એ 123 વર્ષ જૂના કાયદાથી કોરોના વાઇરસ સામેનો જંગ જીતી શકાશે?

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કોરોના વાઇરસ કોવિડ-19ને ફેલાતો રાકવા માટે કર્ણાટક સરકારે એક જાહેરનામું બહાર પાડીને 123 વર્ષ જૂના કાયદાની જોગવાઈઓ અમલી બનાવી છે તો પુણેમાં કલેકટરનો આદેશ ન માનનાર 16 દુકાનમાલિકો સામે આ જ કાયદા હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ કાયદાના અમલથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એ વ્યક્તિ હૉસ્પિટલમાંથી ભાગે નહીં અને ક્વોરૅન્ટીનના બધા નિયમોનું પાલન કરે.

એપેડેમિક ડિસીઝિસ ઍક્ટ, 1897 નામના આ કાયદાનો ઉપયોગ વિવિધ સ્તરે અધિકારીઓ દ્વારા શિક્ષણ સંસ્થાઓને બંધ કરવા, કોઈ વિસ્તારમાં અવરજવર રોકવા તથા દર્દીને તેના ઘર કે હૉસ્પિટલમાં ક્વોરૅન્ટીન માટે કરવામાં આવે છે.

તાજેતરમાં મેગલુરુ એરપોર્ટ પર કોરોના વાયરસના સંક્રમણ સંબંધી તપાસ ચાલી રહી હતી ત્યારે દુબઈથી આવેલા એક પ્રવાસીને મામૂલી તાવ હોવાનું નિદાન થયું હતું.

એ પ્રવાસીને તત્કાળ સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા, જેથી આગળની વિગતવાર તપાસ માટે તેનાં વિવિધ સૅમ્પલ લઈ શકાય. જોકે, એ પ્રવાસી હૉસ્પિટલમાંથી ભાગી છૂટ્યા.

સલામતીદળોની એક ટુકડીએ એ પ્રવાસીને મોડી રાતે તેના ઘરમાંથી જ ખોળી કાઢ્યો હતો. પ્રવાસીને ફરી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે, તેમને કોરોના વાઇરસનો ચેપ ન લાગ્યો હોવાનું પરીક્ષણમાં જાણવા મળ્યું હતું. પછી પ્રવાસીને તેમના ઘરે જ ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા હતા.

આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે રાજ્ય સરકારે હવે એક આદેશ બહાર પાડ્યો છે.

એ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે "કોઈ શંકાસ્પદ વ્યક્તિ હૉસ્પિટલ જવાનો ઈનકાર કરે કે બધાથી અલગ રહેવાનો ઇનકાર કરે તો એપેડેમિક ડિસીઝિસ ઍક્ટ, 1897ની કલમ ત્રણ હેઠળ અધિકારીઓ એ વ્યક્તિને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કરાવી શકે છે અને તેને 14 દિવસ સુધી અથવા તો તેના પરીક્ષણના રિપોર્ટ્સ નોર્મલ આવે ત્યાં સુધી અન્ય લોકોથી અલગ રહેવાની ફરજ પાડી શકે છે."

કોઈ પણ વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યાની શંકા પડે કે તરત તેને કમસેકમ 14 દિવસ સુધી તેના ઘરે જ ક્વોરૅન્ટીન કરવાનો આદેશ છે. કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિમાં તેનાં લક્ષણ સામાન્ય રીતે 10થી 14 દિવસમાં દેખાવા લાગે છે.

અમેરિકાના ન્યૂ યોર્કથી એક વ્યક્તિ તાજેતરમાં દુબઈ થઈને બેંગલુરુ આવી હતી. બેંગલુરુ આવ્યાના પાંચ દિવસ સુધી તેમનામાં કોરોના વાઇરસના સંક્રમણના લક્ષણ દેખાયાં ન હતાં.

એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું હતું, "મેંગલુરુ જેવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એટલે અમે આ જાહેરનામું બહાર પાડ્યું છે."

એપેડેમિક ડિસીઝિસ ઍક્ટ, 1897 હેઠળ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયા અનુસાર, આ કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 188 હેઠળ કેસ ચલાવી શકાય છે.

ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 188 જણાવે છે કે કોઈ જાણી જોઈને માણસના જીવન, સ્વાસ્થ્ય અને સલામતીને હાનિ પહોંચાડે તો તેને મહત્તમ છ મહિનાની જેલની સજા અથવા 1,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

જોકે, ભારતમાં સૌથી નાના અને સખત કાયદા પૈકીના આ એક કાયદાના ઉલ્લંઘનના મામલામાં મેંગલુરુની હૉસ્પિટલમાંથી ભાગેલી વ્યક્તિ વિરુદ્ધ અત્યાર સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી.

આનાથી અલગ મહારાષ્ટ્રના પુણેમાં એ જ કાયદા હેઠળ 16 દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

કેરળમાં પણ આ પ્રકારનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. કેરળમાં પણ ઇટાલીથી પાછા ફરતી વખતે કોચી ઍરપૉર્ટ પર તબીબી તપાસમાંથી છટકીને ભાગેલા ત્રણ સભ્યોના એક પરિવાર સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. એ ત્રણેયના વૃદ્ધ માતા-પિતા હાલ કોરોના વાઇરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યાં છે.

પરિવારના પાંચેય સભ્યોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું તબીબી પરિક્ષણમાં જાણવા મળ્યું હતું. એ પછી કેરળમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યાં.

ભારતમાં કેસોની સંખ્યા વધીને 166 પર પહોંચી છે જેમાં 25 વિદેશી 141 ભારતીય નાગરિકો છે.

અત્યાર સુધી ભારતમાં 18 રાજ્યોમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે જેમાં સૌથી વધારે કેસ ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છે.

મહારાષ્ટ્રમાં 3 વિદેશી સમેત કુલ 45 કેસો સામે આવ્યા છે. એ પછી કેરળમાં 27, ઉત્તર પ્રદેશમાં 17, કર્ણાટકમાં 14, હરિયાણામાં 14 વિદેશી નાગરિકો સમેત 17 કેસો સામે આવ્યા છે.

આખી દુનિયામાં બે લાખથી વધારે લોકો સંક્રમિત છે અને અત્યાર સુધી 8,000થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાને પગલે 3 લોકોનાં મૃત્યુ થયાં છે.

કર્ણાટકમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે પાછલા 14 દિવસમાં કોરોના વાયરસથી ગ્રસ્ત દેશોનો પ્રવાસ કરીને પરત આવેલા તમામ લોકો તેમના નજીકના આરોગ્ય કેન્દ્રમાં તેમની સંપૂર્ણ તબીબી તપાસ કરાવે એ જરૂરી છે.

જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે "કોઈ વ્યક્તિને ઉધરસ કે તાવ જેવી બીમારીનાં લક્ષણ જોવા મળે તો પણ તેમણે ઘરના અન્ય સભ્યોથી અલગ રહેવું જોઈએ અને 14 દિવસ સુધી પોતાના મોંને માસ્કથી ઢાંકેલું રાખવું જોઈએ."

રાજ્યની તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણના શંકાસ્પદ મામલાઓની તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

હૉસ્પિટલોને જણાવવામાં આવ્યું છે કે ચેપ લાગ્યાની શંકા જણાય એવી વ્યક્તિના પ્રવાસની તમામ વિગત જાણી લેવી અને કોરોના વાઇરસથી પ્રભાવિત દેશના પ્રવાસેથી પાછા ફર્યા હોય તેની માહિતી સરકારી અધિકારીઓને તત્કાળ આપવી જરૂરી છે.

123 વર્ષ પુરાણા કાયદાથી જંગ

કેરળમાં નીપા અને કોરોના વાઇરસના પ્રકોપના સામના માટે કામ કરી ચૂકેલા આરોગ્ય સલાહકાર ડૉ. રાકેશ પી. એસ.એ કહ્યું હતું કે "કામ કરવા માટે આ કાયદો પૂરતો છે, પણ તેની પોતાની મર્યાદા છે."

2016માં જર્નલ ઓફ મેડિકલ એથિક્સમાં ડૉ. રાકેશનું એક રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં ડૉ. રાકેશે જણાવ્યું હતું કે "એપેડેમિક ડિસીઝિસ ઍક્ટ, 1897ની રચના કરવામાં આવી ત્યારે લોકો મોટાભાગે સમુદ્રમાર્ગે પ્રવાસ કરતા હતા. તેથી કોઈ જહાજ પોતાના બંદર પર ન રોકાય એ સુનિશ્ચિત કરવાનું અધિકારીઓ માટે આસાન હતું, પણ આપણે એવા યુગમાં છીએ, જ્યારે લોકો વિમાન પ્રવાસ કરે છે અને આ સ્થિતિ સાથે કામ પાર પાડવા માટે આપણી પાસે કોઈ માપદંડ નથી."

તેમણે ઉમેર્યું હતું કે "ભારતમાં આ પ્રકારના રોગચાળાને રોકવા માટે સુસંકલિત, વ્યાપક અને સમય પ્રમાણેની કાયદાકીય જોગવાઈની જરૂર છે. એવી જોગવાઈ, જેમાં લોકોના અધિકારોનું ધ્યાન રાખવામાં આવે અને જાહેર આરોગ્યની જાળવણીની વ્યવસ્થા પણ હોય."

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ખરડો-2009 તૈયાર તો કર્યો હતો, પણ તેનું શું થયું એ કોઈ જાણતું નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો