હાથરસ કેસમાં સવાલ : યોગી સરકાર પીડિતાના પરિવારનો નાર્કો ટેસ્ટ કેમ કરવા માગે છે?

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/GETTY IMAGES
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે થયેલાં કથિત ગૅંગરેપ અને પછી હત્યા બાદ દેશમાં ગુસ્સો છે, ત્યાં જ આ કેસમાં પીડિતાના પરિવારનો પણ નાર્કો ટેસ્ટ કરાવવાના આદેશ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
પીડિતાના પરિવારે નાર્કો ટેસ્ટ માટે ના કહી દીધી છે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઈ તેમની સહમતિ વિના નાર્કો ટેસ્ટ કરી શકાતો નથી..
આ કેસમાં બીજી ઑક્ટોબરે રાજ્ય સરકારે હાથરસના પોલીસ અધીક્ષક સહિત અન્ય પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને આરોપી તથા પીડિતાના પરિવારના નાર્કો ટેસ્ટ કરાવવાના આદેશ આપ્યા હતા.
આ પછી રાજ્ય સરકારે કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવા માગ કરી હતી.
જોકે પીડિતાનો પરિવાર સરકારના આ આદેશથી હેરાન છે અને તેઓ સવાલ કરે છે કે "અમારો નાર્કો ટેસ્ટ કેમ? શું સરકારને લાગી રહ્યું છે કે અમે ખોટું બોલી રહ્યા છે?"
આ કેસની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે પહેલાંથી જ એસઆઈટી બનાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એસઆઈટીના પ્રાથમિક અહેવાલના આધારે જ રાજ્ય સરકારે નાર્કો ટેસ્ટ સંબંધિત આદેશ જાહેર કર્યા છે.
સવાલ એ પણ ઊઠે છે કે પીડિતાના પક્ષનો નાર્કો ટેસ્ટ કરાવવો કાયદાકીય રીતે યોગ્ય છે કે કેમ અને કોર્ટની નજરમાં આ ટેસ્ટ કેટલો સ્વીકાર્ય છે?

કાયદાકીય પાસાં

ઇમેજ સ્રોત, PAWAN SHARMA/AFP/GETTY IMAGES
જ્યાં સુધી નાર્કો ટેસ્ટનાં કાયદાકીય પાસાંનો સવાલ છે, તો આ વિચાર-વિમર્શનો વિષય હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે 22 મે, 2010એ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે એક ચુકાદામાં કહ્યું હતું કે "આરોપી અથવા સંબંધિત વ્યક્તિની સહમતિથી જ તેમનો નાર્કો ઍનાલિસિસ ટેસ્ટ થઈ શકે છે. કોઈની ઇચ્છાની વિરુદ્ધ નાર્કો ટેસ્ટ, બ્રેઇન મૅપિંગ અને પૉલિગ્રાફ ટેસ્ટ ન કરી શકાય."
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ વ્યક્તિને આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર કરવા માટે બંધારણના આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલગીરી હશે.
સુપ્રીમ કોર્ટનું એવું પણ કહેવું છે કે પૉલિગ્રાફ અથવા નાર્કો તપાસ દરમિયા તપાસ એજન્સીઓએ માનવાધિકાર આયોગના આદેશોનું કડકાઈથી પાલન કરવું પડશે.
હાથરસ કેસમાં પીડિતાના પરિવારે નાર્કો ટેસ્ટ સંબંધિત સરકારના આદેશની સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.
અરજીકર્તા સાકેત ગોખલેએ કહ્યું છે કે રાજ્ય સરકારનો આ નિર્ણય ન માત્ર ગેરકાયદેસર છે, પરંતુ હાઈકોર્ટ તરફથી કરવામાં આવેલી સુઓમોટોના સંદર્ભે 12 ઑક્ટોબરે ન્યાયાલયની સમક્ષ નિવેદન આપતાં પહેલાં પીડિતાના પરિવારને રોકવાનો પ્રયત્ન છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે, "પીડિતાના પરિવારનો નાર્કો-ઍનાલિસિસ ટેસ્ટ કરાવવો કુદરતી ન્યાયના તમામ સિદ્ધાંતની વિરુદ્ધમાં છે, કારણ કે તેઓ ના તો કેસના આરોપી છે અને ના તો કોઈ ગુનાનો આરોપ તેમની પર લગાવવામાં આવી રહ્યો છે."
"એક પૂછપરછની તકનીકનો પીડિતાના પરિવાર પર જબરજસ્તીથી ઉપયોગ કરવો એ કઠોર રીત છે."
બે ઑક્ટોબરે રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલી પ્રેસનોટમાં લખવામાં આવ્યું હતું, "સાથે-સાથે વાદી/પ્રતિવાદી અંતર્ગત વ્યક્તિઓ તથા પોલીસનો પૉલીગ્રાફ તેમજ નાર્કો ટેસ્ટ પણ વિવેચકો દ્વારા કરાવવામાં આવે."
એ વાત ન માત્ર પીડિતપક્ષે નારાજગી વ્યક્ત કરી છે પરંતુ બીજા લોકો પણ તેની યોગ્યતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
કાયદાના જાણકારો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે કોઈ સહમતિ વિના નાર્કો ટેસ્ટ નથી થઈ શકતો, તો સરકારે આ આદેશ કેવી રીતે આપ્યો? શું સરકાર પીડિતાના પરિવાર પર દબાણ ઊભું કરીને ટેસ્ટ કરાવવા માગે છે?

કોર્ટમાં સ્વીકાર્ય નથી

ઇમેજ સ્રોત, Getty Images
લાંબા સમયથી કાયદાકીય બાબતોનું રિપોર્ટિંગ કરી રહેલા દિલ્હીના વરિષ્ઠ પત્રકાર પ્રભાકર મિશ્ર કહે છે કે કાયદાકીય રીતે આમાં કોઈ તકલીફ નથી અને સરકારને પણ ખબર નથી કે તેમની સહમતિ વિના નાર્કો ટેસ્ટ ન કરાવી શકીએ.
તેમણે વધુમાં કહ્યું, "જો સરકારે આવું કહ્યું છે, તો આને પ્રતીકાત્મક લેવું જોઈએ. સરકાર આ સંદેશ સામાન્ય લોકોને આપવા માગે છે કે અમે તો નાર્કો ટેસ્ટ કરાવવા માગીએ છીએ પરંતુ પીડિતાના પરિવારે આવું કરવાથી ના પાડી દીધી."
"આનાથી લોકોની નજરમાં પીડિતાનો પરિવાર શંકાના ઘેરામાં આવી જશે."
પ્રભાકર મિશ્ર કહે છે, "પ્રેસનોટમાં કોઈ તકલીફ નથી. વિવેચનામાં સામેલ કરવાનો આદેશ કરાયો છે પરંતુ એવું તો નથી કહેવામાં આવ્યું કે તેમની સહમતિ વિના કરો."
"હવે આ એ અલગ વાત છે કે તેઓ સહમત થાય છે કે નહીં. જો ન થાય અને તો પણ પછી નાર્કો ટેસ્ટનું દબાણ કરાય, તો સ્થિતિમાં આ કાયદાકીય મુદ્દો બનશે."
સુપ્રીમ કોર્ટનાં વકીલ વૃંદા ગ્રોવર પણ સરકારના આ નિર્ણયની પાછળ ‘રાજકીય સંદેશ’ની આશંકા દર્શાવે છે અને નાર્કો ટેસ્ટની યોગ્યતા પર સવાલ કરે છે.
વૃંદા ગ્રોવર કહે છે, “નાર્કો ટેસ્ટ, પૉલીગ્રાફ ટેસ્ટનો કોઈ અર્થ નથી. કોર્ટમાં આ સ્વીકાર્ય જ નથી. આ વિચાર-વિમર્શનો ભાગ નથી બની શકતો કારણ કે આને કોર્ટમાં માની શકાતો નથી."
"કોર્ટમાં આનું કોઈ મૂલ્ય નથી, મહત્ત્વપૂર્ણ એ છે કે તમે નિવેદન લો, વિવિધ પાસાંની તપાસ કરો અને જે પણ લોકો આની સાથે સંબંધિત હોય, તેમના નિવેદન નોંધો, આ વાત કોર્ટમાં દલીલ તરીકે કામમાં આવશે.”
ગ્રોવર કહે છે, “સુપ્રીમ કોર્ટ તરફથી તો આની સખત ના પાડવામાં આવી છે અને ત્યાં સુધી કે ત્યાં ક્યારેય સ્વીકાર્ય નથી. આ કેસને ઉલજાવવાની રીત છે અને લોકોના ધ્યાન બીજે દોરવાનો પ્રયત્ન છે."
"સરકાર સામાન્ય લોકોમાં એ સંદેશ આપવા માગે છે કે આ લોકો નાર્કો ટેસ્ટ નથી કરાવી રહ્યા, તેનો અર્થ ખોટું બોલે છે. પીડિતોને ખટલામાં ઊભા કરી રહ્યા છે.”
નાર્કો ટેસ્ટ એક પ્રકારે જૂઠું પકડવાની ટૅકનિક છે, જેમાં સંબંધિત વ્યક્તિને કેટલીક દવાઓ અથવા ઇંજેક્ષન આપવામાં આવે છે.
સામાન્ય રીતે તેના માટે સોડિયમ પેન્ટોથોલનું ઇંજેક્ષન આપવામાં આવે છે. જેનાથી વ્યક્તિ અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જાય છે.
એવું માનવામાં આવે છે કે આ સ્થિતિમાં સવાલોનો યોગ્ય જવાબ મળે છે કારણ કે અર્ધબેહોશીના કારણે વ્યક્તિ મગજનો વધારે ઉપયોગ કરી શકતી નથી અને જાણીજોઈને ખોટું બોલવાની સ્થિતિમાં હોતી નથી.
આ રીત વૈજ્ઞાનિક પ્રયોગોના આધાર ભલે હોય પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ સચોટ હોતું નથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
























