GST વળતર ન મળતાં ગુજરાતને માથે 16,700 કરોડનું દેવું - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, VIJAY RUPANI SOCIAL
ધ ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં લદાયેલા દેશવ્યાપી લૉકડાઉન બાદથી રાજ્યને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સના (GST)ના વળતર પેટે એક પણ રૂપિયો મળ્યો નથી.
જે કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ છ માસના ગાળામાં જ ગુજરાત સરકારે 16,700 કરોડનું દેવું કરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સરકારના નાણાવિભાગના એક ઉચ્ચ અધિકારી દ્વારા અખબારને અપાયેલ માહિતી અનુસાર, “એપ્રિલ માસથી અમે આવકમાં 20થી 25 ટકાના ઘટાડાનો સામનો કરી રહ્યા છીએ. આ દરમિયાન અમને GSTના વળતરપેટે બિલકુલ ચૂકવણી કરાઈ નથી, જેથી અમારે બહારથી નાણાંની વ્યવસ્થા કરવાનું ચાલુ રાખવું પડશે.”
અહેવાલમાં પ્રસિદ્ધ થયેલ માહિતી અનુસાર જુલાઈ 2020 સુધીમાં GST વળતર પેટે ગુજરાતને કેન્દ્ર પાસેથી 7,000 કરોડની ચૂકવણી થવાની બાકી છે. આ રકમ સપ્ટેમ્બર માસ સુધીમાં 10,500 કરોડને આંબી જશે.

નવા કાયદા ખેડૂતોને મુક્ત કરશે, ગેરમાર્ગે ન દોરાશો : PM મોદી

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે લોકસભામાં કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા બે ખરડા પસાર થવાની ઘટનાને કૃષિસુધારાક્ષેત્રે દેશ માટે ઐતિહાસિક દિવસ ગણાવતાં વડા પ્રધાને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
તેમણે શુક્રવારે વિપક્ષ નવા કાયદાઓ અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે વીડિયો લિંક મારફતે બિહાર ખાતે નવી રેલવે લાઇન અને ઈલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ, કોસી રેલ મહાસેતુ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું : “દેશ પર વર્ષો સુધી રાજ કરનારા કેટલાક લોકો આ મુદ્દે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે કૃષિક્ષેત્રના નવા કાયદાઓના વિરોધમાં NDA સરકારના સાથી પક્ષ શિરોમણિ અકાલી દળનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના રાજીનામું આપ્યું હતું. નવા કાયદાઓનો પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ રસ્તે ઊતરી વિરોધ નોંધાવ્યો છે. જ્યારે લોકસભામાં કૉંગ્રેસની આગેવાનીવાળા વિપક્ષે સંબંધિત ખરડાઓને ‘રાક્ષસી’ ગણાવ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ મામલે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે લખ્યું હતું કે, “ખેડૂતોને મોદી સરકાર પર વિશ્વાસ નથી રહ્યો, કારણ કે શરૂઆતથી જે તેમની કથની અને કરણી બંનેમાં ફરક રહ્યો છે – નોટબંધી, GST અને ડીઝલ પર ભારે કર.”

અમેરિકામાં 48 કલાકમાં ટિક-ટૉક અને વીચૅટ પ્રતિબંધ લદાશે

ઇમેજ સ્રોત, ALAMY/EPA/ALAMY
અમેરિકામાં ટિક ટૉક અને વીચૅટ પર આગામી 48 કલાકમાં પ્રતિબંધ લાદી દેવાશે.
અમેરિકાના વેપારમંત્રાલયે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં આ બંને ઍપ યુ. એસ. ઍપ સ્ટોર પરથી હઠાવી દેવાશે અને અમેરકનો હવે તેમને ડાઉનલોડ નહીં કરી શકે.
હવે આ પ્રતિબંધો પર ત્યારે જ રોક લાગી શકશે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખરી ઘડીએ કોઈ સમાધાના માટે તૈયાર થાય.
ટ્રંપ પ્રશાસનનું કહેવું છેકે ચાઇનીઝ ઍપ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો પુરવાર થઈ શકે છે, કારણ કે આ કંપનીઓ અમેરિકન યુઝર્સનો અંગત ડેટા ચીનને આપી શકે છે. જોકે, ચીન અને ચીનની કંપનીઓ સતત આ આરોપને નકારતાં આવ્યાં છે.

અમદાવાદમાં તમિળ શાળા બંધ કરાતાં વિરોધ
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર સમગ્ર ગુજરાતમાં તમિળ ભાષામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું પાડતી એકમાત્ર ગ્રાન્ટ-ઇન-એઇડ શાળા બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ અમદાવાદ તમિળ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર ઑફિસ ખાતે દેખાવ કર્યો હતો.
અહેવાલ અનુસાર વર્ષ 1971માં શરૂ થયેલી આ શાળા શહેરની મિલોમાં રોજગારી માટે સ્થળાંતરિત થયેલા તમિળ મજૂરોની માગને પગલે શરૂ કરાઈ હતી.
જેમાં એક સમયે 500 વિદ્યાર્થીઓ ભણતા હતા. જે સંખ્યા હવે ઘટીને માત્ર 31 વિદ્યાર્થીઓ સુધી સીમિત રહી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ વગર 11 ઑગસ્ટથી શાળા બંધ કરી દેવાઈ છે.

ગુજરાત : ‘DRI/કસ્ટમના અધિકારીઓ શંકાને આધારે ધરપકડ કરી શકે’

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટે કસ્ટમ કાયદા અંગે મહત્ત્વપૂર્ણ અર્થઘટન કરતાં નોંધ્યું છે: કસ્ટમ વિભાગ કે ડિરેક્ટોરૅટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ દાણચોરીની શંકા જતાં ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે અને કોર્ટ તે અંગે કોઈ દરમિયાનગીરી ન કરી શકે.
બુધવારે હાઈકોર્ટે પોતાના અવાલોકનમાં નોંધ્યું હતું કે, કસ્ટમ વિભાગના અધિકારીઓ પોલીસ અધિકારી ન હોવાને કારણે તેઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કેટલીક જોગવાઈનું પાલન કર્યા વગર જ વ્યક્તિની ધરપકડ કરી શકે છે.
આ સિવાય કસ્ટમ ઍક્ટની કલમ 133થી 135 અંતર્ગત ધરપકડ કરાયેલી વ્યક્તિ વિરુદ્ધ દાણચોરીની FIR નોંધવા માટે પણ તેઓ બંધાયેલા નથી.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે આ અવલોકન કર્યું છે.
નોંધનીય છે કે ખંડપીઠે સંદીપ સંઘવી નામના એક વેપારીની અરજી પર સુનાવણી કરી હતી, જેમને વાપીસ્થિત DRIના અધિકારીઓ દ્વારા કરટાળવાના કૃત્યની તપાસ માટે બોલાવવામાં આવી રહ્યા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















