RBI રેપો રેટ નહીં ઘટાડીને નરેન્દ્ર મોદીની સરકારને શું સંકેત આપી રહી છે?

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સતત ઘટતો જતો જીડીપી વૃદ્ધિદર અને ઉત્પાદન ક્ષેત્રે હજુ પણ આત્મવિશ્વાસ ન આપે એવી જરાક અમથી રિકવરી તેમજ શિયાળાની કડકડતી ઠંડીમાં ઠરી ગયેલી માગ કારણે બજારમાં નરમાશ છે.

આ બધા વચ્ચે અપેક્ષા એવી હતી કે 5મી ડિસેમ્બરે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વળી પાછી એક વાર રેપો રેટ ઘટાડશે. જોકે એવું ન થયું અને રેપો રેટને જાળવી રાખ્યો અને એમાં કોઈ સુધારો ન કર્યો.

જો ચાલુ વરસે આ છઠ્ઠી વાર રેપો રેટ 25 બેઝિસ પૉઇન્ટ ઘટાડ્યો હોત તો ફુગાવાના દર કરતાં વ્યાજના દર નીચા રહ્યા હોત, પણ આવું થયું નથી.

રિઝર્વ બૅન્કે આ વખતે લોકરંજક જાહેરાત કરવાથી દૂર રહીને રેપો રેટ યથાવત્ એટલે કે 5.15 ટકા જ રાખ્યો છે.

આના કારણે શૅરબજાર અને બૅન્કો પાસેથી લોન લેનારાઓ ચોક્કસ નિરાશ થશે પણ આ 25 બેઝિસ પૉઇન્ટ ઘટાડીને રેપો રેટ 4.9 ટકા થાય અને એ રીતે છેલ્લાં દસ વર્ષમાં નીચામાં નીચા સ્તરે જાય તેવી જે ધારણા હતી એને રિઝર્વ બૅન્કે ખોટી પાડી છે.

શૅરબજારને લાગેવળગે છે ત્યાં સુધી દલાલ સ્ટ્રિટને એવી અપેક્ષા હતી કે 25 બેઝિસ પૉઇન્ટ જેટલો રેપો રેટ આજે જાહેર થશે.

પરંતુ તેમ ન થતાં હાલ પૂરતી બજારમાં નિરાશા છે. આ રેટ કટ થાય તો કોને કોને અસર પડે એ પણ સમજવું જોઈએ.

રેપો રેટ કટનો કોને ફાયદો

રેપો રેટ ઘટવાથી જે કંપનીઓ ઉપર દેવું હોય તેનો વ્યાજનો દર ઘટે એટલે ફાયદો થાય.

બૅન્કો અને નોન બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ માટે રેપો રેટમાં ઘટાડો એમનાં ફંડ (નાણાં સાધનો)ની કિંમત નીચી લાવે.

રિયલ એસ્ટેટ સેક્ટરને વ્યાજદર ઘટે એટલે ઈએમઆઈ ઘટવાને કારણે ફાયદો થાય. આમ જુદાજુદા હિતધારકોને જુદાંજુંદા કારણોથી ફાયદો થાય.

ભલે વરસના અંતે અપેક્ષા મુજબનો રેપો રેટમાં ઘટાડો ન થયો હોય પણ એક વાત ધ્યાને રાખવા જેવી છે કે અત્યારે ફુગાવાનો દર 5 ટકા ઉપર છે એ સંજોગોમાં વ્યાજના દર ફુગાવાના દર કરતાં નીચે લઈ જવા તે ડહાપણભર્યું પગલું નથી.

પણ 2020ના વર્ષમાં જો ફુગાવામાં ઘટાડો નોંધાય તો વળી પાછો 100 પૉઈન્ટ જેટલો રેપો રેટ ક્રમશ: ઘટે તેવી અપેક્ષા રાખી શકાય.

ટૂંકમાં 2020ના કેલેન્ડર વર્ષના અંત સુધીમાં વ્યાજદરો વધે એવી શક્યતા અત્યારે દેખાતી નથી.

આજની રિઝર્વ બૅન્કની બીજી જાહેરાતો પણ અર્થવ્યવસ્થા માટે સુધારા તરફી જઈ રહી હોય એવા સંકેત આપતી નથી.

વિકાસની ગતિ નીચી રહેવા છતાં પણ આરબીઆઈએ કહ્યું છે કે ફુગાવાનો દર ધાર્યા કરતાં વધુ રહેશે.

રિઝર્વ બૅન્કની ધારણા મુજબ ફુગાવાનો દર 5.1 ટકાથી 4.7 ટકાની વચ્ચે રહેવો જોઈએ.

મહદંશે આ ફુગાવો ખાધા-ખોરાકી અને તેમાંય ફળો અને શાકભાજીના ભાવોમાં મોટો વધારો થવાને કારણે છે એવું કહીને સંતોષ લઈ શકાય પણ છેવટે રોટી, કપડા ઔર મકાન આ ત્રણમાંથી રોટી મોંઘી થાય તો માણસની પાયાની જરૂરિયાતોમાંની એક ચીજ મોંઘી થાય છે એ વાત સ્વીકારવી પડે.

આને કારણે રોજનું રળીને રોજ ખાનાર ગરીબ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ તેમજ મધ્યમ વર્ગને ખાધા-ખોરાકીની ચીજવસ્તુઓનો ભાવવધારો ડંખ મારે એમાં કોઈ શંકા નથી.

આનું આદર્શ ઉદાહરણ આકાશને આંબતા ડુંગળીના ભાવ છે.

લીલાં શાકભાજીના ભાવો પણ ભડકે બળે છે ત્યારે ફુગાવો મધ્યમ વર્ગને તેમજ ઓછી આવક ધરાવતા વર્ગને કેટલી પીડા કરે એ વાત સમજવી જોઈએ. આવું થાય ત્યારે સામાન્ય જનતા સ્વાભાવિક રીતે જ રોષે ભરાય.

આમ એક બાજુ બેરોજગારી અને બીજી બાજુ મોંઘવારીને કારણે આજે પ્રજામાં મોટા પાયે અસંતોષ ઊભો થયો છે એ વાત સ્વીકારવી રહી.

એની સાથે રિઝર્વ બૅન્કની મર્યાદા પણ સ્વીકારવી રહી. 2019ના એક જ કેલેન્ડર વરસમાં તેણે રેપો રેટમાં 135 બેઝિસ પૉઇન્ટ જેટલો ઘટાડો કર્યો છે.

આ સામે એક મોટી ફરિયાદ એ છે કે રિઝર્વ બૅન્ક દ્વારા કરવામાં આવેલ આ ઘટાડાનો લાભ નાણાં ધિરાણ મેળવનારાઓને હજુ પણ મળ્યો નથી.

રિઝર્વ બૅન્કની મોનિટરી પૉલિસી કમિટીએ આજે રેપો રેટ નહીં ઘટાડીને પોતાની મર્યાદાનો સ્પષ્ટ સ્વીકાર કર્યો છે અને હવે અર્થવ્યવસ્થાને થાળે પાડવા માટે જે કંઈ કરવાનું હોય તે કેન્દ્ર સરકારે જ કરવાનું છે એવું સ્પષ્ટ સિગ્નલ આપ્યું છે.

રિઝર્વ બૅન્કનું એવું કહેવું છે કે હવે નવાં રોકાણોના માર્ગમાં શું અવરોધો છે જેને કારણે રોકાણ આવતું નથી તે વિષે અભ્યાસ કરી, તેનું નાણાકીય નીતિમાં પરિવર્તન કરવું જોઈએ.

હવે કેન્દ્ર સરકારના 2020-21ના વર્ષ માટેના અંદાજપત્રમાં આ દિશામાં ભારત સરકારની નીતિઓ અને અર્થવ્યવસ્થાને ધમધમતી કરવા માટે લેવાનાર પગલાંનો ઉલ્લેખ જોવા મળશે.

એની સાથે અત્યાર સુધી જે નીતિઓ જાહેર કરી છે તેની અસરો વિષે પણ જાણવા મળી શકે છે.

આમ રિઝર્વ બૅન્કે એક જ એક રીતે કહીએ તો મોનિટરી પૉલિસીને લઈને એક સેન્ટ્રલ બૅન્કર તરીકે પોતે જે કરવાનું હતું તે કર્યું છે અને હવે બાકી રહેતું કામ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે નીતિવિષયક નિર્ણયો કરીને કરવાનું છે એવી સ્પષ્ટ વાત કરી છે.

એક વધુ ચિંતાજનક બાબત એ પણ છે કે રિઝર્વ બૅન્કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એના જીડીપી અંદાજને 90 બેઝિસ પૉઇન્ટ ઘટાડીને જીડીપી વૃદ્ધિદર 5 ટકા જ રહેશે એવો નિદેશ કર્યો છે.

જો આમ થાય તો આપણે ઘણા બધા મુદ્દે ચિંતા કરવાની થાય. આમાં સૌથી મહત્ત્વનો મુદ્દો કેન્દ્ર સરકાર દ્વારા અપેક્ષિત કરવેરાની આવકનો છે.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી જતી અર્થવ્યવસ્થા છે એ વાતનો ચાલુ નાણાકીય વર્ષમાં છેદ ઊડી ગયો છે.

આપણા પડોશી દેશોનો વૃદ્ધિદર આપણા કરતા વધારે છે જેમાં બાંગ્લાદેશ 8.2 ટકા, પાકિસ્તાન 5.1 ટકા છે. રિઝર્વ બૅન્કના અંદાજ મુજબ ભારતનો વૃદ્ધિદર 5 ટકા રહેવાની શક્યતા છે.

આને કારણે કરવેરાની આવક જ ઓછી થાય એવું નહીં પણ માગ ને અભાવે ઉત્પાદન ઘટાડવું પડે અને તેને કારણે રોજગારીની તકો પણ ઓછી થાય.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ 2016-2018 વચ્ચે 50 લાખ જેટલી નોકરીઓ ગુમાવી છે.

જીડીપીના વૃદ્ધિદરમાં ઘટાડો સરકાર માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ, કારણ કે જો કેન્દ્ર સરકારની કરવેરાની આવક ઘટે તો સરવાળે નિર્મલા સિતારમણે એમનાં 2019-20 માટેના અંદાજપત્રમાં જે ધારણા મૂકી છે તે ફિસ્કલ ડેફિસિટ 3.3 ટકા કરતાં ઘણી વધી જાય.

આમ રિઝર્વ બેન્ક દ્વારા જીડીપી વૃદ્ધિદરનો આજે જાહેરાતમાં ઘટાડાયેલ આંક આવનાર સમયમાં ભારતીય અર્થતંત્ર સામે એક મોટો પડકાર ઊભો છે એ વાતને અનુમોદન આપે છે.

નાણાકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ વધતી જતી નાણાકીય ખાધને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકાર જો પોતાના ખર્ચ ઉપર કાબૂ મૂકશે તો એની સીધી અસર માગ અને મંદીના માહોલ ઉપર થશે.

આમ ન કરીને કેન્દ્ર સરકાર વધુ નોટો છાપી આ ખાધ પૂરવાનો પ્રયત્ન કરશે તો એના કારણે ફુગાવોની પરિસ્થિતિ વધુ વણસે છે.

આમ આજની જાહેરાત ફિસકલ પૉલિસી થકી ભારતીય અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડૉઝ આપવાની રિઝર્વ બૅન્કની શક્તિ પૂરી થઈ ગઈ છે તેનો નિર્દેશ કરે છે અને સાથોસાથ બૉલ હવે કેન્દ્ર સરકારના પડમાં છે એ વાતની પણ આડકતરી રીતે પુષ્ટિ કરે છે.

ઘટાડેલો જીડીપી વૃદ્ધિદરનો અંદાજ દેશના અર્થતંત્ર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે એનો સ્પષ્ટ સ્વીકાર છે.

અરવિંદ સુબ્રમણ્યમ તો આ આંકડાને પણ પડકારીને જીડીપી વૃદ્ધિદર આથી પણ નીચો છે એવું કહે છે.

તે જોતાં આજની રિઝર્વ બૅન્કની જાહેરાત બાદ આજથી લઈને બજેટ જાહેર થાય ત્યાં સુધી નાણામંત્રાલયે મધરાતે દીવડા બાળી, કશ્મકશ કરી, આ દેશની અર્થવ્યવસ્થાને ઉપર લાવવા માટેની નીતિઓનું સર્જન કરવાનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો