ગુજરાત બજેટ : શિક્ષણના ખર્ચમાં વધારો આવકાર્ય પણ ઝાઝો ફેર નહીં પડે - દૃષ્ટિકોણ

    • લેેખક, પ્રૉ. હેમંતકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

નાયમ મુખ્ય મંત્રી નીતિન પટેલે બુધવારે ગુજરાત સરકારનું બજેટ રજૂ કર્યું. આ બજેટ પરથી કહી શકાય કે ગુજરાત સરકારનું કદ એટલે કે તેના બજેટનું ખર્ચ સતત વધતું જાય છે. ચાલુ વર્ષ ગુજરાત સરકારનું બજેટ 2.03 લાખ કરોડ રૂપિયાનું છે જે 2015-16માં તે રૂ. 1.26 લાખ કરોડનું જ હતું.

આમ, સરકારના કદમાં ચાર વર્ષમાં રૂ 77 હજાર કરોડનો વધારો થયો હતો.

હવે આ વર્ષે સરકારે રૂપિયા 2.17 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. આમ, ફરી સરકારના કદમાં વધારો થયો જ છે.

ચાલુ વર્ષ કરતાં રૂ. 14 હજાર કરોડનો વધારો થયો છે. આમ, બજેટમાં 6.9 ટકાનો વધારો થયો.

જો ફુગાવો 5 ટકાનો પણ ગણવામાં આવે તો બજેટનો વધારો લગભગ સામાન્ય છે, વાસ્તવિક વધારો બહુ જ ઓછો થયો ગણાય.

અગત્યનો મુદ્દો એ છે કે સરકાર ખર્ચ વધારે છે તેમાં ઘણો મોટો ફાળો વેરાની આવકનો પણ છે.

2015-16માં રાજ્ય સરકારની કરવેરાની આવક રૂ. 62,661 કરોડની હતી અને તે ચાલુ વર્ષે રૂ. 99,063 કરોડ થઈ હતી.

આમ, સરકારની કરવેરાની આવક ચાર વર્ષમાં રૂ. 36,402 કરોડ જેટલી વધી છે.

હવે ચાલુ વર્ષે પણ કરવેરાની આવક તેનાથી પણ વધુ અંદાજવામાં આવી છે.

આમ, વેરાની આવક વધતી જાય છે તેમ છતાં સરકારનું દેવું ખૂબ જ વધે છે એ આશ્ચર્યજનક છે.

ઉદ્યોગોમાં મૂડીરોકાણ: સાચું શું?

નાણા પ્રધાને એમ કહ્યું કે, દેશમાં રૂ. 6.79 લાખ કરોડના મૂડીરોકાણ માટેના સમજૂતીકરાર થયા છે અને ગુજરાતમાં રૂ. 3.44 લાખ કરોડના મૂડીરોકાણ માટેના સમજૂતીકરાર (એમઓયુ) થયા છે. એટલે કે ગુજરાતમાં 51 ટકા જેટલા એમઓયુ થયા છે.

તો પ્રશ્ન એ છે કે આ મૂડીરોકાણ ક્યારે થશે? વળી, ગઈ ત્રણ વાયબ્રન્ટ ગુજરાત પરિષદોમાં આશરે રૂ. એક લાખ કરોડના મૂડીરોકાણના એમઓયુ થયા હોવાની વાત કહેવાતી રહી છે પરંતુ તેનું થયું શું તે નાણા પ્રધાને જણાવ્યું નથી. આમાં સાચું શું?

ખરો સવાલ ઉદ્યોગોમાંથી રોજગારી કેટલી મળે છે તે છે. વાયબ્રન્ટ ગુજરાત પરિષદોથી ખરેખર કેટલું રોકાણ થયું અને કેટલી રોજગારી વધી તે તો સુવિદિત છે જ.

એમ લાગે છે કે વાસ્તવમાં નાણા પ્રધાને આપેલો આંકડો વાયબ્રન્ટ ગુજરાતની પરિષદોની નિષ્ફળતા દર્શાવે છે.

ખેતીમાં જોગવાઈ નજીવી

ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા આશરે 52 લાખ છે.

ખેડૂતોને માટે પાક વીમો યોજના સ્વૈચ્છિક કરવામાં આવી છે. ત્યારે જે ખેડૂતો પાક વીમો નહીં લે અને તેમને નુકસાન થશે તો શું?

પાક વીમાની રકમ પણ ખેડૂતોને મળતી નથી ત્યારે સરકાર ખેડૂતોની જવાબદારીમાંથી છટકવા માગે છે.

સજીવ ખેતી માટે ખેડૂત દીઠ રૂ. 10,000ની જે જોગવાઈ કરવામાં આવી છે તે આવકારદાયક છે પણ તે તદ્દન અપૂરતી છે.

ખેડૂતોને વાહન માટેની ખરીદીમાં જે રાહત જાહેર કરાઈ છે તે પણ આવકારદાયક છે.

જો કે, ખેતરમાં જ ગોડાઉન બનાવવા માટે જે યોજના જાહેર કરવામાં આવી છે તે તો સાવ જ નજીવી જોગવાઈ ધરાવે છે.

એક તરફ નાણા પ્રધાને ખેતર દીઠ રૂ. 30,000ની જોગવાઈ કરી છે એમ કહ્યું છે અને માત્ર રૂ. 300 કરોડની જોગવાઈ કરી છે.

તો એનો અર્થ થાય છે કે માત્ર એક લાખ ખેડૂતોને જ એનો લાભ મળે.

દેવામાં ભારે વધારો

ગુજરાત સરકારનું દેવું ચાલુ વર્ષે રૂ. 2.67 લાખ કરોડનું અંદાજવામાં આવ્યું હતું.

આમ, સરકારના બજેટ કરતાં પણ વધારે દેવું છે. અને આગામી વર્ષે તે રૂ. ત્રણ લાખ કરોડ રહેશે એવો અંદાજ ગયા વર્ષે મૂકવામાં આવ્યો હતો.

આમ, સરકાર વધુ ને વધુ દેવાદાર બનતી જાય છે. રાજ્ય સરકાર એવું કયું મહાન ખર્ચ કરે છે કે જેથી તેનું દેવું વધ્યા જ કરે છે તે સમજાતું નથી.

સરકારની કરવેરાની આવક જીએસટી પછી ઘણી વધી છે અને છતાં સરકારનું દેવું વધે છે એ ખરેખર આશ્ચર્યજનક છે.

શિક્ષણ જોગવાઈ વધી પરંતુ...

શિક્ષણ માટેનો ખર્ચ ગયા વર્ષે રૂ. 25,637 કરોડ હતો અને ચાલુ વર્ષ માટે રૂ. 26,518 કરોડ અંદાજવામાં આવ્યો હતો.

આમ, તેમાં માત્ર રૂ. 881 કરોડનો જ વધારો કરવામાં આવ્યો હતો.

હવે નવા વર્ષે તેમાં રૂ. 31,995 કરોડની જોગવાઈ કરાઈ છે.

આ ઘણો સારો વધારો છે. તેમ છતાં, ગુજરાતમાં સરકારી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની જે હાલત છે તે જોતાં શિક્ષણ માટેનો આ ખર્ચ ઘણો ઓછો છે.

તેને પ્રાથમિકતા આપીને ખર્ચ બમણું કરવું જોઈતું હતું. જો દિલ્હી સરકાર બજેટના 20 ટકા કરતાં પણ વધુ ખર્ચ શિક્ષણ માટે કરી શકે તો ગુજરાત સરકાર શા માટે ના કરી શકે?

નવા વર્ષ માટે કરવામાં આવેલી જોગવાઈ કુલ બજેટના 14.75 ટકા થાય છે. આ ખરેખર પ્રશંસનીય છે.

જો કે, આ ખર્ચમાં શિક્ષણ, કળા, રમતગમત અને સંસ્કૃતિ એમ એ ચાર બાબતોનો સમાવેશ થાય છે.

નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાત સરકાર છેલ્લાં આઠેક વર્ષથી રાજ્યની જીડીપીના સંદર્ભમાં શિક્ષણ પાછળનો ખર્ચ ઘટાડી રહી છે કે જે હાલ માત્ર 1.75 ટકાની આસપાસ છે.

2011-12માં તે 1.92 ટકા અને 2014-15માં તે 2.26 ટકા હતું.

કોઠારી પંચે 1960ના દાયકામાં આ ખર્ચ જીડીપીના છ ટકા જેટલું હોવું જોઈએ એવી ભલામણ કરી હતી ત્યારે સરકાર આ ખર્ચનું પ્રમાણ વધારવાને બદલે ઘટાડી રહી છે.

જો કે, અન્ય જોગવાઈઓમાં કરવામાં આવેલો વધારો ખરેખર પ્રશંસનીય છે.

પ્રાથમિક શાળાઓમાં 7,000 નવા વર્ગખંડ બાંધવામાં આવશે તે સારી બાબત છે.

પણ સરકારી શાળાઓમાં નવી શિક્ષણ નીતિ મુજબ તો આશરે 1.5 લાખ સંગીત, વ્યાયામ અને ચિત્ર શિક્ષક અને સામાન્ય શિક્ષકોની ખોટ છે એ એક હકીકત છે.

આ વિષે નાણા પ્રધાને કશું કહ્યું નથી. સરકારી 37,000 શાળાઓમાંથી માત્ર 250 શાળાઓ સ્કૂલ ઓફ ઍક્સિલેન્સ બનાવાશે.

ખરેખર તો બધી શાળાઓ તેવી બનવી જોઈએ. તેને માટે ઘણા વધુ નાણાની જરૂર હતી.

કમ સે કમ બે વર્ષમાં તે બનવી જોઈતી હતી. એણે માટે વધુ નાણાની જોગવાઈ કરવાની આવશ્યકતા હતી.

આરોગ્ય

ચાલુ વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટેનું ખર્ચ રૂ. 10,754 કરોડ અંદાજવામાં આવ્યું હતું.

આ ખર્ચ કુલ બજેટના 5.3 ટકા જેટલું જ થાય છે. ભારત સરકારે 2017માં બહાર પડેલી આરોગ્ય નીતિમાં કુલ બજેટના આઠ ટકા જેટલું ખર્ચ કરવું તેમ જણાવ્યું છે.

પણ ગુજરાત સરકાર પોતે જ તેનો અમલ કરતી નથી. શહેરી આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેવી જે જાહેરાત કરાઈ છે તે આવકારદાયક છે.

પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા કે રેફરલ હોસ્પિટલોની હાલત બહુ જ ખરાબ છે એ હકીકતને ઝાઝી ધ્યાનમાં લેવામાં આવી નથી.

શહેરી હોસ્પિટલો માટે ખર્ચનો વધારો આવકારદાયક છે. જો કે, ગ્રામ વિસ્તારો માટે સામાન્ય ખર્ચ વધારો અયોગ્ય છે.

રાજ્યમાં આરોગ્ય સેવાઓ ખૂબ મોંઘી થયેલી છે અને તે હજુ વધુ મોંઘી થશે જ.

(લેખક અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક છે. લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો