ઈ-કૉમર્સ: મલ્ટિનેશનલ કંપનીઓનો પગપેસારો નાના દુકાનદારો માટે આફત બનશે કે અવસર?

દુકાન

ઇમેજ સ્રોત, Tim Graham/Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

દેશની લગભગ 70 ટકા વસતિ ગામડામાં વસે છે જ્યારે 30 ટકા વસતિ શહેરમાં રહે છે. ગ્રામ્ય અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે અને ગ્રામ્ય વિસ્તારનું બજાર દેશમાં 50 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આજે સિમેન્ટ, લોખંડ, મોટરસાઇકલથી લઈ જીવન જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓમાં ગ્રામીણ બજારનો હિસ્સો 50 ટકાથી વધુ છે.

દેશના પ્રત્યેક ગામમાં કરિયાણાની દુકાન ગામની રોજબરોજની જરૂરિયાત પૂરી પડે છે. ગામ જો તાલુકામથક કે જિલ્લામથક નજીક હોય તો લોકો ત્યાંથી જીવન જરૂરી વસ્તુઓ ખરીદે છે. ગ્રામીણ બજારની ખરીદશક્તિનો આધાર કૃષિની આવક ઉપર છે.

દેશની 70 ટકા જેટલી વસતિ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે જેથી કરિયાણા માટે એક મોટું બજાર ઉપલબ્ધ છે તેને ધ્યાનમાં લઈને દુનિયાના મોટા રિટેઈલ અને ઑનલાઇન બજારોએ ભારતમાં મોટા પાયે રોકાણ શરૂ કરી દીધું છે.

ભારતમાં ખોરાક અને કરિયાણાના બજારનું કદ લગભગ 300-350 અબજ ડૉલર જેટલું છે. દેશમાં 1 કરોડ 28 લાખ જેટલી નાની મોટી કરિયાણાની દુકાનો છે.

એક નાના ગામથી માંડી નગર, નાના શહેરો કે મોટા શહેરોમાં લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાણાની દુકાનેથી ખરીદતા હોય છે. તેની સામે દેશમાં ઑનલાઇન ખરીદી કરનાર વર્ગની સંખ્યા હાલ 20 લાખ જેટલી છે જે દેશની કુલ વસતિના 0.15 ટકા જેટલી છે.

તેમ છતાં ભારતમાં નવી ઈ-કૉમર્સ કંપનીઓએ પોતાના સ્ટાર્ટઅપ્સ શરૂ કરતાં આ સંખ્યા બમણી થશે તેવો અંદાજ છે.

ચાલુ રિટેલ કંપનીઓની કુલ આવકમાંથી આશરે 66 ટકા જેટલી આવક ખાદ્ય પદાર્થો અને કરિયાણામાંથી આવશે. કરિયાણા ક્ષેત્રે કૉર્પોરેટ ખેલાડીઓનો પગપેસારો થયો છે પરંતુ તેમાં જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે તે જોતાં આવનાર સમયમાં સ્થાનિક કરિયાણા સ્ટોર્સ સાથે હાથ મિલાવી આ કંપનીઓ મોટું બજાર હસ્તગત કરશે તેવું લાગી રહ્યું છે.

આ ચિત્ર કરિયાણા બજારના ક્ષેત્રે અસાધારણ તકો દર્શાવે છે. આમ ભારતમાં વપરાશી (કંઝ્યુમર) બજાર ક્ષેત્રે રહેલી મોટી તકોને કારણે કૉર્પોરેટ ક્ષેત્રના મગરમચ્છોએ આ બજારમાં પગરણ માંડ્યાં છે.

રિટેલ ક્ષેત્રે રીલાયન્સ, એમેઝોન અને વૉલમાર્ટ જેવી મોટી કંપનીઓ દેશના 50 ટકા કરિયાણાના વ્યાપાર ઉપર કબજો જમાવશે તેવું અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા અને કન્સલ્ટિંગ કંપની ગોલ્ડમૅન સેશે અનુમાન જારી કર્યું છે.

પ્રશ્ન એ છે કે દેશમાં કરિયાણા ક્ષેત્રે મોટી કંપનીઓ પ્રવેશશે ત્યારે તેની કરિયાણાના સ્થાનિક દુકાનદાર પર શી અસર થશે?

આ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ જટિલ છે. હાલ પૂરતું કંઈ કહેવું જરા વહેલું લાગશે. આજે દેશના છૂટક કરિયાણાના વેપારીઓ ભારે અસમંજસની સ્થિતિમાં છે. કારણ કે એવું માનવામાં આવે છે કે મોટી કંપનીઓ દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કરિયાણાના વેપારીઓ થકી માલ વેચશે. ખરેખર આવું બનશે કે કેમ એ કળવું મુશ્કેલ છે.

વરસો સુધી કરિયાણાના વ્યાપારીઓએ ગ્રામ્ય અને શહેરી પ્રજા સાથે ઘરોબો કેળવ્યો છે. વળી કેટલાક વેપારીઓ કરિયાણું અમુક સમય માટે ઉધાર પણ આપતા હોય છે તે જોતાં મોટી કંપનીઓ આ ક્ષેત્રે કરિયાણા સ્ટોર થકી માલ વેચશે તો તેમને ઉધારની પ્રથા ચાલુ રાખવી અનુકૂળ નહીં આવે. ઉધારના આ વ્યવહારને સ્વીકારીને ધંધામાં ટકી રહેવા મોટી કંપનીઓ પોતાની પોલિસી બદલશે કે કેમ એ એક પ્રશ્ન છે. જેના ઉપર ભાવિ પરિસ્થિતિ નિર્ભર રહેશે.

કરિયાણાનો વેપાર ઓછે નફે બહોળા વ્યાપારવાળો ધંધો છે તે જોતાં કરિયાણાની દુકાન ચલાવતો વ્યક્તિ મોટી કંપનીઓ સામે ટકી શકશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. અગાઉ જ્યારે મોટા મોટા શૉપિંગ મૉલ આવવા માંડ્યા ત્યારે પણ નાની દુકાનોવાળાના વાવટા સમેટાઈ જશે એવી કાગારોળ મચી હતી. વાસ્તવમાં એવું થયું નથી.

line

નાના દુકાનદારોની તાકાત

વૉલમાર્ટ સામે થયેલું વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, વૉલમાર્ટ સામે થયેલું વિરોધપ્રદર્શન

જેમ બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસે મોટી નાણાકીય તાકાત છે તે જ રીતે નાના દુકાનદાર પાસે ગ્રાહક સાથેના વ્યક્તિગત અને પરિવારિક સંબંધોની તાકાત હોય છે.

વળી, ઉધાર આપવું, સારો માલ આવે ત્યારે પોતાના નિયમિત ગ્રાહકને વરસભરનો ઘઉં, ચોખા, તેલ કે દાળ જેવો પુરવઠો ખરીદી લેવાની સલાહ આપવી, આ બધુ કૉર્પોરેટ સેક્ટરના લોહીમાં નથી.

આ કારણથી આવી કાગારોળ ઉભી થઈ તેના બે દાયકા બાદ આજે કેટલાક મોલ મંદીમાં છે પણ નાના વેપારીઓનો ધંધો જો એમણે ગ્રાહક સાથેના સંબંધો જાળવી રાખ્યા છે તો વધ્યો છે.

પરંતુ આ અંગે ઈ-કૉમર્સ કંપનીઓના સલાહકાર ટેકનૉપૅક કન્સલ્ટિંગના એક સિનિયર અધિકારી કહે છે કે કરિયાણાના વેપારીઓએ બદલાતા જતાં સંયોગોથી ગભરાવાની જરૂર નથી. અત્યારના રિટેલર્સ સ્થાનિક વેપારીઓનું શું મહત્ત્વ છે તે જાણે છે તેની તેઓ સ્થાનિક કરિયાણા સ્ટોર્સ સાથે મળી કામ કરી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

દાખલા તરીકે વૉલમાર્ટ કંપની ફ્લિપકાર્ટ સાથે જોડાઈ દેશનાં 700 કરતાં વધુ શહેરોમાં 27 હજાર કરતાં વધુ નાના મોટા સ્ટોર્સ સાથે જોડાએલી છે. એ જ રીતે એમેઝોન 5 હજાર કરતાં વધારે દુકાનદારો સાથે જોડાયું છે. જીઓમાર્ટ અને વૉટ્સઅપ (ફેસબુક) પર નાના દુકાનદારો રજીસ્ટ્રેશન કરાવી માલ વેચી શકે છે. એજ રીતે મેટ્રો કૅશ ઍન્ડ કેરી કંપની દ્વારા દેશના 27 હજાર રિટેલર્સ દેશના 8 લાખ નાના મોટા દુકાનદારો સાથે હાથ મિલાવ્યો છે.

આનો સીધો અર્થ એ થાય કે નાના વેપારીનું મહત્ત્વ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી.

મોટી કંપનીઓને પણ નાના વેપારી (કરિયાણાની દુકાન ધરાવતા)નો પોતાનું બજાર વિકસાવવા માટે સહારો લેવો પડે તેમ છે.

line

ધંધાની શિકલ બદલાશે

દુકાન

ઇમેજ સ્રોત, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

આમ દેશમાં કરિયાણાના રિટેલ ક્ષેત્રે મોટી કંપનીઓના પ્રવેશથી કરિયાણા બજારની શિકલ જરૂર બદલાશે કારણ કે દેશના નાના અને મોટા કરિયાણા અને અન્ય વેપારીઓ ડિજિટલ પ્લેટફોર્મ થકી જોડી ડિજિટલ લેજર મેન્ટેનન્સ જેવી ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ સર્વિસીસ (ઇપીએસ) થકી જોડાઈ રહ્યા છે.

આખીય ચર્ચાનો સાર એ નીકળે છે કે કરિયાણા ક્ષેત્રે નાના વ્યાપારીઓને સમયને અનુકૂળ બની પોતાને નવા રંગ અને રૂપમાં ઢાળવા પડશે પરંતુ સાથે સાથે પોતાની સ્પર્ધાત્મકતા કે ગ્રાહકો સાથે સંબંધ જાળવી રાખે તો સરવાળે સારું જ થશે.

ગ્રાહક વરસોથી કરિયાણાના વેપારી સાથે જોડાયેલો છે જે મોટી કંપનીઓ સારી પેઠે જાણે છે એટલે કરિયાણાના વેપારીએ ગભરાવાની જરૂર નથી. તેમણે ફક્ત આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કરી ગ્રાહકને જકડી રાખવાના છે. આમ કરિયાણા વેપારીએ સમયની સાથે આધુનિક બની આવનાર તકોને ઝડપી લેવાની છે.

દુકાન

ઇમેજ સ્રોત, Nur Photo Via Getty Images

દેશમાં 1.28 કરોડ નાની મોટી કરિયાણાની દુકાનો છે તે જોતાં જે રીતે મોટી કંપનીઓ અત્યારે માત્ર 10 ટકા કરતાં ઓછી દુકાનો સાથે પોતાના ધંધાને આગળ વધારવામાં સફળ રહી છે ત્યારે આ ઈ-કોમર્સ કંપનીઓ કે મોટા રિટેલર્સને પણ ભારતના વિશાળ બજાર સુધી પહોચતાં સમય લાગશે તેમજ તેની સામે યોગ્ય લૉજિસ્ટિક્સની સુવિધા તેમજ નાના વેપારી પાસે લિક્વિડિટી ન હોય તો ક્રૅડિટ સિસ્ટમ અપનાવી આગળ વધવું પડશે. મોટી કંપનીઓ માટે આ કામ લોઢાના ચણા ચાવવા જેવું લાગે છે.

પુનરાવર્તનના ભોગે પણ આ લેખના સમાપનમાં કહીશ કે શહેરી વિસ્તારોમાં પહેલીવાર સુપર માર્કેટ કે મૉલ આવતાં કરિયાણાના વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. મૉલકલ્ચર આવવાથી પણ કરિયાણાના વેપાર ઉપર તેની વ્યાપક અસર જોવા મળી નથી. આજ રીતે દેશમાં આ ક્ષેત્રે પ્રવેશેલી મોટી કંપનીઓથી કરિયાણાના નાના વેપારીઓએ ગભરાવાની જરૂર નથી. કારણકે લોકોનો વિશ્વાસ સ્થાનિક કરિયાણા સ્ટોર્સ પર વધુ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો