કોરોના વૅક્સિન: ભારતમાં બાળકોને રસી ક્યારે અને કેવી રીતે મળશે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો મુજબ શાળામાં બાળકોના જવા અને તેમના માટે વૅક્સિનની ઉપલબ્ધતા બંને અલગઅલગ વાત છે જેનો કોઈ સીધો સંબંધ નથી.
છતાં શું તમે પણ એ લોકોમાં સામેલ છો, જે પોતાનાં બાળકોને વૅક્સિન ન મળે ત્યાર સુધી શાળાએ મોકલતા ખચકાય છે? તો બાળકોની રસીના સમાચાર તમારા માટે છે.

ઇમેજ સ્રોત, Getty Images
2-18 વર્ષનાં બાળકોના રસીકરણ માટે કોવૅક્સિનને સબજેક્ટ ઍક્સપર્ટ કમિટી તરફથી લીલીઝંડી મળી ગઈ છે. કોવૅક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકના જણાવ્યા મુજબ, તેમણે ટ્રાયલનો જે ડેટા કમિટીની સામે મૂક્યો હતો, તેની પર કમિટીએ હકારાત્મક સૂચનો કર્યાં છે.
હવે આ રસીને ભારતીય ઔષધિ મહાનિયંત્રક (ડીજીસીઆઈ)ની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. આ સમિતી પાસેથી મંજૂરી મળ્યા પછી ભારતમાં બાળકો માટે આ વૅક્સિન વપરાશમાં લેવાશે.

બાળકો માટે વૅક્સિનની ઉપલબ્ધતા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મૌલાના આઝાદ મેડિકલ કૉલેજમાં કૉમ્યુનિટી મેડિસિન વિભાગનાં પ્રમુખ અને કેન્દ્ર સરકારની કોવિડ-19 ટાસ્ક ફૉર્સનાં સભ્ય ડૉ સુનીલા ગર્ગે કહ્યું કે ભારતમાં ટૂંક સમયમાં 97 કરોડ વૅક્સિનના ડોઝ પૂરા અપાઈ જશે, જેમાં માત્ર 11 કરોડ વૅક્સિનના ડોઝ જ કોવૅક્સિનનાં છે એટલે કે છેલ્લાં 10 મહિનામાં 11 કરોડ ડોઝ.
અહીં ધ્યાન આપવાની વાત એ છે કે જે કોવૅક્સિન ભારતમાં વયસ્ક લોકોને અપાઈ રહી છે તે જ બાળકોને મળશે. બસ બાળકોમાં તેની અસર માટે ટ્રાયલ અલગથી કરાયું હતું.
કેન્દ્ર સરકારના અનુમાન મુજબ ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 42-44 કરોડ બાળકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો બધાને વૅક્સિનના બે ડોઝ આપવાના હોય તો કુલ 84-88 કરોડ વૅક્સિનના ડોઝની જરૂર પડશે જેમાં ઝાયડસ કૅડિલાની વૅક્સિન ઝાયકોવ-ડીના પાંચ કરોડ ડોઝ વર્ષના અંત સુધી મળવાનું અનુમાન છે.
આ સિવાય બાળકોને આપી શકાય તેવી વધુ બે વૅક્સિનને મંજૂરી મળવાની બાકી છે. સરકારે બાળકો માટે રસીકરણ શરૂ કરતા પહેલાં તેમના માટેની વૅક્સિનની ઉપલબ્ધતાને ધ્યાને લેવી પડશે. આથી, એવી ચર્ચા ચાલી રહી છે કે બાળકો માટે તબક્કાવાર વૅક્સિનેશનને મંજૂરી આપવામાં આવશે.
નેશનલ ટેકનિકલ ઍડ્વાયઝરી ગ્રૂપ ઑન ઇમ્યુનાઇઝેશન ઇન ઇંડિયા (એનટીએજીઆઈ)ના મુખ્ય તબીબ એન.કે અરોડાના કહેવા પ્રમાણે, "કેટલાંક બાળકો ડાયાબિટીસ, કિડની અથવા હૃદયની અન્ય બીમારીથી પીડિત હોય છે આથી, ટીકાકરણના અભિયાન દરમિયાન તેમને પ્રાથમિકતા આપવી રહી."
"આવા બાળકોની સંખ્યા છથી સાત કરોડ છે. સામાન્ય તથા સ્વસ્થ બાળકોની સરખામણીમાં આવા બાળકોમાં બીમારી થવાની શક્યતા ત્રણથી સાત ગણી વધારે હોય છે."
"તેમને પણ પુખ્તવયની વ્યક્તિઓની સાથે રસીકરણ કરાવવાની જરૂર રહેશે. પુખ્ત વયના લોકો તથા કૉ-મૉર્બિડ બાળકો બાદ જ સ્વસ્થ બાળકોનો વારો આવશે."

સ્વસ્થ બાળકોને પણ રસી અપાશે ?

ઇમેજ સ્રોત, EPA
કેટલાક રિપૉર્ટો મુજબ, બાળકો માટે કોવૅક્સિનના વપરાશ માટે કમિટીએ કેટલાંક સૂચન પણ કર્યાં છે. જેમ કે વૅક્સિનેશનના શરૂઆતના બે મહિના સુધી દર પખવાડિયે કમિટીને ડેટા મોકલવાનો રહેશે. ભવિષ્યમાં પણ ટ્રાયલ ચાલુ રાખવા તથા કંપની દ્વારા રિસ્ક મૅનેજમૅન્ટ પ્લાન તૈયાર કરવો.
આના કારણે ભારત સહિત દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે કે શું સ્વસ્થ બાળકને વૅક્સિન આપવી જોઈએ ?
ડૉ. સુનીલા ગર્ગ કહે છે, "કોરોનાથી બચવામાં હાલ તો પુખ્ત વયના લોકો તથા યુવાનોને પ્રાથમિકતા આપવાની જરૂર છે. તે પછી 12થી 18 વર્ષની ઉંમરના કૉ-મૉર્બિટી ધરાવતાં બાળકોનો વારો આવવો જોઈએ."
અનેક સ્થળોએ થયેલા સીરો સરવેમાં બહાર આવ્યું છે કે 60 ટકા બાળકોમાં ઍન્ટિબૉડી જોવા મળ્યા હતા. મતલબ કે તેઓ બીમાર પણ થયા અને સાજા પણ થઈ ગયા.
આથી જો એક સ્કૂલમાં 1000 બાળકો હોય અને તેમાંથી 100ને કોવિડ થઈ પણ જાય તો ડરવાની જરૂર નથી. કારણ કે પુખ્ત લોકોની સરખામણીમાં બાળકોમાં ACE રિસૅપ્ટર્સ મોટા પ્રમાણમાં હોય છે, જેની સાથે વાઇરસ જોડાતો હોય છે.
અત્યારસુધીમાં ભારત બાયોટેકે દેશભરમાં 500 બાળક ઉપર આ વૅક્સિનનું પરીક્ષણ કર્યું હતું. કેટલાક જાણકારોનું કહેવું છે કે આ બહુ નાના પાયા ઉપર કરવામાં આવેલો સરવે છે.
ડૉ. ગર્ગનું કહેવું છે, "વૅક્સિનની અસરકારકતા તથા સાઇડ-ઇફેક્ટ અંગે પણ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. એવું માનવામાં આવે છે કે ટ્રાયલ દરમિયાન પુખ્તોની સરખામણીમાં બાળકોમાં ઓછી આડઅસર જોવા મળી હતી."
"આથી, વિશેષ ડેટાની જરૂર રહેશે, વિશેષ કરીને બેથી છ વર્ષના બાળકો માટે."
હાલમાં વિશ્વના અન્ય દેશોમાં પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ફાઇઝરની વૅક્સિન અપાઈ રહી છે, જેના વિશે પણ ખાસ ડેટા ઉપલબ્ધ નથી.

સ્વસ્થ બાળકો માટે વૅક્સિન ક્યારે?

ઇમેજ સ્રોત, Getty Images
બાળકોને કોવૅક્સિન ક્યારથી મળવા લાગશે, તે અંગે કોઈ નક્કર પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
આ અંગે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી ભારતી પ્રવીન પવારે કહ્યું છે કે આ ડીસીજીઆઈનું અધિકારક્ષેત્ર છે. કેન્દ્ર સરકાર તેમાં દખલ નથી દેતી, તેમાં થોડો સમય લાગશે.
ડૉ. એન.કે. અરોડાના કહેવા પ્રમાણે, આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સ્વસ્થ બાળકો માટે રસીકરણ અભિયાનની શરૂઆત કરી શકાશે.
જોકે ડૉ. સુનિલા ગર્ગનું અનુમાન છે કે વર્ષ 2022ના અંતભાગ સુધી જ ભારતમાં સ્વસ્થ બાળકો માટે કોરોના વૅક્સિન ઉપલબ્ધ બનશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















