ઇન્ડોનેશિયા : જાવાની રિફાઇનરીમાં ભયંકર આગ, કેટલાય લાપતા

ઇન્ડોનેશિયામાં પર્ટેમિના'ની રિફાયનરી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, આ અગ્નિકાંડમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇન્ડોનેશિયાની સૌથી મોટી રિફાઇનરીઓ પૈકી એક બાલોનગન રિફાઇનરીમાં સોમવારે ભયાનક આગ લાગી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને બચાવદળને ઘણી મહેનત કરવી પડી રહી છે. પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલી આ રિફાઇનરી સરકારી ઑઇલ કંપની 'પર્ટેમિના'ની છે.

સ્થાનિક સમયાનુસાર આ આગ અડધી રાત બાદ 12:45 વાગ્યાની આસપાસ ભભૂકી ઊઠી. હજુ સુધી આગ લાગવાનાં કારણો અંગે કોઈ માહિતી મળી શકી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ અગ્નિકાંડમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે. સાવચેતીનાં ભાગરૂપે લગભગ 950 લોકોને તેમનાં ઘરેથી સુરક્ષિત જગ્યાઓએ મોકલી દેવાયા છે. જોકે, અમુક લોકોની હજુ સુધી કોઈ ભાળ ન મળી હોવાનું જણાવાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર નખાયેલા એક ટીવી ફૂટેજ અને વીડિયોમાં સોમવારની સવારે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા રિફાઇનરીની ઉપરથી ઊઠી રહેલાં દેખાયાં છે.

સમાચાર એજન્સી રૉયટર્સે એક સ્થાનિક મીડિયા સંગઠન મેટ્રો ટીવીના હવાલાથી એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. આ વ્યક્તિએ જણાવ્યું, "અમે સૌથી પહેલાં ઑઇલની તીવ્ર ગંધ અનુભવી. ત્યાર બાદ અમને આગની જ્વાળાઓનો અવાજ સંભળાયો."

ક્ષેત્રીય આપત્તિ પ્રબંધન એજન્સી અનુસાર, પાંચ લોકો ઈજાગ્રસ્ત અને 15 લોકો હળવા દાઝી ગયા બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

line

વિનાશકારી અકસ્માત

આ રિફાઇનરી ઇન્ડોનેશિયાની સૌથી મોટી રિફાઇનરીઓ પૈકી એક છે.

ઇમેજ સ્રોત, BPBD INDRAMAYU

ઇમેજ કૅપ્શન, આ રિફાઇનરી ઇન્ડોનેશિયાની સૌથી મોટી રિફાઇનરીઓ પૈકી એક છે

બીબીસી ન્યૂઝ ઇન્ડોનેશિયાના સંવાદદાતા જેરોમી વીરાવને જણાવ્યું, "બાલોનગન રિફાઇનરી ઇન્ડોનેશિયાની સૌથી મોટી રિફાઇનરીઓ પૈકી એક છે. તેનું મહત્ત્વ એટલા માટે છે કે તે ગ્રેટર જકાર્તા ક્ષેત્રને ઈંધણ અને પેટ્રોકેમિકલ પૂરા પાડે છે."

તેમના અનુસાર, પ્લાસ્ટિક અને કેમિકલ કારોબારની સાથોસાથ કારખાનાં પર આ અગ્નિકાંડની કેટલી અસર થશે, એ પ્રશ્ન ઊઠી રહ્યો છે. જોકે, રિફાઇનરીની માલિક કંપની પર્ટેમિનાએ લોકોને કહ્યું છે કે ઑઇલની પુરવઠા વ્યવસ્થા અપ્રભાવિત છે.

બીજી તરફ ઘણા લોકો પૂછી રહ્યા છે કે આખરે આવી વિનાશકારી ઘટના એક સરકારી રિફાઇનરીમાં કેવી રીતે બની શકે છે.

પ્રતિનિધિ સભાના ઊર્જા મામલાના પંચના એક સભ્ય અને રાજનેતા કુર્તુબીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે વર્ષ 1994થી ચાલી રહેલી બાલોનગન રિફાઇનરી પર્ટેમિનાની બીજી રિફાઇનરીઓની સરખામણીએ નવી છે. તેમણે માગ કરી કે દેશની તમામ ઑઇલ રિફાઇનરીઓનું રેસિડેન્સિયલ વિસ્તારોથી અંતરની તપાસ કરવામાં આવે.

જેરોમી વીરાવન અનુસાર, સોશિયલ મીડિયા પર આ ઘટનાની તપાસની માગ થઈ રહી છે. એક વ્યક્તિએ પુછ્યું, "શું રિફાઇનરી સાથે કોઈ ચેડાં થયાં હતાં કે પછી આ સાચે જ એક અકસ્માત માત્ર હતો."

અન્ય લોકો પૂછી રહ્યા છે કે રિફાઇનરીમાં શું માનક સંચાલન પ્રક્રિયા (SOP)નું પાલન થયું હતું કે નહીં. તેમજ એક અન્ય વ્યક્તિએ લખ્યું, "આ મામલામાં જે કોઈની પણ ભૂમિકા હોય, તેને કોર્ટ લઈ જવા જોઈએ."

બીબીસી સંવાદદાતાએ જણાવ્યું કે કોરોનાકાળમાં સુરક્ષા માપદંડોનું પાલન કરવાની સાથે રિફાઇનરી પાસે રહેતા લોકોને તેમનાં ઘરોમાંથી કાઢીને સાવચેતીના ભાગરૂપે અલગ અલગ શિબિરોમાં મોકલી દેવાયા છે.

વીરાવને પર્ટેમિનાના હવાલાથી કહ્યું કે આગનાં કારણોની ખબર નથી પડી શકી પરંતુ આ ઘટના ભારે વરસાદ અને વીજળી પડવા દરમિયાન બની છે.

line

ઑઇલ સપ્લાય પર કોઈ અસર નહીં

સ્થાનિક સમાયાનુસાર આ આગ અડધી રાત્રે 12:45 વાગ્યા પછી ભભૂકી ઊઠી હતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સ્થાનિક સમાયાનુસાર આ આગ અડધી રાત્રે 12:45 વાગ્યા પછી ભભૂકી ઊઠી હતી

સોમવારે એક સંવાદદાતા સંમેલનમાં કંપનીએ જણાવ્યું કે આ આગે રિફાઇનરીની પ્રોસેસિંગ ક્ષમતાઓને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. તેથી આવનારા પાંચ દિવસોમાં તેનું સંચાલન સામાન્ય થઈ જશે.

પર્ટેમિનાના CEO નિકી વિદ્યાવતીના હવાલાથી રૉયટર્સે જણાવ્યું કે આગ રિફાઇનરી ટૅંકો પર લાગી છે. તેનાથી પ્રોસેસિંગ પ્લાન્ટમાં કોઈ નુકસાન નથી થયું. કંપનીએ જણાવ્યું કે તેઓ પોતાની આ રિફાઇનરી બંધ કરી રહ્યા છે. અને આ આગ આગળ ન ફેલાય તે માટે ઑઇલના પ્રવાહને નિયંત્રિત કરાઈ રહ્યો છે.

બાલોનગન રિફાઇનરી પાટનગર જકાર્તાથી 225 કિલોમિટર પૂર્વમાં છે. 340 હેક્ટરમાં સ્થિત આ રિફાઇનરીની પ્રોસેસિંગ ક્ષમતા 1,25,000 બેરલ પ્રતિદિન છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.