સુશાંતસિંહ રાજપૂત કેસમાં CBIની ઍન્ટ્રી, હવે આગળ શું થઈ શકે?

ઇમેજ સ્રોત, Hindustan Times
કેન્દ્ર સરકારે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારી લીધી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ જાણકારી સુપ્રીમ કોર્ટને આપી છે.
બિહાર પોલીસની તપાસને પડકારતી રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. જસ્ટિસ હૃષીકેશ રૉય આ મામલે સુનાવણી કરી રહ્યા છે.
રિયા ચક્રવર્તીએ પોતાની અરજીમાં બિહારમાં શરૂ કરાયેલી તપાસને પડકાર આપીને મુંબઈમાં તપાસ કરાવવાની અપીલ કરી છે.
છેલ્લા દિવસોમાં સુશાંતસિંહના પિતાએ કે.કે. સિંહે પટના પોલીસમાં રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર દાખલ કરાવી હતી.
સુશાંતસિંહના પિતાએ રિયા ચક્રવર્તી સામે એફઆઈઆરમાં પૈસાની છેતરપિંડી અને આત્મહત્યા માટે ઉશ્કેરવાની વાત કરી હતી.
સુશાંતસિંહ રાજપૂત 14 જૂને પોતાના મુંબઈસ્થિત ઘરમાં મૃત મળ્યા હતા. મુંબઈ પોલીસ આ મામલે આત્મહત્યા માનીને તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસે આ મામલે રિયા ચક્રવર્તી સમેત હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાના ઘણા જાણીતા ચહેરાઓની પૂછપરછ કરી છે. તેમાં મહેશ ભટ્ટથી લઈને સંજય લીલા ભણસાલી પણ સામેલ છે.
એક દિવસ અગાઉ જ બિહાર સરકારે અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે મહારાષ્ટ્ર સરકાર અગાઉથી સીબીઆઈ પાસેથી તપાસ કરાવવાની માગને ઠુકરાવી ચૂકી છે.

મુંબઈ પોલીસ અને બિહાર પોલીસમાં તકરાર

ઇમેજ સ્રોત, Satyabrata Tripathy/Hindustan Times via Getty Imag
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસને લઈને મુંબઈ પોલીસ અને બિહાર પોલીસમાં તકરાર ચાલી રહી છે. બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.
બિહાર પોલીસ આ મામલે તપાસ માટે મુંબઈ પહોંચી તો એક નવો વિવાદ છેડાઈ ગયો.
આ મામલાની તપાસ માટે મુંબઈ ગયેલા બિહાર પોલીસના એક વરિષ્ઠ અધિકારી વિનય તિવારીને ક્વૉરેન્ટીન કરી દીધા છે. આ મામલે બિહાર પોલીસના મહાનિદેશક ગુપ્તેશ્વર પાંડેએ સખત વિરોધ દર્શાવ્યો છે.
સુશાંતસિંહ રાજપૂતના પરિજનોએ મુંબઈ પોલીસ પર આરોપ લગાવ્યો કે મુંબઈ પોલીસ આ મામલે યોગ્ય રીતે તપાસ કરતી નથી.
સુશાંતસિંહના પિતાએ પણ આરોપ લગાવ્યો હતો કે ફેબ્રુઆરીમાં પણ મુંબઈ પોલીસને એ જાણકારી આપી હતી કે સુશાંતના જીવને જોખમ છે.
જોકે મુંબઈ પોલીસે સોમવારે એક પ્રેસ રિલીઝ કરીને કહ્યું કે સુશાંતના બનેવીએ મુંબઈ પોલીસના એક અધિકારીને વૉટ્સઍપ પર આ જાણકારી આપી હતી. જોકે તેઓએ આ અંગે લેખિતમાં ફરિયાદ નહોતી કરી અને કહ્યું કે તેઓ અનૌપચારિક રીતે આવું કરી રહ્યા છે.
જોકે મુંબઈ પોલીસે એ સ્પષ્ટ કરી દીધું હતું કે લેખિત ફરિયાદ વિના તપાસ ન થઈ શકે.

ઇમેજ સ્રોત, @TWEET2RHEA
છેલ્લા દિવસોમાં રિયા ચક્રવર્તીએ ટ્વીટ કરીને ગૃહમંત્રી અમિત શાહ પાસે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગ કરી હતી.
તેઓએ લખ્યું હતું- સર, હું સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ છું. સુશાંતના મૃત્યુને એક મહિનો વીતી ગયો. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે. હું ઇચ્છું છું કે આ મામલે ન્યાય થાય, આથી તેની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે. હું માત્ર એટલું જાણવા માગું છું કે સુશાંતે કયા દબાણમાં આટલું મોટું પગલું ભર્યું.
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ પર પણ ખૂબ ચર્ચા થઈ.
અભિનેત્રી કંગના રનૌતે તો ઘણા ગંભીર આરોપો લગાવ્યા, તો અનુરાગ કશ્યપ જેવા ઘણા નિર્દેશકોએ તેને ફગાવી પણ દીધા.
ઘણા વ્યક્તિગત આરોપો પણ લાગ્યા અને લોકોએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ પણ લગાવ્યા.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















