કુલભૂષણ જાધવ : 'ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મુદ્દે ICJના ચુકાદાનું સન્માન કરે પાકિસ્તાન' - BBC TOP NEWS
બુધવારે પાકિસ્તાનની સંસદની સંયુક્ત સભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેના કારણે પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતના ચુકાદા સામે અપીલ કરવાની તક મળશે.
ગુરુવારે આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા એક સવાલ ઉપર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, 'પાકિસ્તાનના અગાઉના વટહુકમમાં આઈસીજેના ચુકાદા મુજબ પાકિસ્તાને જાધવના કેસની ફરીથી સમીક્ષા થઈ શકે તે માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી. આ કાયદો તેમાં રહેલી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ છે, પરંતુ તે સત્યથી વેગળું છે.'

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE
પાકિસ્તાન ખાતે ભારતના કૉન્સ્યુલર અધિકારીઓ જાધવને મુક્ત રીતે મળી નથી શકતા અને મુક્ત રીતે ખટલો ચાલી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં નિષ્ફળ રહ્યા છે. ભારતે આગ્રહ કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા આઈસીજેના ચુકાદાનું પાલન કરવામાં આવે.
પાકિસ્તાનનો આરોપ છે કે જાધવ ભારતીય જાસૂસ છે, જે પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવા માટે પ્રયાસરત હતા.
ભારતે આ આરોપોને નકાર્યા છે. જુલાઈ-2019માં હેગસ્થિત ઇન્ટરનેશનલ કૉર્ટ ઑફ જસ્ટિસે પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે કૉન્સ્યુલર મુક્ત રીતે જાધવને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તથા ચુકાદાની ફરી સમીક્ષા કરવામાં આવે.

Paytm IPO : ભારતના સૌથી મોટા IPOના શૅર પહેલા જ દિવસે 26 ટકા તૂટ્યા

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE
એનડીટીવીના અહેવાલ પ્રમાણે દેશના સૌથી મોટા ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ એટલે કે IPO એવા પેટીએમના શૅરટ્રેડિંગના પ્રથમ દિવસે જ 26 ટકાના ઘટાડા સાથે ખૂલ્યા હતા.
નોંધનીય છે કે પેટીએમ કંપની 18,300 કરોડ રૂપિયામાં IPO લઈને આવી હતી. જે ગત અઠવાડિયે 1.89 ટકા ભરાયું હતું.
નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જ પર 2,150 રૂપિયાની કિંમતે ભરાયેલા આ શૅર 9.3 ટકા ઘટી 1,950 રૂપિયા પર ખૂલ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. દિવસની શરૂઆત બાદ શૅરના ભાવ 26 ટકા સુધી ઘટી 1,586ની સપાટીએ પહોંચી ગયા હતા. બીજી તરફ બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જ ખાતે પેટીએમના શૅર 1,955 રૂપિયે ખૂલ્યા હતા.
નિષ્ણાતો આ ઘટાડા પાછળ કંપનીના ખર્ચાળ વૅલ્યુએશનને જવાબદાર ગણાવે છે.
મેક્ગ્વાયર રિસર્ચના વિશ્લેષણકર્તાએ એક નોંધમાં પેટીએમનું બિઝનેસ મૉડલ 'ફૉકસ અને દિશા' ધરાવતું નથી અને તેમણે કવરેજની શરૂઆત અંડરપર્ફોર્મ રેટિંગ સાથે કરી હતી. આ નોંધમાં લખાયું હતું કે પેટીએમ માટે પોતાના ધ્યેયો નફાકારકતા સાથે હાંસલ કરવા એક પડકાર સમાન હશે.
વિજયશેખર શર્મા નામના એંજિનિયરિંગ સ્નાતકે વર્ષ 2010માં પેટીએમની સ્થાપના કરી હતી. વર્ષ 2016માં નોટબંધી બાદ આવેલી ડિજિટલ ચૂકવણીક્ષેત્રની ક્રાંતિ આ કંપનીને ફળી હતી.

નૉન-વેજ વિવાદ : અમદાવાદમાં ભયના પગલે 40-50 હજાર ફેરિયાઓએ લારી ન કાઢી

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતનાં વિવિધ શહેરોમાં નૉન-વેજની લારીઓ પર કાર્યવાહીના મામલે વિવાદ ચાલી રહ્યો છે. હવે શાકાહારી-માંસાહારી બંને પ્રકારનાં ખાદ્યપદાર્થોની લારીઓ જાહેર માર્ગો પરથી દૂર કરી દબાણ હઠાવવાની વાત કરવામાં આવી રહી છે.
જોકે, બીજી તરફ વિવાદ એવો પણ છે કે આ કાર્યવાહીમાં ખાસ કરીને નૉન-વેજની લારીઓને નિશાન બનાવાઈ રહી છે.
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ અનુસાર અમદાવાદમાં લારી ચલાવતા અંદાજે 1.2 લાખ ફેરિયાઓ પૈકી 40-50 હજારે ડરના માર્યા બુધવારે લારી કાઢી નહોતી, એવો તેમના ઍસોસિયેશન દ્વારા દાવો કરાયો છે.
કોરોના વાઇરસની મહામારીને પગલે પહેલાંથી જ લારી ચલાવતા નાના ફેરિયાઓની આર્થિક સ્થિતિ કથડી છે.
જે બાદ હવે એક નવો પડકાર આવ્યો હોવાથી વૅન્ડર ઍસોસિયેશનના સભ્યો ચિંતામાં છે.

કાશ્મીરમાં સૈન્ય સાથેની અથડામણમાં ઉગ્રવાદી કમાન્ડર સહિત પાંચનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સૈન્ય દ્વારા બે કાર્યવાહી કરવામાં આવી હતી, જે ઍન્કાઉન્ટર હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં TRFના કમાન્ડર સહિત પાંચ ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
માર્યા ગયેલા ઉગ્રવાદીઓમાં ‘ધ રેઝિસ્ટન્સ ફોર્સ' (TRF)નો કમાંડર અફાક સિકંદર પણ સામેલ હોવાની વાત છે.
‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર સર્ચ ઑપરેશન દરમિયાન ઉગ્રવાદીઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો, જે બાદ અથડામણ થઈ હતી. આ દરમિયાન બારામુલ્લામાં ગ્રૅનેડથી હુમલો થયો હતો, જેમાં CRPFના બે જવાન અને બે નાગરિકો ઘવાયા હતા.
હુમલાખોરોની શોધખોળ માટે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ કાશ્મીરના પુલવામામાં લશ્કર-એ-તોયબાના બે ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી હતી. મોટા જથ્થામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાયા હતા.
પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીર હાઇવે પરથી લશ્કર-એ-તોયબાના ત્રણ સભ્યોની 43 લાખ રૂપિયા રોકડા સાથે ધરપકડ કરવામાં આવી હતી.
વળી બીજી તરફ ‘ઇન્ડિયા ટુડે’ના રિપોર્ટ પ્રમાણે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોનાં મોતને પગલે પીડીપીના વડા અને પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ વિરોધપ્રદર્શન યોજ્યું હતું. જેથી તેમને નજરકેદ કરાયાં છે.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી મુદ્દે દરોડા પાડવા ગયેલી સીબીઆઈની ટીમ પર હુમલો
ઓડિશામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી મુદ્દે એક શકમંદને ત્યાં દરોડા પાડવા ગયેલી ટીમના પાંચ સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
‘એનડીટીવી’ના રિપોર્ટ અનુસાર તેમની સાથે સ્થાનિકોએ ઘર્ષણ પણ કર્યું હતું. દિલ્હીથી સીબીઆઈ ઇન્સ્પેક્ટર સંદીપ કુમારની આગેવાનીમાં દરોડા પડ્યા હતા.
સીબીઆઈની ટીમ પર મહિલાઓ સહિત કેટલાક ઇસમોએ હુમલો કર્યો હતો, તેમને બચાવવામાં પોલીસને પણ મુશ્કેલી થઈ હતી.
ઇસમોએ કથિત શકમંદને બચાવીને ભગાડવામાં પણ મદદ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ દરમિયાન, કેટલાક દિવસ પહેલાં સીબીઆઈ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં 77 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર બાળકોનાં યૌનશોષણની સામગ્રી જોવા અને પ્રસારિત કરવા તેમજ સ્ટોર કરવા બદલ પાડવામા આવ્યા હતા.
‘ન્યૂઝ 18’ના રિપોર્ટ મુજબ સીબીઆઈને મળેલી જાણકારી અનુસાર સોશિયલ મીડિયા પર આ પ્રકારના અપરાધો માટે અનેક ગ્રૂપ ઍક્ટિવ છે. જે બાળકોનાં યૌનશોષણની સામગ્રી પ્રસારિત કરે છે.
દરોડામાં 50 ગ્રૂપ સાથે સંકળાયેલા પાંચ હજાર યુઝર્સ બાળકોનાં યૌનશોષણની સામગ્રી શૅર કરી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
જેમાંથી ઘણાં ગ્રૂપનો સંબંધ વિદેશ સાથે પણ છે. વિવિધ દેશોમાં આ પ્રકારની વાંધાજનક સામગ્રી પ્રસારિત કરવા માટે ઓછામાં ઓછા 100 દેશોના અનેક નાગરિકો સામેલ હોવાનું બહાર આવ્યું છે.
આ દરોડા ગુજરાતના ભાવનગર અને જામનગરમાં પણ પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લેપટોપ કે અન્ય ગૅઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















