You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ: મંગળવાર મધરાતથી અમલી લૉક-ડાઉન અને કર્ફ્યુ વચ્ચે શું ફેર?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મધ્યરાત્રિથી જ દેશભરમાં 21 દિવસના લૉક-ડાઉનની જાહેરાત કરી હતી.
મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસનું પ્રસારચક્ર તોડવા માટે આ લૉક-ડાઉનનો અસરકાર અમલ થાય તે જરૂરી છે.
વડા પ્રધાને કહ્યું કે જેમ જનતા કર્ફ્યુ વખતે જનતાએ શિસ્ત અને સંયમનો પરિચય આપ્યો હતો, તેવી જ રીતે આ લૉક-ડાઉનનો અમલ કર્ફ્યુની જેમ કરવાનો છે.
અગાઉ પંજાબ અને મહારાષ્ટ્રની સરકારોએ કર્ફ્યુની જાહેરાત કરી હતી, ત્યારે બંને વચ્ચેનો તફાવત સમજીએ.
આ પહેલાં સોમવારે દેશભરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 500ને પાર કરી ગઈ હતી, જ્યારે વિશ્વમાં આ મહામારીથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 14 હજારને પાર કરી ગઈ હતી.
શું છે અને ક્યારથી લૉક-ડાઉન?
- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે કોરોનાનું પ્રસારચક્ર તોડવા માટે 21 દિવસના લૉકડાઉનનો અમલ અસરકારક રીતે થાય તે જરૂરી છે, જેથી દેશવાસીઓને આ બીમારીથી બચાવી શકાય.
લૉકડાઉનની સ્થિતિમાં 'જે જ્યાં છે, ત્યાં જ રહે'નો નિર્દેશ આપવામાં આવે છે. લોકોને ઘરની બહાર નીકળતા અટકાવવા માટે આ નિર્દેશ આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે એક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં બીજી વ્યક્તિ આવે ત્યારે તેને પણ રોગ લાગુ પડવાની સંભાવના રહે છે, જેને ટાળવા માટે આમ કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના કહેવા પ્રમાણે :
"લૉકડાઉન એ ખૂબ જ પ્રચલિત શબ્દ છે, જે અમારા સંદેશને કડકાઈપૂર્વક પણ સ્પષ્ટ રીતે આપે છે."
તેમણે ઉમેર્યું, "મહામારીના કાયદા, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ, ઇન્ડિયન પીનલ કોડ તથા ક્રિમિનલ પ્રોસિજર કોડ અંગે જે કોઈ પગલાં લેવાંની જરૂર છે, તે અમે લઈ રહ્યાં છીએ."
તેમણે ઉમેર્યું કે આવશ્યક અને જીવનજરૂરિયાતની સેવાઓને બાદ કરતાં અન્ય સેવાઓ થોડો સમય માટે ઠપ રહેશે.
લૉકડાઉનના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, આરોગ્યવિષયક સેવા, મીડિયા, ઈ-કૉમર્સ, ટપાલ, કૃષિવિષયક અમુક પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવે છે.
ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, ચીન સહિતના અનેક દેશોએ કોરોનાની મહામારીને ફેલાતી અટકાવવા માટે લૉકડાઉન જેવાં પગલાં લીધાં છે.
કર્ફ્યુ એટલે...
કર્ફ્યુમાં જનતા ઘરની બહાર ન નીકળે તેનો કડકાઈપૂર્વક અલ કરાવવામાં આવે છે, પોલીસ દ્વારા રસ્તાઓ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી કરીને લોકોની અવરજવર ન થઈ શકે.
દાખલા તરીકે કર્ફ્યુ દરમિયાન પોલીસ, અગ્નિશમન અને આરોગ્યવિષયક સેવાઓ ચાલુ રહે છે, પરંતુ તેઓ અવરજવર કરી શકે તે માટે તેમને 'કર્ફ્યુ પાસ' આપવામાં આવે છે.
જરૂર હોય તો સારવાર માટે પણ નાગરિકને કર્ફ્યુ પાસ મળી શકે છે. સરકાર દ્વારા સ્થિતિની સમીક્ષા કરીને સમયાંતરે કર્ફ્યુમાં રાહત આપવામાં આવે છે, જેથી કરીને નાગરિકો દવા, ખોરાક તથા જીવનજરૂરિયા માટે અનિવાર્ય હોય તેવી ચીજવસ્તુઓ ખરીદી શકે.
સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ જાય ત્યારે કર્ફ્યુ લાદવામાં આવે છે.
ગુજરાતના તાજેરના ઇતિહાસમાં વર્ષ 2002ના કોમી રમખાણો બાદ વ્યાપકપણે કર્ફ્યુ લાદવાની જરૂર ઊભી થઈ હતી.
આ સિવાય તાજેતરમાં દિલ્હીમાં સી.એ.એ. અને એન.આર.સી. સંદર્ભે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ત્યારે પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
જો બહાર નિકળશો તો...
પંજાબના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડી.જી.પી.) સતીશ શર્મા કહે છે : "સીઆર.પી.સી.ની કલમ 144 તથા ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ 188 મુજબ સરકારી કર્મચારી દ્વારા આપવામાં આવેલા આદેશનો ભંગ કરવા બદલ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે."
"જ્યારે કડકાઈથી અમલ કરાવવાનો હોય ત્યારે કર્ફ્યુ લાદવામાં આવે છે, જ્યારે અવરજવરને નિયંત્રિત કરવાની હોય ત્યારે લૉકડાઉન કરવામાં આવે છે."
પંજાબના પૂર્વ ડી.જી.પી. શશિ કાન્તના કહેવા પ્રમાણે, "લૉકડાઉન છતાં નાગરિકોને બહાર નીકળતા જોઈ શકો છો, પરંતુ કર્ફ્યુ દરમિયાન કોઈ બહાર નીકળવાની હિંમત નથી કરતું, તેમાં કોઈ રાહતો નથી હોતી."
શર્મા ઉમેરે છે કે નિષેધાત્મક આદેશોમાં કેટલી સજા થશે, તેનો આધાર મૅજિસ્ટ્રેટ ઉપર રહેલો હોય છે. ઘણી વખત અઠવાડિયા કે પખવાડિયાની સજા થાય છે, તો કેટલીક વખત માત્ર દંડ ફટકારીને છોડી મૂકવામાં આવે છે.
આ કાયદાઓ પાછળની વિભાવના જનતાને સજા કરવાની નહીં, પરંતુ અવરજવરને અટકાવવા (કે નિયંત્રિત કરવા) માટે જરૂરી સત્તા આપવાની છે.
લૉકડાઉન, કર્ફ્યુ અને 144
ભારતમાં 21 દિવસ માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, આવી જ રીતે કર્ફ્યુમાં જ્યાં સુધી સરકાર તથા સ્થાનિક વહીવટીતંત્રને સંતોષ ન થાય ત્યાર સુધી તેનો અમલ કરાય છે.
સીઆર.પી.સી.ની કલમ 144 હેઠળ મળેલી સત્તાની રૂએ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ લૉકડાઉનના સમયગાળા દરમિયાન ચાર કે તેથી વધુ લોકોનાં એકઠાં થવા ઉપર પ્રતિબંદ લાદી શકે છે.
તાજેતરમાં કાયદો અને વ્યવસ્થા સિવાય કોરોના વાઇરસ સામે લડવા માટે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સ્થાનિક વહીવટીતંત્રે 144નો ઉપયોગ કર્યો છે.
ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ સહિત અનેક જિલ્લામાં 144ની કલમ લાગુ છે.
(આ અહેવાલ માટે ચંદીગઢથી બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાના ઇનપુટ્સ મળેલા છે.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો