આર્યન ખાન ડ્રગ્સ કેસ : આર્થર રોડ જેલને સૌથી ખતરનાક જેલ કેમ કહેવાય છે?
- લેેખક, મયંક ભાગવત
- પદ, બીબીસી મરાઠી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન જે જેલમાં ત્રણ અઠવાડિયાં કરતાં વધુ સમય સુધી બંધ રહ્યા તે આર્થર રોડ જેલ ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં છે.
ડ્રગ્સ મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આર્યનની આ મહિનાની શરૂઆતમાં જ ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ તેમને આ જ આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા, જ્યાં ઘણા કુખ્યાત ગુનેગારો, શાર્પ શૂટર્સ, મકોકા હેઠળ ધરપકડ કરાયેલા અપરાધીઓ સજા કાપી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Aryankhan/Insta
ઘણા ફિલ્મસ્ટાર, અંડરવર્લ્ડ ડૉન, રાજનેતા, ઉદ્યોગપતિ, આઈપીએસ અધિકારી જેવા ઘણા પ્રખ્યાત લોકો આ જેલમાં સમય પસાર કરી ચૂક્યા છે. આ હાઇપ્રોફાઇલ કેદીઓના કારણે જ આ જેલ સમાચારોમાં રહે છે.
આ જેલને સૌથી સુરક્ષિત જેલો પૈકી એક માનવામાં આવે છે. 26/11ના હુમલાના ગુનેગાર અજમલ આમિર કસાબનું નામ પણ આ જેલ સાથે જોડાયેલું છે.
આખરે આ જેલની વિશેષતા શું છે જેથી તેને સૌથી સુરક્ષિત જેલો પૈકી એક માનવામાં આવે છે?

ક્યારે બની હતી આર્થર રોડ જેલ?

1842થી 1846 સુધી બૉમ્બે (હવે મુંબઈ)ના ગવર્નર રહેલા સર જ્યૉર્જ આર્થરના નામે આ જેલનું નામ રાખવામાં આવ્યું છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે 1925-26માં બનાવવામાં આવી હતી.
જ્યારે તે બની ત્યારે તે બે એકર જમીન પર બનાવવામાં આવી હતી. પરંતુ સતત કેદીઓની સંખ્યા વધવાના કારણે નવી બૅરક બનાવવામાં આવી. અને આવી રીતે જેલપરિસર છ એકરમાં ફેલાઈ ગયું છે. આ મુંબઈની સૌથી મોટી જેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેન્ટ્રલ જેલ બન્યા બાદ 1994માં તેને અપગ્રેડ કરાઈ હતી અને વર્તમાન આધિકારિક નામ ‘મુંબઈ મધ્યવર્તી કારાગૃહ’ અપાયું હતું પરંતુ પોલીસ, કોર્ટ અને સામાન્ય માણસો વચ્ચે તે આજ પણ આર્થર રોડ જેલના નામે ઓળખાય છે.
આર્થર રોડ જેલના ઇતિહાસ વિશે એબીપી ન્યૂઝના ક્રાઇમ રિપોર્ટર જિતેન્દ્ર દીક્ષિત કહે છે કે, “આર્થર રોડ જેલનું અસલ નામ મુંબઈ સેન્ટ્રલ જેલ છે. પરંતુ આર્થર રોડ પર હોવાના કારણે તેને સામાન્યપણે આર્થર રોડ જેલના નામે જ ઓળખવામાં આવે છે.”
આ જેલ શહેરના પશ્ચિમમાં મહાલક્ષ્મી અને મધ્યના ચિંચપોકલી સ્ટેશનથી દસ મિનિટ દૂર આવેલી છે.

દેશની સૌથી ખતરનાક જેલ

ઇમેજ સ્રોત, REUTERS
આર્થર રોડ જેલમાં અંડરટ્રાયલ કેદીઓને રાખવામાં આવે છે. જિતેન્દ્ર દીક્ષિત કહે છે કે, “આર્થર રોડ જેલને દેશની સૌથી ખતરનાક જેલો પૈકી એક માનવામાં આવે છે.”
આનું કારણ એ છે કે અહીં ગંભીર ગુનાના આરોપીઓ, અંડરવર્લ્ડ સાથે જોડાયેલા આરોપીઓને પણ રાખવામાં આવે છે.
12 માર્ચ 1993ના રોજ થયેલા મુંબઈ બૉમ્બ ધડાકાના આરોપી, અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ, છોટા રાજન અને અરુણ ગવલીના શાર્પ શૂટર્સ હજુ પણ આ જેલમાં જ કેદ છે.

અંડા સેલ

ઇમેજ સ્રોત, Getty Images
ગંભીર અપરાધ કે ઉગ્રવાદના આરોપીઓને રાખવા માટે અહીં એક અત્યંત સુરક્ષિત સેલ છે. જ્યાં અત્યંત ગંભીર પ્રકારના અપરાધ કરનારાઓને એકલા રાખવામાં આવે છે.
જેલના અધિકારીઓએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે જેલમાં એક અંડાકાર સેલ છે. તેથી તેને અંડાસેલ કહેવાય છે.
સેલમાં કુખ્યાત અસામાજિક તત્ત્વો, શાર્પ શૂટર્સ અને ઉગ્રવાદના આરોપીઓને રાખવામાં આવે છે. 1993ના બૉમ્બ ધડાકાના આરોપીઓને પણ અહીં રાખવામાં આવ્યા હતા.
અધિકારીઓ પ્રમાણે આર્થર રોડ જેલમાં કેદીઓને રાખવા માટે 14 સામાન્ય બૅરક, એક ઉચ્ચ સુરક્ષા સેલ અને છ જુદી-જુદી બૅરક છે. પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન અહીં બૅરકોની સંખ્યામાં વધારો થયો છે.
ગૅંગસ્ટર અબૂ સલેમ અને દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરના પ્રત્યર્પણ બાદ તેમને પણ અંડા સેલમાં રાખવામાં આવ્યા હતા.

જેલ સાથે જોડાયેલા વિવાદ

આર્થર રોડ જેલમાં દાઉદ ગૅંગ, રાજન ગૅંગ અને ગવલી ગૅંગ સાથે જોડાયેલાં ઘણાં નામ આ જેલમાં કેદ છે અને તેઓ જેલમાં પોતાના વર્ચસ્વની લડાઈમાં એકબીજા સામે પણ આવતા રહે છે.
અહીં ઘણી વાર ગૅંગવૉરની ઘટના પણ થઈ છે. આવી જ એક ઘટના 2006માં થઈ હતી.
જિતેન્દ્ર દીક્ષિત જણાવે છે કે જેલમાં આરોપીઓ ભોજનની થાળી અને ચમચીને હથિયાર બનાવે છે ત્યારે થયેલા હુમલામાં અબુ સલેમ ઘાયલ થયા હતા.
ગૅંગવૉરની ઘટનાના કારણે જેલની અંદર કેદીઓ મૃત્યુ પામ્યા હોવાની પણ ઘટનાઓ બની છે. જેલમાં આરોપીઓ પાસે મોબાઇલ ફોન અને ડ્રગ્સ મળવાના સમાચાર સતત આવતા રહે છે.
વર્ષ 2006માં તત્કાલીન જેલ અધીક્ષક સ્વાતિ સાઠેએ એક ડ્રગ્સવિરોધી અભિયાન શરૂ કરીને આ બધું બંધ કરાવ્યું.

‘મની મૅન જેન્ટલમૅન, નો મની મેન્ટલ મૅન’

ઇમેજ સ્રોત, Getty Images
‘મની મૅન જેન્ટલમૅન, નો મની મેન્ટલ મૅન’ – એક સમય એવો હતો જ્યારે આ જેલ વિશે આવું કહેવાતું.
જિતેન્દ્ર દીક્ષિત કહે છે કે, “આનો અર્થ એ છે કે જેની પાસે પૈસા છે તેમના માટે આ જેલ જેલ નથી રહેતી અને જેમની પાસે પૈસા નથી તેમના માટે આ જેલ નરકથી કમ નથી હોતી.”
જોકે જેલપ્રશાસન હંમેશાં એવો દાવો કરે છે કે અહીં બધું સુરક્ષિત છે.
જેલ અધિકારીઓનું કહેવું છે કે, “હાઈ- રિસ્ક અને હાઈ-પ્રોફાઇલ કેદીઓને અલગ રાખવામાં આવે છે, અને જનરલ બૅરકમાં કેદીઓને ત્યાં જવાની પરવાનગી નથી હોતી.”
જેલમાં ગૅંગવૉર પર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક પ્રવીણ દીક્ષિત કહે છે કે, “જેલોમાં ગૅંગવૉર જેવી ઘટનાઓ થતી જ રહે છે. તેથી જુદી-જુદી ગૅંગના કેદીઓને જુદી-જુદી જેલોમાં રાખવા જોઈએ, જેથી આ કેદીઓ એકબીજાની સામસામે ન આવી જાય.”

ક્ષમતા કરતાં વધુ કેદી

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE
આ જેલમાં વધુમાં વધુ 800 કેદી રહી શકે તેટલી ક્ષમતા છે. પરંતુ જેલના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે અહીં લગભગ ત્રણ હજાર કેદી છે.
આર્થર રોડ જેલમાં વધુ કેદીઓની આ સમસ્યા વર્ષોથી વધતી જ જઈ રહી છે.
મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઈ તલોજામાં એક નવી જેલ બનાવી છે જે બાદ આર્થર રોડ જેલમાં કેદીઓની સંખ્યા ઓછી થઈ પરંતુ હજુ પણ કેટલીક વધુ ભીડ ધરાવતી બૅરકો બાકી છે.
રાજ્યના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક પ્રવીણ દીક્ષિત કહે છે કે, “મુંબઈ અને ઠાણેની જેલોમાં ભારે સંખ્યામાં કેદીઓ છે. જ્યારે રાજ્યની અન્ય જેલોમાં કેદીઓની સંખ્યા અત્યંત ઓછી છે. તેથી મોટાં શહેરોમાંથી કેદીઓને ત્યાં મોકલવા જોઈએ.”
અવારનવાર એવા પણ આરોપો થાય છે કે ભીડવાળી જેલોમાં સારી રીતે દેખરેખ નથી કરાતી.
1993 મુંબઈ ધડાકાની ટ્રાયલ

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP/GETT
આર્થર રોડ જેલમાં 12 વર્ષ કરતાં પણ વધુ સમયથી મુંબઈ બૉમ્બ ધડાકા મામલાની સુનાવણી ચાલી રહી છે.
અભિનેતા સંજય દત્તને પણ આર્થર રોડ જેલમાં જ રાખવામાં આવ્યા હતા.
સુરક્ષાના કારણે મુંબઈ બૉમ્બ ધડાકાની સુનાવણી જેલની અંદર બેસાડવામાં આવેલી વિશેષ ટાડા કોર્ટથી શરૂ થઈ.
જસ્ટિસ પી. ડી. કોડેએ આ મામલે સંજય દત્ત સહિત 100 આરોપીઓને ગુનેગાર જાહેર કર્યા હતા. તેઓ તમામને આ જ આર્થર રોડ જેલમાં કેદ રાખવામાં આવ્યા હતા.
બળાત્કારના આરોપમાં પકડાયેલા અભિનેતા શાઇની આહૂજાને પણ આ જ જેલમાં બંધ કરાયા હતા.

કસાબ માટે વિશેષ કોર્ટ

ઇમેજ સ્રોત, SABASSTIAN D'SOUZA
2008માં મુંબઈ પર સૌથી મોટો ઉગ્રવાદી હુમલો થયો. ઉગ્રવાદી અજમલ આમિર કસાબની ધરપકડ કરાઈ.
કસાબને આર્થર રોડ જેલમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા હતા. કસાબ માટે અહીં અતિ સુરક્ષિત બૅરક બનાવવામાં આવી હતી. જેલમાં જ અદાલત બનાવવામાં આવી હતી.
સુનાવણી માટે કસાબને તેમના સેલમાંથી સ્પેશિયલ કોર્ટ લઈ જવા દરમિયાન તેમના નાસૂ છૂટવા કે માર્યા જવાનો ખતરો હતો, તેથી તેમને સીધા સેલમાંથી કોર્ટ સુધી લઈ જવા માટે સુરંગ બનાવવામાં આવી હતી.
જ્યારે કસાબને ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે તેમને અહીંથી પુણેની યરવદા જેલ મોકલી દેવાયા.

રાજકારણી અને મોટા અધિકારી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
મહારાષ્ટ્રની ઠાકરે સરકારમાં છગન ભુજબલ પણ જ્યારે મની લૉન્ડ્રિંગના કેસમાં પકડાયા હતા ત્યારે તેમને અહીં જ રાખવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચારના આરોપમાં અમુક પોલીસ અને સરકારી અધિકારી પણ અહીં આરોપી તરીકે રાખવામાં આવ્યા હતા.
આર્થર રોડ જેલ એક રેસિડેન્સિયલ વિસ્તારમાં છે તેથી અહીં સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















