રિયા ચક્રવર્તી સામે શું-શું આરોપ લાગ્યા છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસમાં દિવસે-દિવસે નવા વળાંકો આવી રહ્યા છે.

રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ 8 સપ્ટેમ્બર, 2020ના રોજ ધરપકડ કરી લીધી છે. જોકે તેમની ધરપકડ સુશાંતસિંહ કેસની તપાસમાં બહાર આવેલા ડ્રગ્સના એક કેસમાં કરાઈ છે.

સુશાંતસિંહનો કેસ રાજકીય આરોપ-પ્રત્યારોપ, રિયા સામે સુશાંતના પિતાની એફઆઈઆર, ન્યાય માટે સુશાંતનાં બહેનની વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી, બોલીવૂડમાં આરોપ-પ્રત્યારોપ સહિતના મુદ્દાઓ પર ચર્ચામાં રહ્યો છે.

સુશાંતસિંહ મામલે ડ્રગ્સ ઍંગલ સામે આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી એનસીબી રિયાની પૂછપરછ કરતી હતી.

તેમના ભાઈ શૌવિક ચક્રવર્તીની એનસીબી દ્વારા અગાઉ ધરપકડ કરાઈ છે.

સુશાંતસિંહના મૃત્યુ બાદ તેમના પિતાએ રિયા ચક્રવર્તી સામે એફઆરઆઈ પણ નોંધાવી હતી અને તેમાં તેમની પર અલગઅલગ આરોપ મૂકવામાં આવ્યા હતા.

રિયા સામેનો ડ્રગ્સનો કેસ શું છે?

સુશાંતસિંહના મૃત્યુની તપાસ સીબીઆઈ કરી રહી છે, પરંતુ રિયા ચક્રવર્તીની ધરપકડ એનસીબીએ ડ્રગ્સ મામલે કરી છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 26 ઑગસ્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા ચક્રવર્તી અને તેમના અન્ય ત્રણ પરિચિતો સામે અપરાધિક કેસ દાખલ કર્યો હતો, જેમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સટેન્સ (એનડીપીએસ) ઍક્ટ અને પ્રતિબંધિત પદાર્થોની ખપત અંગે સબૂત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

તો રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંતસિંહ રાજપૂતના મૅનેજર સેમ્યુઅલ મિરાંડની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી.

અધિકારીઓ અનુસાર, પ્રવર્તન નિદેશાલય (ઈડી)ને ચક્રવર્તી અને અન્ય લોકો વચ્ચે કેન્નાબેડિયલ, એએસડી, એમડીએમએ અને મારિજુઆના અંગે કથિત વૉટ્સઍપ વાર્તાલાપ અંગે સૂચિત કર્યા બાદ એનસીબીએ તપાસ શરૂ કરી હતી.

રિયાની ધરપકડ અંગે એનસીબીના ઉપમહાનિદેશક (દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્ર) ડીજી મુથા અશોક જૈને કહ્યું હતું કે "રિયાની અમે ધરપકડ કરી છે, તેનો મતલબ કે અમારી પાસે પર્યાપ્ત ચીજો છે."

સુશાંતસિંહના પિતાના રિયા સામે આરોપ

અગાઉ રિયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંતસિંહ રાજપૂતના પિતાએ પટણાના રાજીવનગર સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવી હતી.

રાજીવનગરના કાર્યકારી સ્ટેશન પ્રભારી યોગેન્દ્ર રવિદાસે બીબીસીને કહ્યું હતું કે રિયા સામે સુશાંતસિંહના પિતા કે. કે. સિંહે એફઆઈઆર નોંધાવી છે.

તેઓએ કહ્યું કે આ એફઆરઆઈ 25 જુલાઈએ નોંધવામાં આવી હતી.

યોગેન્દ્રે કહ્યું હતું કે રિયા ચક્રવર્તી સામે સુશાંતસિંહના પિતાએ એફઆઈઆરમાં પૈસા મામલે અને આત્મહત્યા માટે ઉશ્કેરવાની વાત કહી હતી.

સુશાંતના પિતાએ એક વીડિયો સંદેશમાં અગાઉ કહ્યું હતું, "25 ફેબ્રુઆરીએ મેં બાંદ્રા પોલીસને જણાવ્યું હતું કે એ ખતરામાં છે. 14 જૂને તેનું મૃત્યુ થયું. મેં પોલીસને એ લોકો સામે કાર્યવાહી કરવાની માગી કરી છે, જેમનાં નામ 25 ફેબ્રુઆરીની ફરિયાદમાં લેવામાં આવ્યા હતા. જોકે સુશાંતના મૃત્યુના 40 દિવસ પછી પણ તેમના પર કોઈ કાર્યવાહી ન થઈ. આથી મેં પટણામાં એફઆઈઆર નોંધાવી."

રિયા ચક્રવર્તી સામેની એફઆરઆઈમાં શું-શું આરોપો લાગ્યા?

પટણાના રાજીવનગરમાં રિયા સામે નોંધાયેલી એફઆઈઆરમાં આઈપીસીની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી), 341 (ખોટી રીતે બંધન), 342 (ગેરકાયદેસર કેદ), 380 (મકાનમાં ચોરી) સહિતની કલમો હેઠળ ઉમેરવામાં આવી છે.

રિયા ચક્રવર્તી સામે સુશાંતસિંહના પિતાએ આરોપ લગાવ્યો હતો કે સુશાંતનું મૃત્યુ રિયાને કારણે થયું છે.

ધ વિકે 30 જુલાઈ, 2020ના રોજ રિયા સામે નોંધાવેલી ફરિયાદ સંબંધિત અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

અહેવાલમાં દર્શાવ્યા પ્રમાણે, એફઆરઆઈમાં રિયા ચક્રવર્તી સહિત પાંચ અન્ય લોકોનાં નામ છે. અને તેમના પર સુશાંતનું શોષણ કરવા અને તેમને એક આત્યંતિક પગલું ભરવા દબાણ કરવા કર્યાનો આરોપ છે.

ફરિયાદમાં સુશાંતના પિતાએ કહ્યું હતું કે, "જ્યારે મારો પુત્ર મે 2019 સુધી બોલીવૂડમાં ખૂબ જ સારું કામ કરી રહ્યો હતો, ત્યારે રિયા ચક્રવર્તી નામની એક યુવતી અને તેના પરિવારના સભ્યો અને અન્ય લોકો તેના સંપર્કમાં આવ્યા હતા. જેથી તેઓ તેના સંપર્કોનો ઉપયોગ ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દી બનાવવા માટે કરી શકે."

ફરિયાદમાં સિંહે દાવો કર્યો હતો કે સુશાંતિ રિયા સાથે સંકળાયેલો નહોતો ત્યાં સુધી તેને માનસિક સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહોતો.

સુશાંતના પરિવારે માનસિક આરોગ્ય પ્રોફેશનલો પર પણ આંગળી ચીંધી હતી, જેની સુશાંતે સલાહ લીધી હતી અને માગ કરી હતી કે રિયા સાથેના તેમના સંબંધોની તપાસ કરવામાં આવે.

એટલું જ નહીં ફરિયાદમાં સુશાંતના પિતાએ રિયા પર સુશાંતનું લેપટૉપ, રોકડ, ઝવેરાત, ક્રૅડિટકાર્ડ્સ (પિન નંબરો સાથે) ચોરી કરવાનો આરોપ પણ મૂક્યો હતો.

રિયા ચક્રવર્તીએ આરોપો ફગાવ્યા

અગાઉ મુંબઈ પોલીસે સુશાંતસિંહ રાજપૂતનાં બહેન સામે એફઆરઆઈ દાખલ કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, "રિયા ચક્રવર્તીની ફરિયાદ પર સુશાંતસિંહ રાજપૂતનાં બહેન પ્રિયંકાસિંહ, દિલ્હીસ્થિત રામ મનોરહર લોહિયા હૉસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર અને અન્ય એક સામે આઈપીસી અને એનડીપીએસ ઍક્ટ હેઠળ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાઈ છે."

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેમના પરિવાર, મીડિયા અને સોશિયલ મીડિયામાં રિયા ચક્રવર્તી પણ આરોપો લાગતા રહ્યા છે.

રિયા ચક્રવર્તીએ પોતાના પર લગાવેલા આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે 'તે સુશાંતના પૈસા પર જીવતી નહોતી.'

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ સુશાંતસિંહ રાજપૂતના ડિપ્રેશન અને તેમની સાથે તેમના સંબંધોની વાત કરી હતી.

આ ઇન્ટરવ્યૂમાં રિયાએ જણાવ્યું હતું, "યુરોપની ટ્રિપ પર જવાના દિવસે સુશાંતે બધાને જણાવ્યું હતું કે તેને હવાઈયાત્રા કરવામાં ડર લાગે છે અને તેના માટે તેઓ એક દવા લેતા હતા, જેનું નામ છે મોડાફિનિલ. તેમની પાસે એ દવા હંમેશાં રહેતી હતી અને ફ્લાઇટમાં જતા પહેલાં તેઓએ જાતે એ દવા લીધી હતી."

ઉલ્લેખનીય છે કે 14 જૂને સુશાંતસિંહ રાજપૂત મુંબઈસ્થિત તેમના ઘરે મૃત મળી આવ્યા હતા. અને બાદમાં તેમના મૃત્યુને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

મુંબઈ પોલીસનું કહેવું હતું કે તેઓએ આત્મહત્યા કરી હતી. જોકે સુશાંતના પિતાએ તેને આત્મહત્યા માનવાથી ઇન્કાર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો