લખીમપુર ખીરી હિંસા મામલે ચોથી વ્યક્તિની ધરપકડ, મંત્રીના પુત્ર આશિષ મિશ્રની પૂછપરછ
લખીમપુર ખીરી હિંસા મામલે એસઆઈટીએ મંગળવારે સવારે દસ વાગ્યે મુખ્ય આરોપી આશિષ મિશ્રને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પણ લીધા છે.
ક્રાઇમ બ્રાન્ચ અને એસઆઈટીની ટીમ આરોપી આશિષ મિશ્રની પૂછપરછ કરી રહી છે. તો તિકુનિયામાં થાર અને ફૉર્ચ્યુનરથી ખેડૂતોને કચડવા મામલે અન્ય એક આરોપી શેખર ભારતીની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા, જેમને 14 દિવસ સુધી ન્યાયિક હિરાસતમાં જેલ મોકલી આપવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Anant Zanane
શેખર ભારતી મામલામાં એક અન્ય આરોપી અને આશિષ મિશ્રના સાથી અંકિત દાસના સહયોગી છે.
એસપીઓ એસપી યાદવે જણાવ્યું કે શેખર ભારતીના પોલીસ રિમાન્ડ માટે અરજી દાખલ કરાશે.
આ મામલે આરોપી અંકિત દાસ અને લતીફે કોર્ટમાં સરેન્ડર અરજી આપી છે, જેના પર એસપીઓએ તિકુનિયા સ્ટેશનથી રિપોર્ટ મંગાવ્યો છે.
એસઆઈટીના ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલની ટીમે મંગળવારે દુર્ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી.

લખીમપુર ખીરીમાં મૃતકો માટે અંતિમ અરદાસ: રાકેશ ટિકૈતની માગ 'મંત્રી અજય મિશ્રને બરતરફ કરો'

ઇમેજ સ્રોત, Anant Zanane
લખીમપુર ખીરીમાં હિંસા દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોની અંતિમ પ્રાર્થનાસભા મંગળવારે યોજાઈ, જેમાં ભાગ લેવા માટે કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી તથા ખેડૂતનેતા પહોંચ્યાં હતાં.
લખીમપુર ખીરીથી બીબીસી પ્રતિનિધિ અનંત ઝણાણે જણાવે છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રાર્થનસભામાં ભાગ લીધો હતો અને ગુરૂગ્રંથ સાહિબને માથું ટેકવ્યું. તેઓ ત્યાં થોડો સમય માટે બેઠાં, પરંતુ કોઈ નિવેદન આપ્યું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે અમુક ઘાયલ ખેડૂતોના ખબરઅંતર પણ જાણ્યા હતા. મુલાકાત વિશે ટ્વીટ કરતા કૉંગ્રેસના સત્તાવાર હૅન્ડલ ઉપરથી જણાવવામાં આવ્યું, "ખેડૂતો દેશની કરોડરજ્જુ છે તથા તેને મજબૂત કરવી અમારું લક્ષ્ય છે."
કેન્દ્રીય પ્રધાનની ધરપકડ થાય

ઇમેજ સ્રોત, Anant Zanane/BBC
ત્રીજી ઑક્ટોબરના કેન્દ્રીય ગુહ (રાજ્ય) મંત્રી અજય મિશ્ર ટેનીના કાર્યક્રમ દરમિયાન ગાડી હેઠળ કચડાઈ જવાને કારણે ખેડૂતોનાં મૃત્યુ થયાં હતાં.
પ્રધાનપુત્ર આશિષ મિશ્ર હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. આ વિશે ટિપ્પણી કરતા બીકેયુના વડા રાકેશ ટિકૈતે કહ્યું, "આ રેડકાર્પેટ ધરપકડ હતી." આશિષ મિશ્રની પૂછપરછને પણ તેમણે 'પુષ્પગુચ્છ સાથેની પૂછપરછ' ગણાવી હતી.
શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ ટેનીના ગામ બનવીરપુરથી માત્ર ચાર કિલોમીટરના અંતરે યોજાયો હતો. મંચ પરથી ટિકૈતે કહ્યું, "જ્યાર સુધી પ્રધાન અજય મિશ્રને પદ પરથી હઠાવવામાં નહીં આવે તથા કાવતરાના કેસમાં તેમની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાર સુધી આંદોલન યથાવત્ રહેશે."
ચાર ખેડૂત તથા પત્રકારના પરિવારજનોને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંચ પરથી જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોના અસ્થિકળશને ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં લઈ જવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિને જોતા પોલીસ તથા અર્ધસૈનિક બળો તહેનાત કરવામાં આવ્યાં હતાં તથા લખનૌથી આવતાં વાહનોની જડતી લેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Anant Zanzane
રસ્તામાં કૉંગ્રેસવિરોધી બેનર લગાવવામાં આવ્યાં છે તથા લોકોને 1984નાં શીખવિરોધી રમખાણોની યાદ અપાવવામાં આવી રહી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. 45-45 લાખ તથા આરોપીઓની ધરપકડ જેવી માગ સ્વીકારી લેવામાં આવી છે.

કૉંગ્રેસવિરોધી બેનર

ઇમેજ સ્રોત, Anant zanane/BBC
બીબીસી પ્રતિનિધિ અનંત ઝણાણે જણાવે છે કે પોસ્ટરમાં લખ્યું હતું, "નથી જોઈતી તમારી નકલી સહાનુભૂતિ, 1984નાં હુલ્લડોના જવાબદારો પાસે લખીમપુર ખીરીના ખેડૂતોને સહાનુભૂતિ નથી જોઈતી."
અન્ય એક પોસ્ટર પર સંદેશ લખેલો હતો, "નથી જોઈતી તમારી નકલી સહાનુભૂતિ, લોહીથી ખરડાયેલું છે, તમે શું સાથ દેશો અમારો, નથી જોઈતો સાથ તમારો."
આ બેનર સરદાર રવીન્દરસિંહ ભસીન તથા લઘુમતી પંચના સભ્ય સરદાર પરવીન્દરસિંહ વગેરેનાં નામથી લગાડવામાં આવ્યાં હતાં

રાકેશ ટિકૈત અને પ્રિયંકા ગાંધીની હાજરી

ઇમેજ સ્રોત, Anant Jhanane
સંયુક્ત કિસાન મોરચા દ્વારા તિકુનિયાની મહારાજા અગ્રસેન ઇન્ટર કૉલેજ ખાતે મૃતક ચાર ખેડૂતોની સંયુક્ત અંતિમ અરદાસ (પ્રાર્થનાસભા)નો કાર્યક્રમ રાખવામાં આવ્યો. લવપ્રિતસિંહ તથા નક્ષત્રસિંહ લખીમપુર ખીરીના નિવાસી હતા, જ્યારે ગુરબિંદરસિંહ તથા દલજિતસિંહ બહરાઇચના રહેવાસી હતા.
મૃત પત્રકાર રમન કશ્યપનો પરિવાર પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બીકેયુના રાકેશ ટિકૈત સોમવાર રાત્રિથી જ ત્યાં પહોંચી ગયા હતા. આ માહિતી તેમણે ટ્વિટર ઉપર આપી હતી.
કાર્યક્રમમાં લખીમપુર ખીરી, બહરાઇચ ઉપરાંત પાડોશના સીતાપુર તથા પીલીભીતના ખેડૂત પણ એકઠા થયા હતા.
લખીમપુર ખીરી જતી વખતે રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીને બરેલીના સ્થાનિક તંત્ર દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા. ચૌધરીના સલાહકાર વીરપાલ મલિકે બીબીસી સંવાદદાતા દીલનવાઝ પાશાને આ વિશે માહિતી આપી હતી.
આ મુદ્દે લોકદળના કાર્યકરોએ હોબાળો કરતા તેમને જવા દેવામાં આવ્યા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















