય સરકારે ઊર્જાવિભાગની પરીક્ષાઓ યથાવત્ રીતે લેવાની તથા ગેરરીતિની તપાસ કરાવવાની વાત પણ કહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ યુવરાજસિંહે હેડક્લાર્કની ભરતીપ્રક્રિયામાં ગેરરીતિના આરોપ મૂક્યા હતા, એ પછી રાજ્ય સરકારે તે પરીક્ષાને રદ કરી હતી અને તેને માર્ચ મહિનામાં નવેસરથી લેવાની જાહેરાત કરી હતી.

line

B.1.640.2 વૅરિયન્ટ : ફ્રાન્સમાંથી કોરોનાનો ઓમિક્રૉન કરતા વધુ ચેપી વૅરિયન્ટ મળી આવ્યો

નવો વૅરિયન્ટ

ઇમેજ સ્રોત, DrPixel

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સના માર્સેલી નજીકથી 12 દર્દીઓમાં આ વૅરિયન્ટની હાજરી જોવા મળી છે.

ફર્સ્ટપોસ્ટના અહેવાલ પ્રમાણે, નવો વૅરિયન્ટ બી.1.640.2 મળી આવ્યો છે. ફ્રાન્સના માર્સેલી નજીકથી 12 દર્દીઓમાં આ વૅરિયન્ટની હાજરી જોવા મળી છે.

નવા વૅરિયન્ટમાં ઓમિક્રૉન કરતા પણ વધુ 46 મ્યુટેશન છે, જે તેને વધુ ચેપી બનાવે છે અને રસી પ્રતિરોધક બનાવે છે.

ઓમિક્રૉન વૅરિયન્ટને કારણે વિશ્વ કોવિડ-19ના કેસોમાં વધારો સામે લડી રહ્યું છે ત્યારે, ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ નવો વૅરિયન્ટ શોધી કાઢ્યો છે.

B.1.640.2 નામના વૅરિયન્ટની શોધની જાહેરાત medRxiv પર પોસ્ટ કરાયેલા પેપરમાં કરવામાં આવી હતી.

નવા વૅરિયન્ટની શોધ 10 ડિસેમ્બરે કોરોના સંક્રમિત દર્દીમાંથી ‘આઈએચયુ મેડિટેરેન ઇન્ફેક્શન’ સંસ્થાનાં સંશોધકોએ કરી હોવાથી તેનું નામ ‘આઈએચયુ’ રાખવામાં આવ્યું છે.

line

ભારતમાં બે દિવસમાં 84 લાખ કિશોરોને રસી અપાઈ

રસીકરણ

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, સરકારે આ વયના કિશોરોમાં 20 દિવસમાં 85થી 90 ટકાને પહેલો ડોઝ આપી દેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ભારતમાં બે દિવસથી 15થી 18 વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણ શરું થયુ છે અને બે દિવસમાં મંગળવાર રાત્રે 10 વાગ્યા સુધીમાં દેશમાં 84 લાખ કિશોરોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

સરકારે આ વયના કિશોરોમાં 20 દિવસમાં 85થી 90 ટકાને પહેલો ડોઝ આપી દેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ભારત સરકારે 15-17 વય જુથમાં 7.4 કરોડ કિશોરોનો અંદાજ મૂક્યો છે. આ વયજુથ માટે કોવૅક્સિન રસીને પ્રમાણિત કરવામાં આવી છે.

સૌથી વધુ ગુજરાતમાં બે દિવસમાં 11 લાખ અને મધ્ય પ્રદેશમાં 10 લાખ બાળકોને રસી આપવામાં આવી છે. ત્યારપછીના ક્રમે ઉત્તર પ્રદેશ (4.5 લાખ), મહારાષ્ટ્ર (4.4 લાખ) અને બિહાર (4.3 લાખ) આવે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો