જેટ ઍરવેઝ : નાદાર થઈ ગયેલી કંપની કેવી રીતે ઉડ્ડાણ ભરશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
એક સમયે દેશની ચર્ચિત ઍરલાઇન્સ કંપની જેટ ઍરવેઝે ફરી એક ઉડ્ડાણ ભરવાની તૈયારી હાથ ધરી છે.
મંગળવારે નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ જેટ ઍરવેઝને ફરીથી શરૂ કરવાની કાલરૉક અને જલાન સૂહની યોજનાને મંજૂરી આપી હતી.
કેટલાક મીડિયા રિપૉર્ટ્સ મુજબ એનસીએલટીની મુંબઈ બૅન્ચે ડાયરેક્ટર જનરલ સિવિલ ઍવિએશન તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે તા. 22 જૂનથી 90 દિવસની અંદર જેટ ઍરવેઝને ટાઇમ-સ્લૉટ ફાળવવાના નિર્દેશ આપ્યા છે.
ટાઇમ સ્લૉટની ફાળવણી અંગે ડીજીસીએ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમાં સમય લાગી શકે છે.

જેટ : ઉડ્ડાણથી ક્રૅશ સુધી...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વર્ષ 1995માં એનઆરઆઈ (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન) બિઝનેસમૅન નરેશ ગોયલે 1992માં જેટ ઍરવેઝની સ્થાપના કરી હતી અને 1995થી ઉડ્ડાણો ભરવાની શરૂઆત થઈ હતી. 2004થી કંપનીએ તેની આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણો શરૂ કરી.
એક સમય એવો હતો કે જ્યારે માત્ર ઍર ઇન્ડિયા ઉપરાંત જેટ ઍરવેઝ જ એવી ભારતીય કંપની હતી કે જેના વિમાન વિદેશની ઉડ્ડાણ ભરતા હતા. આથી કંપનીને ખૂબ જ ફાયદો થયો.
આંકડા ઉપર નજર કરીએ તો ફેબ્રુઆરી-2016માં ઍરલાઇન્સ કંપની પાસે ભારતના કુલ મુસાફરનો 21.2 ટકા હિસ્સો હતો. એક દિવસમાં દુનિયાભરના 55 સ્થાનોએ તેની લગભગ 300 ઉડ્ડાણ ભરાતી હતી.
ઍરલાઇન્સ સૅક્ટરની કથળતી સ્થિતિ તથા બૅન્કોના દેવાને કારણે કંપની નાદાર થવાને આરે આવી ગઈ. માર્ચ-2019માં નરેશ ગોયલ તથા તેમનાં પત્ની અનિતા ગોયલે બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના પદેથી રાજીનામું આપી દીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એપ્રિલ-2019માં જેટની ઉડ્ડાણો બંધ થઈ ગઈ અને જૂન-2019માં તેને નાદાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ.

