કોરોના વાઇરસ : યુકેનાં આ પટેલ દંપતીને કેમ અમદાવાદ વધુ સુરક્ષિત લાગે છે?

ઇમેજ સ્રોત, Patel Family
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
વર્ષ 1966થી લંડનમાં રહેતાં કલાબહેન અને રમણભાઈ પટેલ દર વર્ષે નવેમ્બર મહિનામાં ગુજરાતનો પ્રવાસ કરે છે.
અમદાવાદના બોપલસ્થિત તેમના મકાનમાં તેઓ બે થી ત્રણ મહિના જેટલો સમય પસાર કરીને માર્ચ મહિનામાં યુકે પરત ફરે છે.
જોકે, આ વર્ષ જરાક અલગ રહ્યું છે, જેનું મુખ્ય કારણ કોરોના વાઇરસનો ફેલાવો છે.
આ દંપતી અમદાવાદમાં ખુદને વધુ સલામત અનુભવી રહ્યાં છે.

કોરોના અને કુદરતની કારી

- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો

જો બધું સામાન્ય રહ્યું હોત, તો આ દંપતી હાલમાં તેમના લંડનમાં આવેલા ઘરમાં રહી રહ્યાં હોત. પરંતુ તેઓ હાલ અમદાવાદને વધુ સુરક્ષિત માની રહ્યાં છે.
માર્ચ મહિનાની 22મી તારીખે આ દંપતી યુકે પરત જવાનાં હતાં, પરંતુ કોરોના વાઇરસના ફેલાવાને કારણે તે હાલમા અમદાવાદમાં જ રહીને મિત્રો સાથે સમય પસાર કરી રહ્યાં છે.
કલાબહેન પટેલ (ઉંમર વર્ષ 76) અને રમણભાઇ પટેલ (ઉંમર વર્ષ 81) 1966થી લંડનમાં રહે છે. તેઓ દર વર્ષે અમદાવાદ સ્થિત પોતાના મકાનની મુલાકાત લેવા તેમજ પોતાના મિત્રોને મળવા આવે છે.

'લંડન કરતાં અમદાવાદ સલામત'
કોરોના વાઇરસ સામે તેમને યુકે કરતાં અમદાવાદ વધારે સુરક્ષિત લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં રમણભાઈ પટેલે જણાવ્યું, "અમે અહીં 2019ના નવેમ્બર મહિનામાં આવ્યાં હતાં અને પરત જવા માટે અમારી માર્ચ 22,(વર્ષ 2020)ની ટિકિટ હતી, જે હવે અમે કૅન્સલ કરાવી દીધી છે."
તેમના પરિવારમાં બે ડૉક્ટરો છે, જેઓ લંડનમાં નોકરી કરે છે. તેઓ અહીંથી ફોન દ્રારા પોતાના પરિવાર સાથે નિયમિત રીતે વાત કરે છે.
પરિવારજનોએ તેમને સલાહ આપી છે કે તેઓ હાલમાં યુકે પરત ફરવાનો વિચાર ટાળી દે, કારણ કે કોરોના વાઇરસની સામે તેમને લંડન કરતાં અમદાવાદનું વાતાવરણ વધુ સુરક્ષિત લાગે છે.
અમદાવાદ, ઉંમર અને આત્મીય

ઇમેજ સ્રોત, Patel Family
કલાબહેનને ડાયાબિટીસ ડિસઑર્ડર છે અને ઉંમર પણ વધુ છે.
આ વિશે વાત કરતાં કલાબેન કહે છે કે:
"ત્રણ અઠવાડિયાંનું રોકાણ તો વધી જ ગયું છે, પરંતુ મને ખબર નથી કે જો આ પરિસ્થિતિ વધુ બગડે તો અમારે હજી વધારે પણ અહીં જ રોકાવવું પડી શકે."
"એટલે હવે અમને હવે લંડન સ્થિત પરિવારજનોની ચિંતા થાય છે."
પટેલ દંપતીનાં દીકરી હાલમાં લંડનમાં ક્વોરૅન્ટીનમાં છે.
કલાબહેનનાં દીકીરીને તાવ અને શરદીની ફરિયાદ હોવાથી ડૉક્ટરોએ તેમને 14 દિવસ ક્વોરૅન્ટીનમાં રહેવાની સલાહ આપી હતી. તેમના તમામ રિપોર્ટ નૅગેટિવ હતા.
કલાબહેનનાં દીકરી ક્વોરૅન્ટીનનો સમય તારીખ 22મી માર્ચે પૂરો થયો અને તેમને દીકરીની ફિકર પણ સતાવી રહી છે.
તેઓ કહે છે, "માતા-પિતા હોવાને કારણે બાળકોની ચિંતા તો થાય જ, તેમાંય જ્યારે આખા લંડનની પરિસ્થિતિ આટલી ખરાબ છે, ત્યારે મને તેમની વધુ ચિંતા થાય છે."
પટેલ દંપતી દરરોજ પોતાનાં પુત્રી સાથે અચૂકપણે ફોન પર વાત કરે છે. દીકરી હાલમાં પોતાના ઘરથી જ કામ કરી રહ્યાં છે, પણ ચિંતા તો એમની પણ ઓછી થઈ નથી.

ઇમેજ સ્રોત, Raman Bhai Patel
લંડનની પરિસ્થિતિથી તેઓ પરેશાન છે. તેઓ કહે છે કે લંડનના તમામ સુપર માર્કેટમાં વસ્તુઓની અછત છે.
મોટા ભાગના સુપરમાર્કેટમાં સાબુ, હેન્ડ-સૅનિટાઇઝર જેવી વસ્તુઓનો સ્ટૉક ખલાસ છે.
અમને જાણવા મળ્યું છે કે મોટી ઉંમરવાળી વ્યક્તિ સાથે કોઈ યુવાન હોય તો તેમને સવારે 7થી 9 વાગ્યા દરમિયાન જ જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા મળે છે.
"જ્યારે પરિસ્થિતિ આટલી ખરાબ હોય તો મને લાગે છે કે, અમે હજી થોડા વધુ દિવસો અહીં જ વિતાવી લઈશું,"
તેમણે બીબીસીને કહ્યું કે તેઓ હાલમાં અમદાવાદમાં આવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી કે હાલમાં એવી કોઈ શક્યતા પણ દેખાતી નથી માટે અહીં જ રહેવા ઇચ્છે છે.
તેઓ કહે છે, "આવી પરિસ્થિતિમાં અમે અમદાવાદના પોતાના મિત્રોને મળી રહ્યાં છીએ અને એકબીજાનો ખ્યાલ રાખી રહ્યાં છે. અહીં પણ અમે બહાર જવાનું ટાળી રહ્યાં છીએ અને કોરોના વાઇરસની અસર ઓછી થવાની રાહ જોઈ રહ્યાં છીએ."

ઇમેજ સ્રોત, Getty Images
પટેલ દંપતીએ પોતાની ટિકિટની તારીખ બદલાવવા માટે આશરે રૂપિયા 25 હજારનો વધારાનો ખર્ચ કર્યો છે.
જોકે હજી તેમને ખબર નથી કે એપ્રિલ 20ની તેમની ટિકિટ પર તેઓ પાછા જઈ શકશે કે પરિસ્થિતિ ખરાબ થાય તો હજી તેમને પોતાની ટિકિટ લંબાવવી પડશે.
બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે, સરકારે તેમના નાગરિકોને જરૂરિયાત ન હોય તેવા પ્રવાસો આવનારા 30 દિવસ (17મી માર્ચથી) સુધી ટાળવા કહ્યું છે.
યુકેમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા સોમવારની સ્થિતિ પ્રમાણે, 281 થઈ ચૂકી છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે જો 12 અઠવાડિયાં કાળજી લેવામાં આવે તો વાઇરસને દેશવટો આપી શકાય તેમ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















