નરેન્દ્ર મોદી અયોધ્યા જશે, 5 ઑગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન - Top News

ઇમેજ સ્રોત, Getty Images
રામમંદિરના બાંધકામ માટે બનાવાયેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બુધવારે જાહેરાત કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઑગસ્ટે અયોધ્યામાં રામમંદિર સ્થળે ભૂમિ પૂજનમાં હાજરી આપશે.
ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગીરીએ મીડિયાને કહ્યું કે ટ્રસ્ટે ભૂમિ પૂજન માટે વડા પ્રધાનને નિમંત્રણ આપ્યું હતું અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે અને તેઓ 5 ઑગસ્ટે અયોધ્યા આવશે.
તેમણે કહ્યું કે ભૂમિ પૂજન બપોરના સમયની આસપાસ થશે અને એ પહેલા વડા પ્રધાન હનુમાન ગઢી અને રામલલ્લાની મૂર્તિ માટે બનાવાયેલા હંગામી મંદિર માળખામાં પૂજા કરશે.
તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ પાલન માટેની જરૂરિયાતને ધ્યાનમાં લેતા 150 આમંત્રિતો સહિત કુલ 200 લોકોને ભૂમિપૂજનમાં સામેલ થશે.
5 ઑગસ્ટે આર્ટિકલ 370ના રદ થવા અને જમ્મૂ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણયનું પણ એક વર્ષ પૂર્ણ થાય છે.

લદ્દાખ સરહદે ભારત-ચીન સેનાઓની પીઠેહઠ અટકી

ઇમેજ સ્રોત, Getty Images
સૈન્ય અને રાજદ્વારી સ્તરની ઘનિષ્ઠ વાતચીત પ્રક્રિયા છતા ભારત અને ચીન વચ્ચે સંવેદનશીલ લદ્દાખ સરહદ પર તણાવ ઘટાડવા માટે સહમતી નથી બની રહી અને સૈન્ય જમાવડો યથાવત્ છે.
હિંદુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ પ્રમાણે હાલ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર આવેલા કેટલાક સ્થળોએ સૈનિકોની આમને-સામનેની સ્થિતિમાંથી પાછળ હઠવાની પ્રક્રિયા અટકી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવાલ પ્રમાણે આ સ્થિતિ 14 જુલાઈએ બંને દેશોના ઉચ્ચ મિલિટરી કમાન્ડરો વચ્ચે તેમની સેનાઓ વચ્ચે તનાવ ઘટાડવા માટેના આગળના રસ્તા અંગે ચર્ચા કરવા માટે થયેલી બેઠક બાદની છે.
આ સેક્ટરમાં જમીન સ્તરની પરિસ્થિતિ હજી પણ બદલાઈ નથી અને આ વિસ્તારોમાં બંને દેશોએ તેમની આગલી અને પાછળની હરોળમાં અંદાજે 1 લાખ જેટલા સૈનિકોનો જમાવડો ચથાવત રાખ્યો છે.
અહેવાલે એક સૈન્ય અધિકારીના સૂત્રને ટાંકીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે સરહદ પર આ વિવાદ શિયાળાના મહિનાઓ સુધી લંબાઈ શકે છે અને ભારતીય સશસ્ત્ર દળો પણ લાંબા ગાળાની તહેનાતી માટે તૈયાર છે.

ગુજરાતમાં ખાનગી શાળાઓનાં ઑનલાઇન ક્લાસ બંધ

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં 15,000 જેટલી સૅલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ ગુરૂવારથી ઑનલાઇન ચાલતા વર્ગોને હાલ પૂરતા રોકવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ મિરર અખબારના અહેવાલ પ્રમાણે આ શાળાઓએ રાજ્ય સરકાર તરફથી તેમનાં ઉપર ફી ઉઘરાવવા સંબંધી મૂકેલી પાબંદી અને અને ઑનલાઇન વર્ગો ચલાવવા સામે ઉઠાવાયેલા સવાલ સામે વિરોધ તરીકે આ પગલું ઉઠાવ્યું છે.
અમદાવાદ અને રાજ્યમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનાં સંચાલકોએ આ નિર્ણય એ GR પછી લીધો જેમાં કહેવાયું હતું કે 'ઍક્ચ્યુઅલ' અથવા શારીરિક હાજરી સાથેના શિક્ષણ માટે જ્યાં સુધી શાળાઓ ફરી ખુલે નહી ત્યાં સુધી વાલીઓને ફી ભરવા દબાણ કરી શકે નહીં.
ઍસોસિયેસન ઑફ પ્રમોશન ઑફ પ્રોમિનન્ટ સ્કૂલ(APPS)એ ગુરૂવારથી શૈક્ષણિક અને વહીવટી કાર્ય મોકૂફ રાખી દીધું છે. આનાથી રાજ્યમાં લગભગ 60 લાખ જેટલ વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકી પડશે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















