કોરોના વાઇરસને કારણે મહિલાને ગર્ભપાત થયો?

ઇમેજ સ્રોત, PA Media
મુંબઈમાં એક મહિલાને પ્રથણ ત્રણ મહિનામાં થયેલા ગર્ભપાતને સાર્સ કોવિડ-2 વાઇરસની સાથે જોડવામાં આવી રહ્યો છે.
મહિલાના ટેસ્ટમાં સામે આવ્યું છે કે ચેપ નાળમાંથી, પ્લૅસેન્ટામાં પહોંચ્યો અને શક્ય છે કે તેના કારણે ગર્ભ પર સોજો આવી ગયો હોય.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના એક અહેવાલ મુજબ ગત અઠવાડિયે નૅશનલ કાઉન્સિલ ઑફ રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હૅલ્થ દ્વારા રજૂ કરવામાં આવેલા એક શોધપત્રમાં કહેવામાં આવ્યું હતું, "અમારી માહિતી મુજબ, ગળામાંથી સ્વૅબ લીધાને કેટલાંક અઠવાડિયાં વીતી ગયા પછી ટિશ્યૂમાં ચેપ દેખાતો હોય એવો આ પ્રથમ કેસ છે, આ વાઇરસ માત્ર ટિશ્યૂમાં જીવતો રહ્યો એવું નથી પરંતુ પ્લૅસેન્ટા સેલમાં પણ જોવા મળ્યો છે."
આ સંશોધન ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ રિસર્ચનો એક ભાગ છે.
આ અંગેનું શોધપત્ર 22 ઑગસ્ટે મેડિકલ રિસર્ચ અને વૈજ્ઞાનિક શોધપત્રો પ્રકાશિત કરતી એક વેબસાઇટ પર છાપવામાં આવ્યું હતું.
મહિલા મુંબઈની એક ઈએસઆઈ હૉસ્પિટલમાં સુરક્ષા ગાર્ડ છે અને તેઓ ત્રીજી વખત ગર્ભવતી થયાં હતાં.
બે મહિનાનાં ગર્ભવતી થયાં ત્યારે તેમનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તેમનામાં ચેપનાં કોઈ લક્ષણો નહોતાં.
તેમના નાકમાંથી લીધેલો સ્વૅબ નૅગેટિવ આવ્યો હતો પરંતુ 13મા અઠવાડિયામાં તેઓ અલ્ટ્રાસાઉન્ડ કરાવવાં ગયાં ત્યારે ગર્ભમાં રહેલું બાળક મૃત હોવાનું જણાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉસ્પિટલને કોવિડ-19ની શંકા જતા મેડિકલ રિસર્ચ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો, જ્યાં આ વિશે વધારે શોધ કરવામાં આવી.

ગુજરાતમાં 50 ટકા લોકોને હોમિયોપથી દવાએ કોરોનાથી બચાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી અડધી વસ્તિને હોમિયોપથીની દવા આપવામાં આવી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાઇરસ મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્યમાં લગભગ 50 ટકા વસતિને આર્સેનિકમ ઍલ્બમ-30 દવા આપવામાં આવી છે.
ગુજરાતમાં કોવિડ-19થી રક્ષણ માટે લેવામાં આવેલાં પગલાં વિશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 3.48 કરોડ લોકોને આ દવા આપવામાં આવી છે, જે રાજ્યની અડધાથી વધારે વસતિ જેટલી થવા જાય છે.
આરોગ્ય નિષ્ણાતો જ નહીં પરંતુ હોમિયોપથી ડૉક્ટરો પણ માને છે કે આ દવા કોરોના સામે રક્ષણ આપે છે એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું નથી.
જોકે, અખબારના અહેવાલ મુજબ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ, યુનાની, યોગા, નૅચરોપૅથી, સિદ્ધા અને હોમિયોપથી સારવારની પદ્ધતિ હેઠળ રોગથી બચવા માટે આપવામાં આવેલી દવાઓ લેનારા 99 ટકાથી વધારે લોકોનો કોરોના વાઇરસનો ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો.
આરોગ્ય મંત્રાલયના મુખ્ય સચિવ જયંતી રવિએ કહ્યું કે આર્સેનિકમ-ઍલ્બમ 30ની કંઈક અસરકારકતા તો હશે કારણ કે ક્વોરૅન્ટિનમાં રહેનારા હજારો લોકોને જેમને આ દવા આપવામાં આવી તેમાંથી 99 ટકાથી વધારે લોકોનો કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો. જેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો એમનામાં હળવાં લક્ષણ જોવાં મળ્યાં હતાં.

69 લાખ લોકોએ નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ નોકરી કેટલાને?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈ મહિનામાં લૉન્ચ કરાયેલા સરકારી નોકરીઓના ઑનલાઇન પોર્ટલ પર 40 દિવસમાં 69 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
પરંતુ રજીસ્ટ્રેશન કરાવનારા લોકોમાંથી બહુ ઓછા લોકોને નોકરીઓ મળી શકી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ આ આંકડાઓ જણાવે છે કે કોરોના મહામારી દરમિયાન આર્થિક ગતિવિધિઓને ફરી શરૂ કરવાનો પ્રયત્ન કરતી સરકાર સામે રોજગારી સૌથી મોટો રાજકીય અને આર્થિક પડકાર હશે.
14 ઑગસ્ટથી 21 ઑગસ્ટ વચ્ચે એટલે કે એક અઠવાડિયામાં સાત લાખથી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
અહેવાલ પ્રમાણે પરંતુ આ અઠવાડિયામાં માત્ર 691 લોકોને જ નોકરી મળી હતી.
સ્કીલ ડૅવલપમેન્ટ ઍન્ડ ઍન્ટરપ્રેન્યોરશિપ મંત્રાલયની વેબસાઇટ પર આપેલા આંકડા મુજબ 3.7 લાખ લોકોમાંથી માત્ર બે ટકા લોકોને જ નોકરી મળી શકી છે, રજિસ્ટ્રેશન કરાવનારા 69 લાખ લોકોમાંથી 1.49 લાખ લોકોને નોકરી મળી હતી જેમાંથી 7,700 લોકો નોકરી સ્વીકારીને શરૂ કરી શક્યા હતા.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















