ગુજરાતમાં 'કોરોનાની રસી લો, કાં રાજીનામું આપો'નો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતમાં કોરોના વાઇરસ સંબંધિત રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓ તથા અન્ય કર્મીઓને રસી આપવામાં આવી રહી છે.
રસી લેવી એ સ્વૈચ્છિક બાબત છે અને કોણે લેવી અને કોણે ન લેવી જોઈએ એ મામલે સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય સંબંધિત વિભાગે માર્ગદર્શિકા પણ બનાવેલી છે.
પરંતુ ગુજરાતના કચ્છ જિલ્લામાં કથિત રીતે રસી લેવા માટે દબાણ કરાતું હોવાની એક ઑડિયો ક્લિપ વાઇરલ થતા વિવાદ થયો છે.
સ્થાનિકસ્તરે રસીકરણ સાથે સંકળાયેલાં એક મહિલા અધિકારીની ઑડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં તેઓ આંગણવાડી કાર્યકરોને રસી લેવા માટે કથિતરૂપે દબાણ કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે.
ઑડિયો ક્લિપમાં ICDSનાં એક સુપર વાઇઝર હંસા પટેલનો અવાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઑડિયો ક્લિપમાં કાર્યકરોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, "કાં રસી મુકાવો અથવા તો રાજીનામું આપો."

શું છે ઑડિયો ક્લિપમાં?

ઇમેજ સ્રોત, Getty Images
ઑડિયો ક્લિપમાં હંસા પટેલ (જેમનો અવાજ હોવાનું કહેવાય છે) કોઈ આશાવર્કરને કોરોના વાઇરસની રસી લેવા માટે આદેશ આપી રહ્યાં છે.
તેઓ કહે છે, "મને અત્યારે જાણ કરો કે કોણે રસી લીધી છે અને કોણે નથી લીધી અને કારણ શું છે. સગર્ભા- સ્તનપાન કરાવતી મહિલાઓનાં નામ લખીને મોકલાવો. જો કોઈને રીઍક્શન આવ્યું હોય તો એ વિશે પણ માહિતી જોઈએ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑડિયોમાં હંસા પટેલ કહેતાં સંભળાય છે કે, "કાં તો કાલે તમે રસી લો અથવા રાજીનામું આપો. બેમાંથી એક તો મને જોઈશે, જોઈશે અને જોઈશે જ. તમે રાજીનામું આપજો કાં તમે રસી લો. બધાએ ફરજિયાત રસી લેવાની છે."
ઑડિયોમાં તેઓ કોઈ કર્મચારીને જે વર્કરે અને હેલ્પરે રસી નથી લીધી તેની યાદી બનાવવા માટે કહેતાં સંભળાય છે.
તેઓ કહે છે કે "ડીડીઓ સાથે વીડિયો ફૉન્ફરેન્સ થઈ હતી, જેમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. વર્કરો રસી ન લેતા હોવાના કારણે ડીડીઓ ગુસ્સે થયા હતા."
તેઓ તેમાં વધુમાં કહે છે, "આજે નહીં તો કાલે તમારે ફરજિયાત રસી લેવાની છે. કાલે 10-10.30 વાગ્યા સુધીમાં પીએચસીમાં જઈને રસી લેવાની છે. ફરજિયાત લેવાની છે. મને અત્યારે જવાબ જોઈએ. કાલે બધાએ રસી લઈ લેવી જોઈએ, નહીંતર સુપર વાઇઝરને સસ્પેન્ડ કરવામાં આવશે."
તેઓ વર્કરને જણાવી રહ્યા છે કે "જો રસી નહીં મૂકે તો તેમને નોકરીથી છૂટા કરવામાં આવશે."

શું કહે છે ડીડીઓ?

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન ઑડિયો ક્લિપની સત્યતા અને ઘટનાની પુષ્ટિ માટે બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર પ્રશાંત ગુપ્તાએ કચ્છના ડીડીઓ ભવ્ય વર્મા સાથે પણ વાતચીત કરી.
તેમણે બીબીસીને જણાવ્યા અનુસાર ઑડિયોમાં જે અવાજ છે તે હંસાબહેન પટેલનો જ છે અને તેમને આ મામલે સ્પષ્ટીકરણ પૂરું પાડવા માટે કહેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "હંસાબહેને શા માટે કડકાઈથી રિવ્યૂ લીધો એ મામલે તેમને સ્પષ્ટતા કરવા માટે નોટિસ અપાઈ છે."
તો રસી માટે દબાણ કરવાની વાત છે, તો એ મામલે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અનુસાર રસીકરણ સ્વૈચ્છિક ધોરણે ચાલી રહ્યું છે.
તેમના અનુસાર, "રસી લેવી સ્વૈચ્છિક છે અને આક્ષેપો પાયાવિહોણા છે. તેમાં કોઈ તથ્ય નથી."
તેમણે એવું પણ ઉમેર્યં કે, "વીડિયો કૉન્ફરન્સ દ્વારા રસીકરણ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં કોણ કેમ રસી નથી લેતું તેનાં કારણો જાણવાની કોશિશ થઈ હતી. પરંતુ તે માત્ર જાણકારી ભેગી કરવાના હેતુથી કરાઈ હતી."
વળી ઑડિયોમાં જે અબડાસાના કર્મીને સસ્પેન્ડ કરવાની વાત છે તે અન્ય મુદ્દે કાર્યવાહી થઈ હોવાનું ભવ્ય વર્માએ જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે બીબીસીએ હંસાબહેન પટેલનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, જેઓ ICDS વિભાગમાં ચાઇલ્ડ ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ ઑફિસર છે.
પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમનો સંપર્ક થતા તેમની વાત અહેવાલમાં સામેલ કરી લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હંસાબહેન ICDC પ્રોગ્રામ ઑફિસર ઇરાબહેન (ક્લાસ વન અધિકારી)ની ટીમમાં સુપર વાઇઝર છે. જેઓ ફ્રન્ટલાઇન વર્કર્સના રસીકરણ કાર્યક્રમ સાથે પણ સંકળાયેલાં છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















