DDC Elections Results : ભાજપે કાશ્મીરમાં છ વર્ષમાં પ્રથમ વખત ખાતું ખોલાવ્યું

ઇમેજ સ્રોત, EPA
જમ્મુ અને કાશ્મીર જિલ્લા વિકાસપરિષદની ચૂંટણીની 280 બેઠકો માટે મતોની ગણતરી ચાલુ છે. રાજ્ય ચૂંટણીપંચની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર ભાજપે અત્યાર સુધી જમ્મુના સંભાગની 140 બેઠકોમાંથી 60 બેઠકો મેળવી લીધી છે.
જિલ્લા વિકાસપરિષદનાં પ્રારંભિક પરિણામો ભાજપ માટે ઉત્સાહવર્ધક છે. શ્રીનગરના બહારના વિસ્તારો બાલાહામ અને સરહદને અડીને આવેલા ગુરેઝના તુલાઇલમાં ભાજપને બે બેઠકો પર વિજય મળ્યો છે.
ભાજપના ઉમેદવાર એજાઝ હુસેને પીએજીડીના પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દીધા છે.
એજાઝ હુસેને પોતાના વિજય પર કહ્યું, "હું ખુશ છું. લોકોના સમર્થન માટે હું આભાર વ્યક્ત કરવા માગું છું. આ પીએજીડીની સામે એક નૈતિક પડકાર છે, જે હજુ પણ અનુચ્છેદ 370ને લઈને લોકોને મુરખ બનાવે છે."
પ્રારંભિક વલણોમાં ભાજપ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં 50થી વધુ બેઠકો પર લીડ હાંસલ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે પીએજીડી ખીણ અને જમ્મુના વિસ્તારોમાં 40થી વધુ બેઠક પર આગળ છે.
આશા વ્યક્ત કરાઈ રહી છે કે હિંદુ બહુમતી ધરાવતા જમ્મુ વિસ્તારના પરિણામો ભાજપના પક્ષમાં જશે અને મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીર વિસ્તારમાં પીએજીડીનો દબદબો રહેશે.
બીજી તરફ પીએજીડીના નેતાઓનું કહેવું છે કે પરિણામ કલમ 370ને ફરીથી લાગુ કરવાની માગ પર જનતાનું સમર્થન દર્શાવે છે. 5 ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હઠાવવામાં આવી હતી. આ કલમ જમ્મુ-કાશ્મીરને એક અર્ધ-સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપતી હતી.

ભાજપને વિજયની આશ

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી પહેલી જિલ્લા વિકાસપરિષદની ચૂંટણીની મતગણતરી સવારના નવ વાગ્યાથી થઈ. કડક સુરક્ષાવ્યવસ્થા સાથે તમામ જિલ્લા મુખ્યાલયોમાં મતગણના થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોડામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે કલમ 144 લગાવાઈ છે. જુદાં-જુદાં રાજકીય દળોના એજન્ટ મતગણતરીનાં કેન્દ્રો પર પહોંચી ગયા છે.
રાજ્ય ચૂંટણીકમિશનર કે. કે. શર્માએ સોમવારે કહ્યું હતું કે આ મતગણનાને લઈને તમામ જરૂરી બંદોબસ્ત કરાયેલા છે.
તેમણે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જમ્મુ અને કાશ્મીરના તમામ ચૂંટણી ઉપ-કમિશનરો સાથે સમીક્ષા બેઠક કરી અને તૈયારી પરિસ્થિતિની ચકાસણી કરી.
કેન્દ્રીય મંત્રી અને ભાજપ તરફથી જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આ જિલ્લા વિકાસપરિષદ ચૂંટણીના પ્રભારી અનુરાગ ઠાકુરે ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરની જનતા રાજ્યમાં નવું નેતૃત્વ ઇચ્છે છે જે તેમના ક્ષેત્રની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે.
તેમણે સમાચાર એજન્સી ANIને કહ્યું, "આજે પરિણામો આવશે અને હું ભારતીય જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને આશ્વસ્ત છું. જનતા જમ્મુ અને કાશ્મીરમાં નવું નેતૃત્વ ઇચ્છે છે જે તેમના નિર્વાચનક્ષેત્રની સમસ્યાઓના સમાધાનમાં મદદ પહોંચાડનાર હશે."
જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ પહેલી વાર ચૂંટણી થઈ છે.
19 ડિસેમ્બરના રોજ થયેલી ચૂંટણીમાં આઠ તબક્કામાં મતદાન થયું. 28 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. ચૂંટણી કમિશનર કે. કે. શર્માએ ચાર નવેમ્બરના રોજ આ ચૂંટણીની જાહેરાત કરી હતી.
આ ચૂંટણીમાં ભાજપ અને જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટી (JKAP)ને બાદ કરતાં તમામ રાજકીય પક્ષોએ એક સાથે ગઠબંધન રચીને ચૂંટણી લડી છે.
નૅશનલ કૉન્ફરન્સ (NC), પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી (PDP). કૉંગ્રેસ, પીપલ્સ કૉન્ફરન્સ, CPI, CPIM, અવામી નૅશનલ કૉન્ફરન્સ, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ (JKPM)એ સાથે મળીને આ ચૂંટણીમાં પીપલ્સ અલાયન્સ ફૉર ગુપકર ડિક્લેરેશન (PAGD) બનાવ્યું છે.

DDC ચૂંટણી શું છે?

ઇમેજ સ્રોત, Ani
જમ્મુ અને કાશ્મીરમાં પહેલી વાર DDC ચૂંટણી થઈ રહી છે. કલમ 370 હઠાવાઈ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રિસ્તરીય પંચાયત પ્રણાલી (ગ્રામ સ્તરીય, બ્લૉક સ્તરીય, જિલ્લા સ્તરીય) નહોતી.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા મહિને જમ્મુ અને કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ, 1989માં સંશોધન માટે પોતાની સહમતિ આપી દીધી હતી. હવે આ ચૂંટણી થકી જમ્મુ ક્ષેત્રના દસ અને કાશ્મીર ખીણના દસ, આમ કુલ 20 જિલ્લામાં DDCનું ગઠન કરાશે.
કેન્દ્રશાસિત પ્રદેશના પ્રત્યેક જિલ્લામાં 14 નિર્વાચન ક્ષેત્ર હશે. આમ સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં કુલ 280 નિર્વાચનક્ષેત્ર માટે આ ચૂંટણી દ્વારા લોકો DDCના પ્રતિનિધિઓ ચૂંટશે.
પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટીએ વર્ષ 2018માં નગરનિગમ અને પંચાયતચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે બંને દળો, નૅશનલ કૉન્ફરન્સ અને પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી, એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી અનુચ્છેદ 35-Aની સુરક્ષાને લઈને આશ્વાસન માગ્યું હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















