કંદહાર અને હેરાતમાં ભારતીય દૂતાવાસોની તાલિબાની તલાશી, તાળાં તૂટ્યાં

ઇમેજ સ્રોત, Reuters
તાલિબાન કંદહાર અને હેરાતમાં બંધ ભારતીય દૂતાવાસોનું તાળું તોડીને તલાશી અભિયાન શરૂ કર્યું છે.
તાલિબાને કંદહાર અને હેરાતમાં બંધ પડેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસોનાં તાળાં તોડીને તેમાં પ્રવેશીને શોધખોળ કરી હતી.
'એનડીટીવી'ના રિપોર્ટ મુજબ તાલિબાનીઓએ દૂતાવાસના કબાટમાં રાખેલા દસ્તાવેજો ફંફોસ્યા અને પાર્કિંગમાં રહેલાં વાહનો સાથે લઈ ગયા હતા. જોકે, જલાલાબાદસ્થિત દૂતાવાસ અંગે જાણકારી મળી નથી.
અહેવાલ અનુસાર હક્કાની નેટવર્કના 6 હજાર લડાકુ સભ્યોએ કાબુલ પર કબજો જમાવી લીધો છે. તેઓ તાલિબાન સમૂહના પ્રમુખ અને તાલિબાનના ઉપનેતા સિરાજુદ્દીન હક્કાનીના ભાઈ અનસ હક્કાનીના નેતૃત્વમાં કાબુલમાં કાર્યવાહી કરી રહ્યા છે.
અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે કાબુલમાં રાજ્યની જાસૂસી એજન્સી એનડીએસ માટે કામ કરનાર લોકોની તથા અમેરિકા-નેટો સેનાને મદદ કરનારની લોકોની શોધખોળ તાલિબાન ઘરેઘરે જઈને કરી રહ્યું છે.
અનસ હક્કાની અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને એચસીએનઆરના પ્રમુખ અબ્દુલ્લ અબ્દુલ્લાને મળ્યા. તેનાથી એ પણ ખબર પડે છે કે કરઝાઈ અને અબ્દુલ્લાની ગતિવિધિઓ પર તાલિબાનનું નિયંત્રણ છે.
આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાન મામલે અલગ સેલ શરૂ કર્યો છે અને મદદ માટે નંબરો આપવામાં આવ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં પોણા ચાર કરોડ લોકો કોરોના રસીના બીજા ડોઝથી વંચિત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ કેરળ જેવા કેટલાક રાજ્યો સિવાય નિયંત્રણમાં જણાવવામાં આવી રહી છે. જોકે, દેશમાં કોરોનાની રસીની અછતને કારણે 3.86 કરોડ લોકો સમયસર કોરોના વિરોધી રસીના બીજા ડોઝથી વંચિત રહી ગયા હતા તેમ સરકારે એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30,401 કેસ નોંધાયા છે જ્યારે 530 લોકો મૃત્યુ પામ્યાં છે.
'ધ હિંદુ'ના રિપોર્ટ અનુસાર આરટીઆઈ ઍક્ટિવિસ્ટ રમણ શર્માએ સરકાર પાસે કોરોની રસીનો પહેલો ડોઝ લીધો હોય, પરંતુ બીજો ડોઝ સમયસર ન મળી શક્યો હોય તેવા લોકોની સંખ્યા અંગે વિગતો માગી હતી.
આ આરટીઆઈના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ-19 વેક્સિન ઍડમિનિસ્ટ્રેશન સેલે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ રસીનો પહેલો ડોઝ લીધાના 84-112 દિવસ પછી બીજો ડોઝ લેવાની તેમજ કોવેક્સિન રસીના બે ડોઝ વચ્ચે 28-42 દિવસનું અંતર રાખવાની ભલામણ કરાઈ છે.
જોકે, અહેવાલ કૉવિન પૉર્ટલના આંકડાને ટાંકીને લખે છે કે 17 ઑગસ્ટ સુધીમાં કુલ 3.40,72,993 લોકો એવા હતા કે જેમણે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો હતો પરંતુ સરકારે નિયત કરેલી સમયમર્યાદામાં બીજો ડોઝ લીધો નથી.
આ જ રીતે 17 ઑગસ્ટ 2021 સુધીમાં 46,78,406 લોકોએ કોવૅક્સિનની રસીનો પહેલો ડોઝ લીધો છે પરંતુ સરકારી સમયમર્યાદામાં બીજો ડોઝ લીધો નથી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં અને વિશ્વમાં પણ વૅક્સિનના બેઉ ડોઝ લેનારને કોરોના સામે રક્ષણ મળે છે એમ સલાહ આપવામાં આવે છે.
કોવિશિલ્ડ વૅકસિનના બે ડોઝ વચ્ચેનું અંતર સરકારે વધાર્યું હતું અને એ માટે રસીની અછત નહીં પરંતુ નિષ્ણાતોની ભલામણનો હવાલો આપવામાં આવ્યો હતો. તાજેતરમાં કોરોનાની બે અલગ અલગ રસીના ડોઝથી કેટલું રક્ષણ મળી શકે તે અંગે પ્રાથમિક સંશોધન થયું છે અને આગળ પરીક્ષણ થઈ રહ્યું છે.
કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી મુજબ ગુરુવાર બપોર સુધીમાં દેશમાં 44,22,85,854 લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 12,59,07,443 લોકોએ બીજો ડોઝ લીધો છે.

પશ્ચિમ બંગાળમાં હિંસાની સીબીઆઈ તપાસનો હાઈકોર્ટે આદેશ આપ્યો

ઇમેજ સ્રોત, SANJAY DAS
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં ફાટી નિકળેલી હિંસામાં ભોગ બનેલાઓની ફરિયાદો પણ નોંધાતી નહીં હોવાના આક્ષેપોને માન્ય રાખીને કલકત્તા હાઈકોર્ટે બળાત્કાર અને હત્યા સહિતના બધા જ જઘન્ય ગુનાઓના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ વધુમાં ચૂંટણી પછીની કથિત હિંસાના તમામ કેસની સ્વતંત્ર તપાસ માટે થયેલી એક જાહેરહિતની અરજીની સુનાવણીમાં પાંચ જજોની પીઠે સર્વાનુમતે એસઆઈટીની તપાસનો આદેશ આપ્યો છે.
બંગાળમાં ચૂંટણી પછીની હિંસા મુદ્દે કલકત્તા હાઈકોર્ટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની પેનલની બધી જ ભલામણો સ્વીકારી લીધી છે. કલકત્તા હાઈકોર્ટ દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોની એસઆઈટીમાં પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારીઓ સુમન બાલા સાહૂ, સૌમેન મિત્રા અને રણવીર કુમારનો સમાવેશ થાય છે.
આ એસઆઈટી હિંસા દરમિયાન લૂંટ, આગચંપી, તોડફોડ, હુમલા, બળાત્કાર સહિતના કેસોની તપાસ કરશે.
કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલના નેતૃત્વમાં પાંચ સભ્યોની બેન્ચે કહ્યું કે બંને તપાસ અદાલતના નિરીક્ષણ હેઠળ થશે.
બેન્ચે સીબીઆઈને આગામી છ સપ્તાહમાં તેનો તપાસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
આ સાથે જ અદાલતે રાજ્ય સરકારને હિંસા પીડિતોને કોઈ પણ વિલંબ વિના વળતર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
અગાઉ ત્રીજી ઑગસ્ટે હાઈકોર્ટે હિંસા સંબંધિત જાહેરહિતની અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો.

નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે તે સોમનાથનો નવો વૉક-વે કેવો દેખાય છે?
12 જ્યોર્તિલિંગોમાંથી એક સોમનાથમાં 80 કરોડના ખર્ચે થયેલા વિકાસકાર્યોનું આજે વડા પ્રધાન મોદી લોકાર્પણ કરી રહ્યા છે.
આ લોકાર્પણમાં વડા પ્રધાનની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ હાજરી આપશે.
મંદિરને ફરતે એક સમુદ્રદર્શન માટે વૉક વે બનાવવામાં આવ્યો છે. આ ફેરફારો બાદ સોમનાથ મંદિર કેટલું બદલાયું છે. જુઓ આ વીડિયોમાં...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટમાં ચૅરમૅન છે અને ગૃહમંત્રી અમિત શાહ ટ્રસ્ટી છે. તો શું ભારતમાં બંધારણીય હોદ્દો ધરાવનાર કોઈ ધાર્મિક ટ્રસ્ટમાં હોદ્દા પર રહી શકે? આ મામલે કાયદાકીય જોગવાઈ શું છે? વાંચો વિશેષ અહેવાલ અહીં ક્લિક કરીને.

ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















