દિલજીત દોસાંઝ : ‘કિંગ ઑફ પંજાબી ફિલ્મ્સ’ બનવાથી લઈ કંગના સાથે ટક્કર સુધીની કહાણી

દિલજીત દોસાંઝ

ઇમેજ સ્રોત, INSTAGRAM/ DILJITDOSANJ

ઇમેજ કૅપ્શન, દિલજીત દોસાંઝ
    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ફિલ્મ સ્ટારો વચ્ચે રાજકીય મુદ્દાઓને લઈને ટ્વિટર પર વાદવિવાદ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. આવી ટ્વિટર વૉર હંમેશાં સમાચારનો ભાગ બનતી રહે છે.

પરંતુ ગુરુવારે આ યાદીમાં એવું નામ જોડાઈ ગયું છે પહેલાં આવી ચર્ચામાં કદાચ જ સામેલ થતું જોવા મળ્યું હતું.

ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝની ગુરુવારે અભિનેત્રી કંગના રણૌત સાથે ટ્વિટર પર વાદવિવાદ થઈ ગયો. તેના કારણે સોશિયલ મીડિયા પર સક્રિય લોકો બે ભાગમાં વહેચાઈ ગયા.

ટ્વિટર પર દિલજીત દોસાંઝ અને કંગના રણૌત ટ્રેન્ડ કરવા લાગ્યાં, કારણ હતું, કૃષિ બિલોને લઈને થઈ રહેલાં વિરોધપ્રદર્શનોમાં સામેલ એક વૃદ્ધ મહિલા મહિંદર કૌર.

કંગના રણૌતે અમુક દિવસ પહેલાં મહિંદર કૌરની તસવીર શૅર કરવાની સાથે લખ્યું હતું કે ટાઇમ મૅગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ દાદી 100 રૂપિયામાં ખેડૂતોના વિરોધપ્રદર્શનોમાં સામેલ થવા માટે ઉપલબ્ધ છે.

કંગનાએ આ વાત શાહીનબાગ વિરોધપ્રદર્શનમાં ભાગ લેનારાં બિલકિસ બાનો માટે લખી હતી અને તેમણે જે તસવીર પોસ્ટ કરી હતી તે પૈકી એક મહિંદર કૌરની હતી. બાદમાં કંગના રણૌતે આ ટ્વીટ ડિલીટ કરી દીધું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ત્યાર બાદ દિલજીત દોસાંઝે બીબીસીનો એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો જેમાં મહિંદર કૌર કંગના રણૌતને જવાબ આપી રહ્યાં છે. દિલજીતે કંગના રણૌતને ટૅગ કરવાની સાથે તેમને મહિંદર કૌરની વાતનો જવાબ આપવા માટે કહ્યું.

આ ઘટના બાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો અને તેઓ એકબીજાને અપમાનજનક શબ્દોમાં ખરુંખોટું કહેવા લાગ્યા. બંનેએ એકબીજા માટે ‘કોઈના પાલતું’ હોવા જેવા શબ્દનો પણ ઉપયોગ કર્યો.

ત્યાર બાદ ટ્વિટર પર #KanganaRanaut અને #Diljit ટૉપ ટ્રેંડમાં આવી ગયાં.

line

પહેલી વખત આવો વિવાદ

દિલજીત દોસાંજ અને કંગના રણૌત

ઇમેજ સ્રોત, Facebook

ઇમેજ કૅપ્શન, દિલજીત દોસાંજ અને કંગના રણૌત

કંગના રણૌત લાંબા સમયથી ટ્વિટર પર વાદવિવાદનો ભાગ બનતાં રહે છે. તેઓ રાજકીય મુદ્દાઓ પર લખે છે, ઘણી વાર વિવાદાસ્પદ નિવેદનો પણ આપે છે અને તેમની ટ્વિટર વૉર જારી રહે છે.

પરંતુ, 36 વર્ષના દિલજીત દોસાંઝ પ્રથમ વખત આવી રીતે ચર્ચામાં આવ્યા છે. અવારનવાર તેઓ પોતાના ટ્વિટર હૅંડલ પર પોતાના નવાં ગીતો કે ફિલ્મો અંગે ટ્વીટ કરે છે.

લૉકડાઉન દરમિયાન જ્યારે તેઓ મુંબઈમાં ફસાઈ ગયા હતા ત્યારે તેમણે પોતાના ભોજન બનાવતા વીડિયો શૅર કર્યા હતા.

બીબીસી પંજાબી સેવાના સંવાદદાતા સુનીલ કટારિયા જણાવે છે કે, “દિલજીત દોસાંઝ ક્યારેય રાજકીય વિવાદોમાં નથી રહ્યા. આ પ્રથમ વાર છે જ્યારે તેઓ આવી રીતે ટ્વિટરની લડાઈમાં પડ્યા હોય. જોકે, તેઓ પોતે પણ એક ખેડૂત પરિવારમાંથી જ આવે છે.”

જોકે, દિલજીત દોસાંઝ ખેડૂતોના વિરોધપ્રદર્શનને લઈને ઘણા સક્રિય છે અને તેના વીડિયો અને ફોટો શૅર કરી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

દિલજીત દોસાંઝ પંજાબી મ્યુઝિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ફૅન્સ તેમને ‘કિંગ ઑફ પંજાબી ફિલ્મ્સ’ તરીકે પણ ઓળખાવે છે.

દિલજીતે બૉલીવૂડમાં પણ પોતાની ઓળખાણ ઊભી કરી છે. તેમણે બૉલીવૂડ ફિલ્મોમાં ગાયકીથી લઈને એક્ટિંગ સુધી હાથ અજમાવ્યો છે. ગયા વર્ષે આવેલી તેમની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’એ સારું પ્રદર્શન કર્યું હતું.

હાલમાં જ તેમની એક ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ આવી છે જે એક કૉમેડી ફિલ્મ છે.

હિંદી ફિલ્મો અને પંજાબી-હિંદી મિક્સ ગીતોની લોકપ્રિયતાના કારણે હિંદી ભાષી લોકો વચ્ચે તેઓ સારા એવા લોકપ્રિય થઈ ચૂક્યા છે.

line

ગુરબાની કીર્તન કરનારા દલજીત સિંહ

દિલજીત દોસાંઝ

ઇમેજ સ્રોત, INSTAGRAM/ DILJITDOSANJH

ઇમેજ કૅપ્શન, દિલજીત દોસાંઝ

પરંતુ આ પ્રસિદ્ધિ તેમની આમ જ નથી મળી. ગામડાના મધ્યમવર્ગીય પરિવારના એક છોકરા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓળખ બનાવવાનું કામ સરળ નહોતું.

દિલજીત દોસાંઝ પોતે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના ઇન્ટરવ્યૂમાં જણાવાયું છે તેમ તેમનું બાળપણ આર્થિંક ભીંસમાં પસાર થયું છે.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેઓ માત્ર દસમા ધોરણ સુધી જ ભણ્યા અને આગળ ભણી નહોતા શક્યા.

તેઓ પંજાબના જાલંધર જિલ્લામાં દોસાંઝ ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ બલબીર સિંહ અને માતાનું નામ સુખવિંદર કૌર છે. તેમનું ખરું નામ દલજીત સિંહ છે જેને તેમણે બાદમાં બદલાવી દિલજીત દોસાંઝ કરી નાખ્યું.

દિલજીતને બાળપણથી જ ગાવાનો શોખ હતો અને તેઓ ગુરુદ્વારામાં ગુરબાની કીર્તન કરતા હતા.

ત્યારે કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે ગુરબાની કીર્તન કરનાર છોકરો એક દિવસ પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં છવાઈ જશે.

ગુરુદ્વારામાં આવતાં-જતાં લોકોને ક્યાંક ને ક્યાંક આ બાળકનો અવાજ ગમી ગયો અને તેને આગળ તક મળતી ગઈ.

ધીમે ધીમે તેમના હુન્નરને ઓળખ મળી અને તેઓ પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવ્યા.

દિલજીતને તેમના ફૅન્સ ‘અર્બન પેંડૂ’ બોલાવે છે. અર્બનનો હિંદી અર્થ હોય છે શહેરી અને પેંડૂનો અર્થ પિંડ (ગામ), એટલે તેમના ફૅન્સ શહેરી અને દેહાતીનું મિશ્રણ માને છે.

line

સિંગરમાંથી બન્યા એક્ટર

દિલજીત દોસાંઝ

ઇમેજ સ્રોત, INSTAGRAM/ DILJITDOSANJH VERIFIED

જો આપ આજના દિલજીત દોસાંઝને જાણો છો તો કદાચ તમે તેમને તેમના જૂનાં ગીતોમાં ઓળખી પણ નહીં શકો. તેમની સ્ટાઇલથી લઈને આત્મવિશ્વાસ સુધી હવે બધું બદલાઈ ચૂક્યું છે.

જોકે, આ ટોચ સુધી પહોંચવાનો રસ્તો સંઘર્ષપૂર્ણ રહ્યો છે. પોતાના શરૂઆતની કારકિર્દીમાં સ્ટેજ શોથી લઈને લગ્નમાં પરફોર્મન્સ પણ કર્યા. જોકે, હવે તેઓ કહે છે કે તેમને લગ્નમાં પરફોર્મ કરવાનો સમય નથી મળી શકતો.

દિલજીતે પોતાની કારકિર્દીની શરૂઆત પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી કરી. તેમનું પ્રથમ આલ્બમ ‘ઇશ્ક દા ઉડા અડા’ ફાઇન ટોન કૅસેટ્સ સાથે વર્ષ 2004માં આવ્યું હતું.

તે સમયે તેમના સફરને એક સંતોષજનક પડાવ મળ્યો અને તે દરમિયાન જ તેઓ દલજીતમાંથી દિલજીત બની ગયા.

ત્યાર બાદ તેમણે ફાઇન ટોન સાથે વધુ મ્યુઝિક આલ્બમ બનાવ્યાં. તેમનું ત્રીજું આલ્બમ ‘સ્માઇલ’ ખાસું લોકપ્રિય થયું.

વર્ષ 2011માં તેમણે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદમ મૂક્યું. તેમની પહેલી ફિલ્મ ‘ધ લાયન ઑફ પંજાબ’ હતી. જોકે, ફિલ્મ સારું પ્રદર્શન ન કરી શકી પરંતુ ગીત ‘લખ 28 કુડી દા’ ઘણું પસંદ કરાયું.

ત્યાર બાદ દિલજીતે ‘જિન્હે મેરા દિલ લુટયા’ ફિલ્મ કરી, જેણે સારી કમાણી કરી.

પોતાની પ્રથમ ફિલ્મની નાકામયાબીથી દિલજીત દોસાંઝ થોડા નિરાશ થયા હતા. તેમણે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેમણે બે ફિલ્મો કર્યા બાદ એક્ટિંગ ન કરવાનું વિચારી લીધું હતું.

તેમણે કહ્યું, “મારી પ્રથમ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ બીજી ફિલ્મ શૂટ થઈ ચૂકી હતી. ત્યારે મેં વિચાર્યું હતું કે હવે ફિલ્મ નહીં કરું. ગીતો ઠીક છે. પરંતુ બીજી ફિલ્મ હિટ થઈ ગઈ. પછી મને લાગ્યું કે આ પણ ઠીક છે.”

line

પાઘડી અને હીરો!

દિલજીત દોસાંઝ

ઇમેજ સ્રોત, JIM SPELLMAN

ત્યાર બાદ દિલજીત બૉલીવૂડમાં પ્લેબૅક સિંગર તરીકે પ્રવેશ્યા. તેમણે ‘તેરે નાલ લવ હો ગયા’ ફિલ્મ માટે ગીત ગાયું. ત્યાર બાદ તેમણે અન્ય ફિલ્મોનાં ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો.

દિલજીત દોસાંઝ વર્ષ 2016માં ‘ઉડતા પંજાબ’ ફિલ્મમાં પોતાની ભૂમિકાના કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. તે ફિલ્મમાં તેઓ કરીના કપૂર અને શાહિદ કપૂર જેવાં મોટાં કલાકારો સાથે દેખાયા હતા.

તેમણે અનુષ્કા શર્મા અને સૂરજ શર્મા સાથે ‘ફિલ્લોરી’ ફિલ્મ પણ કરી જેમાં તેઓ ગાયક જ બન્યા હતા. વર્ષ 2018માં તેમણે ‘સૂરમા’ ફિલ્મમાં ભારતીય હૉકીના ભૂતપૂર્વ કૅપ્ટન સંદીપ સિંહની ભૂમિકા ભજવી હતી.

બૉલીવૂડમાં પોતાના આગમન અંગે દિલજીત કહે છે કે તેમને એવું પણ કહેવાયું હતું કે પાઘડી બાંધનારા બૉલીવૂડમાં હીરો ન બની શકે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “તેમણે મને કહ્યું હતું કે બૉલીવુડમાં પાઘડીવાળાને હીરોનો રોલ નહીં મળી શકે. મેં વિચાર્યું કે જો આવું જ હોય તો ઠીક છે હું ફિલ્મો નહીં કરું. પરંતુ પછી સામે ચાલીને મારી પાસે ફિલ્મોની ઑફર આવી.”

“હું એક રોલ માટે પોતાની જાતને નહીં બદલું. ભલે કામ મળે કે ના મળે. ફિલ્મો માટે પાઘડી પહેરવાનું ન છોડી શકું.”

દિલજીતને ઑડિશન આપવું પસંદ નથી. તેઓ પોતાની જાતને ઓછા મળતાવડા સ્વભાવની વ્યક્તિ માને છે જે બૉલીવુડની પાર્ટીઓમાં સામેલ થવાથી બચે છે.

જોકે, તેઓ એક ઇન્ટરવ્યૂમાં આ તમામ વાતોને પોતાની કમજોરી ગણાવે છે પરંતુ તેઓ પોતાની જાતને બદલવા નથી માગતા.

વીડિયો કૅપ્શન, ખેડૂત આંદોલન દરમિયાન 11 વર્ષની બાળકી બની આકર્ષણનું કેન્દ્ર
line

દિલજીતની ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’

દિલજીત દોસાંઝ

ઇમેજ સ્રોત, Hindustan Times

દિલજીત પોતાના ઇન્ટરવ્યૂમાં અત્યંત સહજ અને શાંત દેખાય છે. તેઓ ઘણી વાર સહજ ભાવથી મજાકવાળી વાતો પણ કરી જાય છે.

દિલજીત ઘણી વાર કહી ચૂક્યા છે કે અંગ્રેજી ભાષા તેમના માટે દૂરની કોડી છે. તેઓ અંગ્રેજી શીખવાની કોશિશ પણ કરી ચૂક્યા છે પરંતુ સફળ નથી થયા.

તેમણે કહ્યું કે કેવી રીતે ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મ માટે વોગ મૅગેઝિન સાથે અંગ્રેજીના કારણે તેઓ ઇન્ટરવ્યૂ નહોતા કરી શક્યા.

દિલજીત પોતાના આગવા અંદાજમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે, “હું તો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો જ્યારે તેમણે મને એક ફોટોશૂટ માટે લંડન બોલાવ્યો. ફોટોશૂટ તો ગમે ત્યાં થઈ શક્યો હોત. ત્યાં વન ટૂ વન ઇન્ટરવ્યૂ હતો પરંતું અંગ્રેજીમાં. હું ચૂપચાપ સાઇડ થઈને નીકળી ગયો.”

જોકે, ભાષાની તેમની કારકિર્દી પર કોઈ મોટી અસર નથી થઈ. તેમણે પંજાબી અને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા જ હાંસલ કરી છે.

તેમને જટ ઍન્ડ જૂલિયટ અને પંજાબ 1984 ફિલ્મો માટે પીટીસી પંજાબી ફિલ્મ અવૉર્ડ્સ અને ઉડતા પંજાબ માટે બેસ્ટ મેલ ડેબ્યૂનો ફિલ્મફૅર અવૉર્ડ મળી ચૂક્યો છે.

line

દિલજીત સાથે જોડાયેલા વિવાદ

સૌમ્ય અને શાંત દેખાતા આ ગાયક અને અભિનેતા વિવાદોથી દૂર નથી રહ્યા. તેમના ઘરની બહાર વિરોધપ્રદર્શન પણ થઈ ચૂક્યાં છે.

આ જ વર્ષે જૂનમાં દિલજીત દોસાંઝ ત્યારે વિવાદોમાં ફસાઈ ગયા હતા જ્યારે કૉંગ્રેસ સાંસદ રવનીત બિટ્ટૂએ તેમના ગીત ‘રંગરૂટ’ અને જૅજી બીના ‘પુત જટ્ટા દાં’ પર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમનો આરોપ હતો કે આ ગીતો ખાલિસ્તાની એજન્ડાને પ્રેરવાની કોશિશ કરી રહ્યા છે, જે ચલાવી નહીં લેવાય.

આટલું જ નહીં તેમણે કૉંગ્રેસના કાર્યકર્તાઓને આ બંને વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ કરવાની અપીલ કરી હતી.

તેના દબાણમાં દિલજીત દોસાંઝે એક વીડિયો જારી કરીને કહ્યું હતું. “જે ગીત પર આપત્તિ વ્યક્ત કરાઈ રહી છે, તે વર્ષ 2014ની ફિલ્મ ‘પંજાબ 1984’નું છે. આ ફિલ્મ અને તેના ગીતોને સેન્સર બૉર્ડે મંજૂરી આપી હતી. જો તેમાં કોઈ આપત્તિજનક વાતો હોત તો સેન્સર બૉર્ડે આ ફિલ્મને પાસ કેમ કરી હોત? હું ભારતમાં કર ચૂકવું છું અને હંમેશાં ભારત સાથે ઊભો છું.”

આ પહેલાં તેઓ પોતાના એક ગીત ’15 સાલ’ ને લઈને વિવાદોમાં ઘેરાયા હતા. આ ગીત ‘અર્બન પેંડૂ’ નામના તેમના આલ્બમનો એક ભાગ હતો.

તેમના પર એ ગીતમાં સગીર છોકરીઓને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લાગ્યો હતો.

ઘણા સામાજિક કાર્યકર્તાઓએ તેમના ઘરની સામે વિરોધપ્રદર્શન કર્યું હતું અને તેમને માફી માગવાનું કહ્યું હતું.

આ અંગે દિલજીતનું કહેવું હતું કે તેમનું આ ગીત સામાજિક સંદેશ આપે છે કે કેવી રીતે છોકરીઓ નાની ઉંમરમાં જ દારૂ અને નશો કરવાની કુટેવ લાગી જાય છે.

જોકે, બાદમાં તેમણે ‘અર્બન પેંડૂ’ આલ્બમને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો પરંતુ એ ગીત ઑનલાઇન રિલીઝ થઈ ચૂક્યું હતું.

ભારતીય મીડિયામાં આવેલા સમાચારો પ્રમાણે દિલજીતનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તેમનું એક બાળક પણ છે. જોકે, કહેવાય છે કે તેઓ પોતાના લગ્નજીવન પર ઘણી ઓછી વાત કરે છે.

દિલજીત ફિલ્મ અને મ્યૂઝિક બંને પર પોતાની પકડ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેમણે લૉકડાઉનમાં પોતાનું એક મ્યૂઝિક આલ્બમ ‘જી.ઓ.એ.ટી. (ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ)’ રિલીઝ કર્યું છે.

ત્યાર બાદ અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “બાળપણમાં મારાં માતા હંમેશાં કહેતાં કે બેટા આપણો કોઈ સાઇડ બિઝનેસ નથી. જો તું કોઈ કામ નહીં કરે તો જીવનમાં ઘણો પાછળ રહી જઈશ. મેં ગરીબાઈના દિવસો ઘણા જોયા છે. જીવનમાં એક અસુરક્ષા છે કે ક્યાંક હું બધું ગુમાવી ન દઉં, આ વાત જ મને સતત મહેનત કરાવતી રહે છે.”

હજુ પણ દિલજીત ઘણા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. નેટફ્લિક્સની એક ફિલ્મ ‘દિલ્લી 1984’નું શૂટિંગ શરૂ થવાનું છે. તે 1984નાં રમખાણો પર આધારિત છે. સાથે જ નિર્દેશક શાદ અલી સાથે એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જલદી જ તેમની એક પંજાબી ફિલ્મ આવવાની છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો