અનિલ અંબાણી પાસેથી 1200 કરોડ વસૂલવા SBIએ શરૂ કરી કાનૂની કાર્યવાહી

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE
ઉદ્યોગપતિ અનિલ અંબાણી પાસેથી 1200 કરોડ રૂપિયાથી વધારે વસૂલ કરવા માટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)એ નેશનલ કંપની લૉ ટ્રાઇબ્યુનલ (એનસીએલટી)ની મદદ લીધી છે.
એસબીઆઈએ દેવાળિયા અને નાદારી કાયદાની વ્યક્તિગત ગૅરંટીની જોગવાઈ હેઠળ આ પગલું લીધું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર મુજબ અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને ધિરાણ માટે વ્યક્તિગત ગૅરંટી લીધી હતી.
બીએસવી પ્રકાશ કુમારની અધ્યક્ષતાવાળા ટ્રાઇબ્યુનલે ગુરૂવારે અંબાણીને જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
અનિલ અંબાણીના પ્રવક્તાએ કહ્યું, "આ મામલો રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને આપવામાં આવેલી કૉર્પોરેટ લોનનો છે, અનિલ અંબાણીને આપેલી વ્યક્તિગત લોનનો નથી."
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "આરકૉમ અને આરઆઈટીએલના રિઝૉલ્યુશન પ્લાનને ધિરાણદાતાઓ માર્ચ 2020માં 100 ટકા મંજૂરી આપી છે અને તેમને હજી એનસીએલટી મુંબઈની મંજૂરી મળવાની બાકી છે."

ભાજપ અનામતને મુદ્દે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ - અધ્યક્ષ જેપી નડ્ડા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય જનતા પાર્ટી અનામતને મુદ્દે પ્રતિબદ્ધ છે એમ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે.
જેપી નડ્ડાએ કહ્યું કે એમની પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર અનામતને મુદ્દે પ્રતિબદ્ધ છે અને તેની તરફેણમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અનામતને મૌલિક અધિકાર ગણવાનો ઇન્કાર કર્યો છે એ સમયે તેમનું આ નિવેદન આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને અનામતને કાયદાકીય રીતે પડકારી ન શકાય તે માટે તેને બંધારણની નવમી સૂચિમાં સામેલ કરવાની સરકાર સમક્ષ માગણી કરી છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, કેટલાક લોકો અનામતને લઈને સમાજમાં ભ્રમ ઊભો કરવાની કોશિશ કરે છે. અમે અનામતના સમર્થનમાં છીએ. નરેન્દ્ર મોદીની સરકાર અને ભાજપ અનામતને મુદ્દે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અમે સામાજિક ન્યાય માટે વચનબદ્ધ છીએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર આ વાત કરી ચૂકયા છે.

આ રાજ્યોએ કહ્યું નહીં થાય ફરીથી લૉકડાઉન

ઇમેજ સ્રોત, Facebook
છેલ્લા 10 દિવસમાં ભારતમાં કોરોના સંક્રમણના એક લાખ નવા કેસ સામે આવ્યા છે પરંતુ ફરીથી દેશમાં કડક લૉકડાઉન લાગુ કરવાનો કોઈ વિચાર ચાલી નથી રહ્યો. કોવિડ-19 મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ફરીથી લૉકડાઉન લાગુ કરવાનો કોઈ વિચાર નથી.
હાલ ભારતમાં અનલૉક-1 હેઠળ તબક્કાવાર અલગઅલગ પ્રકારના વેપારધંધા માટે છૂટછાટ આપવામાં આવી છે. મીડિયા અહેવાલો મુજબ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવાનો ઇન્કાર કર્યો હતો.
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવામાં નહીં આવે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કડક લૉકડાઉનની સંભાવનાને નકારી કાઢી છે. તમિલનાડુ સરકારે પણ મદ્રાસ હાઈકોર્ટને કહ્યું કે ચેન્નાઈ અથવા આખા રાજ્યમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવાની કોઈ યોજના પર સરકાર કામ નથી કરી રહી.
સોશિયલ મીડિયા પર ચર્ચા હતી કે આ ત્રણે રાજ્યોમાં ફરીથી લૉકડાઉન જાહેર કરવામાં આવશે.
હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર પ્રમાણે ગુરુવારે ભારતમાં 11,199 કેસ નોંધાયા જે 24 કલાકમાં નોંધાયેલા કેસની રૅકર્ડ સંખ્યા છે, તેમાંથી 66 ટકા કેસ આ રાજ્યોમાંથી જ છે.

કેરળનું ધ્યાન માત્ર ટેસ્ટ પર નથી

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના સંક્રમણ સામેની લડતમાં ભારતના કેરળ રાજ્યની કામગીરી સૌથી વધારે વખણાય છે.
કોરોના સંક્રમણ સામે લડતમાં કેરળ મોડલનું ઉદાહરણ માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં આપવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં કેરળનાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે કેરળમાં હાલ કૉમ્યુનિટી ટ્રાંસમિશન થયું નથી પરંતુ કેરળ સરકારે 15 હજાર જેટલા સર્વેલન્સ ટેસ્ટ કર્યા છે જેમાંથી થોડા પૉઝિટિવ કેસ મળ્યા છે. અમુક લોકો પૉઝિટિવ લોકોનાં સંપર્કમાં આવ્યા હતા અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ હતી. એટલે અમે કહીએ છીએ કે કૉમ્યુનિટી ટ્રાંસમિશન નથી થયું.
તેમણે કહ્યું કે કેરળમાં લોકતાંત્રિક રીતે પંચાયતીરાજ લાગુ કરવામાં આવ્યું છે અને સ્થાનિક પ્રશાસનને સંપૂર્ણ શક્તિઓ આપવામાં આવી છે. પ્રાઇમરી હૅલ્થ સેન્ટર પર સ્થાનિક પ્રશાસનનું પૂર્ણ નિયંત્રણ છે અને તે સજ્જ છે. ફન્ડિંગમાં પણ આવું જ મૉડેલ છે.
તેમણે એમ પણ કહ્યું કે, જો આવનારા સમયમાં ક્વોરૅન્ટીન સુવિધા સફળ ન થઈ તો કૉમ્યુનિટી સ્પ્રેડ જરૂર થશે.
કોવિડ-19 સામે લડતાં અન્ય રાજ્યોને કે કે શૈલજાએ કહ્યું કે, માત્ર ટેસ્ટ જ નહીં પરંતુ, ક્વોરૅન્ટીન, સારવાર પર પણ એટલું જ ધ્યાન આપવાની જરૂર છે અને લોકોએ પણ જવાબદારીપૂર્વક વર્તન કરવાની જરૂર છે. હાથ ધોવા, માસ્ક પહેરવો, સામાજિક અંતર જાળવી રાખવું વગરેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ.

હાઇડ્રૉક્સીક્લોરોક્વિન અને ઍન્ટિબાયોટિક દવાની સમીક્ષા થશે

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ભારતમાં કોવિડ-19ના દરદીઓની સારવારમાં ઍન્ટિમલેરિયા દવા હાઇડ્રૉક્સીક્લોરોક્વિન સાથે ઍન્ટિબાયોટિક એઝિથ્રોમાઇસિનનું કૉમ્બિનેશન વાપરવાની સમીક્ષા કરી રહ્યું છે.
હિંદુસ્તાન ટાઇમ્સ અખબારે લખ્યું છે કે આવનારા દિવસોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય નવેસરથી ક્લિનિકલ મૅનેજમૅન્ટની ગાઇડલાઇન બહાર પાડી શકે છે. અખબારે આરોગ્ય મંત્રાલયની કામગીરીથી વાકેફ લોકોના હવાલાથી લખ્યું છે કે હાઇડ્રૉક્સીક્લોરોક્વિન કોવિડ-19ની સારવારમાં સામેલ રહેશે પરંતુ ઍઝિથ્રોમાઇસિનને બાકાત કરી શકાય છે, તેની જગ્યાએ અન્ય દવાઓ વાપરવાની ગાઇડલાઇન આવી શકે છે.
અખબારે આરોગ્ય મંત્રાલયના એક અનામ અધિકારીના હવાલાથી લખ્યું છે, "આરોગ્ય મંત્રાલય હાઇડ્રૉક્સીક્લોરોક્વિનની તરફેણ અને વિરોધમાં દુનિયાભરમાંથી મળેલા પ્રમાણની સમીક્ષા કરી રહ્યું છે. આઈસીએમઆરે પણ હાલમાં મંત્રીસમૂહ સામે રજૂઆત કરી હતી કે કોવિડ-19ની સારવારમાં કઈ દવાઓ કારગત છે જેમાં રિમડિસિવિર અને ફૅવિપિરાવીર પણ સામે છે. હાઇડ્રૉક્સીક્લોરોક્વિનનો વપરાશ ચાલુ રહેશે પરંતુ અન્ય દવાઓ સાથે. મંત્રાલય જલદી આના પર નિર્ણય કરશે."

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