ઇમેજ સ્રોત, Reuters
એક વર્ષ પછી ઑક્ટોબર 2020માં જેટ ઍરવેઝની નાદારીની પ્રક્રિયા દરમિયાન કાલરૉક કૅપિટલ તથા મુરારી લાલ જલાને કંપનીને ખરીદી લીધી.
કાલરૉક લંડનસ્થિત વૈશ્વિક નાણાંકીય સલાહકાર કંપની છે, જે લગભગ 20 વર્ષથી રિયલ ઍસ્ટેટ ઉપરાંત અલગ-અલગ ક્ષેત્રની મુખ્ય કંપનીઓ સાથે સહ-રોકાણકાર બને છે.
બીજા ખરીદદાર દુબઈસ્થિત બિઝનેસમૅન મુરારી લાલ જાલાન છે. રિયલ ઍસ્ટેટ ડેવલપર છે. જેઓ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ), રશિયા, ઉઝબેકિસ્તાન તથા ભારતમાં વેપારી હિતો ધરાવે છે.
જાલાનને કંપનીના બોર્ડમાં કયા પદ ઉપર સામેલ કરાશે તે હજુ સ્પષ્ટ નથી.
કાલરૉક બોર્ડના સભ્ય મનોજ નરેન્દ્ર મદનાનીને ટાંકતા બ્લૂમબર્ગ ક્વિન્ટ વેબસાઇટ જણાવે છે કે, કંપનીનો હેતુ જેટ ઍરવેઝ મારફત ભારતના ઍવિએશન સૅક્ટરમાં પ્રવેશવાનો છે.
તેઓ કહે છે, "અમને લાગે છે કે નાગરિક ઉડ્ડયનની બાબતમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર છે. ઉપરાંત વૈશ્વિક સપ્લાયચૅઇન તથા લૉજિસ્ટિક્સની બાબતમાં જેટ ઍરવેઝ પાસે બહુ મોટું માળખું છે."
મદનાનીના કહેવા પ્રમાણે, કાલરૉક આ કંપનીને બજેટ ઍરલાઈન્સ બનાવવાના બદલે ફૂલ સર્વિસ ઍરલાઇન બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે હાલમાં માત્ર ઍર ઇન્ડિયા જ આ પ્રકારની સેવા આપતી ઍરલાઇન્સ છે.
નામ જાહેર ન કરવાની શરતે એક ઍવિએશન ઍક્સ્પર્ટે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે કાલરૉક-જાલાન સમૂહે એનસીએલટી સમક્ષ જે યોજના રજૂ કરી છે, તે ખૂબ જ આકર્ષક છે અને તેના કારણે જેટ ઍરવેઝ પુનર્જિવિત થાય તેની વ્યાપક શક્યતાઓ છે.
તેઓ એનસીએલટીના ચુકાદાને સીમાચિહ્નરૂપ માને છે, તેમના કહેવા પ્રમાણે, નાદારી અંગેના નવા કાયદાને કારણે જેટ ઍરવેઝને રાહત મળી છે. જો કંપની બંધ થઈ ગઈ હોત તો રોજગારની તકો સમાપ્ત થઈ ગઈ હોત, પરંતુ હવે નવા રોજગારની તકો ઊભી થઈ છે.
એપ્રિલ-2019માં કંપની એ ઉડ્ડાણ બંધ કરી ત્યારે તેની પાસે 12 વિમાન તથા આઠ હજાર 500 કર્મચારી હતા, આજે તેની પાસે કેટલા વિમાન અને કર્મચારી જોડાયેલા છે, તેનો આંકડો સ્પષ્ટ નથી.
કંપનીના નવા પ્રમોટર 'જેટ ઍરવેઝ' બ્રાન્ડને યથાવત્ રાખવા માગે છે. તેમની યોજના ચાલુ વર્ષના અંત ભાગ સુધીમાં 25 વિમાન સાથે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણ શરૂ કરવાની છે.

જેટ અને દેવાના ડૂંગર

ઇમેજ સ્રોત, The India Today Group
વર્ષ 2019માં કંપનીએ તેનું સંચાલન બંધ કર્યું, ત્યારે તેની ઉપર દેશના સૌથી મોટા ધિરાણકર્તા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સહિતની સરકારી બૅન્કો/કંપનીઓના લગભગ રૂ. આઠ હજાર કરોડ લેણાં નીકળતા હતા.
માલિક ભલે બદલાઈ ગયા હોય, પરંતુ કંપની હજુ પણ દેવાના બોજ હેઠળ જ દબાયેલી છે.
હિંદુસ્તાન ટાઇમ્સના રિપૉર્ટ મુજબ, "કંપનીને દેવામાંથી બહાર કાઢવા માટે ઑક્ટોબર 2020માં કાલરૉક-જાલાન સમૂહે જે યોજના રજૂ કરી હતી, તેમાં જણાવવામાં આવ્યું હતું કે શરૂઆતના બે વર્ષ દરમિયાન તે લેણદારોને રૂ. 600 કરોડ ચૂકવશે તથા કંપનીમાં લગભગ 89 ટકા ભાગીદારી લેશે."
આ સિવાય પ્રથમ વર્ષમાં ચલ સંપત્તિ તથા લક્ઝરી ગાડીઓને વેંચવાની યોજના ધરાવે છે. નવા પ્રમૉટર્સે ત્રીજા વર્ષે રૂ. 131 કરોડ, ચોથા વર્ષે રૂ. 193 કરોડ તથા પાંચમા વર્ષે રૂ. 259 કરોડ આપવાના છે.
આ સિવાય ઍરલાઇન્સમાંથી આવક પણ તેમાં ઉમેરવામાં આવશે.
આમ એક રીતે પાંચ વર્ષ દરમિયાન ધિરાણ આપનારાઓને રૂ. એક હજાર 183 કરોડ પરત કરવાની યોજના છે. ઍરલાઇન્સને ફરીથી કાર્યરત કરવા માટે કાલરૉક કૅપિટલ દ્વારા રૂ. 900થી એક હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.
બીજી બાજુ, નાણાંકીય ધિરાણ આપનારાઓને જેટ ઍરવેઝમાં 10 ટકાની ઇક્વિટી પણ આપવામાં આવશે.

સમયની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે સુનાવણી દરમિયાન એનસીએલટીએ જેટ ઍરવેઝને તેની જૂની ઉડ્ડાણોના ટાઇમ સ્લૉટ આપવા માટે કહ્યું છે, જેનો નાગરિક ઉડ્ડયન મંત્રાલય તથા ડીજીસીએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
નાદારી સમયે જે ટાઇમસ્લૉટ હતા, તેની માગ હવે જેટ ઍરવેઝ ન કરી શકે.
એક સમયે જેટ પાસે વિમાન ઉડ્ડયનના મહત્ત્વપૂર્ણ ટાઇમ સ્લૉટ હતા. જ્યારે કંપની બંધ થઈ ગઈ, ત્યારે એ ટાઇમ સ્લૉટ અન્ય કંપનીઓને ફાળવી દેવામાં આવ્યા.
જેટ ઍરવેઝ હવે એ ટાઇમસ્લૉટ પાછા ઇચ્છે છે અને મંત્રાલય તેના માટે તૈયાર નથી.
ઍરલાઇન્સને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયાને કાર્યાન્વિત કરવાની જવાબદારી ગ્રાન્ટ થૉર્ટન ઍડ્વાઇઝરી કંપનીને સોંપવામાં આવી છે.
આ કંપનીના રિસ્ટ્રક્ચરિંગ સર્વિસના વડા આશિષ છોછરિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અગાઉના ટાઇમસ્લૉટ નહીં મળવાથી તેઓ ખૂબ જ હતાશ છે, જો અગાઉના સમયની નજીકના ટાઇમસ્લૉટ હોત તો પણ કામ ચાલી ગયું હોત.
આ સિવાય રૂટ્સનો પડકાર પણ કંપની સામે રહેશે. નવી ઉડ્ડાણો કયા-કયા રૂટ્સ પર ઍક્ટિવ થશે, તે પણ હજુ સુધી પૂર્ણપણે સ્પષ્ટ નથી.
સ્ટાફ પણ જેટ ઍરવેઝના નવા મૅનેજમૅન્ટ સમક્ષ મોટો પડકાર હશે. એક સમયે કંપનીમાં 16 હજાર કર્મચારી કામ કરતા હતા, પરંતુ હાલમાં કેટલા તેની સાથે જોડાયેલા છે, તેની સ્પષ્ટ સંક્યા બહાર નથી આવી.
જ્યારે કંપની નુકસાન કરી રહી હતી અને જ્યારે તેને બંધ કરી દેવામાં આવી ત્યારે ઍરલાઇન્સના પાઇલટો તથા ક્રૂ મૅમ્બરો દ્વારા વિરોધપ્રદર્શનની અનેક ઘટનાઓ અખબારોમાં ચમકી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાને કારણે વિમાન ઉડ્ડયનક્ષેત્રને ભારે ફટકો પડ્યો છે.
તાજેતરમાં ઍવિએશન કન્સલ્ટન્સી ફર્મ કાપા ઇન્ડિયાએ તેના રિપૉર્ટમાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં આંતરિક ઉડ્ડયન ક્ષેત્ર ધ્વસ્ત થઈ જશે, એવી આશંકા છે.
રિપૉર્ટમાં જણાવ્યા પ્રમાણે, એક સમયે છ મોટી અને ત્રણ પ્રાદેશિક ઍરલાઇન્સ કંપની સેવાઓ આપતી હતી, પરંતુ હવે બે કે ત્રણ જ રહે તેવી સંભાવના છે.
વર્ષ 2020 દરમિયાન બે મોટી વિમાન કંપનીઓ ઇન્ડિગો તથા સ્પાઇસજેટને ભારે નુકસાન થયું હતું.
ઇન્ડિગોને પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. બે હજાર 884 કરોડનું અને બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. એક હજાર 194 કરોડનું નુકસાન થયું હતું. આવા સંજોગોમાં જેટ ઍરવેઝ માટે ફરીથી ઉડ્ડાણ ભરવી મુશ્કેલ હશે.
આ સિવાય કંપનીની સામે ઍર ઇન્ડિયા, ઇન્ડિગો, ગો ઍરવેઝ, સ્પાઇસ જેટ તથા વિસ્તારા જેવી ઍરલાઇન્સ કંપનીઓનો પણ પડકાર છે.
નામ ન છાપવાની શરતે વિમાન ઉડ્ડયન નિષ્ણાતોએ જણાવ્યું કે જેટ ઍરવેઝ માટે એકડે એકથી શરૂઆત કરવા જેવું છે.
તેઓ કહે છે કે "નવા મૅનેજમૅનન્ટ દ્વારા 'જેટ ઍરવેઝ-2' બ્રાન્ડનૅમનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ વાસ્તવમાં આ કંપની માટે નવેસરથી શરૂઆત જેવું છે. કંપનીની યોજના મજબૂત છે, છતાં તેની સામે અનેક પડકાર હશે."
"હરીફ ઍરલાઇન્સ કંપીઓની સામે તે નવી પ્રૉડક્ટ સમાન હશે. જો કે જેટ ઍરવેઝનું નામ જોડાયેલું હોવાને કારણે જૂના વપરાશકર્તા તેની પાસે પરત ફરે તેવી શક્યતા ખરી."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















