સુરેન્દ્રનગરમાં 250 કોરોના વૉરિયર્સ ત્રણ મહિનાથી પગારથી વંચિત કેમ?

હંસાબહેન મારુડા

ઇમેજ સ્રોત, Mayur Patadia

ઇમેજ કૅપ્શન, હંસાબહેન મારુડા
    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

સુરેન્દ્રનગરમાં નગરપાલિકા માટે સફાઈ કામ કરતાં 250 જેટલા સફાઈકર્મીઓ હડતાલ પર ઉતરેલાં છે.

તેમનું કહેવું છે કે તેમને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો અને તેમના માટે હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે.

જોકે જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે કૉન્ટ્રૅક્ટ પર કામ કરનાર આ બધા સફાઈકર્મીઓ માટે પગારની વ્યવસ્થા કરવામાં આવશે. સફાઈકર્મીઓને કૉન્ટ્રૅક્ટરને કારણે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં વર્ષોથી પાર્ટટાઇમ સફાઈકર્મી તરીકે કામ કરતાં 40 વર્ષનાં હંસાબહેન કહે છે કે, ત્રણ મહિનાથી પગાર નહીં મળવાને કારણે ખાવાના પણ સાંસા પડી ગયા છે.

પાંચ બાળકોનાં માતા હંસાબહેનના પતિ પણ એક સફાઈકર્મચારી હતા પરંતુ થોડાં વર્ષો પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

હંસાબહેન કહે છે કે "કોરોના મહામારીને કારણે હવે કોઈ પ્રકારનું ખાનગી કામ પણ નથી મળતું.

તેઓ કહે છે, " લોકો કહી દે છે કે પગથિયાં ઊતરી જાઓ, તમે કોરોના ફેલાવશો , કારણકે અમે શહેરના રસ્તાઓ સાફ કરીએ છીએ, ગટર સાફ કરીએ છીએ."

ત્યારે 35 વર્ષનાં શીલા વાઘેલા કહે છે કે "દિવસમાં ચાર કલાક અમે સફાઈકામ કરતા હોઈએ છીએ. કૉન્ટ્રૅક્ટરે ત્રણ હજારનો પગાર આપવાનો હોય છે પરંતુ એમાં પણ તે કાપીને પૈસા આપતો હતો. "

તેઓ કહે છે કે છેલ્લે ફેબ્રુઆરીનો પગાર મળ્યો હતો. કૉન્ટ્રૅક્ટર તરફથી રોકડા પૈસા અથવા ચૅકથી પગાર ચૂકવવામાં આવતો હતો.

તેઓ કહે છે કે " નગરપાલિકાએ કહ્યું છે કે કૉન્ટ્રૅક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે અને અમને પગાર આપવામાં આવશે. પરંતુ હજી સુધી પગાર આવ્યો નથી. મારા પતિ પણ સફાઈકર્મી છે અને પાંચ હજાર રૂપિયા પગાર છે. બાળકો ઑનલાઇન સ્કૂલમાં ભણે છે, પાંચ હજારમાં ઘરે કેવી રીતે ચાલ?"

સાત જુલાઈથી સુરેન્દ્રનગરમાં પાર્ટટાઇમ સફાઈકામ કરતાં આ કર્મચારીઓ હડતાલ પર છે જેથી આ વિસ્તારની સફાઈમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે.

અધિકારીઓ કહે છે કે આ કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ નથી કૉન્ટ્રૅક્ટ પર કામ કરે છે એટલે તેમની જવાબદારી કૉન્ટ્રૅક્ટરની હોય છે.

જોકે, કાયદા મુજબ કૉન્ટ્રક્ટ પર કામ કરનારનો પગાર સમયસર ચૂકવાય તે જોવાની કામ સોંપનાર સંસ્થાની જવાબદારી બનતી હોય છે.

line

કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા સફાઈકર્મીઓ

સફાઈકર્મીઓ

ઇમેજ સ્રોત, Mayur Patadia

ઇમેજ કૅપ્શન, સફાઈકર્મીઓ

સુરેન્દ્રનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના પ્રમુખ મયુર પાટડિયાએ બીબીસીને કહ્યું કે 250 જેટલાં આ સફાઈકર્મીઓમાં મોટાભાગનાં મહિલાકર્મીઓ છે જે બહુ ગરીબ પરિવારનાં છે.

તેઓ કહે છે કે પગાર ન મળવાથી તેમની હાલત કફોડી થઈ ગઈ છે. આ લોકો મોટાભાગે સુરેન્દ્રનગરમાં શારદા વિજય સોસાઇટી, જૂનો વાલ્મિકી વાસ અને રતનપર જેવા વિસ્તારમાં રહે છે. કેટલાંક મહિલાઓ અશિક્ષિત છે અને બહુ મુશ્કેલીથી કોઈ-કોઈ પરિવાર પોતાનાં બાળકોને ભણાવી શકે છે.

સુરેન્દ્રનગરમાં રતનપર વાલ્મિકીનગરમાં રહેતાં હંસાબેન મારુડાનાં પતિ રાઇચંદ મારુડાનું હાલમાં જ હાર્ટ ઍટેકથી મૃત્યુ થઈ ગયું હતું.

લગભગ 45 વર્ષના રાઇચંદ મારુડા કૉન્ટ્રૅક્ટ પર સફાઈ કામ કરતા હતા. તેમના બે પુત્રો છે અને બે પુત્રીઓ છે.

હંસાબેન મારુડા કહે છે કે પગાર ન આવતા ઘરમાં ઘણી મુશ્કેલી થઈ ગઈ હતી. મારા પતિ વર્ષોથી ગટર સફાઈ કરતા હતા અને છેલ્લા 10-12 વર્ષથી કૉન્ટ્રૅક્ટમાં લાગ્યા હતા. ત્રણ હજારનો પગાર હતો અને લૉકડાઉન થયું ત્યાર પછી પગાર ન મળતા પતિના મનમાં બહુ ભાર હતો કે કેવી રીતે ગુજરાન ચાલશે.

તેઓ કહે છે કે અમે એટલા ગરીબ છીએ કે બાળકોને ભણાવી શકતાં નથી. મારો મોટો પુત્ર પણ છૂટક મજૂરી કરે છે. હવે ખાનગી કામ પણ બહુ મુશ્કેલીથી મળે છે કારણકે કોરોનાનો ડર બધે ફેલાયેલો છે.

મયુર પાટડિયા કહે છે કે રાઇચંદ મારુડાનું નિધન પગાર ન મળવાના તણાવમાં થયું હતું અને આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરી તો તેમનાં પત્ની હંસાબહેનને એમની જગ્યાએ કામ આપવાની બાંહેધરી આપવામાં આવી હતી.

મયુર પાટડિયા કહે છે કે પહેલા સફાઈ કર્મીઓને રોકડા રૂપિયા મળતા હતા પછી બૅન્કમાં પગાર કરાવવાની માગ કરી તો પણ તેમને લઘુત્તમ વેતન નહોતું મળતું. એપ્રિલ મહિનામાં અમુક મહિલા સફાઈકર્મીઓને પગારના ચૅક આપવામાં આવ્યા પણ તે પણ બાઉન્સ થઈ ગયા.

હંસાબહેન કહે છે કે વારંવાર બૅન્કમાં ધક્કા ખાવા માટે અમારી પાસે પૈસા નથી.

line

સુરેન્દ્રનગરમાં પ્રશાસને શું કહ્યું હતું?

પત્ર

ઇમેજ સ્રોત, Mayur Patadia

ઇમેજ કૅપ્શન, પત્ર

ગુજરાતમાં કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા સફાઈ કામદારોની જવાબદારી મોટાભાગે કૉન્ટ્રૅક્ટર પર છોડી દેવામાં આવે છે.

હાલ કોવિડ-19 મહામારીને કારણે ઍપિડેમિક ઍક્ટ હેઠળ સરકારે કોરોના વૉરિયર્સ એવા આરોગ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને સમયસર પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું," હું માનું છું કે આમાં ગ્રાન્ટની કોઈ સમસ્યા નહોતી, કૉન્ટ્રૅક્ટર તરફથી પગારમાંથી પ્રૉવિડન્ટ ફન્ડનો ભાગ બરાબર રીતે નહોતો ચૂકવાતો."

કે. રાજેશે કહ્યું, પ્રશાસન તરફથી આ મહિનામાં કૉન્ટ્રૅક્ટરને પૂરા પૈસા અપાયા હોવા છતાં તે આંશિક રૂપે સફાઈ કામદારોને પૈસા ચૂકવતા નહોતા.

તેમણે એમ પણ કહ્યું કે, સફાઈકર્મીઓની મુશ્કેલીને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

આ બાબતે સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર અનિલ ગોસ્વામીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે આ કર્મચારીઓ નગરપાલિકાનાં નથી પરંતુ તેમણે બહુ સારી કામગીરી કરી છે એટલે તેમને પગાર આપવા માટે તેમનાં બૅન્ક ખાતાની માહિતી માગવામાં આવી છે જેથી સીધા તેમનાં ખાતામાં પગારની રકમ ટ્રાન્સફર કરી શકાય.

line

સૂડી વચ્ચે સોપારી સફાઈ કામદાર

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

પરંતુ ગરીબ પરિવારનાં આ સફાઈકર્મીઓએ કોરોના મહામારીના કાળમાં મહિનાઓ સુધી પગાર વગર રહેવું પડ્યું તેના માટે પ્રશાસન કેટલું જવાબદાર?

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કૉન્ટ્રૅક્ટર સફાઈકર્મીઓના પીએફના પૈસા જમા નહોતો કરાવતો એટલે નગરપાલિકાએ તેને એક મહિનાના પૈસા એ શરતે નહોતા આપ્યા કે તે કર્મીઓના પીએફના પૈસા જમા કરાવે તો ફંડ રિલીઝ કરવામાં આવશે.

અનિલ ગોસ્વામીએ કહ્યું કે કૉન્ટ્રૅક્ટરના ભાગે થયેલી અનિયમિતતાની નોંધ લેવામાં આવી અને તેમને બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યા હતા.

સફાઈકર્મીઓની ચિંતા છે કે એક તો ત્રણ મહિનાનો પગાર બાકી છે અને હડતાલ પર જવાને કારણે 10-12 દિવસનો પગાર કપાશે તો તેમને જ નુકસાન વેઠવું પડશે.

અનિલ ગોસ્વામી કહે છે કે સફાઈકર્મીઓને કામ પર પાછાં આવવાની વિનંતી કરવામાં આવી છે. પરંતુ જો તેઓ કામ પર પાછા નહીં ફરે તો બીજાઓને કામ આપવામાં આવશે. હડતાલ પર ગયેલા કર્મચારીઓ કૉન્ટ્રૅક્ટરને કારણે પરેશાન હતા પરંતુ નગરપાલિકાએ તેમની મુશ્કેલીની નોંધી લીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલ નિયમિત કર્મચારીઓની મદદથી સફાઈ કામગીરી થઈ રહી છે પરંતુ 200થી વધારે સફાઈ કામદારો નહીં હોવાને કારણે મુશ્કેલી અનુભવાઈ રહી છે, એ પણ ત્યારે જ્યારે કોરોના મહામારીનો ડર બધે ફેલાયેલો છે.

તેમણે કહ્યું કે સફાઈકર્મીઓની બૅન્કની પાસબુકની કૉપીઓ મળી જાય એટલે તેમને પગાર ચૂકવી દેવામાં આવશે.

લાઇન
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો