BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ 2020 : આજે જાહેર થશે વિજેતા

પોસ્ટર
પ્રકાશિત

લાંબા સમય બાદ આતુરતાનો આજે અંત આવશે અને દર્શકોને જાણવા મળશે કે 'BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ 2020'નાં વિજેતા કોણ બન્યાં છે.

ઍવૉર્ડનાં નૉમિનીમાં શૂટર મનુ ભાકર, દોડવીર દુતી ચંદ, ચેસનાં ખેલાડી કોનેરુ હમ્પી, કુસ્તીબાજ વિનેશ ફોગટ અને ભારતીય મહિલા હોકી ટીમનાં કૅપ્ટન રાની સામેલ છે.

આજે સાંજે 8 વાગ્યે વર્ચ્યુઅલ્ સમારોહમાં વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. તમે આ સમારોહ બીબીસી હિંદી સહિત બીબીસીની ગુજરાતી, તામિલ, તેલુગુ, મરાઠી અને પંજાબી સેવાની વેબસાઇટનાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર નિહાળી શકશો.

વળી ખેલક્ષેત્રમાં યોગદાન બદલ નામાંકિત સ્પૉર્ટ્સવુમનને લાઇફ-ટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવશે.

આ વર્ષે 'બીબીસી ઇન્ડિયન ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ' પણ સામેલ કરવામાં આવ્યો છે, જે કોઈ એક નૉમિનીને આપવામાં આવશે.

line

પસંદગીની પ્રક્રિયા

બીબીસી દ્વારા બનાવાયેલી જ્યૂરી દ્વારા ભારતીય સ્પૉર્ટ્સવુમનની એક યાદી બનાવવામાં હતી. આ જ્યૂરીમાં સમગ્ર ભારતમાંથી નામાંકિત ખેલ પત્રકારો, નિષ્ણાતો અને લેખકોને સામેલ કરવામાં આવ્યા હતા.

ટોચના પાંચ સ્પૉર્ટ્સવુમન જેમને જ્યૂરી સભ્યોના સૌથી વધુ મત મળ્યા હતા, તેમને ઑનલાઈન પબ્લિક વોટિંગ માટે નૉમિનેટેડ કરવામાં આવ્યાં હતાં. ફેબ્રુઆરી 8થી ફેબ્રુઆરી- 24 સુધી ઑનલાઇન વોટિંગ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ વર્ષે BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડના ભાગરૂપે એક ખાસ 'સ્પૉર્ટ્સ હેકેથોન'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ભાષાઓમાં વિકિપીડિયામાં ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન વિશે વધુ માહિતી ઉમેરાય તે માટેનો તેનો હેતુ હતો. એવાં ખેલાડીઓ હતાં કે જેમની વિશે વિકિપીડિયા પર પૂરતી માહિતી ઉપલબ્ધ નહોતી તેમના વિશે માહિતી ઉપલબ્ધ કરાવવાનો આ એક પ્રયાસ હતો.

આ પહેલના ભાગરૂપે ભારતની 13 યુનિવર્સિટીઓમાં પત્રકારત્ત્વનો અભ્યાસ કરતાં 300 વિદ્યાર્થીઓની મદદથી 50 ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન અંગેની 300થી વધુ ઍન્ટ્રીઓ વિકિપીડિયામાં ઉમેરવામાં આવી હતી.

આ વખતે પાંચ એવાં ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમનની પ્રેરણાદાયક કહાણીઓ દેખાડવામાં આવી હતી, જેમણે દરેક અવરોધોને પાર કરીને સફળતા મેળવી છે.

'ચેન્જમેકર' સિરીઝમાં પેરા-બૅડમિન્ટન ખેલાડી પારૂલ પરમાર, હેપ્ટાથ્લેટ સ્વપ્ના બર્મન, પેરા-સ્કેટર પ્રિયંકા દેવાન, પૂર્વ ખો-ખો ખેલાડી સારિકા કાલે અને રેસલર દિવ્યા કાકરાન તેમાં સામેલ હતાં.

આ વખતનાં નૉમિની મહિલા ખેલાડીઓ પર નજર કરીએ:

line

1. મનુ ભાકર

મનુ ભાકર
ઇમેજ કૅપ્શન, મનુ ભાકર

ઉંમર : 19 વર્ષ, સ્પૉર્ટ : ઍરગન શૂટિંગ

માત્ર 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પૉર્ટ્સ ફેડરેશનના વર્લ્ડકપ 2018ની 10 મીટર ઍર-પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાકરે ગૉલ્ડ મેડલ જીત્યો હતો.

આ મેડલ જીતનારાં તેઓ સૌથી યુવાન ભારતીય હતાં. મનુ ભાકરે 2018માં યોજાયેલા યુથ ઑલિમ્પિક્સ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આજ વર્ષે તેમણે કૉમનવેલ્થ ગેમ્સની વુમન 10 મીટર ઍર-પિસ્તોલ ઇવેન્ટમાં 240.9 પૉઇન્ટનો રેકૉર્ડ-સ્કોર બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2019માં પણ તેમણે વર્લ્ડકપ ફાઇનલની વુમન 10 મીટર ઍર-પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વીડિયો કૅપ્શન, મનુ ભાકર : 18 વર્ષની વયે નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ જીતનારાં ખેલાડી
line

2. દુતી ચંદ

દુતી ચંદ
ઇમેજ કૅપ્શન, દુતી ચંદ

ઉંમર : 26, સ્પૉર્ટ : ઍથ્લેટિક્સ

દુતી ચંદ હાલ વુમન 100 મીટર ઇવેન્ટમાં ભારતના નેશનલ ચૅમ્પિયન છે. તેમણે નેપ્લસ ખાતે 2019માં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિઍડની 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તેમને 2020માં અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. 2016ની રિયો ઑલિમ્પિક્સમાં દુતી કોઈ પણ ઑલિમ્પિકની 100 મીટર દોડ સ્પર્ધામાં ભાગ લેનારાં ત્રીજા ભારતીય મહિલા બન્યાં હતાં.

2018માં જકાર્તા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં તેમણે વુમન 100 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે 1998 પછી ભારત માટે સૌથી પહેલો મેડલ જીત્યો હતો.

દુતીના શરીરમાં પુરુષ હૉર્મોન્સનું પ્રમાણ વધુ જોવા મળતાં મહિલા ખેલાડી તરીકે રમતોત્સવમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

દુતીએ 2015માં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પૉર્ટ (કેસ)માં અપીલ કરી. તેનું પરિણામ દુતીની તરફેણમાં આવ્યું હતું અને તેઓ કેસ જીતી ગયાં હતાં.

2015માં તેમના પરથી પ્રતિબંધ હઠી ગયો.

દુતી ચંદ એ ભારતનાં પ્રથમ રમતવીર છે, જેમણે જાહેરમાં પોતે 'સમલૈંગિક' હોવાનો સ્વીકાર કર્યો છે. તે ખૂબ જ ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવ્યાં છે.

વીડિયો કૅપ્શન, દુતી ચંદ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન
line

3. કોનેરુ હમ્પી

કોનેરુ હમ્પી
ઇમેજ કૅપ્શન, કોનેરુ હમ્પી

ઉંમર : 33, સ્પૉર્ટ : ચેસ

વુમન વર્લ્ડ રેપિડ ચેસ ચૅમ્પિયન, 2019

કોનેરુ હમ્પી ચેસની રમતમાં અત્યાર સુધીનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.

દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાં જન્મેલાં કોનેરુને તેમના પિતાએ નાની ઉંમરમાં ચેસની રમત શીખવી હતી. 2002માં તેમણે 15 વર્ષથી પણ ઓછી વયે સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બનીને નામના મેળવી હતી.

આ રેકૉર્ડને ચીનની હૌઉ યિફાને 2008માં તોડ્યો હતો. કોનેરુ બે વર્ષની પ્રસૂતિની રજાઓ બાદ ગેમમાં પરત ફર્યાં હતાં અને 2019માં વુમન રેપિડ વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું. જે યથાવત્ છે.

પુનરાગમન પછી તેમની જીતનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને તેમણે 2020માં કૅર્નસ કપમાં જીત મેળવી.

ભારતનો સર્વોચ્ચ સ્પૉર્ટ્સ પુરસ્કાર અર્જુન ઍવૉર્ડ 2003 તેમને મળ્યો હતો પછી તેમને ભારતનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રી 2007માં આપવામાં આવ્યું હતું.

વીડિયો કૅપ્શન, કોનેરુ હમ્પી : ચેસની રમતમાં પ્રતિસ્પર્ધીનું દિમાગ વાંચી લેતાં ખેલાડી
line

4. વિનેશ ફોગટ

વિનેશ ફોગટ
ઇમેજ કૅપ્શન, વિનેશ ફોગટ

ઉંમર : 26, સ્પૉર્ટ : ફ્રીસ્ટાઇલ રેસલિંગ

બ્રૉન્ઝ, વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપ

આંતરરાષ્ટ્રીય મહિલા કુસ્તીબાજોના પરિવારમાંથી આવતાં વિનેશ ફોગટ 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં.

ફોગટના નામે કૉમનવેલ્થ ગૅમ્સના બે ગોલ્ડ મેડલ છે. તેઓ એવાં પહેલાં મહિલા કુસ્તીબાજ છે, જેમણે કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.

તેમણે સપ્ટેમ્બર 2019માં પહેલી વખત બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો, જે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમનો પહેલો મેડલ હતો.

જાન્યુઆરી 2020માં વિનેશ ફોગટે રોમ રૅન્કિંગ સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગત વર્ષે કોરોના સંક્રમિત થયા બાદ તેમણે કોરોના વાઇરસને પણ હરાવ્યો હતો.

વીડિયો કૅપ્શન, વિનેશ ફોગટ : એ કુસ્તીબાજ જેમની પકડમાંથી છૂટવું અઘરું છે
line

5. રાની

રાની
ઇમેજ કૅપ્શન, રાની

ઉંમર : 26, સ્પૉર્ટ : હૉકી

કૅપ્ટન, ભારતીય મહિલા હોકી ટીમ

રાની 'વર્લ્ડ ગેમ્સ ઍથ્લીટ ઑફ ધ યર' ઍવૉર્ડ જીતનારાં પહેલા હૉકી પ્લેયર છે.

તેમણે આ ઍવૉર્ડ 2020માં જીત્યો હતો. ભારતીય મહિલા હૉકી ટીમે ટોકિયો ઑલિમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું, તેમાં રાનીએ નવેમ્બર 2019માં અમેરિકાની સામે કરેલા ગોલને ગણવામાં આવે છે.

તેઓ 2016માં રીયો ઑલિમ્પિકની ભારતીય ટીમનાં ભાગ હતાં. 2010માં રાની વર્લ્ડ કપમાં રમનારાં સૌથી યુવાન ભારતીય ખેલાડી બન્યાં હતાં અને તેમણે 2010ના વર્લ્ડ કપમાં 'યંગ પ્લેયર ઑફ ધ ટુર્નામૅન્ટ'નો ઍવોર્ડ જીત્યો હતો.

ભારતીય ટીમે 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે 2018ના વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું અને કૉમનવેલ્થ ગેમ્સમાં ચોથા ક્રમે એ જ વર્ષે રહ્યું હતું.

હરિયાણાના હાથલારી ચલાવતા પરિવારમાંથી રાની આવે છે. 2020માં તેમને પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

વીડિયો કૅપ્શન, રાની : સાધારણ પરિવારમાંથી ભારતીય મહિલા હોકી ટીમનાં કપ્તાન સુધી
ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો