You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તબલીગી જમાતના વિદેશીઓને બલિના બકરા બનાવાયા : બૉમ્બે હાઈકોર્ટ - TOP NEWS
બૉમ્બે હાઈકોર્ટે બહુચર્ચિત તબલિગી જમાત મામલે શુક્રવારે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાં તબલિગી જમાતના કાર્યક્રમમાં સામેલ થનારા 29 વિદેશી નાગરિકો સામે દાખલ કરેલી એફઆરઆઈને રદ કરી નાખી છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે "મીડિયામાં મરકઝમાં સામેલ વિદેશીઓને લઈને મોટો પ્રૉપેગૅન્ડા ચલાવામાં આવ્યો અને એવો માહોલ બનાવ્યો કે કોવિડ-19 વાઇરસ ફેલાવવા માટે આ જ લોકો જવાબદાર છે."
આ વિદેશી નાગરિકો પર ટૂરિઝમ વિઝાની શરતોનું ઉલ્લંઘન કરીને તબલિગી જમાતના કાર્યક્રમમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેમના પર આઈપીસીની વિભિન્ન કલમો, મહામારી રોગ અધિનિયમ, મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ, આપદા પ્રબંધન અધિનિયમ અને ફૉરેનર્સ ઍક્ટ હેઠળ કેસ દાખલ કરાયો હતો.
ઔરંગાબાદ પીઠના જસ્ટિસ ટી.વી. નલવડે અને જસ્ટિસ એમ.વી. સેવલિકરની ખંડપીઠે અરજકર્તા તરફથી દાખલ કરાયેલી ત્રણ અલગઅલગ અરજીઓ પર સુનાવણી કરી. આ અરજીકર્તા આઈવરી કોસ્ટ, ઘાના, તાન્ઝાનિયા, જિબૂતી, બેનિન અને ઇન્ડોનેશિયાના નાગરિકો છે.
હકીકતમાં પોલીસે દાવો કર્યો હતો કે તેમને ગુપ્ત જાણકારી મળી હતી કે આ લોકો અલગઅલગ મસ્જિદમાં રહી રહ્યા છે અને લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને નમાઝ પઢી રહ્યા છે. બાદમાં બધા અરજીકર્તાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે અરજીકર્તાઓનું કહેવું છે કે તેઓ માન્ય વિઝા લઈને ભારત આવ્યા હતા, જેને ભારત સરકારે જારી કર્યા હતા અને તેઓ ભારતની સંસ્કૃતિ, પરંપરા, આતિથ્ય અને ભારતીય ભોજનનો અનુભવ લેવા માટે અહીં આવ્યા હતા.
તેમનું કહેવું હતું કે ઍરપૉર્ટ પર પહોંચતાં તેમનું સ્ક્રિનિંગ થયું હતું અને કોવિડ-19 વાઇરસનો ટેસ્ટ થયો હતો. તેમના જણાવ્યા અનુસાર રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ જ તેમને ઍરપૉર્ટથી બહાર નીકળવાની મંજૂરી અપાઈ હતી.
તેમના કહેવા અનુસાર, એટલે સુધી કે તેઓએ જિલ્લા પોલીસ અધીક્ષકને પણ અહમદનગર જિલ્લામાં પહોંચવાની જાણકારી આપી હતી. જોકે 23 માર્ચે લૉકડાઉન થવાને કારણે ગાડીઓ બંધ થઈ ગઈ, હોટલ અને લોજ બંધ થઈ ગયાં હતાં, તેના કારણે મસ્જિદોએ તેમને આશરો આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરજીકર્તાઓનો દાવો છે કે તેઓએ જિલ્લા કલેક્ટરના આદેશોના ઉલ્લંઘન જેવું કોઈ ગેરકાયદે કામ કર્યું નથી.
કોર્ટના આદેશ અનુસાર, "પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં મરકઝમાં સામેલ વિદેશીઓને લઈને મોટો પ્રોપગ્રેન્ડા ચલાવામાં આવ્યો અને એવો માહોલ બનાવ્યો કે કોવિડ-19 વાઇરસ ફેલાવવા માટે આ જ લોકો જવાબદાર છે. એ રીતે આ વિદેશીઓનું ઉત્પીડન કરવામાં આવ્યું."
"એક તરફ જ્યારે કોરોના મહામારી કે આપદા પગપેસારો કરી રહી હતી ત્યારે રાજકારણથી પ્રેરિત એક સરકાર બલિનો બકરો શોધી રહી હતી અને એવું લાગે છે કે આ વિદેશીઓને બલિનો બકરો બનાવી દીધા."
"દરેક સ્થિતિ અને કોરોના સંક્રમણથી જોડાયેલા આંકડા દર્શાવે છે કે અરજીકર્તાઓ સામે આ પ્રકારનાં પગલાં ભરવાની જરૂર નહોતી."
"સમય આવી ગયો છે કે આ મામલે વિદેશીઓ સામે ભરેલાં પગલાં માટે પસ્તાવો વ્યક્ત કરવામાં આવે અને જે નુકસાન થઈ ગયું છે તેને સુધારવા માટે સકારાત્મક પગલાં ભરવામાં આવે."
'BJP 2022ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો જીતશે'
એનડીટીવીના અહેવાલ પ્રમાણે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે શુક્રવારે કહ્યું કે પક્ષના કાર્યકરોએ 2022ની ચૂંટણીમાં પક્ષને તમામ 182 બેઠકો જિતાડવા માટેનો નિશ્ચય કર્યો છે.
લગભગ એક મહિના પહેલાં પ્રદેશ ભાજપના નવા પ્રમુખ બનેલા સી. આર. પાટીલે આવનારી આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ બેઠકો વર્ષની શરૂઆતમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ આપેલાં રાજીનામાં બાદથી ખાલી પડી છે.
પ્રમુખ બન્યા બાદના તેમના તુરંતના સૌરાષ્ટ્ર પ્રવાસના ત્રીજા દિવસે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં પાટીલે કહ્યું કે કેટલાક લોકોને આ વધારે પડતું લાગે પણ 2022માં અમે તમામ 182 બેઠકો પર જીતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ.
તેમણે કહ્યું, "આ લક્ષ્ય ચોક્કસ સાધી શકાય, કારણકે ભૂતકાળમાં પક્ષે લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી બતાવી છે."
2017ની વિધાનસભા ચૂટણીમાં ભાજપે 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું એની સામે તેને 99 બેઠકો પર જીત મળી હતી.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 13 જિલ્લામાં રેડ, ઑરૅન્જ ઍલર્ટ
ગુજરાતના અનેક જિલ્લાઓ માટે 22 -23 ઑગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે સંલગ્ન 'ધ વેધર ચૅનલ'ના અહેવાલ પ્રમાણે ભારતીય હવામાનવિભાગની આગાહી જણાવે છે કે હાલ પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ પર ઓછા દબાણનું કેન્દ્ર બનેલું છે અને તે પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ જવાની વધુ શક્યતા છે.
આ સાથે વરસાદી હવામાન પ્રક્રિયા પણ હાલ સક્રિય છે. હવામાનની આ સંયુક્ત અસરને જોતાં ગુજરાત અને તેના પડોશી રાજ્યોના અલગ-અલગ વિસ્તારોમાં રવિવાર 23 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ આગાહીને જોતાં ભારતીય હવામાનવિભાગે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ સમાવેશ થઈ જાય છે.
આ આગાહી અંતર્ગત અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર જિલ્લાઓને અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવને રવિવાર માટે રેડ ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
આ સાથે જ અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, જામનગર અને મોરબીમાં ઑરૅન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.
તુર્કીને મળ્યો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રાકૃતિક ગૅસભંડાર
તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને શુક્રવારે જાહેરાત કરતાં કહ્યું કે તુર્કીને કાળા સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો કુદરતી ગૅસનો ભંડાર મળી આવ્યો છે.
સાથે જ તેમણે કહ્યું કે તુર્કીનું લક્ષ્ય 2030 સુધી તેનો ઉપયોગ કરવાનું છે. ઇસ્તંબુલમાં પ્રેસ કૉન્ફરન્સ કરતાં અર્દોઆને કહ્યું કે તુર્કીના ફતેહ નામના ડ્રિલિંગ જહાજને 320 અબજ ક્યુબિક મીટર પ્રાકૃતિક ગૅસભંડાર ટુના-1 કૂવામાંથી મળ્યો છે.
તેમણે આ શોધને તુર્કીના ઇતિહાસની સૌથી મોટી કુદરતી ગૅસની શોધ ગણાવી છે.
તેમણે કહ્યું કે આ જ વિસ્તારમાં નવા ગૅસ ભંડારની શોધખોળ થશે. અર્દોઆને કહ્યું, "અમારું લક્ષ્ય કાળા સમુદ્રમાંથી ગૅસ કાઢી 2023 સુધીમાં એનો ઉપયોગ કરવાનું છે."
સાથે જ તેઓ ઉમેરે છે કે તુર્કીને પણ પૂર્વ ભૂમધ્ય સાગરમાં ખુશખબરીની આશા છે. આ જગ્યા પર પણ તુર્કી ગૅસની શોધ કરી રહ્યું છે.
તેમણે કહ્યું, "અત્યાર સુધી ભૂમધ્ય સાગર અને કાળા સમુદ્રમાં ફતેહ અને યાવુઝ જહાજના માધ્યમથી નવ વખત ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. અમે અમારા દેશના ઊર્જા વિષયક મુદ્દે સંપૂર્ણ રીતે સમાધાન લાવવા દૃઢ સંકલ્પ કરીએ છીએ."
તુર્કીના નાણામંત્રી બેરાત અલબાઇરાકે ફતેહ જહાજ પરથી જ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી કહ્યું કે આનાથી તેમની પાસે જરૂરિયાતની માત્રાના ગૅસનો પર્યાપ્ત ભંડાર હશે અને આને એમણે 'નવો યુગ' ગણાવ્યો.
ચીનની કંપની બિડર જણાતાં ભારતીય રેલવેએ ટૅન્ડર રદ કર્યું
ભારતીય રેલવેએ 44 વંદે ભારત ટ્રેનના વિભાગો માટે જાહેર કરેલું એ ટૅન્ડર રદ જાહેર કર્યું છે, જેમાં ચીનની સરકાર હસ્તકની કંપની એકમાત્ર વિદેશી કંપની તરીકે હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે ટૅન્ડર જાહેર કર્યાના લગભગ એક મહિના બાદ શુક્રવારે આ ટૅન્ડરને રદ કરવાની જાહેરાત કરાઈ અને કહ્યું કે સરકારે સુધારા સાથે જાહેર કરેલી નીતિ પ્રમાણે નવા ટૅન્ડર એક અઠવાડિયાની અંદર ફરી બહાર પાડવામાં આવશે.
રેલવેમંત્રાલયે શુક્રવારે બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું કે મૅક ઇન ઇન્ડિયાને પ્રાથમિકતા આપતી નીતિ પ્રમાણે નવા ટૅન્ડર બહાર પાડવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે આ ટૅન્ડર સામે યુરોપની કોઈ પણ વિશ્વસ્તરે જાણીતી રોલિંગ સ્ટોક કંપનીઓએ ભાગ ન લેતાં આ પગલાની શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી.
રેલવેએ તેના મહત્વાકાંક્ષી સેમિ-હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે 10 જુલાઈએ બહાર પાડેલા ટૅન્ડર માટે ચીનની સરકાર હસ્તકની અગ્રણી રોલિંગ સ્ટોક કંપની CRRC કૉર્પોરેશન એક માત્ર વિદેશી કંપની હતી.
ચીનની આ સરકારી કંપનીએ આ ટૅન્ડર પ્રક્રિયામં ભાગ લેવા માટે ગુડગાંવ સ્થિત એક કંપની સાથે સંયુક્ત સાહસ ઊભું કર્યું હતું અને બિડ કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો