You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહેન્દ્રસિંહ ધોનીના યોગદાનને ભારત કેમ ક્યારેય ભૂલી નહીં શકે?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
2004માં એક યુવાન બૅટ્સમૅન ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યો. એ વખતે લાંબા વાળ ધરાવતો આ યુવાન અત્યંત આક્રમક બૅટિંગ કરતો હતો. એમ લાગતું હતું કે તે એ સમયના અન્ય મહાન બૅટ્સમૅન સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ કે સૌરવ ગાંગુલી જેવી ટેકનિક ધરાવતો નથી અને આ લાંબું ચાલશે નહી.
હા, સચીન, દ્રવિડ, લક્ષ્મણ અને ગાંગુલીનો એ જમાનો હતો. ત્યારે દરેક નવોદિત ક્રિકેટરને આ મહાનુભાવો સાથે જ સરખાવવામાં આવતા હતા પરંતુ આંતરિક વર્તુળમાં એમ કહેવાતું હતું કે એક દિવસ આ છોકરો સૌને પાછળ રાખી દેશે.
મહેન્દ્રસિંહ ધોની આ નવોદિતનું નામ હતું. એવું ન હતું કે તેમણે આ તમામને પાછળ રાખી દીધા પરંતુ તેમના જેટલી જ લોકપ્રિયતા હાંસલ કરી લીધી.
અગાઉ ઉલ્લેખ કર્યો તે આંતરિક વર્તુળમાં ચર્ચાતું હતું. આ આંતરિક વર્તુળ એટલે શું?
હકીકતમાં ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરતાં અગાઉ ભારતના કેટલાક ક્રિકેટરની એક ટીમ કેન્યા રમવા ગઈ હતી અને તેમાં ધોની હતા. સાથોસાથ ભારતનો શ્રેષ્ઠ ઝડપી બૉલર જવાગલ શ્રીનાથ પણ હતા.
શ્રીનાથે જ ભારત આવીને ગાંગુલી સહિતના કેટલાક ખેલાડી સમક્ષ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ઝારખંડથી આવેલો એક બૅટ્સમૅન છે જે આગળ જતાં ઇન્ટરનેશનલ ક્રિકેટમમાં ધમાકો મચાવી શકે તેમ છે.
થોડા સમય બાદ ધોનીની ઍન્ટ્રી ભારતીય ટીમમાં થઈ. પહેલી જ મૅચમાં એક બૉલ રમ્યા બાદ ધોની રનઆઉટ થઈ ગયા. બાંગ્લાદેશમાં તો તેઓ કાંઈ કરી શક્યા નહીં તેમ છતાં ચારેક મહિના બાદ પાકિસ્તાનની અત્યંત મજબૂત ટીમ સામે તેમને તક આપવામાં આવી.
હિંમતપૂર્વક અખતરા કરવા માટે જાણીતા સૌરવ ગાંગુલીએ આ વખતે તેમને અચાનક જ ત્રીજા ક્રમે રમવા મોકલી દીધા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ ચાર મૅચમાં સાતમા ક્રમે આવીને માંડ 22 રન કરનારા આ બૅટ્સમૅનને ત્રીજા ક્રમે મોકલાયો અને તેણે વિશાખાપટનમમાં તરખાટ મચાવી દીધો.
પાકિસ્તાન સામે તેણે માત્ર 123 બૉલમાં 148 રન ફટકારી દીધા અને ભારતે 356 રનના વિશાળ સ્કોર સાથે મૅચ જીતી લીધી.
આ સિલસિલો 2019ના જુલાઈ મહિના સુધી ચાલ્યો. રમતના ફૉર્મેટ બદલાતાં ગયાં. ટીમના ખેલાડીઓ બદલાતા ગયા, આઈસીસીના નિયમો બદલાતા ગયા, રમવાની સ્ટાઇલ બદલાઈ ગઈ પણ જો કોઈ બદલાયું ન હોય તો તે ધોની હતા.
અન્ય કૅપ્ટનની આગેવાનીમાં શાનદાર દેખાવ કરનારા ધોની, 2004ના એપ્રિલમાં ઝંઝાવાતી બૅટિંગ કરનારા ધોની 2007માં તો કૅપ્ટન બની ગયા.
સાઉથ આફ્રિકામાં યોજાયેલા સૌ પ્રથમ ટી20 વર્લ્ડ કપ વખતે તેને કૅપ્ટન બનાવાયા ત્યારે તો ભારતમાં ઘણાની ભ્રમરો ખેંચાઈ ગઈ હતી કે આવા ખેલાડીને તો કાંઈ ટીમની આગેવાની સોંપાતી હશે અને તે પણ વર્લ્ડ કપમાં? પણ 15 દિવસ બાદ ટીમ પરત ફરી ત્યારે તે હીરો બનીને પરત આવ્યા હતા.
ત્યાર બાદ ધોનીની કાબેલિયત અંગે કોઈએ શંકા કરી નથી. ધોનીની વિવિધ સિદ્ધિઓને ભારત કયારેય ભૂલી શકશે નહીં કેમ કે તેમણે મેદાન પર અને મેદાન બહાર જે આદર પ્રાપ્ત કર્યો છે તે ભાગ્યે જ કોઈ ક્રિકેટરને મળ્યો છે.
સચીન તેંડુલકરની મહાનતા વિશે કોઈ બેમત નથી. તે મહાન છે અને રહેશે જ.
સચીનના ઘણા એવા ગુણો છે જે ભવિષ્યમાં પણ કોઈ ખેલાડીમાં હશે કે કેમ તે કહી શકાય તેમ નથી પરંતુ એક કૅપ્ટન તરીકે તેને ક્યારેય સફળતા મળી નહોતી અને ટીમના ખેલાડીઓ તરફથી પણ એક કૅપ્ટન સચીન તેંડુલકરને ક્યારેય આદર મળ્યો ન હતો.
તેઓ કૅપ્ટન હતા ત્યારે સૌ તેનો આદર કરતા હતા તેની પાછળનું કારણ તેઓ એક મહાન નહીં પરંતુ સર્વકાલીન મહાન ક્રિકેટર હતા તે હતું પરંતુ તેમની કૅપ્ટન તરીકેની કાબેલિયત નહોતું.
જ્યારે ધોની એક વ્યક્તિત્વ, બૅટ્સમૅન, કૅપ્ટન અને તેમજ વિકેટકીપરને કારણે માત્ર ટીમના સાથીઓ જ નહીં પરંતુ હરીફ ટીમ તરફથી પણ સન્માનના હકદાર હતા.
ધોની એવા સમયમાં ટીમના કૅપ્ટન બન્યા હતા જ્યારે ગાંગુલી, દ્રવિડ અને કુંબલે-લક્ષ્મણ જેવા ખેલાડી તેમની કરિયરના અસ્તાળે હતા.
આ તમામને આદરપૂર્વક સંભાળવા કે પછી સહેવાગ, યુવરાજ, હરભજન સિંહ અને ઝહીરખાનને સંભાળવા એ આસાન નહોતું.
ધોનીએ આ તમામની કમાન સંભાળી હતી. તેમણે જ ટીમ મૅનેજમૅન્ટને એ વિચારવા મજબૂર કર્યું હતું કે સહેવાગની હવે ઉંમર થઈ ગઈ છે અને તેમને વિદાય આપવાનો સમય પાકી ગયો છે.
તેમની આગેવાનીમાં જ વિરાટ કોહલીનો ઉદય થયો હતો અને ધોનીએ જ સંકેત આપ્યા હતા કે આ યુવાન બૅટ્સમૅનમાં ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાની ક્ષમતા છે.
આજે વિરાટ કોહલીમાં જે લાક્ષણિકતાઓ અને મહાનતા જોવા મળે છે તેનાં દર્શન ધોનીને 2012ની આસપાસ થઈ ગયાં હતાં.
વિકેટ પાછળ વિજળીની ઝડપે સ્ટમ્પિંગ કરવાની વાત હોય કે વાનખેડે સ્ટેડિયમ ખાતેની એ ઐતિહાસિક ફાઇનલમાં યુવરાજ અને સુરેશ રૈનાને પાછળ રાખીને પાંચમા ક્રમે બૅટિંગ કરવા આવવાનો ઓચિંતો નિર્ણય લેવાની વાત હોય ધોની હંમેશાં અગ્રેસર રહ્યા છે.
તેમણે મેદાન પર કે મેદાન બહાર ક્યારેય કોઈ નિર્ણય લેવામાં વિલંબ કર્યો નથી. રમત પ્રત્યેનો તેનો અભ્યાસ કહો, સમીક્ષા કહો કે દૂરંદેશીપણું કહો તે મોટા ભાગના નિર્ણયમાં સફળ રહ્યા છે.
આ જ કારણે તેમની રમતમાં કૅપ્ટન હતા ત્યારે કે કપ્તાની વિના રમ્યા હોય ત્યારે જરાય ઓટ આવી નથી.
મૅચ ફિનિશર તરીકે તેની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં છે. ટારગેટ ગમે તેવો મોટો પહાડ જેવો હોય પણ જ્યાં સુધી ધોની બૅટિંગ કરતા હોય ત્યાં સુધી ભારતીય ટીમ, ભારતના કરોડો ફેન્સ અને હરીફ ટીમને પણ ભરોસો રહેતો હતો કે આ ટારગેટ સુધી પહોંચીને જ ઝંપશે.
ધોનીની આગેવાનીમાં ભારતે આઈસીસીની ત્રણ મહત્વની ટ્રૉફી જીતી હતી.
તેમણે 2011માં ભારતને વન ડે વર્લ્ડ કપ અપાવ્યો તેના ચાર વર્ષ અગાઉ સાઉથ આફ્રિકામાં ટી20 વર્લ્ડ કપ અપાવ્યો.
વર્ષ 2013માં ઇંગ્લૅન્ડમાં આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં વિજય અપાવવા ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં તેમની જ આગેવાનીમાં ભારતીય ટીમ આઈસીસી નંબર વન બની હતી.
આ ઉપરાંત તેણે જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને આઇપીએલમાં ત્રણ ટાઇટલ અપાવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો