સુશાંતસિંહ રાજપૂત કેસ: ગુજરાત કેડરના અધિકારી મનોજ શશિધર સીટના વડા - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સુશાંતસિંહ રાજપૂત મામલાની તપાસ માટે સીબીઆઈએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી છે.

મનોજ શશિધરના નેતૃત્વમાં આ ટીમ બોલૂવીડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ કરશે.

મનોજ શશિધર 1994ની બેન્ચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અને હાલમાં સીબીઆઈમાં સંયુક્ત નિદેશક પદ પર છે.

સરકારી ન્યૂઝ એજન્સી એઆઈઆરની ખબર અનુસાર, ગગનદીપ ગંભીર પણ આ તપાસટીમનો હિસ્સો હશે.

બિહાર સરકારે સુશાંતસિંહ રાજપૂત મામલાની તપાસ સીબીઆઈને સોંપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી.

આ મામલે અત્યાર સુધીમાં સીબીઆઈએ સુશાંતસિંહ રાજપૂતનાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેમના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી સમેત છ લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે.

ગિરીશચંદ્ર મુર્મુની નવા સીએજી તરીકે નિયુક્તિ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુને ભારતના નવા CAG (નિયંત્રક અને મહાલેખ પરીક્ષક) બનાવાયા છે. આ સંબંધમાં ગુરુવારે નોટિસ જાહેર કરી હતી.

બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ કલમ 370 દૂર કર્યાના પહેલા વર્ષે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.

બુધવાર સાંજથી તેમના રાજીનામા અને તેમની અન્ય જગ્યાએ નિયુક્તિની અટકળો વહેતી થઈ હતી.

તો પૂર્વ કેન્દ્રીયમંત્રી મનોજ સિન્હાને જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે.

મૂળ ઓડિશાના ગિરીશચંદ્ર મુર્મુ ગુજરાત કૅડરના 1985ની બૅચના આઈએએસ અધિકારી છે.

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુર્મુ પ્રદેશના મુખ્ય સચિવ હતા.

શ્રેય હૉસ્પિટલની ઘટના બાદ કોવિડ હૉસ્પિટલોમાં ઑડિટ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગ બાદ શહેરની 72 કોવિડ હૉસ્પિટલમાં ઑડિટ શરૂ કર્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, શ્રેય હૉસ્પિટલની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ડૉ. મનીષ કુમારની અધ્યક્ષતામાં એક સમિતિ રચી છે અને આ સમિતિ હૉસ્પિટલની માગણીઓ અને મૉનિટરિંગ કરશે.

શ્રેયની ઘટના બાદ શહેરની 72 કોવિડ હૉસ્પિટલમાં ઑડિટ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી જગ્યાએ ફાયરસેફ્ટીનાં સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.

એએમસીના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે કેટલીક એનઓસીની મુદત પૂરી થઈ છે, તો કેટલાકે નવી માટે અરજી કરી નથી.

સમિતિને શુક્રવાર સુધીમાં તમામ 72 હૉસ્પિટલોનું ઑડિટ પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે 6 ઑગસ્ટે અમદાવાદની શ્રેય કોવિડ હૉસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં કોરોનાના આઠ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો