દિલ્હીના કોવિડ કૅર સેન્ટરમાં સગીરા પર બળાત્કાર કરી વીડિયો બનાવવાનો આરોપ

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR
ભારતની રાજધાની દિલ્હીના સૌથી મોટા કોવિડ સેન્ટર 'સરદાર પટેલ કોવિડ સેન્ટર'માં કોવિડ પૉઝિટિવ સગીરા સાથે કથિત રીતે રેપ થયાનો મામલો સામે આવ્યો છે.
સેન્ટરમાં જ સારવાર કરાવી રહેલા 19 વર્ષીય યુવક પર રેપ કરવાનો અને તેના અન્ય એક સાથી પર રેપનો વીડિયો બનાવાનો આરોપ છે.
કથિત રીતે રેપની ઘટના એ સમયે થઈ જ્યારે યુવતી મોડી રાતે વૉશરૂમમાં હતી. આ મામલે બંને આરોપીઓને હિરાસતમાં લેવાયા છે.
સાઉથ દિલ્હીના ઍડિનશલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પરવિન્દર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે ઘટના 15 જુલાઈની છે અને તેમના ધ્યાને 16 જુલાઈએ આવી હતી.
તેઓએ જણાવ્યું, "આ ઘટના 16 જુલાઈએ અમારે ધ્યાને આવી હતી. છોકરીની ઉંમર 14 વર્ષ છે. મુખ્ય આરોપી અને તેનો સાથી 18-19 વર્ષના છે."
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આઈપીસી કલમ 376 તેમજ પૉક્સો (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સ) હેઠળ કેસ દાખલ કરાયો છે અને તપાસ ચાલી રહી છે.
તેઓએ જણાવ્યું કે પીડિતાને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવાઈ છે. બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઘટનાની માહિતી

ઇમેજ સ્રોત, ANI
પીડિતા અને આરોપી બંને કોવિડ પૉઝિટિવ છે, આથી પ્રોટોકૉલનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
પરંતુ કોવિડ સેન્ટરમાં માત્ર દર્દીઓ જ હોય છે, તો તેમને આ ઘટનાની જાણ કેવી રીતે થઈ?
આ સવાલના જવાબમાં એડિનશલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પરવિન્દર સિંહે જણાવ્યું કે સેન્ટર તરફથી જ તેમને આ ઘટનાની જાણ કરાઈ હતી.
સેન્ટર સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું કે આ મામલો અંદાજે એક અઠવાડિયા જૂનો છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
તેઓએ કહ્યું, "આ મામલો 15-16 જુલાઈની રાતનો છે. છોકરી વૉશરૂમમાં જઈ રહી હતી અને ત્યારે આ ઘટના ઘટી."
તેઓએ જણાવ્યું કે પીડિતાએ આગળના દિવસે સેન્ટરમાં હાજર ડૉક્ટરોને તેની જાણ કરી હતી. જે બાદમાં તાત્કાલિક ડૉક્ટરોએ પોલીસને તેની જાણ કરી હતી..
તેમનું કહેવું છે કે પોલીસે આ મામલે તરત કાર્યવાહી કરી અને બંને આરોપીને અટકાયતમાં લઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે અને એફઆરઆઈ નોંધાવી છે.

તો શું કોવિડ સેન્ટરમાં મહિલા-પુરુષ એકસાથે રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે આ ખુલ્લો વિસ્તાર છે, જ્યાં કોવિડ દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઈ છે.
મહિલા અને પુરુષના વર્ગીકરણ પર તેઓ કહે છે કે આ સંબંધમાં વ્યાવહારિક રીતે એક મોટી સમસ્યા એ છે કે જો એક પરિવારના બે લોકો સંક્રમિત હોય તો તેઓ ઇચ્છે તો તેમની પથારી સાથે-સાથે હોય.
એટલે કે માતા-પુત્ર, ભાઈ-બહેન, તેઓ ઇચ્છે તો સાથે રહી શકે છે. ઘણા દર્દીઓ એવા આવે છે, જેઓ ક્યારે એકલા રહ્યા નથી હોતા, તો તેઓ પરિવારની સાથે રહેવાની જીદ કરે છે.
જોકે તેઓ આ વાત પર પણ ભાર આપે છે કે સુરક્ષાની બધી વ્યવસ્થા કરાઈ છે અને આ ઘટના સામે આવ્યા બાદ તેને વધારી દેવાઈ છે.
રાજધાની દિલ્હીમાં કોઈ કોવિડ સેન્ટરમાં આવેલો આ પહેલો મામલો છે. આ પહેલાં પૂર્વ બિહારમાં આવો જ કેસ સામે આવ્યો હતો, જેમાં એક યુવતીએ પોતાની સાથે રેપ થયો હોવાની ફરિયાદ કરી હતી.
બિહારની અન્ય એક ઘટનામાં એક મહિલાના પરિવારજનોએ કોવિડ સેન્ટરના વૉર્ડ બૉય પર દુરાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બાદ મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું.

સૌથી વધુ ક્ષમતાવાળું કોવિડ સેન્ટર
સાઉથ દિલ્હીના છત્તરપુર વિસ્તારમાં બનેલું આ કોવિડ સેન્ટર ભારતનું સૌથી વધુ ક્ષમતાવાળું કોવિડ સેન્ટર છે.
સરદાર પટેલ કોવિડ સેન્ટર રાધા સ્વામી સત્સંગ બ્યાસ પરિસરમાં બનેલું છે અને તેના સંચાલનની જવાબદારી આઈટીબીપીના હવાલે છે. આઈટીબીપી જ તેની નોડલ એજન્સી છે.
આ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 28 જૂને છત્તરપુરસ્થિત રાધા સ્વામી સત્સંગ બ્યાસમાં બનેલા સરદાર પટેલ કોવિડ સેન્ટરની મુલાકાત લઈને તેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
અમિત શાહે કહ્યું હતું કે 10,000 પથારીવાળું આ કોવિડ સેન્ટર દિલ્હીના લોકો માટે એક મોટી રાહત આપશે.
આ સમયે ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, ગૃહસચિવ અજય ભલ્લા સહિત કેન્દ્ર અને દિલ્હી સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















