સોનિયા ગાંધી કૉંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકી શકશે ખરાં?

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

કૉંગ્રેસ કાર્યસમિતિએ સોનિયા ગાંધીને આગામી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વચગાળાનાં અધ્યક્ષ બની રહેવા માટે વિનંતી કરી, જે તેમણે સ્વીકારી લીધી છે.

પક્ષના નેતા કે.સી. વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાએ કાર્યસમિતિની બેઠક અંગે માહિતી આપતાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ સંબંધે સર્વાનુમતે એક પ્રસ્તાવ પસાર કરાયો.

પક્ષપ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે નવા અધ્યક્ષની ચૂંટણી પક્ષના અધિવેશનની બેઠકમાં કરવામાં આવશે.

પક્ષના પ્રવક્તાઓએ પક્ષમાં સુધારા માટે 23 નેતાઓના ચર્ચાસ્પદ પત્ર અંગે જણાવ્યું કે પક્ષે તેને ભૂલીને આગળ વધવાનું નક્કી કર્યું છે.

સુરજેવાલાએ કહ્યું, "તેમાંથી કેટલાય મહત્ત્વપૂર્ણ નેતાગણ આ કાર્યસમિતિમાં સામેલ હતા અને તેમની સહમતીથી જ પક્ષની કાર્યસમિતિએ સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કર્યો છે. "

line

કૉંગ્રેસમાં વિકલ્પનો અભાવ?

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

સોનિયા ગાંધીને ફરીથી કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવા પાછળ પક્ષમાં ગાંધી પરિવાર સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યનું માનવું છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "કૉંગ્રેસ માટે મૂળ સમસ્યા એ છે કે એની પાસે ગાંધી પરિવાર સિવાય કોઈ ચહેરો નથી."

"પંડિત નહેરુના જમાનાથી તમે જુઓ તો કૉંગ્રેસ પક્ષનું કલ્ચર જ એ રહ્યું છે કે એ એક વ્યક્તિની આસપાસ ફરતો પક્ષ છે."

"એની પાસે સંગઠન શક્તિ નથી. હાલની વાત કરીએ તો સોનિયા ગાંધી સિવાય એની પાસે કોઈ એવો ચહેરો નથી જે દેશવ્યાપી અપીલ ધરાવતો હોય. એટલે સોનિયા ગાંધીને હાલ અધ્યક્ષ તરીકે યથાવત રાખવાની કવાયતને હું સમય પસાર કરવાની કવાયત ગણું છું"

તેઓ માને છે, "ચાર-પાંચ મહિના પછી ફરી રાહુલ ગાંધીના નામને જ અધ્યક્ષ તરીકે આગળ કરાય અથવા મહોર મારી દેવાય એવું બને."

આચાર્યની વાત સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ સહમત થાય છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઉમટ જણાવે છે, "કૉંગ્રેસ પાસે અત્યારે કોઈ સર્વસ્વીકૃત નેતા હોય તો તે સોનિયા ગાંધી જ છે અને કૉંગ્રેસ પાસે એમના સિવાય હાલ કોઈ વિકલ્પ નથી."

"ચિઠ્ઠી લખનારા નેતાઓમાંથી જ ઘણા પોતે ચૂંટણી ન જીતી શકતા હોય તો પક્ષને કેવી રીતે જીતાડી શકે?"

"રાહુલ ગાંધીના રાજીનામાના લગભગ 13 મહિના પછી પણ કૉંગ્રેસ કાયમી પ્રમુખ નથી શોધી શકી એ જ બતાવે છે કે કૉંગ્રેસ પાસે ગાંધી પરિવારના સભ્ય સિવાય કોઈ નેતા નથી."

"એટલે જ ચાર-પાંચ મહિનાના સમય માટે પણ સોનિયા ગાંધીને જ ફરી અધ્યક્ષ તરીકે પસંદ કરાયાં અને કૉંગ્રેસમાં એમ જ બનતું આવ્યું છે કે અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે."

line

શું સોનિયા લાવી શકશે કૉંગ્રેસના 'અચ્છે દિન'?

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, The india today group

સોનિયા ગાંધીને ફરીથી કાર્યકારી અધ્યક્ષ બનાવતા કૉંગ્રેસને કોઈ ફાયદો થશે? સોનિયા કૉંગ્રેસના 'અચ્છે દિન' પરત લાવી શકશે?જગદીશ આચાર્ય કહે છે, "મને નથી લાગતું કે ચાર-પાંચ મહિનામાં સોનિયા ગાંધી કૉંગ્રેસ માટે અચ્છે દિન લાવી શકે."

"હવે બિહાર અને બંગાળની ચૂંટણીઓ આવવાની છે. પણ બંને રાજ્યોમાં કૉંગ્રેસની સ્થિતિ ખૂબ જ નબળી છે જેમાં ચાર-પાંચ મહિનામાં સોનિયા ગાંધી એટલું કંઈ ન કરી શકે."

"ઊલટું હાલની સ્થિતિ જોતાં હવે એ સ્પષ્ટ છે કે કૉંગ્રેસમાં બે જૂથ પડી ગયાં છે."

સોનિયા ગાંધીના અધ્યક્ષપદે ચાલુ રહેવાથી આ સમયગાળા દરમિયાન કૉંગ્રેસને રાજકીય દૃષ્ટિએ કોઈ ફાયદો થાય એવું આચાર્ય નથી માનતા.

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ પણ આવું જ કંઈક માને છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં શાહ જણાવે છે કે કૉગ્રેસ પક્ષનો અત્યાર સુધીનો અનુભવ એવું કહે છે કે સોનિયા ગાંધી માટે પક્ષના 'અચ્છે દિન' લાવવા શક્ય નથી. તેમની પાસે વિકલ્પ પણ નથી."

રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહ કહે છે, "કૉંગ્રેસ રન-વે પર દોડે છે પરંતુ ટૅક ઑફ કરી શકતી નથી. એ જ હાલ જોઈ શકાય છે. સત્તાવગર કૉંગ્રેસની કળ વળતી ન નથી."

જોકે, આ બધા વચ્ચે કૉંગ્રેસની કાર્યસમિતિ દ્વારા લેવાયેલા આ નિર્ણયને વલ્લભવિદ્યાનગરસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક પ્રોફેસર બલદેવ આગજા યોગ્ય ગણાવે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "કૉંગ્રેસ પક્ષમાં બંધારણ છે, પરંતુ કાર્યકર્તા અને પક્ષના નેતાઓની વચ્ચે સંકલન અને શિસ્ત રહે તે માટે આ નિર્ણય યોગ્ય છે અને કૉંગ્રેસને ફાયદો જ થશે."

"કૉંગ્રેસના નામે આજે દેશમાં 28થી વધારે પક્ષો ચાલી રહ્યા છે. તૃણમુલ કૉંગ્રેસ જેવા તેમાંથી જ બનેલાં પક્ષો છે. આ ચિંતા પક્ષ અને સોનિયા ગાંધીની હોઈ શકે છે."

તેઓ એવું પણ ઉમેરે છે કે 'આંતરિક લોકશાહી કોઈ પાર્ટીમાં નથી. ભાજપમાં પણ જે.પી.નડ્ડાની પસંદગી ઉપરથી જ થયેલી છે.'

શું સોનિયા ગાંધી કૉંગ્રેના અચ્છદિન લાવી શકે?

આ પ્રશ્નના જવાબમાં આગજા કહે છે, "હા ચોક્કસ લાવી શકે છે, તેમણે 1998-99માં પાર્ટીનો રકાસ થયો હતો. પુન:કૉંગ્રેસ જીવંત થઈ શકી છે. તેમની સામે કપરાં ચઢાણ છે."

કૉંગ્રેસ માટે આગળનો રસ્તો શો હોઈ શકે તેના જવાબમાં તેઓ કહે છે, "કૉંગ્રેસ પાર્ટીને કરિશમાઈ નેતૃત્વની જરૂરિયાત છે. એવું ચાલાક નેતૃત્વ, જે સારું બોલી શકે, જ્ઞાતિ રાજકારણથી પરિચિત હોઈ, એવી હોશિયાર પ્રતિભા સંપન્ન વ્યક્તિની જરૂર છે."

line

આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો

કપિલ સિબ્બલનું ટ્વીટ

ઇમેજ સ્રોત, KAPIL SINAL/TWITTER

સોમવારે પક્ષની કાર્યસમિતિની બેઠક પક્ષના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને લખેલો એક પત્ર જાહેર થતાં યોજવામાં આવી હતી.

આ પત્રમાં કપિલ સિબ્બલ, શશી શરૂર, ગુલામ નબી આઝાગ, પૃથ્વીરાજ ચ્વહાણ, વિવેક તનખા અને આનંદ શર્મા જેવા વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓના હસ્તાક્ષર હતા.

આ બેઠકમાં કૉંગ્રેસનો વિખવાદ સપાટી પર આવી ગયો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે રાહુલ ગાંધીએ આ બેઠકમાં કહ્યું કે જે કૉંગ્રેસ નેતાઓએ પક્ષમાં સુધારા માટે જેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો તેમની ભાજપ સાથે સાંઠગાંઠ છે.

રાહુલની આ કથિત ટિપ્પણી પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આપત્તિ વ્યક્ત કરી હતી અને આ સંબંધે તેમણે ટ્વીટ પણ કર્યું હતું. જોકે, બાદમાં તેમણે એ ટ્વીટ હઠાવી દીધું હતું.

બેઠકમાં સોનિયા ગાંધી રાજીનામું આપવાની વાત કરી શકે એવું માનવામાં આવી રહ્યું હતું.

નેતૃત્વના મુદ્દા પર પક્ષમાં ભાગલા પડી ગયા છે. એક સમૂહ સામૂહિક નેતૃત્વની માગ કરી રહ્યો છે તો બીજો પક્ષ નેહરુ-ગાંધી પરિવાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે.

આમ છતાં દેશને કૉંગ્રેસની ભારે જરૂર હોવાનું ઘનશ્યામ શાહનું માનવું છે.

ઘનશ્યામ શાહ કહે છે, "દેશની આજની સ્થિતિમાં કૉંગ્રેસની ઘણી જરૂરિયાત છે. કૉંગ્રેસને આઇડિયોલોજિકલ રીતે નવેસરથી તૈયાર થવાની જરૂર છે. લાંબાગાળાનું વિચારવાની જરૂર છે"

તેઓ વધુમાં કહે છે, "જો પાર્ટી ખેંચતાણમાં તૂટી જાય તો તેને તૂટી જવા દેવી જોઈએ, તો જ નવી બનશે. પરંતુ થિગડાં મારવાની જરૂર નથી. વ્યક્તિગત અહંના પ્રશ્નો હવે વધવાના છે ઘટશે નહીં."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો