જુલાઈ માસમાં રિટેલ ફુગાવો ઘટ્યો પણ મોંધવારી કેટલી ઘટી? – Top News

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે જુલાઈમાં રિટેલ ફુગાવો 5.59 ટકા રહ્યો. જે આ વર્ષના જૂન મહિના કરતાં 0.67 ટકા ઓછો છે. તે જૂન 2021માં 6.26 અને જુલાઈ-2020માં 6.73 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. જોકે, જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને 13.6 ટકા થયું હતું જે મે મહિનામાં 29.3 ટકા હતું.
'ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર આ સાથે જ રિટેલ ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)ની લક્ષ્ય શ્રેણીમાં આવી ગયો છે.
સરકારી આંકડાઓ અનુસાર આ ઘટાડો ખાદ્ય પદાર્થોનાં ભાવમાં ઘટાડો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે થયો છે. સરકારે RBIને રિટેલ ફુગાવો 2 ટકાના માર્જિન સાથે 4 ટકા પર રાખવાનો લક્ષ્ય આપ્યું છે.
જુલાઈમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડૅક્સ 3.96 ટકા હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનમાં આ દર 5.15 ટકા હતો. જૂનમાં, ખાણ ઉત્પાદન 23.1 ટકા અને વીજ ઉત્પાદન 8.3 ટકા વધ્યું હતું.
જોકે અહેવાલ અનુસાર અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ગુડ્ઝ અને સર્વિસિઝ બેઝ્ડ ભાવવધારો હજુ પણ યથાવત રહેવાથી અને તેની ઇનપુટ કિંમતોમાં વધારો થવાની શક્યતા હોવાથી મોંઘવારીનો દર જળવાઈ રહેશે. તથા તેમનું એવું પણ માનવું છે કે, અર્થવ્યવસ્થા હજુ પણ મંદીમાંથી બહાર નથી આવી.

ચંદ્રયાન-2ને ચંદ્ર પર પાણીનો પુરાવો મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ઈસરોના બીજા ચંદ્રમિશન ચંદ્રયાન-2એ ચંદ્ર પર પાણીની હાજરી શોધી કાઢી છે, એમ મિશન દ્વારા પ્રાપ્ત માહિતી પરથી જાણવા મળ્યું છે.
ઈસરોના ભૂતપૂર્વ ચૅરમૅન એ. એસ. કિરણકુમાર દ્વારા સંયુક્ત રીતે લખાયેલા લેખમાં જણાવાયું હતું કે, ચંદ્રયાન-2ના પૅલોડ પરના ઇમૅજિંગ ઇન્ફ્રારૅડ સ્પૅક્ટ્રોમિટર (આઈઆઈઆરએસ) દ્વારા આ ડેટા મેળવવામાં આવ્યો છે.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ જર્નલ કરંટ સાયન્સમાં આ લેખ પ્રકાશિત કરાયો છે. ચંદ્રયાનના ર્બિટરના ઇમૅજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઈઆઈઆરએસ) તરફથી મોકલવામાં આવેલા આંકડા તથા ચિત્રોના વિશ્લેષણ પછી ચંદ્રની સપાટી પર હાઇડ્રૉક્સિલ (વોટર મોલેક્યુલ્સ) તેમજ એચટુઓ (પાણી) હોવાના પુરાવા મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2019માં લૉન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન મિશનમાં યાનના લૅન્ડર તેમજ રોવર ચંદ્રની સપાટી પર ઊતરતી વખતે નુકસાન પામ્યા હતા, પરંતુ ઑર્બિટર હજી પણ ચંદ્રની ઉપર છે. ઑર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પૅક્ટ્રૉમિટર દ્વારા જે આંકડા મળી રહ્યા છે તેનું વિશ્લેષણ દહેરાદૂનસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઑફ રિમોટ સૅન્સિંગ (આઈઆઈઆરએસ) સહિત દેશના અનેક વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.
આઈઆઈઆરએસના ડાયરેક્ટર પ્રકાશ ચૌહાણના જણાવ્યા મુજબ ચંદ્ર પર પાણીના સંકેત 29થી 69 ડિગ્રીથી ઉત્તરમાં મળ્યા છે. આ ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ પડે છે અને ત્યાં જ પાણીના સંકેત મળ્યા છે. પાણીની ઉપલબ્ધતાની દિશામાં સ્પૅસ વેધરિંગ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ એક પ્રક્રિયા હોય છે, જ્યારે સૌરપવનો ચંદ્રની સપાટીને સ્પર્શે છે. તેની સાથે આ પ્રક્રિયાના કેટલાક અન્ય કારક જુદા-જુદા રાસાયણિક ફેરફાર કરી પાણીનું સર્જન કરે છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન મિશન-1 દરમિયાન પણ પાણીના સંકેત મળ્યા હતા. જોકે, તે સમયે પાણીની વધારે ઉપલબ્ધતાનું અનુમાન ન હતું. હાલના અભ્યાસથી ખબર પડે છે કે ચંદ્ર પર પાણીની ઉપલબ્ધતા 800થી 1000 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) જોવાઈ છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.























