શિવસેનાના કાર્યકરોએ EDની ઑફિસ પર લગાવ્યું 'ભાજપ કાર્યાલય'નું બેનર- TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

શિવસેનાના કાર્યકરો દ્વારા મુંબઈમાં ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ શાખાની બહાર હિંદીમાં 'ભાજપા પ્રદેશ કાર્યાલય' લખેલું બેનર લગાવી દેવાયું.

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર શિવસેનાના નેતા સંજય રાઉતનાં પત્નીને પીએમસી બૅન્કમાં છેતરપીંડી કરવાની આરોપસર કેન્દ્રીય એજન્સી દ્વારા નોટિસ અપાઈ હતી. આ નોટિસ પર રાઉતે આક્રમક રીતે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેઓ આ રિપોર્ટનો યોગ્ય જવાબ આપશે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર જ્યારે ઈડીના કાર્યાલય પર શિવસૈનિકો સંબંધિત બેનર લગાવી રહ્યા હતા, એ જ વખતે સેનાભવનમમાં રાઉત ઈડી અને ભાજપની ટીકા કરી રહ્યા હતા.

મહત્ત્વપૂર્ણ છે કે ઈડી દ્વારા રાઉતનાં પત્ની વર્ષા રાઉતને જે મામલે સમન્સ મોકલાયો છે, એ મામલો 12 વર્ષ જૂનો છે.

એ વખતે સંજય રાઉતે 50 લાખ રૂપિયાનું કરજ લીધું હતું અને આ કરજ દેનારી વ્યક્તિનું નામ પ્રવીણ રાઉત હતું.

પ્રવીણ રાઉત પીએમસી બૅન્ક કૌભાંડમાં આરોપી છે અને તેમની ધરપકડ કરી લેવાઈ છે.

વિરાટ કોહલીની ICC દ્વારા દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે વિરાટ કોહલીની પસંદગી કરી છે.

આઈસીસીએ ટ્વિટર પર આ અંગેની જાહેરાત કરી છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીને સ્પિરિટ ઑફ ધ ક્રિકેટ ઍવૉર્ડ ઑફ ધ ડિકેડ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ બન્ને ઉપરાંત આઈસીસીએ સ્ટિવ સ્મિથને દાયકાના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પુરુષ ક્રિકેટર અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને દાયકાના સર્વશ્રેષ્ઠ ટી20 ક્રિકેટર તરીકે પસંદ કર્યા છે.

કોહલીનું પ્રદર્શન આ દાયકામાં ઉત્તમ રહ્યું છે. તેમણે આ દાયકામાં સૌથી વધુ સદી, સૌથી વધુ અડધી સદી અને સૌથી વધુ રન કર્યા છે.

કોહલીએ દાયકા દરમિયાન 39 સદી, 48 અડધી સદી કરી છે. તો આ દરમિયાન તેઓ 122 કૅચ ઝડપવામાં પણ સફળ રહ્યા છે.

કોહલીને દાયકાના સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે.

વધુ એક આંદોલનકારી ખેડૂતની આત્મહત્યા, PM માટે છોડ્યો અંતિમ પત્ર

રવિવારે સવારે દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો પૈકી એકના ખેડૂત પ્રદર્શનકારી દ્વારા કથિત આત્મહત્યા કરી લેવાઈ હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ટીકરી બૉર્ડર ખાતે BKU ઉગ્રહણના પ્રદર્શન સ્થળે આ આત્મહત્યાનો બનાવ બન્યો હતો. આત્મહત્યા કરનાર ખેડૂતનું નામ અમરજીત સિંઘ રાય હતું. તેમણે પાકને ઉંદરથી બચાવવા માટેની સલ્ફાસ ટૅબ્લેટ ગળીને આત્મહત્યા કરી હતી.

16 ડિસેમ્બરથી મૃતક ખેડૂત સાથે પ્રદર્શન સ્થળે પ્રદર્શન કરી રહેલા અન્ય એક ખેડૂત રામ કુમાર મુનશીએ ઘટના અંગે જણાવ્યું હતું કે, “રવિવારે સવારે 8.48 વાગ્યે તેમણે મને ફોન કરીને કહ્યું કે તેમણે સલ્ફાસ ટૅબ્લેટ ગળી છે. હું 8.55 સુધી તેમની પાસે પહોંચ્યો ત્યારે તેમણે મને બે ટાઇપ કરેલા પત્રો હાથમાં સોંપ્યા અને બેહોશ થઈ ગયા. અમે તેમને બહાદુરગઢની સિવિલ હૉસ્પિટલ લઈ ગયા. ત્યાંથી તેમને રોહતકની PGIમાં શિફ્ટ કરવામાં આવ્યા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.”

મૃત્યુ પહેલાં તેમણે સોંપેલા બે પત્રો પૈકી એક જલાલાબાદના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ માટે હતો.

જેમાં જલાલાબાદ બાર ઍસોસિયેશન દ્વારા કૃષિકાયદાઓને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા પત્રનું શીર્ષક હતું, “આપખુદ મોદીને પત્ર”

આ પત્રમાં તેમણે વડા પ્રધાન મોદી અંબાણી અને અદાણી જેવા લોકો માટે વડા પ્રધાન બન્યા હોવાની વાત કરાઈ હતી. તેમજ પત્રમાં લખાયું હતું કે ખેડૂતો અને મજૂરો કૃષિકાયદાઓને કારણે છેતરાઈ ગયા હોવાનું અનુભવી રહ્યા છે.

આ દરમિયાન એક મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા આંદોલન બાદ સરકાર સાથે ફરી વાતચીતની સંભાવના છે.

બીજી તરફ 29 ડિસેમ્બરના રોજ વાતચીત યોજવાના ખેડૂત સંગઠનના પ્રસ્તાવ અંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, “મને આશા છે કે ખેડૂતો પરિસ્થિતિ અને કાયદાના સત્યને સમજશે અને વાર્તા થશે અને સમાધાન નીકળશે.”

તેમણે ખેડૂત સંગઠન દ્વારા વાતચીતનો પ્રસ્તાવ મોકલવાયાની વાતની સરાહના કરતાં કહ્યું કે, “તેમણે પત્ર લખ્યો છે, તે એક સારું પગલું છે. અમે તો વાતચીત માટે તૈયાર જ હતા. અમે વાતચીતથી મુદ્દાનો ઉકેલ લાવીશું.”

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.

AMCના સફાઈકર્મીઓની હડતાળ, શહેરમાં ઠેરઠેર કચરાના ઢગ દેખાયા

રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)ના સફાઈકર્મીઓની હળતાળ ચોથો દિવસ હતો. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે દરેક પસાર થતા દિવસ સાથે સફાઈકર્મીઓની હડતાળને પગલે શહેરમાં ઠેરઠેર કચરાના ઢગલા દેખાવા લાગ્યા છે.

નોંધનીય છે કે હડતાળ પર ઊતરેલા સફાઈકર્મીઓ પોતાના સંબંધીઓ માટે વળતર હક સ્વરૂપે નોકરીની માગ કરી રહ્યા છે.

સોમવારે પોતાના પ્રદર્શનના ભાગરૂપે તેમણે કૉર્પોરેશનની ઉત્તર-પૂર્વ ઝોનની ઑફિસની બહાર સવારે નવ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી બેસવાની તેમજ મંગળવારે દાણાપીઠ ખાતેના કૉર્પોરેશનના મુખ્યાલયે એકઠા થઈ પોતાનો પ્રસ્તાવ સોંપવાની જાહેરાત કરી છે.

અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ સર્વન્ટ્સ ઍસોસિયેશનના સચિવ કલ્પેશ મકવાણાએ કહ્યું કે, “જ્યાં સુધી અમારા સંબંધીઓને નોકરી અપાવવાનો નિર્ણય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ધરણાં ચાલુ રાખીશું અને કામ શરૂ કરીશું નહીં. અમારા નામ સાથે સફાઈ કામદાર શબ્દ જોડાઈ ગયો હોવાથી અમારાં બાળકોને અન્ય કોઈ નોકરી મળી શકતી નથી. આ કારણે અમે અમારાં બાળકો માટે નોકરીની માગ ઉઠાવી રહ્યા છીએ.”

PM મોદી દિલ્હી મેટ્રોની પ્રથમ ડ્રાઇવરલેસ ટ્રેનની શરૂઆત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભારતની પ્રથમ ડ્રાઇવરલેસ ટ્રેન ઑપરેશનનું ઉદ્ઘાટન કરશે. નોધનીય છે કે આ ટ્રેન દિલ્હી મેટ્રોની મેજન્ટા લાઇન પર ચાલશે. જે જનકપુરીથી બૉટનીકલ ગાર્ડનની વચ્ચે ચાલશે.

હિન્દુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આ સાથે જ તેઓ ઍરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર નૅશનલ કૉમન મોબિલિટ કાર્ડ સેવાની પણ શરૂઆત કરશે.

રવિવારે દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (DMRC)દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર સોમવારે સવારે 11 વાગ્યે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ઉદ્ઘાટન કરવામાં આવશે.

નિવેદનમાં લખાયું છે કે, “આ નવા ઇનોવેશન દિલ્હી-NCRના નિવાસીઓ માટે મુસાફરી અને સવલતોના એક નવા યુગની શરૂઆત કરશે. દિલ્હી મેટ્રોની મેજન્ટા લાઇન પર ડ્રાઇવરલેસ ટ્રેનની શરૂઆત કરવાની સાથે દિલ્હી મેટ્રો વિશ્વની એવી 7 ટકા મેટ્રો નેટવર્કમાં સામેલ થઈ જશે જે ડ્રાઇવર વગર ચાલી શકે છે.”

રાહુલ ગાંધી અંગત વિદેશ યાત્રા પર, કૉંગ્રેસના સ્થાપનાદિને પણ નહીં રહે હાજર

કૉંગ્રેસ નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી કૉંગ્રેસ પાર્ટીના 136મા સ્થાપના દિવસ પર હાજર નહીં રહે.

નોંધનીય છે કે 28 ડિસેમ્બરે કૉંગ્રેસનો સ્થાપના દિન છે.

પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલેએ જાણકારી આપી હતી કે રાહુલ ગાંધી સંક્ષિપ્ત અંગત યાત્રા પર વિદેશ જઈ રહ્યા છે અને અમુક દિવસ સુધી તેઓ બહાર રહશે.

સૂત્રોના હવાલાથી ન્યૂઝ એજન્સી ANIએ સમાચાર આપ્યા છે કે રાહુલ ગાંધી રવિવારે સવારે જ વિદેશ યાત્રા માટે જતા રહ્યા અને અમુક દિવસો સુધી વિદેશમાં જ રહેશે.

જોકે, રાહુલ ગાંધી ક્યાં ગયા છે, તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ.

રાહુલ ગાંધી એવા સમયે વિદેશ યાત્રા પર ગયા છે જ્યારે દેશમાં કૃષિકાયદાઓને પરત ખેંચવા માટે ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ-હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો પાછલા એક મહિનાથી વધુ સમયથી દિલ્હીની સીમાઓ પર અડગ છે.

ચીનમાં ચપ્પુ વડે હુમલાની ઘટનામાં સાતનાં મૃત્યુ, સાત ઘાયલ

ચીનના ઉત્તર-પૂર્વના પ્રાંત લિઓલિંગમાં એક શખ્સે લોકો પર તાબડતોડ ચપ્પુ વડે હુમલો કર્યો. મીડિયામાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે આ હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

લિઓનિંગ પ્રાંતના એક નાના શહેર કાયાયુઆનમાં થયેલી આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી છે. જોકે હુમલા પાછળનો હેતુ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યો.

પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી ન્યૂઝ રિપોર્ટમાં કહેવાયું છે કે તેમણે એક શખ્સને લોકો પર તાબડતોડ ચપ્પુ વડે હુમલો કરતા જોયો.

ચીનમાં આ પ્રકારના હિંસક અપરાધ તુલનાત્મક રીતે ઓછા થાય છે પરંતુ પાછલાં અમુક વર્ષોમાં ચપ્પુ કે પછી ધારદાર હથિયારો વડે હુમલાના મામલા વધ્યા છે.

આ પ્રકારના હુમલાઓમાં મોટા ભાગે એવા લોકો સામેલ હોય છે જેઓ અમુક માનસિક બીમારી સામે ઝઝૂમી રહ્યા હોય છે અથવા તો આવા હુમલા બદલાની ભાવનાથી કરવામાં આવતા હોય છે.

હૉંગકૉંગના સાઉથ ચાઇના મૉર્નિગ પોસ્ટ (SCMP) સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર, કાયાયુઆનમાં ચપ્પુ વડે હુમલાની જે ઘટના બની તેના સંદિગ્ધે સ્થાનિક સમય પ્રમાણે આઠ વાગ્યાની આસપાસ લોકો પર ચપ્પુ વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

પોલીસ પ્રમાણે, આરોપીને પકડતી વખતે એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા છે. જોકે, હુમલામાં ઘાયલ લોકો વિશે હજુ સુધી કોઈ જાણકારી નહોતી મળી શકી.

એક પ્રત્યક્ષદર્સીએ SCMPને જણાવ્યું કે આ હુમલો એક સ્કૂલની બહાર શરૂ થયો અને હુમલામાં શિકાર થનાર પૈકી મોટા ભાગનાં કાં તો મધ્યમ આયુ વર્ગનાં મહિલા છે કાં તો પછી વૃદ્ધ મહિલાઓ છે.

લિયૂ ઉપનામવાળાં એક મહિલાએ કહ્યું, “એ તો રાહતની વાત હતી કે આજે સ્કૂલ બંધ છે. નહીંતર વધુ લોકો આ હુમલાનો શિકાર બન્યા હોત.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો