નવી શિક્ષણનીતિનો સોશિયલ મીડિયામાં વિરોધ કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ જાહેર કરી છે અને દાવો કર્યો છે કે નવી શિક્ષણપદ્ધતિથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાશે.
ટ્વિટર પર નવી નીતિનો #RejectNEP2020 સાથે વિરોધ થયો. નવી શિક્ષણ નીતિના કારણે વિદ્યાર્થીઓનું ભાવી જોખમાશે, એવું જણાવીને ઘણા યુઝર્સ આનો વિરોધ કરી રહ્યા છે.
તો બીજી તરફ એવા પણ યુઝર્સ છે, જેઓ માને છે કે આ નીતિ દેશની શિક્ષણવ્યવસ્થા માટે ક્રાંતિકારી નીવડશે. #SupportNEP2020 હૅશટૅગ દ્વારા યુઝર્સ ટ્વીટ કરી રહ્યા છે.
NEPથી તરફેણમાં વાત કરતાં કૌશિક રાઠોડ લખે છે, "ઘણાં વર્ષોથી અમે શિક્ષણવ્યવસ્થામાં પરિવર્તનની વાત કરતા હતા, જે હવે શક્ય બન્યું. આપણે આ પરિવર્તનને સ્વીકારવું જોઈએ. બાળકો અને વિદ્યાર્થીઓ પાસે ભણવા માટે વિવિધ વિકલ્પ છે."
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટસ યુનિયનનાં પ્રમુખ આઇશી ઘોષ નવી શિક્ષણનીતિની ટીકા કરતાં લખે છે, "'ઇન્ટર્નશીપ્સ'ના નામે અમે આ સરકારને બાળમજૂરી અને શોષણને પ્રોત્સાહન આપતી નીતિ બનાવવા દઈશું નહીં."
"ભારતીય યુવાનોને સસ્તા મજૂર બનાવવાના ભારત સરકારના અસલ ઍજન્ડાનો પર્દાફાશ કરો."
આઇશી ઘોષને ટૅગ કરીને ક્રિષ્ણા મહિડા જણાવે છે કે દેશ અને વિદેશમાં રહેતા ભારતીયો નવી શિક્ષણનીતિને સપૉર્ટ કરી રહ્યા છે. તેઓ કહે છે શિક્ષણનીતિના કારણે યુવાઓને તક મળશે.
સ્નેહા ચૌધરી કહે છે, "શિક્ષણનો હેતુ વ્યવાસાી બનવાનો છે. માતાપિતા અને કરદાતાના પૈસા બગાડવા નહીં. આ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હતું. કાશ કે હું આ ફેરફારોનો આનંદ લેવા માટે થોડા સમય પછી જન્મી હોત."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટર પર સીપીએમ પૉલિટ બ્યૂરોના સભ્ય મોહમ્મદ સલીમ લખે છે કે "સાબિત થયું છે કે આરએસએસના કાર્યકરો અને ભાજપ શાસિત કેટલાંક રાજ્યોના શિક્ષણપ્રધાનો વચ્ચે બેઠક થઈ હતી."
ટ્વીટમાં સલીમે પૂછ્યુ કે, "નવી શિક્ષણનીતિ બનાવવાની પ્રક્રિયામાં આરએસએસને કેમ સામેલ કરવામાં આવ્યું છે?"
એસ. આર. પ્રવીણ નામના યુઝર લખે છે, "આ સ્પષ્ટ દેખાઈ આવે છે કે નવી શિક્ષણનીતિ એ શિક્ષણનું સંઘીકરણ કરવાનો એક પ્રયાસ છે."
"જો તમે આરએસએસના શબ્દો પર ધ્યાન આપ્યું હોય તો જાણાશે કે છેલ્લાં થોડાં વર્ષોથી આરએસએસ જે-જે કહેતું આવ્યું છે, તેનું NEP2020માં પાલન કરવામાં આવ્યું છે."
મયુખ વિશ્વાસ કહે છે, "NEP થકી સરકાર અમેરિકન શિક્ષણ પ્રણાલીને ભારતમાં લાગુ કરવા માગે છે. પરંતુ શાળાઓ, કૉલેજો અને વિશ્વવિદ્યાલયો પાસે પૂરતા પૈસા નથી, તે વિશે નવી શિક્ષણનીતિમાં કોઈ ઉલ્લેખ નથી."
વિશ્બાસ મુજબ 'વૉકેશનલ ઇન્ટર્નશીપ્સ' ના બહાને 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને રોજગાર આપવાની મંજૂરી આપીને NEP બાળ અને કિશોરમજૂર (નિષેધ અને નિયમન) અધિનિયમને ધૂંધળુ કરી નાખે છે.
ઍલિન્ડા મેરી જેન લખે છે, "શું તમને યાદ છે કે પુષ્પકવિમાન અને પ્લાસ્ટિક સર્જરીનાં ઉદાહરણો આપીને તેમને કઈ રીતે પ્રારંભિક વૈદિક વિજ્ઞાનનું મહિમામંડન કર્યું હતું?"
"શું તમને યાદ છે કે તમે કેવી રીતે આની ઉપર હસ્યા હતા?"
"હવે તમારાં બાળકો પાઠ્યપુસ્તકોમાં આનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. મજા આવી હવે?"
"મજૂરબળ બનાવવા માટે શિક્ષણનું સ્તર નીચું કરવામાં આવ્યું. સંશોધકોની સંપૂર્ણ અવગણના કરે છે. તેઓ માત્ર ધનિક લોકો માટે ગુલામો ઇચ્છે છે, મુક્ત રીતે વિચારતા દિમાગ ક્યારેય નહીં."

શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા વિશ્લેષક ચંદુ મહેરિયા કહે છે કે "નવી શિક્ષણનીતિ બ્રાહ્મણવાદને પોષતી હોય અથવા તો આરએસએસના પ્રભાવ હેઠળ તૈયાર કરવામાં આવી છે, એવું કહી શકાય નહીં. નવી શિક્ષણનીતિની જરુર હતી અને ભારત સરકારે પ્રયાસ કર્યો છે."
"પરતું નવી શિક્ષણનીતિમાં કંઈ નવું નથી. પહેલાં 10+2+3 હતું, જેને નવી શિક્ષણનીતિમાં અલગ રીતે લાગુ કરાયું."
તેઓ કહે છે, "ભારત સરકારે રાઇટ ટુ ઍજ્યુકેશન 18 વર્ષ સુધી કરી નાખ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે સરકાર અમલ કઈ રીતે કરશે."
"હાલમાં એ જોવા મળ્યું છે કે ગરીબ અને નિમ્ન-મધ્યમ વર્ગના ઘણા વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રેવશ મળતો નથી, ત્યારે સરકાર કઈ રીતે સુનિશ્ચિત કરશે કે ધોરણ 12 સુઘી આરટીઈ સારી રીતે લાગુ રહે."
મહેરિયા માને છે કે સરકારે અભ્યાસક્રમમાં ફેરફાર કરવો જોઈએ કારણકે વિવિધતાઓ ધરાવતા દેશમાં એક જ વિષય અને પાઠ્યપુસ્તકથી બઘા વિદ્યાર્થીઓને ભણાવવું એ સારો વિચાર નથી.
મહેરિયાને લાગે છે કે ભારત સરકારે શૈક્ષણિક સંશોધનમાં પણ ધ્યાન આપવું જોઈએ, જેથી શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે.
તેઓ કહે છે કે કોઠારીકમિશને કુલ બજેટના છ ટકા રકમ શૈક્ષણિક સંશોધન માટે ફાળવવા કહ્યું હતું, જેનો હજી અમલ થયો નથી.
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના નિયામક રૂપિન પચીગર જણાવે છે, "આ વાત ખોટી છે કે નવી નીતિ બનાવવામાં આરએસએસની કોઈ ભૂમિકા છે."
"હું માનું છું કે જો વિદ્યાર્થી ભારતીય સંસ્કુતિ વિશે વાંચે અને જાણે તો એમાં કંઈ ખોટું નથી."

ઇમેજ સ્રોત, Getty Images
"નવી શિક્ષણનીતિથી વિદ્યાર્થીઓને જરૂર ફાયદો થશે. માતૃભાષામાં ભણવાથી પાંચ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ વિષયને સારી રીતે સમજી શકશે."
"સૌથી મોટી વાત એ છે કે આ નીતિથી સમગ્ર શિક્ષણવ્યવસ્થાને સરળ બનાવવામાં મદદ મળશે."
"ધોરણ 11 સુધી વિદ્યાર્થી શાળામાં ભણશે અને એ બાદ ચાર વર્ષ સુધી કૉલેજનો અભ્યાસ રહેશે, જે સારી વાત છે."
"જો વિદ્યાર્થીને કોઈ કારણોસર ભણતર છોડવું પડે તો પણ એમને સર્ટિફિકેટ મળશે. આનાથી લાભ એ થવાનો છે કે વિદ્યાર્થી ઇચ્છે ત્યારે ફરીથી શિક્ષણ શરૂ કરી શકે છે."
"નવી નીતિમાં બીજો મોટો ફાયદો એ છે કે બધી કૉલેજો એક જ યુનિવર્સીટી હેઠળ આવી જશે, જેના કારણે શિક્ષણની ગુણવત્તાનો પ્રશ્ન નહીં રહે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















