મહેન્દ્રસિંહ ધોનીને નરેન્દ્ર મોદીએ પત્રમાં શું લખ્યું?

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, રાંચીથી, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

કૅપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી સંન્યાસની જાહેરાત બાદ 19 ઑગસ્ટે લખવામાં આવેલી આ ચિઠ્ઠી અનેક રીતે અનોખી છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લેટરહેડ પર આ ચિઠ્ઠી એક ચાહક તરીકે લખાઈ છે. જાણે કે વડા પ્રધાને એક ચાહક તરીકે ધોનીને લખી હોય એવી આ ચિઠ્ઠી છે.

આ ચિઠ્ઠીમાં ધોનીને બહેતર ભવિષ્યની શુભકામનાઓ આપવામાં આવી છે. એ સાથે એમાં આંકડાઓ, કૅરિયર, જૂની યાદોની ચર્ચા સાથે ભારતના ક્રિકેટમાં એમના યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહેન્દ્રસિંહ ધોનીએ ગુરૂવારે એમના ટ્વિટર હૅન્ડલ પરથી વડા પ્રધાને લખેલી આ ચિઠ્ઠી રજૂ કરી અને એમનો આભાર પણ માન્યો.

વડા પ્રધાને લખેલી ચિઠ્ઠીનો અનુવાદ આ મુજબ છે.

વડા પ્રધાને લખ્યું કે -

પ્રિય મહેન્દ્ર

15 ઑગસ્ટે આપે પોતાના ખાસ નમ્ર અંદાજમાં નાનકડી વીડિયો ક્લિપ શૅર કરી જે આખા દેશમાં એક લાંબી અને જોશપૂર્વકની ચર્ચાનો વિષય બનવા માટે પૂરતી હતી. આનાથી 130 કરોડ ભારતીયોને નિરાશા થઈ પરંતુ છેલ્લા દોઢ દાયકામાં આપે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે એના માટે દેશવાસીઓ આપનો આભાર માને છે.

તમારી કૅરિયરનું વિશ્લેષણ કરવાની એક રીત એને આંકડાના દૃષ્ટિકોણથી જોવાની પણ છે. તમે ભારતીય ક્રિકેટમાં સૌથી સફળ કપ્તાનોમાંથી એક છો. ભારતને ટોચની ટીમ બનાવવામાં આપની મહત્ત્વની ભૂમિકા છે. ક્રિકેટના ઇતિહાસમાં આપનું નામ દુનિયાના બહેતરીન બેટ્સમૅનોમાં, સર્વશ્રેષ્ઠ કપ્તાનોમાં અને નિસંદેહ સર્વશ્રેષ્ઠ વિકેટકિપરોમાં લખવામાં આવશે.

મુશ્કેલ સ્થિતિમાં આપની પરની નિર્ભરતા અને મૅચ ફિનિશ કરવાની આપની સ્ટાઇલ, ખાસ કરીને 2011 વિશ્વ કપની ફાઇનલ લોકોને અનેક પેઢીઓ સુધી યાદ રહેશે.

પરંતુ મહેન્દ્રસિંહ ધોનીનું નામ ફક્ત આંકડાઓ અને મૅચ જીતવામાં એમની ભૂમિકા માટે જ યાદ રાખવામાં નહીં આવે. ફક્ત એક ખેલાડી તરીકે આપનું મૂલ્યાંકન અન્યાય ગણાશે. આપનું યોગ્ય મૂલ્યાંકન એક કાલ યાને કે ઘટના તરીકે થવું જોઈએ.

એક નાનાં શહેરથી શરૂઆત કરીને આપે રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું. ન ફક્ત પોતે નામ કમાવ્યું પરંતુ ભારતને પણ ગૌરવ અપાવ્યું.

જે તમારી જેમ જ સ્કૂલ-કૉલેજમાં બહુ ધ્યાન ખેંચનારા નહોતા કે ન તો જાણીતા પરિવારમાથી હતા, પણ એમનામાં ખુદને ઊંચાઈ પર લઈ જવાની પ્રતિભા હતી એવા અનેક યુવાનોને તમારા ઉદય અને કામે અનેક પ્રેરણા અને હિંમત આપ્યા.

તમે નવીન ભારતનું એક એવું ઉદાહરણ છો કે જ્યાં પરિવારનું નામ યુવાનોની તકદીર નક્કી નથી કરતું પરંતુ તેઓ ખુદ પોતાનું નામ અને તકદીર નક્કી કરે છે. જ્યારે આપણને ખબર હોય કે ક્યાં જવાનું છે ત્યારે આપણે ક્યાંથી આવીએ છીએ એનો કોઈ જ અર્થ નથી રહેતો. તમે યુવાનોને આ ખાસિયતથી પ્રભાવિત અને પ્રેરિત કર્યા છે.

મેદાન પર આપના અનેક યાદગાર પ્રસંગો આજની પેઢી માટે ઉદાહરણ છે. આ પેઢી જોખમ લેવાથી નથી ડરતી અને મુશ્કેલ સ્થિતિમાં એકમેકનો સાથ આપે છે. આપે પણ એવું જોખમ અનેકવાર લીધું અને હાઈપ્રેશર મૅચોમાં યુવાઓને તકન આપી. 2007ના ટી-20 વિશ્વ કપની ફાઇનલ એનું સૌથી મોટું ઉદાહરણ છે.

ભારતની આ પેઢી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત છોડતી નથી. અમે તમારી ઇનિંગ્સ અને મૅચોમાં આ નજીકથી જોયું છે. આપણા યુવાનો મુશ્કેલ સ્થિતિમાં બિલકુલ ડરતા નથી પરંતુ બેખોફ છે. જેમ આપે આપની ટીમની આગેવાની કરી.

એ મહત્ત્વનું નથી કે તમે કેવા પ્રકારની હૅરસ્ટાઇલ રાખી હતી પરંતુ જીત હોય કે હાર, તમારું મન અને દિમાગ હંમેશાં શાંત રહે. આ દેશના દરેક યુવાન માટે સૌથી મહત્ત્વપૂર્ણ શીખ છે.

હું ભારતના સશસ્ત્રદળો સાથે આપના જોડાણનો ખાસ કરીને ઉલ્લેખ કરવા માગીશ. સૈન્યનાં લોકોની સાથે જોડાઈને તમે ખૂબ જ ખુશ રહ્યા. તેમના કલ્યાણ પ્રત્યે તમારી ચિંતા હંમેશાં ઉલ્લેખનીય રહેશે.

મને આશા છે કે હવે સાક્ષી અને જીવાની સાથે તમે વધારે સમય વિતાવી શકશો. હું તેમને પણ શુભેચ્છાઓ આપું છું, કારણ કે તેમનાં સહયોગ અને ત્યાગ વિના આ સંભવ થતું નહીં.

દેશના યુવાનો પોતાના પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં બૅલેન્સ રાખવાની કળાને આપની પાસેથી શીખી શકે છે. મને એક ફોટો જોઈને યાદ આવ્યું કે એક ટુર્નામેન્ટ જીત્યા પછી જ્યારે ટીમના બાકી ખેલાડીઓ મેદાન પર ઉજવણી કરતા હતા ત્યારે તમે તમારી દીકરી જીવા સાથે રમી રહ્યા હતા. મારા માટે એ વિન્ટેજ ધોની હતા.

તમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

તમારો

નરેન્દ્ર મોદી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો