કંગના રનૌત : મહાત્મા ગાંધી અંગેની ટિપ્પણી મામલે ગાંધીઆશ્રમવાસીઓને વિરોધ કરતા રોકાયા?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે ગાંધી બાપુ અને સ્વતંત્રતા મેળવવામાં તેમના યોગદાન પર પ્રશ્નો ઉઠાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કરતાં વિવાદ સર્જાયો છે.

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત અવારનવાર તેમનાં નિવેદનોને કારણે વિવાદમાં રહે છે.

ગાંધીઆશ્રમ

આ વખત તેમના એક નિવેદનથી ભડકી ઊઠેલા વિવાદની જ્વાળા અમદાવાદ સુધી પહોંચી છે.

મંગળવારે અભિનેત્રીએ મહાત્મા ગાંધી અને આઝાદી માટે તેમનાં પ્રયાસો-રણનીતિ અંગે પ્રશ્ન કરતાં કહ્યું હતું કે, "એક ગાલ પર તમાચો પડે ત્યારે બીજો ગાલ આગળ ધરવાથી સ્વતંત્રતા નહીં માત્ર ભીખ મળે છે."

અભિનેત્રીએ ગાંધીજીના અહિંસાના મંત્ર સામે સવાલો ઊભા કરતાં અમદાવાદમાં ગાંધીઆશ્રમના નિવાસીઓએ અભિનેત્રીનાં નિવેદનો અંગે વિરોધપ્રદર્શિત કરવા માટે બુધવારે સાંજે ચાર વાગ્યે કંગનાના પૂતળાદહનનો કાર્યક્રમ રાખ્યો હતો.

પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા આ કાર્યક્રમના આયોજકોને કથિતપણે હાઉસ અરેસ્ટ કરીને આ કાર્યક્રમનું આયોજન અટકાવી દીધું હતું.

જોકે, સ્થાનિક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આયોજકોને હાઉસ અરેસ્ટ નથી કરાયા માત્ર બેસાડી રખાયા છે.

આ સમગ્ર વિવાદ અંગે સ્થળ પર રહેલા બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ રૉક્સી ગાગડેકર છારાએ માહિતી આપી હતી.

એ પહેલાં જાણી લઈએ કે આ સમગ્ર વિવાદ શો છે?

line

કંગના અને વિવાદ

કંગના રનૌત

ઇમેજ સ્રોત, Getty Images

અભિનેત્રી કંગના રનૌત પાછલા અમુક દિવસથી પોતાના દેશની આઝાદી અંગેના નિવેદનને લઈને ઘણાં ચર્ચામાં છે.

તેમણે થોડા દિવસો પહેલાં એક નિવેદનમાં કહ્યું હતું કે, "દેશને ખરી આઝાદી 2014માં મળી અને એ પહેલાં તો દેશને ભીખ મળી હતી."

કંગનાના આ નિવેદનની ઘણા રાજનેતાઓ અને હસ્તીઓએ વ્યાપક પ્રમાણમાં ટીકા કરી હતી. તેમની પાસેથી ભારત સરકારે આપેલાં સન્માનો પાછાં ખેંચી લેવાની પણ માગ ઊઠી હતી.

આ મામલે ગાંધીઆશ્રમના વાસીઓના સંબંધીઓએ કંગના સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનરને અરજી કરી હતી.

ગાંધીઆશ્રમના વાસીઓના સંબંધીઓ ધીમંત બઢિયા, શૈલેશ રાઠોડ અને હેમંત ચૌહાણે આ અરજીમાં જણાવ્યું હતું કે, "1947માં મળેલી આઝાદીને ભીખ ગણાવી કંગના રનૌતે મહાત્મા ગાંધી અને તેમના અંતેવાસીઓ તેમજ સમર્થકો એટલે કે અરજદારોના સંબંધીઓનું અપમાન કર્યું છે. તેથી તેમની સામે કાયદેસર પગલાં ભરવાં જોઈએ."

કંગના રનૌત

ઇમેજ સ્રોત, Getty Images

હજુ આ વિવાદનો વંટોળ તાજો જ હતો ત્યારે કંગનાએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વર્ષ 1940નો એક જૂના ન્યૂઝ રિપોર્ટની કટિંગ શૅર કરી હતી.

આ કટિંગનું શીર્ષક હતું કે "ગાંધી અને અન્યો નેતાજીને સોંપવા માટે સંમત થયા"

તેમણે લખ્યું હતું કે, "કાં તો તમે ગાંધીજીના સમર્થક હોઈ શકો કાં તો નેતાજીના. તમે બંનેના પ્રશંસક ન હોઈ શકો, પસંદ કરો, નિર્ણય લો."

કંગનાએ કહ્યું કે સ્વતંત્રતા માટે લડનારાઓને 'જેઓ પોતે દમન સામે લડવા માટેની હિંમત ધરાવતા નહોતા' તેઓ દ્વારા બ્રિટિશરોને 'સોંપી દેવાતા'. આ લોકો 'સત્તાભૂખ્યા હતા'.

તેમણે ગાંધીજીની ટીકા કરતાં કહ્યું કે, "આ લોકો એ જ છે જેમણે આપણને શીખવ્યું કે જો કોઈ તમને એક ગાલે થપ્પડ મારે તો તેની સામે પોતાનો બીજો ગાલ પણ ધરી દો. આવી રીતે આઝાદી નથી મળતી માત્ર ભીખ જ મળે. તેથી તમારા નાયકોને ખૂબ જ હોશિયારીથી પસંદ કરો."

કંગનાએ દાવો કર્યો હતો કે ગાંધીજીએ 'ક્યારેય ભગતસિંઘ કે સુભાષચંદ્ર બોઝનું સમર્થન ન કર્યું.'

તેમણે કહ્યું કે, "તેથી તમે કોનું સમર્થન કરશો તે નક્કી કરવાની જરૂર છે. આ તમામ લોકોને યાદગીરીના એક જ ખાનામાં રાખીને અને તેમને તમામને જન્મજયંતીની શુભેચ્છાઓ પાઠવવી એટલું જ પૂરતું નથી. આવું કરવું એ મૂર્ખતાભર્યું હોવા સિવાય ગેરજવાબદારીપૂર્વકનું કૃત્યુ પણ છે. જે-તે વ્યક્તિને પોતાના ઇતિહાસ અને પોતાના નાયકો વિશે તો ખબર હોવી જ જોઈએ."

line

ગાંધીઆશ્રમના વાસીઓ હાઉસ અરેસ્ટ?

ધીમંત બઢિયા

ગાંધીને નજર રાખીને કંગનાએ આ ટિપ્પણી કરી હોવાનું માની અને ગાંધીઆશ્રમના વાસીઓ અને તેમના સંબંધીઓએ પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે કંગનાનું પૂતળું બાળવાની યોજના ઘડી હતી.

બુધવારે ચાર વાગ્યે તેઓ પોતાનો વિરોધ રજૂ કરવાના હતા.

પરંતુ સ્થાનિક પોલીસને આ બાબતની જાણ થતાં કાર્યક્રમના આયોજકો ધીમંત બઢિયા, હેમંત ચૌહાણ અને શૈલેશ રાઠોડને કથિતપણે હાઉસ અરેસ્ટ કરાયા હતા.

જોકે બીબીસી ગુજરાતીએ આ અંગે સ્થાનિક પોલીસ અધિકારી જૉઇન્ટ કમિનશર ઑફ પોલીસ ગૌતમ પરમાર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આયોજકોને હાઉસ અરેસ્ટ નથી કરાયા પરંતુ તેમને બેસાડી રખાયા છે અને અમુક કલાકોમાં જ છોડી દેવાશે.

આ અંગે બીબીસી ગુજરાતીએ કાર્યક્રમના આયોજકો અને અન્ય સમર્થકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાલ આ મામલે કોઈ વાત કરવા તૈયાર નહોતું.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો