You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#penalty #Panauti ભારત હૉકીની સેમિફાઇનલ હાર્યું એમાં ‘પેનલ્ટી’ સાથે ‘પનોતી’ની વાત કેમ થઈ? - સોશિયલ
ટોક્યો ઑલિમ્પિક જોઈ રહેલા કરોડો લોકોનું દિલ તૂટી ગયું જ્યારે હૉકીની સેમિફાઇનલ મૅચમાં ભારત બેલ્જિયમ સામે 5-2થી હારી ગયું.
અને આ હાર સાથે જ ટ્વિટર પર એક શબ્દ ખૂબ ટ્રૅન્ડ થવા લાગ્યો. તે શબ્દ છે 'પનૌતી'.
પહેલાં મૅચની વાત કરીએ તો ભારત મનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહના 1-1 ગોલના લીધે 2-1થી આગળ હતું.
પરંતુ હૉકીમાં ગોલ્ડ મેડલ જીતવાનું ભારતનું સપનું ત્યારે તૂટી ગયું જ્યારે બેલ્જિયમે ચાર ગોલ કર્યા. તેમાંથી 3 ગોલ બેલ્જિયમે છેલ્લી 15 મિનિટમાં કર્યા હતા.
આ સાથે ટ્વિટર પર પનૌતી શબ્દ ટ્રૅન્ડ થવા લાગ્યો. ઘણા લોકોએ આ હેશટેગ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકી ટ્વીટ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૅચ દરમિયાન એક ટ્વીટ કર્યું હતું કે તેઓ ભારત-બેલ્જિયમની સેમિફાઇનલ મૅચ જોઈ રહ્યા છે.
વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું, "હું #Tokyo2020 માં Ind Vs Belgium મેન્સ હૉકી સેમિફાઇનલ મૅચ જોઈ રહ્યો છું. મને આપણી ટીમ અને તેમની કુશળતા પર ગર્વ છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
લોકોએ શું પ્રતિક્રિયા આપી?
હવે ટ્વિટર પર લોકો કહી રહ્યા છે કે ભારત સેમિફાઇનલ મૅચ વડા પ્રધાનને કારણે હાર્યું છે. તેઓ હંમેશાં પોતાની સાથે બદનસીબી લઈને આવે છે.
કેટલાક લોકોએ તો ઇસરોના 2019ના મિશનની પણ યાદ અપાવી જ્યારે વડ પ્રધાન ઇસરો ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ચંદ્રયાન મિશન નિષ્ફળ થઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિખા સિંહ નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "મહેરબાની કરીને મહિલા હૉકી મૅચ રમાય ત્યારે વડા પ્રધાનને કોઈ કેરીઓ અને મોરની વાતો કરીને વ્યસ્ત રાખજો."
પ્રિયા યાદવ લખે છે, "બેલ્જિયમે હૉકી મૅચ જોવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. આવતીકાલે મહિલાઓની સેમિફાઇનલ મૅચમાં અર્જેન્ટિના પણ પ્રાર્થના કરશે કે મોદીજી મૅચ જુએ."
સતેન્દર નામના યૂઝર લખે છે, "વડા પ્રધાનના ટ્વીટ પહેલાં ભારતનો સ્કોર 2-1 હતો. વડા પ્રધાનના ટ્વીટ બાદ સ્કોર 2-5 થઈ ગયો. બસ હવે મહિલાઓની સેમિફાઇનલ ન જોતા."
વિશાલ વર્મા મજાકિયા અંદાજમાં લખે છે, "હું તમને મત આપીશ. મારો પરિવાર તમને મત આપશે. બસ પનૌતી સર, કાલની મૅચ ન જોતા."
બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે જે હૉકી મૅચ બાદ ભારતના પ્રયાસોના વખાણ કરી રહ્યા છે.
કિરણ રિજીજુએ ટ્વીટ કરીને લખ્યું, "મન નાનું ન કરો. તમે ભારતને ગર્વ કરાવ્યો છે. તમે હજુ પણ ઑલિમ્પિક મેડલ સાથે આવી શકો છો. હવે બ્રોન્ઝ મેડલ જીતવા માટે સારો પ્રયાસ કરજો."
ડૉ. રાગીની નાયક કહે છે, "રેફરીએ બેલ્જિયમને ઘણી પેનલ્ટી આપી. ભારતની ટીમે સાચા ચૅમ્પિયનની જેમ રમત રમી અને પહેલા બે ક્વાર્ટરમાં બેલ્જિયમની આગળ રહ્યું. આગળ હજી ઘણું રમવાનું છે. ભારતને તમારા પર ગર્વ છે. બ્રોન્ઝ મેડલની હજુ આશા છે."
નેત્રા કુપ્પટ્ટી લખે છે, "ભારત માટે પેનલ્ટી કૉર્નર પનૌતી બન્યા. પરંતુ ટીમ ખૂબ જ સારું રમી. ભવિષ્ય માટે શુભકામના"
સ્મિત કુમારે લખ્યું, યહ પેન્લ્ટી કાહે નહીં ખતમ હો રહા બૈ
હવે કાંસ્યપદકની આશા
મહત્ત્વનું છે કે બેલ્જિયમે મૅચની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને ભારત પર દબાણ કરવાની રણનીતિ અપનાવી હતી. પહેલી બે મિનિટ તેમણે દબાણ કર્યું અને એ જ હુમલાથી મળેલા પેનલ્ટી કૉર્નરોને ગોલમાં તે બદલી ન શક્યું.
પરંતુ જવાબી ભારતીય હુમલામાં મનદીપના ગોલ મેળવવાના પ્રયાસને બરબાદ કર્યા બાદ બેલ્જિયમ પાંચમા પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરી સ્કોર 2-2 બનાવવામાં સફળ રહ્યું. આ ગોલ ડ્રેગ ફ્લિકર હેંડ્રિક્સે કર્યો હતો. આ મૅચ દરમિયાન બેલ્જિયમને 14 પેનલ્ટી કૉર્નર મળ્યા હતા.
ભારત પાસે હવે આ મૅચ હાર્યા બાદ કાંસ્યપદક જીતવાનો મોકો છે અને જો ભારત આ મેડલ જીતે છે છે તો તે ભારતનું ઑલિમ્પિકમાં હૉકીમાં 41 વર્ષ બાદ પહેલું પદક હશે. ભારતને છેલ્લે 1980ના મોસ્કો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો