ખેડૂત આંદોલન : નરેન્દ્ર મોદીએ કહ્યું, કૃષિકાયદાઓ પર કેટલીક પાર્ટીઓ પૉલિટિક ઍજન્ડા આગળ વધારે છે

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દિલ્હી સરહદે વિવિધ રાજ્યોના ખેડૂતો નવા કૃષિકાયદાઓ સામે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને મહિનો થવા આવ્યો છે અને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે સરકારે ફરીથી વાતચીત માટે પત્ર લખ્યો છે.

દરમિયાન આજે વડા પ્રધાન મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ લાભાર્થીઓનાં ખાતાંમાં જમા કરાવી. વડા પ્રધાને 9 કરોડથી વધારે ખાતાંઓમાં 18 હજાર કરોડની રકમ યોજના મુજબ જમા કરાવી.

આ રકમ પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ આપવામાં આવી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલનને લઈને કહ્યું કે, કૃષિકાયદાઓને લઈને કેટલીક પાર્ટીઓ રાજકીય ઍજન્ડા આગળ વધારી રહી છે.

મોદીએ ખેડૂત યોજનાનો લાભ મેળવનારા અલગઅલગ રાજ્યોના ખેડૂતો સાથેના સંવાદમાં આ વાત કહી.

એમણે એમ પણ કહ્યું કે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગને નામે દેશમાં ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે.

એમણે કહ્યું કે "સ્વાર્થની રાજનીતિ કરનારાઓને જનતા ખૂબ નજીકથી જોઈ રહી છે. જે દળો પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના અહિત પર કંઈ નથી બોલતા તે અહીં ખેડૂતોને નામે દિલ્હીના નાગરિકોને પરેશાન કરી રહ્યા છે અને દેશના અર્થતંત્રને બરબાદ કરવામાં લાગેલા છે."

એમણે મમતા બેનરજીને નિશાને લેતા કહ્યું કે "જે લોકો 30-30 વર્ષ બંગાળમાં રાજ કરતાં હતા, એક એવી રાજકીય વિચારધારાને લઈને એમણે બંગાળને ક્યાંથી ક્યાં લાવી દીધું છે એ આખો દેશ જાણે છે. તમે મમતા બેનરજીનાં જૂનાં ભાષણો સાંભળશો તો સમજાશે કે આ વિચારધારાએ બંગાળને કેટલું બરબાદ કર્યું."

કાર્યક્રમમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ એક મહત્ત્વાકાંક્ષી યોજના છે અને તેનાથી ગરીબ ખેડૂતોને ઘણો લાભ થયો છે.

કૃષિમંત્રીએ કહ્યું કે, "પંજાબ સહિત થોડી જગ્યાએ અમુક ખેડૂત ભાઈ-બહેનોનાં મનમાં નવા કૃષિકાયદાઓને લઈને ભ્રમ ઊભો થયો છે. હું એમને આગ્રહ કરું છું કે તેઓ આ આંદોલન છોડીને સરકાર સાથે વાતચીત કરે. મને આશા છે કે ખેડૂતો નવા કાયદાઓનો મર્મ અને મહત્ત્વ સમજશે અને આપણે સમાધાન તરફ આગળ વધીશું. "

દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એમએસપી (લઘુતમ સમર્થન મૂલ્ય) રદ નહીં થાય. એમણે દિલ્હીમાં એક સંમેલનમાં આ વાત કરી છે.

ખેડૂતોએ વાતચીતનો અગાઉનો પ્રસ્તાવ ફગાવી દીધો એ પછી સરકારે ફરી વાતચીત માટે ગુરુવારે એક પત્ર લખ્યો છે.

અમેરિકાનાં સાંસદોનો પત્ર

ખેડૂત આંદોલનમાં કોઈ નીવેડો આવી નથી રહ્યો ત્યારે અમેરિકાના સાત સાંસદોએ વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોને ભારત સાથે વાત કરવા અપીલ કરી છે.

આ સાંસદોએ એ એક પત્ર લખી અમેરિકા ભારતના વિદેશમંત્રી આગળ આંદોલનનો મુદ્દો ઉઠાવે એમ કહ્યું છે. આ સાત સાંસદોમાં ભારતીય મૂળનાં પ્રમિલા જયપાલનો પણ સમાવેશ થાય છે.

સાત વરિષ્ઠ સાંસદોએ લખ્યું છે કે અમેરિકામાં વસવાટ કરતા અનેક ભારતીયોને આ આંદોલન અસર કરી શકે છે, કારણ કે એમનો પરિવાર પંજાબમાં રહે છે અને ત્યાં એમની પૈતૃક સંપત્તિઓ પણ છે. અમે આપને આગ્રહ કરીએ છીએ કે તમે તમારા ભારતીય સમકક્ષ સાથે વાત કરો અને વિદેશોમાં રાજકીય અભિવ્યક્તિની આઝાદીની અમેરિકાની પ્રતિબદ્ધતા મજબૂત કરો.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે બ્રિટનના સાંસદોએ પણ પ્રજાસત્તાકદિનના મહેમાન બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનને નરેન્દ્ર મોદી આગળ આ મુદ્દો ઉઠાવવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે ગઈ કાલે વિપક્ષ કૉંગસે બે કરોડ સહી સાથે ખેડૂતોના મુદ્દે રાષ્ટ્રપતિને આવેદન આપ્યું છે.

કૉંગ્રેસની કૂચને પોલીસે રોકી લીધી હતી અને પ્રિયંકા ગાંધી સમેત અનેકની અટકાયત કરાઈ હતી. કૉંગ્રેસે કાયદા પાછા લેવાની ખેડતોની માગનું સમર્થન કર્યું છે અને સરકાર અસહમતીના અવાજને આતંકવાદ ગણાવતી હોવાનો આરોપ મૂક્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો