લૉકડાઉન દરમિયાન ચારમાંથી એક પ્રવાસી મજૂર પગપાળા ઘરે પહોંચ્યા -Top News

પ્રવાસી મજૂરો

ઇમેજ સ્રોત, Hindustan Times

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

કોરોના મહામારીને કારણે લૉકડાઉન લદાયા બાદ પગપાળા વતન પરત જઈ રહેલા પ્રવાસી મજૂરોનાં દૃશ્યો સતત ચર્ચામાં રહ્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર એક સર્વેમાં જાણવા મળ્યું કે 22.5 ટકા પ્રવાસી મજૂરો પોતાના વતન સુધી પગપાળા ચાલીને પહોંચ્યા હતા.

આ સર્વે પ્રમાણે 6.9 ટકા પ્રવાસી મજૂરો યાત્રામાંથી થોડો ભાગ ચાલ્યા હતા અને બાકીનો ભાગ ગાડી અથવા ટ્રેનથી પૂરો કર્યો હતો.

આ સર્વેમાં ગ્રામીણ ભારતમાં 22,371 મજૂરોએ ભાગ લીધો હતો અને 963 પરિવારો પણ સામેલ થયા હતા.

એ સિવાય 2.6 ટકા લોકોએ સાઇકલથી એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સફર ખેડી હતી.

આ સર્વેમાં આ પ્રવાસી મજૂરોએ કેટલા કિલોમિટરની યાત્રા કરી એ વિશે માહિતી નથી લેવામાં આવી, પરંતુ લૉકડાઉનને કારણે ભૂખ, આર્થિક તાણ અને અન્ય કારણો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જ્યારે પ્રવાસી મજૂરોને પૂછવામાં આવ્યું કે શું સરકાર તરફથી તેમને યાત્રા માટે ખર્ચ, ટ્રેનની ટિકિટ અથવા બસ-વાહન સેવાની મદદ આપવામાં આવી હતી, તો 409 પ્રવાસી મજૂરોએ કહ્યું કે તેમને મદદ મળી હતી અને 554 પ્રવાસી મજૂરોએ મદદ ન મળી હોવાનું જણાવ્યું હતું.

આમાંથી 17.8 ટકા બસથી, 11.6 ટકા ટ્રેનથી અને ટ્રકથી 7.8 ટકા અને 1.8 ટકા પ્રવાસી મજૂરો ટ્રકથી પોતાને ગામ પહોંચ્યા હતા.

શું આર્થિક પરિસ્થિતિ સારી થયા બાદ તેઓ પાછા શહેર જશે? તો33 ટકા લોકોએ કહ્યું હા અને 16 ટકા લોકોએ કહ્યું કે હજી નક્કી નથી કર્યું.

લૉકડાઉન દરમિયાન હજારો પ્રવાસી મજૂરો પોતાનાં વતન જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં જ મૃત્યુ થયાના સમાચાર પણ આવ્યા હતા.

line

શ્રેય હૉસ્પિટલ આગની ન્યાયિક તપાસનો રૂપાણી સરકારનો આદેશ

શ્રેય હૉસ્પિટલ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગની તપાસ માટે હાઈકોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં પંચ ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસને એફઆઈઆર દાખલ કરવા અને તપાસમાં ઝડપ લાવવા કહ્યું છે.

છ ઑગસ્ટે અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગતાં આઠ કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં હતાં.

હાલ પોલીસે એમ કહીને આ મામલે એફઆઈઆર દાખલ નહોતી કરી કે અમુક રિપોર્ટ્સની રાહ જોવાઈ રહી છે. પોલીસે આ મામલે ઍક્સિડન્ટલ ડેથનો કેસ દાખલ કર્યો હતો.

શ્રેય હૉસ્પિટલમાં આગના બનાવ અંગે ગુજરાત સરકારના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહવિભાગ) સંગીતા સિંહ અને અતિરિક્ત મુખ્ય સચિવ (શહેરી વિકાસ) મુકેશ પુરીના રિપોર્ટ પછી રિટાયર્ડ જજ હેઠળ પંચ દ્વારા તપાસ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

આ બંને આઈએએસ અધિકારીઓને ચાર દિવસમાં આગના બનાવનો તપાસરિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું હતું.

line

વાઇટ હાઉસની બહાર ગોળીબાર

રાષ્ટ્રપતિ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વાઇટ હાઉસ નજીક અજાણી વ્યક્તિએ ગોળીબાર કર્યો છે. તેમણે કહ્યું કે આ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.

આ બનાવ ત્યારે બન્યો જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પત્રકારો સાથે વાત કરતા હતા.

આ દરમિયાન તેમના સુરક્ષાદળમાંથી એક સભ્યે આવીને તેમને આ વિશે જાણકારી આપી હતી અને તેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા.

ટ્રમ્પને પત્રકારપરિષદમાંથી બહાર જતાં એવું કહેતા સાંભળવામાં આવ્યા, "ઓહ!", "શું થઈ રહ્યું છે".

ગોળીબારની કથિત ઘટના દરમિયાન વાઇટ હાઉસને લૉકડાઉન કરવું પડ્યું હતું.

જોકે નવ મિનિટ પછી ટ્રમ્પ પાછા પત્રકારપરિષદમાં આવ્યા અને જણાવ્યું કે "યુએસ સિક્રેટ સર્વિસે સંદિગ્ધ પર ગોળી ચલાવી પડી હતી, હું સમજી શક્યો છું ત્યાં સુધી તેની પાસે હથિયાર હતા."

તેમણે કહ્યું કે "કોઈને આ ઘટના પછી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે."

ટ્રમ્પે કહ્યું,"વાઇટ હાઉસની બહાર ગોળીબાર થયો છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે."

line

ઇન્ડોનેશિયામાં ફરી જ્વાળામુખી ફાટ્યો

માઉન્ટ સિનાબૉન્ગ જ્વાળામુખી

ઇમેજ સ્રોત, ANTO SEMBIRING/Getty

ઇમેજ કૅપ્શન, માઉન્ટ સિનાબૉન્ગ જ્વાળામુખી

ઇન્ડોનેશિયાનો માઉન્ટ સિનાબૉન્ગ જ્વાળામુખી સોમવારે ફાટ્યો હતો, જેનાથી હવામાં લગભગ પાંચ કિલોમિટર સુધી ધુમાડો અને રાખ ફેલાઈ ગયાં હતાં.

એનડીટીવીના અહેવાલ મુજબ આજુબાજુનો વિસ્તારો પર જ્વાળામુખીમાંથી નીકળતાં ધુમાડા અને રાખ પથરાયાં હતાં.

સુમાત્રા દ્વીપ પર આવેલો જ્વાળામુખીમાં 2016માં જબરદસ્ત ધડાકો થયો હતો.

છેલ્લા દિવસોમાં જ્વાળામુખીમાં ફરી હિલચાલ વધી છે, રવિવારે પણ બે નાના ધડાકા થયા હતા.

જોકે સોમવારે જ્વાળામુખી ફાટતા કોઈને પણ ઈજા થઈ નથી પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી છે કે જ્વાળામુખીમાં લાવા વહીને બહાર આવી શકે છે અને હજી હલચલ વધી શકે છે.

આ જ્વાળામુખીની આસપાસના વિસ્તારમાં પહેલામ જાહેર કરાયેલા નો-ગો ઝોનમાં કોઈ રહેઠાણ નથી.

જોકે ઘટના બાદ એક ગામમાં થોડી મિનિટો માટે દિવસે રાત જેવો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક ગામના વડાએ કહ્યું, "એ જાદુ જેવું હતું, જ્યારે રાખ ફેલાઈ ત્યારે દિવસનો પ્રકાશ અંધકારમાં ખોવાઈ ગયો હતો. લગભગ 20 મિનિટ સુધી ગામ અંધારામાં હતું."

line

બ્લાસ્ટ બાદ લેબનનના વડા પ્રધાનની સત્તા છોડવાની જાહેરાત

બૈરુતમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, Reuters

લેબનનની રાજધાની બૈરુતમાં થયેલા વિનાશકારી ધડાકા પછી લોકોના રોષને જોતાં વડા પ્રધાને સત્તા છોડવાની જાહેરાત કરી છે.

બૈરુતમાં ગત મંગળવારે થયેલા ધડાકામાં 200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 100થી વધારે લોકો હજી લાપતા છે.

સોમવાર સાંજે સરકારી ટીવી ચેનલ પર રાષ્ટ્રજોગ સંબોધનમાં લેબનનના વડા પ્રધાન હસન દિઆબે સત્તા છોડવા અંગેની જાહેરાત કરી હતી.

બૈરુતમાં પૉર્ટ પર ઍમોનિયમ નાઇટ્રેટના જથ્થાને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે, ત્યારે લોકોએ આ ઘટના માટે સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યાં છે.

રાજધાનીમાં સતત સરકારની વિરુદ્ધ પ્રદર્શનો ચાલી રહ્યાં હતાં, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી.

રાષ્ટ્રપતિ મિશેલ ઑને હાલ સરકારને નવી કૅબિનેટ રચાય ત્યાં સુધી કામકાજ સંભાળવા કહ્યું છે.

મહિનાઓની મડાગાંઠ પછી જાન્યુઆરીમાં વડા પ્રધાન તરીકે ચૂંટાયેલા દિઆબે કહ્યું કે દેશને બચાવવા માટે તેમની સરકારે રોડમૅપ તૈયાર કર્યો હતો.

"લેબનનમાં ભ્રષ્ટાચાર દેશ કરતાં પણ મોટો છે અને આપણી તથા બદલાવ વચ્ચે બહુ કાંટાળી દીવાલ છે, આ દીવાલને વર્ગભેદથી બળ મળે છે. જે પોતાના લાભને બચાવવા માટે કોઈ પણ ગંદી રીત અપનાવી શકે છે. "

"આ સરકારની સફળતાનો અર્થ હતો લાંબા સમય માટે સત્તામાં પરિવર્તન, જેના ભ્રષ્ટાચારને કારણે દેશનો શ્વાસ રુંધાઈ ગયો હતો."

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો