ભરૂચ જિલ્લા પંચાયત : ભાજપના નેતા પર ‘ત્રણ બાળકો’હોવાનો આરોપ, સભ્યપદનો વિવાદ શું છે?

ભાજપના ઉમેદવાર પર ત્રણ બાળકો હોવાનો આરોપ મૂકી સભ્યપદ રદ કરાવવા હરીફ ઉમેદવાર ગુજરાત હાઇકોર્ટની શરણે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપના ઉમેદવાર પર ત્રણ બાળકો હોવાનો આરોપ. હારનાર હરીફ ઉમેદવાર ગુજરાત હાઇકોર્ટની શરણે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભરૂચ જિલ્લા પંચાયત હાલ રાજકીય મહત્ત્વાકાંક્ષાઓનું સમરાંગણ બની હોય તેવું લાગી રહ્યું છે.

ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપની બેઠક પરથી ચૂંટાઈ આવેલા ઉમેદવાર સલીમખાન રહેમાનખાન પઠાણે પોતાનું સભ્યપદ બચાવવા માટે કાનૂની લડત છેડી છે.

સલીમખાન પઠાણનો આરોપ છે કે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીએ તેમનાં ત્રણ સંતાનો હોવાનો ખોટો આક્ષેપ કરી તેમનું સભ્યપદ રદ કરાવવા માટે કાવતરું ઘડ્યું છે.

સલીમખાન પઠાણનો દાવો છે કે ભૂતકાળમાં તેમની સામે ચૂંટણી હારી જનાર ઉમેદવારે તેમના ભાઈના બાળકને તેમનું બાળક ગણાવી ખોટા દસ્તાવેજોને આધારે તેમની સામે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કર્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષ 2005થી પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવાર માત્ર બે બાળકોનાં માતા કે પિતા હોવા જોઈએ તેવું અનિવાર્ય બનાવાયું હતું. આ જોગવાઈ વર્ષ 2006થી સમગ્ર રાજ્યમાં લાગુ કરાઈ હતી.

તે અનુસાર 2006ની નક્કી કરેલ તારીખ બાદ જો કોઈ વ્યક્તિ ત્રીજા સંતાનનાં માતા કે પિતા બને તો તે ગુજરાતમાં પંચાયતના ત્રણે સ્તરની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે.

આ સમગ્ર મામલા અંગે વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ તમામ પક્ષકારો અને અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ગુજરાત હાઇકોર્ટ

ભરૂચ જિલ્લા પંચાયતમાં પાલેજથી ભાજપના ઉમેદવાર તરીકે જીતેલા સલીમખાન રહેમાનખાન પઠાણ જીત્યા હતા.

નોંધનીય છે કે એક વખત ત્રણ બાળકો હોવાનો આરોપ લાગવાને કારણે સભ્યપદ પરથી બરખાસ્ત થઈ ચૂકેલા સલીમખાન પઠાણ પોતે બે બાળકોના પિતા હોવાનો દાવો કરે છે.

તેમનો દાવો છે કે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ આ કાયદાની જોગવાઈનો લાભ લેવા માટે તેમના ભત્રીજા મોઇનુદ્દીન ખાનને તેમનું ત્રીજું સંતાન ગણાવી તેમનું જિલ્લા પંચાયતનું સભ્યપદ રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે. જે બાબત તેમણે પ્રતિસ્પર્ધી સલીમ નિઝામ પઠાણ સામે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

line

અગાઉ પણ સર્જાઈ ચૂક્યો છે વિવાદ

અગાઉ પણ બે કરતાં વધુ બાળકને કારણે જીતેલા પદ પર ફરજ નહોતા બજાવી શક્યા સલીમખાન પઠાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અગાઉ પણ બે કરતાં વધુ બાળકને કારણે જીતેલા પદ પર ફરજ નહોતા બજાવી શક્યા સલીમખાન પઠાણ

આ સમગ્ર મામલામાં સલીમખાન પઠાણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાની સાથે આવું જ કાવતરું પહેલાં થઈ ચૂક્યું હોવાનું કહે છે.

તેઓ કહે છે કે, "હું જ્યારે વર્ષ 2010માં તાલુકા પંચાયતમાં વૉર્ડ નંબર 18માંથી ચૂંટણી લડ્યો હતો ત્યારે મારી સામે હારી ગયેલા ઉમેદવાર સલીમ નિઝામ પઠાણે મારા ભત્રીજાને મારા પુત્ર તરીકે દર્શાવતાં દસ્તાવેજો રજૂ કરી સાત જાન્યુઆરી, 2012ના રોજ મારું સભ્યપદ રદ કરાવવા માટેની અરજી કરી હતી."

તેઓ આગળ જણાવે છે કે, "તે સમયે સક્ષમ અધિકારીએ તેમની ફરિયાદ માન્ય રાખીને મારું સભ્યપદ રદ પણ કરી દીધું હતું. મેં આ નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી તો આ મામલાનો ચુકાદો આવે એ પૂર્વે પંચાયતની મુદત ખતમ થઈ જતાં જજે કેસ રદ કરી દીધો હતો."

સલીમખાન પઠાણનો દાવો છે કે, "વર્ષ 2021માં જિલ્લા વિકાસ અધિકારીએ આઠ જાન્યુઆરી, 2021ના રોજ પુરાવાના આધારે જૂનો આદેશ રદ કર્યો."

તેઓ આ સ્પષ્ટતાના આધારે પોતે ફરીથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હોવાનો દાવો કરતાં કહે છે કે, "જૂનો આદેશ રદ થઈ જતાં હું ભાજપમાંથી પાલેજની બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્યપદ માટેની ચૂંટણી લડ્યો. આ વખત પણ હું ચૂંટણીમાં મારા હરીફ ઉમેદવાર મહમ્મ્દ યુસુફ અફઝલ ઘોડીવાળાને હરાવવામાં સફળ રહ્યો."

line

ખોટા દસ્તાવેજો ઘડવામાં આવ્યા?

સલીમખાન પઠાણના રાજકીય હરીફે ખોટા દસ્તાવેજો ઘડી સભ્યપદ રદ કરાવવા માટે કાવતરું રચ્યું હોવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સલીમખાન પઠાણના રાજકીય હરીફે ખોટા દસ્તાવેજો ઘડી સભ્યપદ રદ કરાવવા માટે કાવતરું રચ્યું હોવાનો આરોપ

સલીમખાન પઠાણનો આરોપ છે કે એમના નાના ભાઈ રહેમાનખાન પઠાણના પુત્ર મોઇનુદ્દીન પઠાણનો જન્મ 10 નવેમ્બર, 2010ના રોજ વડોદરાની ઉમા હૉસ્પિટલમાં થયો હતો.

તેમનું કહેવું છે કે, "મારા ભત્રીજાના જન્મ અંગેના અને અન્ય દસ્તાવેજોમાં પિતા તરીકે મારા નાના ભાઈનું નામ હોવા છતાં વડોદરા ખાતેની બદામડીબાગ જન્મમરણ નોંધણીની કચેરીમાં મારા નાના ભાઈના પુત્રને મારો પુત્ર ગણાવતું કથિત બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે."

સલીમખાન પઠાણનો દાવો છે કે આ બનાવટી સર્ટિફિકેટમાં તેમના ભત્રીજાની જન્મતારીખ 10 નવેમ્બરને બદલે 27 નવેમ્બર દર્શાવાઈ છે.

સલીમખાન પઠાણ કહે છે કે, "આ બનાવટી દસ્તાવેજને આધારે આ વખત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મારી સામે હારી ગયેલ ઉમેદવાર મહમ્મ્દ યુસુફ અફઝલ ઘોડીવાળા હાઈકોર્ટની શરણે ગયા છે. જેથી મારું સભ્યપદ રદ કરાવી શકે."

આ બાબતે આરોપી પક્ષનો મત જાણવા માટે બીબીસી ગુજરાતીએ સલીમ નિઝામ પઠાણનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

line

મામલાની તપાસ થઈ શરૂ

સલીમખાન પઠાણનો દાવો છે કે તેમને માત્ર બે જ સંતાનો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સલીમખાન પઠાણનો દાવો છે કે તેમને માત્ર બે જ સંતાનો છે (પ્રતીકાત્મક તસવીર)

આ મામલે પોલીસફરિયાદ થયા પછી આરોપી સલીમ નિઝામ પઠાણ સામે પણ તપાસ શરૂ થઈ છે.

બીબીસી ગુજરાતીએ આ મામલે ભરૂચના ડેપ્યુટી ડેવલપમૅન્ટ ઑફિસર યોગેશ ચૌધરીનો સંપર્ક સાધતાં એમણે કહ્યું કે, "આ મામલો જૂનો છે. અગાઉ સલીમખાન પઠાણનું જે-તે સમયે ત્રણ બાળકો હોવાના આક્ષેપને કારણે સભ્યપદ રદ થયું હતું અને ત્યારબાદ મુખ્ય જિલ્લા અધિકારીએ એમના કાગળોની તપાસ કરીને અગાઉનો હુકમ રદ કર્યો હતો, અત્યારે આ મામલો ફરી ઊભો થયો છે. કહેવાતો જન્મનો નકલી દાખલો વડોદરામાં બન્યો હોવાથી, વડોદરાની રાવપુરા પોલીસ એ મામલાની તપાસ કરી રહી છે, અમે તમામ દસ્તાવેજ વડોદરા પોલીસને આપી દીધા છે."

line

જરૂર પડ્યે DNA ટેસ્ટ કરાવીશું

પોલીસ તપાસ માટે તમામ વિકલ્પો અનુસરશે તેવો દાવો કરાયો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસ તપાસ માટે તમામ વિકલ્પો અનુસરશે તેવો દાવો કરાયો છે

આ કેસની તપાસ કરી રહેલા રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. કે.પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હાલ આ મામલે પ્રાથમિક તપાસ ચાલુ છે. જન્મમરણ કચેરીના અધિકારીઓનું અને ભરૂચના ટંકારિયા હેલ્થ સેન્ટરના કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. ભરૂચ જિલ્લા વિકાસ કચેરીથી જરૂરી દસ્તાવેજો મંગાવી લીધા છે."

વીડિયો કૅપ્શન, ગુજરાત : ભરૂચની સુજની કળા જેની શરૂઆત જેલમાં થઈ

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "આરોપીની તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે, આરોપીની પૂછપરછ પછી જ અમે કોઈ નિર્ણય પાર પહોંચી શકીશું. અમારી પ્રાથમિક તપાસનો અહેવાલ હાઈકોર્ટમાં તાત્કાલિક રજૂ કરીશું અને કોર્ટનો આદેશ હશે તો DNA. ટેસ્ટ માટેની કવાયત પણ હાથ ધરીશું. આ કોઈ સામાન્ય ક્રિમિનલ કેસ ન હોઈ આની ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો